કલાપી/કલાપીનું વ્યક્તિત્વ
← કલાપીની કેકા | કલાપી કલાપીનું વ્યક્તિત્વ નવલરામ ત્રિવેદી |
ઈશ્વરનું સ્વરૂપ સમજવામાં જેમ 'અંધહસ્તીનો ન્યાય' પ્રવર્તે છે તેમ જ મહાન વિભૂતિઓને સમજવામાં પણ બને છે. પહેલ પાડેલા હીરાની જેમ આ માનવરત્નોને પણ અનેક દૃષ્ટિબિંદુઓમાંથી અવલોકીએ તો જ તેમનું સાચું મૂલ્યાંકન કરી શકાય.
કલાપી સ્નેહી કવિ હતા એમ ગયા પ્રકરણમાં કહી ગયા. સ્વજન તરીકે તેમણે પોતાનો સ્નેહ પોતાની પત્નીઓને, ભાઈને અને સંતાનોને આપ્યો. નાનાભાઈ વજુભા–કુમારશ્રી વિજયસિંહજી – ઉપરના પત્રોમાં બંધુસ્નેહનું દર્શન થાય છે. સંતાનના અભ્યાસ અને વિવાહનો પ્રશ્ન તેમની વૈરાગ્યની ભાવનાને પણ અમલમાં મૂકતાં વિલંબ કરાવે છે. પત્નીઓને ન્યાય આપવા તેમનો સતત પ્રયાસ હતો. રમા પ્રત્યેના પ્રેમ વિશે પાછળ વિસ્તારથી આવી ગયું. પછીથી તે ફરજનો પ્રેમ બન્યો ત્યારે શોભના પ્રત્યે પ્રેમની ફરજ અનિવાર્ય બની. અને એક જવાબદાર પતિ પ્રણયવીરની ભાવના વચ્ચે સમન્વય સાધવા તેમણે ભગીરથ પ્રયાસ કર્યો.
મિત્ર તરીકે તેમણે અનેકને અમૃત પાયાં. મણિભાઈ તરફ તેમના જીવનપર્યંત ગુરૂભક્તિનો અખંડ સ્રોત વહેવડાવ્યો અને પ્રજા તરફના વાત્સલ્યભાવથી પ્રેરાઈને સ્વભાવ વિરુદ્ધ પણ, મરણુપર્યત રાજ્યની જવાબદારી ઉઠાવી.
આવી કૌટુંબિક, રાજકીય અને મિત્ર તરીકેની ફરજોની વચ્ચે સતત રોકાયેલા રહીને પણ તેમણે અખંડ સાહિત્યોપાસના કરી. તેમણે ઘણું વાંચ્યું હતું અને લખ્યું પણ ઓછું નથી. કવિતા, નવલકથા, સંવાદ, પ્રવાસવર્ણન, પત્રલેખન અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપમાં તેમણે સફળતાપૂર્વક સતત લેખની ચલાવી હતી.
કવિ, લેખક, વીરપ્રણયી, ઉદાર મિત્ર, દયાળુ રાજ્યકર્તા અને વિશાળ દૃષ્ટિના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના સતત અભ્યાસી ઉપરાન્ત કલાપી સાહસિક, સૌંદર્ય પરીક્ષક અને વિચારશીલ પ્રવાસી હતા.પણ સૌથી વધારે યાદ રાખવા લાયક એ છે કે કલાપી એક જીવંત વ્યક્તિ હતા અને સનમના સાચા શોધક હતા.
કલાપીનું વ્યક્તિત્વ તેમના પત્રોમાંથી ખાસ જાણી શકાય છે; છતાં કલાપીના હૃદયનું વર્ણન તો તેમણે પોતે જ માત્ર બે પંક્તિમાં બરાબર આપી દીધું છેઃ
હતું તેનું હૈયું કુસુમ સરખું કામળ અને,
હતો તેમાં દૈવી પ્રયણરસ મીઠો ટપકતો.
હૃદય આવું કોમળ હોવા છતાં કલાપી જાતે, અત્યારના કોઈ શહેરી યુવક કવિ જેવા, કોમળ ન હતા. તે કદાવર અને બલવાન કાયાવાળા ક્ષત્રિય હતા, અને ગીરના સિંહની ભેટ લેવા માટે છેક તુલસીશ્યામ જતાં એક વખત જંગલમાં સંગાથ છોડી દઈને, એકલા નીકળી પડ્યા હતા.[૧] 'પેપર ચેઝ'ની રમતમાં ૨૪ માઈલ દોડીને ૨૦ મિનિટ અગાઉથી મોકલેલા જમાદાર અને બે સવારને પકડ્યા હતા. [૨]દોડવાની કસરત તે નિયમિત રીતે કરતા, અને તેમના નાના ભાઈ વિજયસિંહજીને પણ આ કસરત કરવાની સલાહ એક પત્રમાં આપી છે. ઘોડેસવારીનો તેમને ઘણો શોખ હતો અને ૨૪ માઈલ દોડ્યા પછી ત્રીસ માઈલની ઘોડેસવારી કરવામાં તેમને આનંદ આવતો.
બહારની રમતમાં ટેનિસ અને ઘરની રમતમાં શેતરંજ તેમને બહુ પ્રિય હતી. તે સ્વભાવથી જ વૈરાગ્યવૃત્તિવાળા હતા, છતાં સંસારના આનંદો રસથી માણતા. મુંબઈમાં નાટકો જોઈ 'ગુજરાતી' અને 'મોરબી' નાટક મંડળીઓની સરખામણી કરતા. સંગીત પૂરા શોખથી સાંભળતા અને સિતાર તથા બીન વગાડતા.
જન્મથી રાજા અને સ્વભાવથી 'રાજા માણસ' હતા એટલે ખાવા ખવડાવવામાં પણ કેમ મોજ ન માને ? રમાએ પોતાના વિયોગમાં મદિરાપાન બંધ કરેલું તેમને સગાંઓ અને સખીઓનો આગ્રહ હોય તો શા માટે એમ ન કરવું, એમ સલાહ આપે છે. અને પોતાને માટે મણિભાઈને પૂછે છે કે 'મદિરાપાન મેસ્મેરિઝમ વખતે નહિ પણ પછીથી કરવામાં કાંઈ અડચણ છે? કેમકે તે શરૂ થયું છે, અને આવતી હુતાશણીએ તેને છેલ્લી સલામ કરવી છે.' આર્યાવર્તના પ્રવાસ દરમ્યાન માંસાહાર અને મદિરાપાનનો ત્યાગ કર્યો હતો, અને વચ્ચે પણ ત્યાગ કર્યો હશે એમ લાગે છે. અને અહીં તો વળી છેલ્લી સલામની વાત લખી છે. કલાપી ભોગની વચ્ચે પણ કેવી સતત ત્યાગની ઝંખના સેવતા હતા તે આ ઉપરથી જોઈ શકાય છે. તે જ પ્રમાણે, આ પરથી, મણિભાઈની માફક તેમના આ શિષ્ય પણ મેસ્મેરિઝમ–પ્રાણવિનિમયના નાદે પણ ચઢ્યા હશે એમ લાગે છે.
મણિભાઈ ગટૂલાલજી પાસેથી શીખેલા તે પાક બનાવીને મોકલતા ને કલાપીને તે બહુ સરસ લાગતો. વળી દરબારશ્રી વાજસુરવાળાને, પૂર્ણચંદ્રોદય તો નહિ પણ, મધ્યમ વર્ગનો ચંદ્રોદય તેના અનુપાન સાથે મોકલવાનું લખે છે, જેથી જિંદગીમાં એવા પદાર્થને ઉપયોગ પણ એક વખત કરાય.[૩] [૪]
બીડી તો સુરસિંહજીને અતિશય પ્રિય હતી, અને તે માટે 'બીડી અને બીડી પીનારો' નામનું કાવ્ય પણ તેમણે લખી નાખ્યું છે.
કોઈ પણ સાચો મહાપુરુષ હાસ્યરસથી વંચિત હોતો નથી, તે પ્રમાણે કલાપીમાં પણ આ રસ સારા પ્રમાણમાં હતો. તેમના પત્રમાં તેનાં અનેક દૃષ્ટાંતો મળે છે. આનંદરાય દવેને તેઓ ઘી પીવાની સલાહ આપે છે. ઉપર ઘીના લાડુ ચઢાવીને ખૂબ ઊંઘ્વું, અને નહિ તો ઇચ્છા હોય તો લાઠીની પાડોશમાં જ આવેલ બગસરાનો ચોફાળ મોકલી આપવા પણ તેઓ તૈયાર હતા. [૫]
સરદારસિંહજીએ કાંઇ મંગાવવાનું લખ્યું હશે તેના જવાબમાં કલાપીએ ભમરડો લેતા આવવા કહ્યું અને તે નહિ તો પછી તેમના પ્રોફેસરના છોકરાંને આપતા હતા તેવું દીવાસળીનું બાકસ પણ ચાલશે. [૬]અને, આ ઊંડી ચિંતા અને ગંભીર ચિંતનમાં મગ્ન રહેનાર રાજવી કવિ કોઇ વાર રમૂજમાં આવી જઈ આવાં વિનોદી જોડકણાં પણ જોડતાઃ
ભોજન આજ જમ્યા જે અમો, [૭] તેનું વર્ણન સુણજો તમો;
બાબાં બ્હેને કીધું શાક, શું સુંદર છે તેનો સ્વાદ !
સાકરની રોટી જે સાર, તેમાં તસ્દી લીધી અપાર;
માજીએ પ્રેમે પીરસ્યું. તેથી સ્વાદ વિશેષે ગણું,
મોકલશે હવે ચંદન પ્રાણ, તેનાં શું હું કરૂં વખાણ !
ચોપડજે પ્હેલાં તે તું, શેષ રહેલ લગાડીશ હું.
વિજયાનું પછી થાશે પાન, પ્રિય દર્શનનું મળશે ભાન;
સાંજે દેવી દર્શન થાય, દૂર દુઃખ વિપત્તિ જાય.
[૮]કલાપી એટલા બધા પ્રેમાળ હતા કે કોઈને વઢવું પડે તો સામા માણસને દુઃખ થાય તેના કરતાં તેમને પોતાને જ વધારે દુઃખ થતું હતું, અને તેથી જેને વઢવું પડ્યું હોય તેના કરતાં તેમને પોતાને જ વધારે શિક્ષા થતી હતી. તેથી તે જે કાંઈ કહેવું હોય તે લખીને જ આપતા. [૯] અને ન છૂટકે જ મોંની વાત રાખતા. તેમણે પોતાને માટે સિદ્ધાંત રાખ્યો હતો કે 'કાન આંખ ઉઘાડા અને મ્હોં બંધ.' પછીથી કેટલાક અનુભવોને પરિણામે તેમને આ સિદ્ધાન્તમાં ફેરફાર કરવાની જરૂર લાગી હતી, અને કોઈને ગુલાબના ફૂલથી પણ ન મારનાર કલાપી લાકડીનો ઉપયોગ કરવાના વિચાર ઉપર આવ્યા હતા. એ બુદ્ધાવતાર પછી કલ્કી અવતાર ધારણ કરવાનું કામ તેમને વિચારમાં મુશ્કેલ લાગતું ન હતું, પણ આ પ્રમાણે તે કરી શક્યા ન હતા. છેવટે તેમને લાગ્યું કે પોતે ભવ્ય સ્વપ્નાં જોનાર જ હતા.
પણ કલાપીના પોતાના એકરાર ઉપરથી જ કોઈ એ તેમનું ઓછું મૂલ્યાંકન કરવું જોઈએ નહિ. દરેક મહાપુરુષમાં પોતાની ભૂલ જોવાની દૃષ્ટિ અને તે પ્રકટ કરવાની હિમ્મત હોય છે, પણ તેથી જેમનામાં આવી દૃષ્ટિ કે હિમ્મત નથી એવા સામાન્ય મનુષ્યો કરતાં તે ઊતરતા બની જતા નથી.
માત્ર છવીસ વર્ષની વયમાં કલાપી ભરપૂર જીવન જીવી ગયા, છતાં તેમનું હૃદય તો હમેશાં વૈરાગ્ય તરફ જ ખેંચાયા કરતું હતું. ૧૮ વર્ષની યુવાન વયના આ રાજવી કવિનું પ્રથમ કાવ્ય 'ફકીરી હાલ' વિશે હતું. અને છેલ્લું કાવ્ય હતું 'આપની યાદી'. વૈરાગ્ય દિશા તરફ સ્વાભાવિક અભિરુચિવાળા આ મુમુક્ષની દૃષ્ટિ આઠ વર્ષમાં જ એવી દિવ્યતાને પામે છે કે તેમની નજર જ્યાં જ્યાં ઠરે છે ત્યાં ત્યાં તેમને પ્રેમસ્વરૂપ પરમાત્માનાં દર્શન થાય છે.
કવિ નાનાલાલે લખ્યું છે : 'ગુર્જર સાહિત્યરસની વાટિકામાં એમની (કલાપીની) યે રસ દેરી છે, અને એ દેરીમાંના એ દેવ અને એ દેવની દેરી ઉભય પોતાનાં તેજોબળ ને પ્રતાપ પ્રતિભાથી સુપ્રખ્યાત છે. એ ખરી વાત છે, પણ સાહિત્યવાટિકામાં અનેક દેવ અને દેરીઓ છેલ્લાં ચાલીસ વર્ષમાં દેખાયાં છે અને અદૃશ્ય થયાં છે; પરંતુ સુરતાની વાડીના આ મીઠા મોરલાને એવો કાંઈ જ ભય નથી. કારણ તેમનું સાચું મંદિર જમાના-જમાનાના ગુજરાતી યુવક યુવતીઓનું હૃદય છે. જયાંસુધી યુવાનો છે અને પ્રેમ છે, ત્યાંસુધી 'સ્નેહસાગરમાં પ્રપાત પામેલો સુરસિંહ' અમર છે.
તેમનો કવિ આત્મા અમર છે અને આ લોકમાં અમર આત્મા મૂકી જનાર આ સ્નેહી કવિને રસાત્મા, તેણે ગાયું છે તે પ્રમાણે, દિવ્યધામમાં પણ પ્રણયના તાજથી વિભૂષિત બની વિલસતો હશે.
છે ખાક ચોળી છાપ મારી ઈશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બેહિશ્તે રોકનારૂં કોણ છે ?
જો કો હમોને વારશે, કોઈ હમોને પૂછશે,
તો ઈશ્કની ફૂંકે હમારા લાખ કિલ્લા તૂટશે. [૧૦]
અથવા, મસ્તકવિએ ગાયું છે તેમ, આપણી આસપાસ જ આ કુદરતના બાંધવ કવિનાં દર્શન આપણને નિરંતર નથી થતાં ?
વિશાળ ઉર તાહરૂં આ વ્યોમમાં વહે;
મુખ પ્રસન્નતા ભર્યું દિગંતમાં વહે.
ચંદન વિટપમાં વહે આમોદ અંગનો,
કલ્પવૃક્ષ માહિ તારી સાધુતા વહે.
ગંભીર ઉદધિને સ્વરે ગંભીર તું–ધ્વનિ
તારી મોજ લહરી એની લહરીએ વહે.
પુનમચંદ્ર માંહિ તારા ભાલનું અમી,
ત્રિવિધ તાપને હમેશ ઠારતું વહે.
તારે દૃષ્ટિપાત જોઉં વીજળી મંહી,
પાપ અભ્રમાળ અસીવીજ તું વહે.
વહે છે તારો સ્નેહ અવિચ્છિન્ન ઝરણમાં,
સુર સરિતમાં પૂનિત સત્ત્વ તુજ વહે.
સરોજ માંહિ ઉઘડે મૃદુ તારી આંખડી,
ગુંજારવ તારો ભૃંગ ગાનમાં વહે.
લીલમનો જામો જડેલ તૃણ રાજી આ,
મયૂરપીચ્છે મુગટકળા કેકી જો ! વહે
શું કથું ? જ્યાં જ્યાં મૂકું છું નેત્ર માહરાં
તુજ સ્વરૂપ ત્યાં ત્રિભુ ઉદય થઈ વહે [૧૧]
( કાળા અક્ષરમાં છાપેલાં પુસ્તકો અત્યારે મળે છે. )
|
|
- ↑ ૧ કલાપી પરિચય, ભાનુશંકર ઓઝા (કલાપી સ્મારક અંક: કૌમુદી)
- ↑ ૨ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૫૦-૩ એજન પૃ.૪૭૨.
- ↑ ૧ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૬૮
- ↑ ૨ એજન, પૃ. ૨૦૦
- ↑ ૧ 'શ્રી કલાપીની પત્રધારા' પૃ. ૩૮૫
- ↑ ૨ એજન, પૃ. ૩૧૪
- ↑ ૩ રાજબા સાહેબ (રમા)ને પત્રઃ 'શ્રી. કલાપીની પત્રધારા'
- ↑ ૪. 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૩૧૮
- ↑ ૫. એજન, પૃ. ૨૪૩
- ↑ ૧ ઈશ્કનો બન્દો કેકારવ
- ↑ ૨ કલાપીનો વિરહ