કલાપીનો કેકારવ/શંકાશીલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જેને વીતી ગઈ કલાપીનો કેકારવ
શંકાશીલ
કલાપી
એક આશા →


શંકાશીલ

ચીરો પડ્યો હૃદયની મુજ આરસીમાં,
જેમાં સખીવદનનું પ્રતિબિમ્બ ઠેર્યું;
રે ! એ છબી ય વિરહે કટકા બની બે
બે ભાગમાં ત્રુટિત ચમ્પકની કલી શી !

શું સત્ય એ પ્રણયદર્શન સ્વપ્નનું, કે
આ આરસી તૂટી ગયેલ તૂટ્યું જ દેખે ?
ચીરાય છે હૃદય એ સખીનું અધિકું,
કે ફાટ આ જિગરની અધિકી બને છે ?

અન્ધાર છે વિકટ: જ્ઞાન રહ્યું નથી કૈં,
જે પ્રેમથી ઉદય પ્રેમથી અસ્ત પામ્યું !
જેવી ઉઠે વીજળી વાદળી સાથ કિન્તુ
એ મેઘનો જ અતિયોગ થતાં છુપાતી !

છાતી તણું શયન પાથરતો હતો, ને
જે કાજ અંગ મુજનું કરતો અશીશું,
તે એ ન આજ મુજ સાદ સુણી ઉઠે આ,
કે નાદનું ગગન વાહક ના બને છે ?

ઉન્માદથી નયન અન્ધ નથી થયાં આ,
ફાટી પડ્યા ન હૃદયે અથવા વિકારો;
છે દર્દ તો સમય કૈં નહિ શૂન્યતાનો,
ત્હોયે વિચાર ગતિ કેમ કરી શકે ના ?

છે લોભ કીર્તિ, સુખ વા યશનો ન કાંઈ,
છે લેશ એ વિષયની રજ ના અરીસે;
છે કાંઈ કોઈ મુખનું, પણ તે ન હાવાં,
છે લોભ તો દઈ ચૂક્યો સઘળી સલામી.

રે ક્રોધ ! એ ઝનૂન રાક્ષસનું બિચારૂં :
ક્યારે હતું ? ક્યમ ગયું ? નવ તે ય જાણું !
પ્હેલી ટકોર ઉરમાં અડતાં ખર્યું એ,
ધારા પડી જલ તણી જ્યમ ચૂર્ણ થાય !

કંગાલને ન મદ તો ઘટતો કશો એ,
ભિખારીને કદિ ય સમ્ભવતોય ના ના;
એનાં સદા સહુ તીર બની જ બૂઠાં
આ આરસી ઉપર કાર કરી શક્યાં ના.

હા કામ ! એ કુસુમતીર સ્મૃતિ મહીં છે,
એના ગુલાબમય કંટક્ના વ્રણો આ;
હા દેવ કામ ! મૃદુ યૌવનની પતાકા,
તે કૈં હશે, નવ હશે, ઉરફાટ માંહીં.

એ લાગણી ઉપર ર્‌હેમ જરા ઘટે છે,
જે છાયમાં વિષય અન્ય ઉડી જતા સૌ;
જે એક પ્યારશરણે જ સદૈવ ખેલે
સ્વાભાવિકી શી ઉપભોગની યોગ્યતા ત્યાં !

એ કામનીય પણ ભસ્મ તણી ય મૂર્તિ
ના છે રહી હૃદયમાં રતિ કાજ હાવાં;
એ દંશનું વિષ બધું ઉતર્યું દિસે છે,
ઘેરાય આ નયન તો પણ કેમ આવાં !

સૌન્દર્યપૂજન ઉરે અધિકાર પામ્યું -
તે ભાવ દૃષ્ટિ પણ છેક સરી પડે છે !
છે કાલની કરવતી સઘળે ઘસાઈ,
તૂટી ગયેલ પણ નિર્મલ આરસી આ.

માશૂકની પ્રતિકૃતિ પણ કેમ આવી ?
જેવી દિસે કૂદી રહેલ ઝરે તૂટેલી !
શું ઝાંઝવાં જલ અને જલ ઝાંઝવાં છે
કે આ તુરંગ તરસ્યું તરફડે બિચારૂં ?

કે 'સ્વચ્છતા તણી કણી પણ સ્વચ્છ જોતી',
એ વેણ શું પ્રભુ તણું લલચાવવાને ?!
કે આરસી ઉપર અશ્રુ હજી પડ્યાં તે
લૂછી સુકી કરી ભુકી કરવી પડે શું ?

કે સત્ત્વ માનવી તણું વિષયો જ સર્વે,
જે તોડતાં સહુ ય જીવન સાથ તૂટે ?

કે શું અપકવ ફલ મેં ઉચકી લીધું છે -
જેથી ન બીજ બન્યું છાલ થકી નિરાળું ?

કે શું અનન્ત યુગની મુજ આરસી આ
જાણી શકી ન હજુ વિશ્વ તણી ગતિ કૈં ?
હું આ અહીં પવનવેગ વતી ઉડું તે
છે પાત કે પ્રિય ભણી ચડવું હશે આ !

મ્હારૂં હજુ રણ વધુ વધુ શુષ્ક થાતું,
જાણે ફરી જીવિત પત્થરમાં વહે આ !
છે વિશ્વમાં સહુય એક ભણી ગતિમાં,
તો મોક્ષ, જ્ઞાન, સહુ પત્થરમૂર્તિઓ શું !

માશૂક ધૂળ ! પછી આશક ધૂળ પહેલો !
શું પ્રેમપક્ષી બસ એક જ પાંખવાળું ?
શું ધૂળ ધૂળ મહીં ધૂળ થકી ઉડે આ ?
શું સ્વાર્પણો, પ્રણય, ધૂળ તણાં જ નામો ?

મ્હારી સખી હજુય અક્ષર ઉચ્ચરે ના !
શંકા તણી કસૂર માફ કરી શકે ના !
હાવાં ન સાદ પણ કંઠથી નીકળે આ !
એ ક્યાં હશે સમય માશૂક જ્યાં પુકારે !

ગ્રીષ્મે મયૂર ટહુક્યે નવ મેઘ આવે !
માશૂકને નહિ જ આશકનું કશું એ !
ચીરાય છે હૃદય એ સખીનું અધિકું;
કે ફાટ આ જિગરની અધિકી બને છે ?

૩-૬-૯૮