કલાપી/કલાપીની કેકા
← 'કલાપી'નું સ્નેહીમંડળ | કલાપી કલાપીની કેકા નવલરામ ત્રિવેદી |
કલાપીનું વ્યક્તિત્વ → |
૧૮૯ર ના ઑક્ટોબરની ૧૫મી તારીખે 'ફકીરી હાલ' નામની ગઝલ કલાપીએ લખી, જે તે જ વર્ષના 'સુદર્શન'ના નવેમ્બરના અંકમાં છપાઈ છે. ગુજરાતના રંક સાહિત્યોદ્યાનમાં સુરતાની વાડીના મીઠા મોરલાની આ કેકા આઠ વર્ષ સુધી ધીરી ધીરી સંભળાતી હતી અને મોટે ભાગે મિત્રોનું જ ધ્યાન ખેંચતી હતી, તે તેમના સ્વર્ગારોહણ પછી તો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી વળી છે.
પણું આ ગઝલ કલાપીનો પ્રથમ લેખ ન હતો. તેમનો પ્રથમ લેખ તો ૧૮૯૨ના જૂન માસની બાવીસમી તારીખે લખેલો 'કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' નામે પત્રના રૂપમાં લખાયેલ પ્રવાસવર્ણન છે.
શ્રી જગન્નાથપુરીથી આ પત્ર કલાપીએ પ્રિય માસ્તર સાહેબ જોશીજીને લખ્યો હતો. શ્રી. એન. બી. જોશીને પોતાના રાજવી શિષ્યનું આ લખાણ એટલું બધું ગમી ગયું કે તેમણે તે તુરત જ છપાવી દીધું. કલાપીએ પછી મણિલાલ નભુભાઈની મદદથી તેમાં સુધારા વધારા કર્યાં હતા.
નવા ગદ્યલેખકમાં સ્વાભાવિક રીતે જોવામાં આવે છે તેવો લલિત ભાષાનો મોહ આ પુસ્તકમાં કેટલીક જગ્યાએ દેખાય છે; વર્ણનના કેટલાક ભાગે 'કાદમ્બરી'ની શૈલિના અનુકરણરૂપે લખાયા હોય એવા લાગે છે; છતાં એકંદરે આ પુસ્તક સરળ, સહૃદય અને ઊછળતી શૈલિમાં લખાયું છે, અને તેથી અત્યારે પણ એનું વાંચન અત્યંત રસપ્રદ નીવડે છે. હાઈસ્કૂલનો અભ્યાસ અરધેથી મૂકી દીધેલ, ૧૮ વર્ષની વયના કુમાર માટે આ જેવી તેવી લેખનસિદ્ધિ ન ગણાય.
આ પુસ્તકમાં પ્રકૃતિવર્ણન અને તે જોવાથી તેમના હૃદય ઉપર થયેલ અસર મુખ્યત્વે દર્શાવી છે. વચ્ચે વચ્ચે તેમણે જે વિચારકણિકાઓ મૂકી છે, તેનું ચિંતન લેખકની વય જોતાં આશ્ચર્યચકિત કરે તેવું છે.
પણ ઉપર કલાપીના અભ્યાસ વિશે જે લખ્યું તેમાં ઘણું ઉમેરવા જેવું છે. એમાં કહ્યું છે તે બરાબર છે કે:
'કલાપીએ શાળાનો અભ્યાસ ઇંગ્રેજી ચાર પાંચ ધારણ જેટલો જ કર્યો હતો, પણ તેમની સાચી કેળવણીની શરૂઆત કૉલેજ છોડ્યા પછી જ થઈ હતી, અને તેમનો અભ્યાસ મરણપર્યંત ચાલુ રહ્યો હતો.
ગ્રંથકાર થવા માટે અભ્યાસની અનિવાર્ય અગત્ય છે એ કલાપી સમજતા હતા, પણ તે ઉપરાન્ત શુદ્ધ જિજ્ઞાસાથી પ્રેરાઈ તેમનો મોટા ભાગનો અભ્યાસ તો ચાલતો હતો.
તેમનો વિચાર મેટ્રિકની પરીક્ષા પસાર કરી, આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થી થવાને હતો. આંખના વ્યાધિને લીધે આ વિચાર છોડી દેવો પડ્યો, પણ તેનો બદલો તેમણે ખાનગી અભ્યાસથી વાળી દીધો.
તેમણે શરૂઆતમાં દરરોજ એક કલાક અંગ્રેજી, એક કલાક કાયદો અને ત્રણ કલાક ગુજરાતી એમ પાંચ કલાક અભ્યાસ કરવાનો નિયમ રાખ્યો હતો. પછી અભ્યાસનો સમય વધતો જ ગયો, અને તેમણે પોતાનો લગભગ સર્વે સમય તેથી પાછળ જ ગાળવા માંડ્યો. પ્રભુલાલ શાસ્ત્રી પાસે સંસ્કૃત શીખવા માંડ્યું, અને ઉર્દૂનો અભ્યાસ પણ શરૂ કર્યો. અંગ્રેજી, ગુજરાતી તો માટે ભાગે એકલા જ વાંચતા. આ માટે સાક્ષરોનો પરિચય વધારવા લાગ્યા અને પુસ્તકનો સંગ્રહ કરવા લાગ્યા.
૧૮૯૨ સુધી તેમણે માત્ર ગુજરાતી પુસ્તકે જ વાંચ્યાં હતાં. છગનલાલ પંડ્યા-કૃત કાદંબરીનું ભાષાન્તર, સરસ્વતીચંદ્ર, નવલગ્રંથાવલી ઉત્તરરામચરિત, મણિલાલ અને મનઃસુખરામના સર્વ ગ્રન્થો, નરસિંહ, મીરા, પ્રેમાનંદ, સામળ વગેરે પ્રાચીન, અને નર્મદ, દલપત કાન્ત વગેરે અર્વાચીન કવિઓનાં કાવ્ય, રામાયણ, મહાભારત, પુરાણ વગેરેના સાર અને ભાષાન્તર એમ ગુજરાતી ભાષામાં લખાયેલ જે કાંઇ મળી શક્યું તે સર્વે તેમણે વાંચવા માંડ્યું.[૧] ગોવર્ધનરામ જેવા 'સાક્ષરશિરોમણિ'ને તેમણે લખ્યું હતું: 'ગુર્જર ભાષાનાં સારાં પુસ્તકોમાં એવું ભાગ્યે જ નીકળશે, કે જેનું મેં મનન ન કર્યું હોય.' [૨]
તે સમયમાં પ્રસિદ્ધ થતાં 'સુદર્શન' 'ચંદ્ર', 'ભારત ભૂષણ' વગેરે માસિકો તે ધ્યાનપૂર્વક જોઈ જતા.
અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ૧૮૯રમાં શરૂ કર્યો હતો, તે આઠ વર્ષમાં ઘણો વધી ગયો. શેક્સપિયર, મિલ્ટન, બાયરન ટૉમસમૂર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ, મેથ્યુ આર્નોલ્ડ વગેરે અંગ્રેજી કવિઓ અને ડેન્ટે તથા ગેટેની કૃતિઓના અંગ્રેજી ભાષાન્તરો તે વાંચી ગયા. વળી પ્લેટો, મૅક્સનૉર્ડો, શૉપનહૉર, એમર્સન, મિલ, સ્વીડનબર્ગ વગેરે તત્વચિંતકોનો અભ્યાસ પણ તેમણે કર્યો.
આ સર્વ અભ્યાસને પરિણામે તેમના સાહિત્યસર્જનમાં દૃષ્ટિની વિશાલતા અને ચિંતનની તલસ્પર્શિતા આવ્યાં.
કલાપીની સાહિત્યકીર્તિ મુખ્યત્વે તેમનાં કાવ્યો ઉપર અવલંબે છે.
અર્વાચીન ગુજરાતી કવિઓમાં સૌથી વધારે લોકપ્રિય કવિ કલાપી છે. યુવક યુવતિઓના તો તે વર્ષોથી માનીતા કવિ છે. 'કલાપીનો કેકારવ' કાન્તે ૧૯૦૩માં, કલાપીના મૃત્યુ પછી ત્રણ વર્ષે ભાવનગર દરબારી છાપખાનામાં છપાવીને પ્રકટ કર્યું. ત્યારપછી થોડાં થોડાં વર્ષને અંતે તેની નવી આવૃત્તિ નીકળ્યા કરી છે. આવું અન્ય નવા કવિઓના સંબંધમાં બન્યું નથી. તેનાં કારણો વિચારવા યોગ્ય છે.
'કેકારવ'ની લોકપ્રિયતાનું પ્રથમ કારણ તેમાં રહેલું હૃદયનું ઊંડું દર્દ છે. આ દર્દ કશાએ આડંબર વિના કે છુપાવવાનો પ્રયત્ન કર્યા વિના તેમણે વ્યક્ત કર્યું છે. કાર્લાઇલે કહ્યું છે કે મૌલિકતા નવીનતામાં નથી પણ સહૃદયતામાં છે. આવી સહૃદતા કલાપીમાં છે; તેમનાં કાવ્યોમાં અતૃપ્ત પ્રણયનો આર્ત્તનાદ છે. તેમણે કહ્યું છેઃ
વ્હાલાંને વિરહી થઇ, હૃદયને ચીરી રડ્યો ત્યાં હતો;
તે અશ્રુઝરણું જ શોણિત સમું, તે કાવ્યમાં છે ભર્યું,
સ્વેચ્છાએ ભરી ચંચુ લાલમુખથી પીજે ભલે આંસુડું.[૩]
કલાપીને મન કવિતા નિઃશ્વાસ જેવી હતી. એ જેવી મનમાં ઉત્પન્ન થતી તેવી જ બહાર નીકળી જતી હતી, એટલે તેમાં કલાને અવકાશ ન હતો. સ્વાભાવિક રીતે જ જેટલી કલા એમાં આવી જાય તેટલી ખરી; પરંતુ વારંવાર ઘટમાં ઘૂંટાવા દઈ ઊર્મિને પ્રકટ કરવી, અને પછી પણ તેમાં સુધારા વધારા કરવા એવું કલાપીએ કર્યું નથી. એમાં પ્રેરક હેતુ સર્જન નથી પણ વિસર્જન છે.
કલાપી ઘણી ઝડપથી કવિતા રચી શકતા. 'કવિતા કરવામાં મને નવાઈ જેવી ટેવ છે. કવિતા કરવાનું સાંભરે અને જે રસનું કાવ્ય હોય તે રસમય હૃદય હોય તો ચાવીસે લીટી પાંચ મીનીટનું કાર્ય છે, અને તેવા હૃદયના વેગ વિના હું કવિતા કરતો નથી?
કલાપી આમ ઝડપથી કાવ્ય રચી શકતા હતા, પણ તે શીધ્ર કવિ ન હતા. શીઘ્ર કવિતાનો અર્થ તે બરાબર સમજતા હતા. 'શીધ્ર કાવ્ય એટલે શું ? કહ્યું અને તુર્ત લખવું (બે ત્રણ મિનિટમાં) એટલી જ શીધ્ર કાવ્ય એ શબ્દની વ્યાખ્યા પૂરી થતી નથી. શીધ્રા કાવ્ય એટલે હૃદયના ઊંડા નાદ વિના – કંઈ પણ લાગણી વિના – કેટલીક લીટી જોડી કાઢવી એને શીધ્ર કાવ્ય કહે છે. હું તે શીઘ્ર કાવ્યને કાવ્ય જ કહેતો નથી. લાગણી વિનાનું કાવ્ય બને જ નહિ. લાગણી જેમાં નહિ તે કાવ્ય નહિ. 'દલપતરામ ઘણું કરીને એક શીઘ્ર કવિ છે, અને તેથી જ તે કવિ જ નથી. આપ વિચારશો તો જાણશે કે દુનિયામાં જેટલા કવિ (કાલિદાસ કે શેક્સપીયર જેવા, શેલી જેવા) મરી ગયા તેથી ઘણા બીજા અજાણ્યા મરી ગયા છે.' [૪]
'હૃદયની કોમળતા એ જ કાવ્યની ઉત્પત્તિ છે. આમ છે તેથી કેટલાએક કાલિદાસ કરતાં ભવભૂતિને મ્હોટો કવિ કહે છે. કેટલીક બાબતમાં ભવભૂતિના હૃદય જેવું દુનિયાના કોઈ કવિનું હૃદય કુમળું નથી. આપ મણિભાઈનું 'ઉત્તરરામ'નું ભાષાન્તર જરૂર વાંચશો. એ ભાષાન્તર આપણી ભાષામાં એક ઉત્તમ ભાષાંતર ગણાય છે. આપણે તે અહિં સાથે વાંચીશું, ટુંકું છે. આમ છે તે શીઘ્રકવિ કવિ નહિ, અને શીઘ્રકવિતા કવિતા નહિ.'
એટલે કલાપીની કવિતા ભલે શ્રમસાધ્ય કલા ન હોય, પણ કવિતાનું આવશ્યક તત્ત્વ, પ્રેરકતત્ત્વ, લાગણી તેમાં છે. તેમના હૃદયમાં ઊર્મિઓ એવી ઉછળી રહેતી હતી કે તેમનાથી લખ્યા વિના રહી શકાતું જ નહિ અને લેખકના હૃદયના ઊંડાણમાંથી આવતું હોવાથી જ આ ગાન વાંચકોના હૃદયમાં પણ સહેલાઈથી ઊતરી જાય છે.
હૃદયના આ દર્દને કારણે તેમને પ્રણયનો જે અનુભવ થયો હતો તે છે; અને તેમનાં કાવ્યોની લોકપ્રિયતાનું બીજું કારણ પણ આ જ છે.
કલાપી અને શોભનાના પ્રણયનો કિસ્સો નવલકથાના જેવો રોમાંચક છે. અને તેમનાં ઘણાં કાવ્યોનો વિષય આ જ હોવાથી વાંચકોને તેમાં અપૂર્વ રસ પડ્યો. જેમ જેમ એ વાત પત્રો, વિવેચન, વ્યાખ્યાનો વગેરે સાધનોથી જાણીતી થતી ગઈ તેમ તેમ 'કેકારવ'નાં કાવ્યોનું આકર્ષણ પણ વધતું જ ગયું. કલાપીએ લખ્યું છે: 'મ્હારાં અગાડીનાં કાવ્યો-મ્હારે કહેવું જોઈએ કે, ઓટોબાયોગ્રાફી તરીકે વંચાયાં નથી. સ્વપ્નમાં જે વિચાર ન હોય તે ક્યાંથી કોઈ પણ ઈશારા વિના જન્મ પામે?' [૫] પણ હવે એ વિષે કાંઈ જ શંકા જેવું રહ્યું નથી. એટલે વધારે રસપૂર્વક વંચાય છે અને વધારે સારી રીતે સમજાય છે. ખાસ કરીને આ પ્રકારનાં કાવ્યો કયાં, તે પણ કલાપીએ ગણાવ્યું છે. આ જિન્દગીના ઇતિહાસમાં એક મહાન વિક્ષેપથી લખાયેલ 'હૃદયત્રિપુટી' અને તે જ વિચારોથી લખાયેલાં 'નદીને સિન્ધુનું નિમંત્રણ' .ગુન્હેગાર', 'હદ', 'અતિ મોડું', 'ના ચાહી', 'સીમા', 'આધીનતા', 'નિ:શ્વાસને', 'વ્હાલીનું રૂદન', 'એક ઘા', 'ગોફણ અને પત્થરથી ઉડાડતા છોકરાને' અને 'પશ્ચાત્તાપ', — ઉપલાં કાવ્ય સંબંધી કાંઈ લખત. પણ શું લખું? એ તો એક સ્વપ્ન હતું. એ સ્વપ્ન વીતી ગયું. લેણદેણનો સંબંધ ટુંકો જ હતો. હવે તો તેનો વિચાર કરવો એ પણ એક વ્યર્થ દુઃખ વ્હોરવા જેવું છે.' [૫]
કલાપીનાં કાવ્યોની લોકપ્રિયતાનું ત્રીજું કારણ ગૌણ છતાં ગણાવવા લાયક છે. રાજાઓ એટલે મોજશોખમાં રચીપચી રહેલા અમીરવર્ગના માણસો. તેમનામાં સામાન્ય માણસના હૃદયને સ્પર્શે તેવા ભાવો હોય, રાજા પણ દુઃખી હોય, સંસારના સર્વ વૈભવો છતાં પ્રેમ વિના કાંઈ જ નથી એવું તેમનામાંના કોઈને લાગે તેથી વાંચકોને આશ્ચર્ય થયું. અને અતૃપ્ત પ્રણયની આ લાગણી રાજા કવિતા દ્વારા પ્રકટ કરે ! રાજા તો જે ગમે તેને રાણી બનાવી દે; માધવે હરણ કર્યું, જહાંગીરે ખૂન કરાવ્યું, અને એ રીતે રૂપસુંદરી અને નૂરજહાંને પ્રાપ્ત કરી. પણ પ્રિયતમા માટે એક રાજા ઝૂરે, અને કાવ્યો દ્વારા પોતાની લાગણીનો ધોધ વહાવે ! આવું તો માત્ર કાલિદાસના વિક્રમોર્વશીયના ચોથા અંકમાં જ જોયું હતું ! પરંતુ રાજવી કવિની પ્રણયપિપાસા ઉપરાન્ત બીજા પણ કેટલાક ગુણો આ કાવ્યમાં છે, જેથી સાચા કવિતાપ્રેમીઓ તેની તરફ આકર્ષાય.
તેમાં ખાસ ગણવા લાયક ગુણ પ્રાસાદિકતા છે. કલાપીનાં કાવ્યોમાં શૈલિ કે વિચારની ક્લિષ્ટતા નથી. પોતાને શું કહેવું છે તેનો કવિને બરાબર ખ્યાલ છે, અને આ વક્તવ્ય તે સીધી રીતે સાદી ભાષામાં રજૂ કરે છે. ક્યાંય દ્વિઅર્થીપણું કે છુપાવવાનો પ્રયત્ન નથી. તેથી કવિના હૃદયમાંથી નીકળેલી ઊર્મિ જ સીધી વાંચકોના હૃદયમાં ઊતરી જાય છે. વાંચકને તેમાં પોતાની જ મનોદશા દેખાય છે, અને તત્કાલ તેનું શિર, જે અનુભવને તે વારંવાર વાણીદ્વારા વ્યક્ત કરવા માગતો હતો, પણ કદીયે આવી સરસ અને સચોટ રીતે કરી શક્યો ન હતો, તેવું સહેલાઈથી કરી બતાવનારના ચરણમાં ઝૂકી પડે છે.
કલાપીનાં કાવ્યમાં–સંરકૃત વૃત્તો અને ગઝલ બન્ને પ્રકારોમાં પદ્યરચનાની પ્રવાહિતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. તેમાં ક્યાંયે વાંચકને અટકવું પડતું નથી, એટલું જ નહિ, પણ ગુજરાતી કવિઓમાં સામાન્ય થઈ પડેલી, હ્રસ્વદીર્ઘની છૂટ પણ તેમાં ભાગ્યે જ દેખાય છે.
કલાપીનો બીજો ગુણ જીવંતચિત્રો થોડા શબ્દોમાં ઉત્પન્ન કરવાનો છે. પ્રકૃતિનું સૌમ્ય કે ભીષણ દૃશ્ય, પાત્ર કે પ્રસંગને ઘણી સહેલાઈથી, બે ચાર પંક્તિઓ દ્વારા તે વાંચકની સમક્ષ રજૂ કરી દે છે.
છૂપી ઊંઘે ઘન પડ મહીં તારલા વ્યોમ અંકે,
નિદ્રા મીઠી ગિરિ નદી અને વિશ્વ આખુંય લે છે;
ને રૂપેરી શ્રમિત દીસતી વીજળી એક સ્થાને,
સુતી સૂતી હસતી મધુરું સ્વપ્નમાંહી દિસે છે. [૬]
×××
ત્યાં ઘૂ ઘૂ ઘૂ ગિરિ નભ મહીં ગાજતો નાદ આવે,
મોજાં તેના પ્રતિધ્વનિ તણાં ભેખડે આથડે છે;
વારિ કંપ્યું, ડગમગી ગયાં શૃંગ અદ્રિતણાં, ને
ત્રાસે ન્હાસે વનચર બધાં, કોઈ ધ્રુજી પડે છે. [૭]
પ્રકૃતિનાં આ સૌમ્ય અને રૂદ્ર સ્વરૂપનાં વર્ણનો પછી હવે એક પાત્ર–રમાનું વર્ણન જોઈએ—
આવે ગાયનના સ્વરો પિગળતા ચન્દા મહીં દૂરથી,
આવે કો સખી મંડલી રમતી ને ગાતી ભય હર્ષથી;
તેમાં ચમ્પકની બીડેલ કલીશી નામે રમા એકલી,
સો વચ્ચે અગિઆર વર્ષની હતી કન્યા ધીમી ચાલતી.
તેના મ્હોં પર ને નસેનસ મહીં ઉચ્ચાર ને ચાલમાં,
ક્ષત્રીઓ તણું ઉગ્ર દિવ્ય ઝળકી લોહી વહેતું હતું;
ઊંચે અષ્ટમીનો હતા જ્યમ શશી ફિક્કા કરી તારલા,
તેનું ભવ્ય લલાટ ભૂષણુ બધાં ફિક્કાં કરી નાખતું. [૮]
અને છેલ્લે એક દૃષ્ટાંત પ્રસંગનું—
સરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં,
અરર ! મૃગ બિચારો ઉછળીને પડે છે;
થર થર થર ધ્રુજે કન્યકા ત્રાસ પામી,
શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને.
મૃગ હૃદય મહીં છે તીર લાગ્યો, અરે રે !
ખળખળ ઢળતું હા ! રક્ત ભૂમિ પરે એ!
નયનજલ વતી એ કન્યકા ઘા ધુવે, ને
મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે. [૯]
કલાપીનાં કાવ્યમાં વારંવાર વચ્ચે સુક્તિઓ આવે છે. 'બિલવમંગળ' માં બન્યું છે તેમ કેટલીક વખત તે કંટાળા ભરેલ અને રસક્ષતિ કરનાર લાગે છે. પરંતુ એકંદરે તે કલાપીની લોકપ્રિયતામાં વધારો કરનાર બનેલ છે એ સ્વીકારવું જોઈએ. કવિતામાં વચ્ચે વચ્ચે ક્યાંક ચિંતનનાં ચિરસ્મરણય બિંદુઓ આવે તેથી કવિતાને લાભ જ થાય છે. જગતના શેક્સપીયર અને કાલીદાસ જેવા છેક કવિઓમાં પણ સૂક્તિઓ વારંવાર દેખાય છે, અને તેનાં જુદાં પુસ્તક પણ તૈયાર થયાં છે. કલાપીની આવી ચિરસ્મરણીય પંક્તિઓમાં મોટો ભાગ બે પંક્તિના અનુષ્ટુપોનો છે, ત્યારે કેટલીક ચાર આઠ લીટી જેટલી લાંબી પણ છે; જો કે એક પંક્તિમાં સૌથી વધારે ચોટ દેખાય છે.
સૌંદર્યો વેડફી દેતાં નાના સુંદરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં, સુંદર બનવું પડે[૧૦]
×××
અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં [૧૧]
આવાં દૃષ્ટાંત વધારે આપવાની જરૂર લાગતી નથી. કારણ કલાપીનાં કાવ્યના સાધારણ પરિચયવાળાઓને પણ તેમાંની સંખ્યાબંધ પંક્તિઓ મોંએ હોય છે. આ લોકજીભે ચઢી જવું તે લોઈપણ કવિ માટે જેવીતેવી સિદ્ધિ ન ગણાય.
કલાપી પોતાનાં કાવ્ય જેવી ઊર્મિ આવી તેવાં જ લખી નાખતા હતા એમ ઉપર કહેવામાં આવ્યું છે, તેનો અર્થ એવો નથી જ કે તેમનામાં કલાદૃષ્ટિ ન હતી, અથવા તે તરફ ઉપેક્ષાવૃત્તિ હતી. કલાપી પોતાનાં કાવ્યો માટે બેદરકાર નહતા. કલાપી કાવ્ય કેવી રીતે લખતા તે વિશે તેમના પોતાના શબ્દ આપણે ઉપર જોઈ ગયા. હવે તેમના મિત્ર રૂપશંકર ઓઝા તેમાં ઉમેરો કરે છે તે પણ જોઈએ.
[૧૨]કલાપી જેમ જેમ કડી પછી કડી ગોઠવતા તેમ તેમ સીસાપેનથી બહુ જ ઝીણા અક્ષરે તે ઉતારી લેતા. તેમાં છેકભૂંસ, સુધારા, ફેરફાર અને ઉદ્દેશ તેમ જ સૂચિત પ્રદેશ વગેરેનું પણ કોઈ કોઈ સ્થળે ટિપ્પણ કરવામાં આવતું હતું. પછી તેની એક નકલ પોતાના જ હસ્તાક્ષરમાં કરી તે એમના પરમ મિત્ર હડાળા દરબારશ્રી વાજસુરવાળાને કે શ્રી રૂપશંકરને મોકલી આપતા; અને એક નોટમાં તેની નકલ કરાવીને સંગ્રાહી મૂકવામાં આવતી અને બીજી છૂટા કાગળો ઉપર લખાયેલી નકલો મિત્રમંડળમાં મોકલી આપવામાં આવતી. આ પ્રમાણે ફેલાવો થવાથી તેના ઉપર ચર્ચા કરવાનું સરલ પડતું. વળી વારંવાર સાહિત્યકાર અને મિત્રોના સંમેલન થતાં તેમાં પણ કલાપીનાં અને અન્ય લેખકોનાં કાવ્યો વંચાતાં. ચર્ચાઓને પરિણામે કલાપીનાં કાવ્યોને અવશ્ય લાભ થયો હશે.
વળી જટિલ કલાપીનાં કાવ્યોમાં સુધારા વધારા કરતા. તા. ૧૮–૮–'૯૫ના પત્રમાં કલાપીએ જટિલને લખ્યું હતું: " 'મૃતકુસુમ'માં આપને કંઈ ફેરફાર કરવાનું યોગ્ય લાગે તો કરશો."[૧૩] ત્યારપછી લગભગ એક વર્ષ પછી લખાયેલ પત્રમાં લખ્યું છેઃ બધાં કાવ્યોમાં આપને જે કાંઈ સુધારો વધારો, કાપકૂપ, કરવાં હોય તે કરશો, અને કૃપા કરી વિવેચનો જરા તાકીદે લખશો." કલાપીનાં કેટલાંક કાવ્યો 'સુદર્શન' અને 'ચંદ્ર'માં જટિલની ટીકા સાથે પ્રસિદ્ધ થયાં છે, તે વિશે અહીં ઉલ્લેખ જરૂરી લાગે છે. જટિલનાં વિવેચનોમાં કલાપીનાં કાવ્યો સમજવામાં મદદરૂપ થાય એવું કાંઈ પણ ભાગ્યે જ દેખાય છે. મોટે ભાગે તેમાં નિરર્થક લંબાણ જ માલૂમ પડે છે. છતાં કલાપી તેમના સરલ અને ઉદાર સ્વભાવ પ્રમાણે જટિલનાં વિવેચનોને મહત્વ આપતા લાગે છે. તે જ પ્રમાણે જટિલના સુધારાઓને પણ કલાપીએ અઘટિત મહત્વ આપ્યું હોય એ બનવાજોગ છે. કલાપીને જટિલના સુધારાઓથી લાભ ન થયો હોય, એટલું જ નહિ પણ કદાચ હાનિએ થઈ હોય; છતાં સુધારાઓ થયા હતા, અને પોતાનાં કાવ્યો જાતે નહિ, તો બીજાઓની પાસે પણ સુધરાવવા કલાપી ઉત્સુક હતા એટલું તો આ પત્ર ઉપરથી ચોક્કસ કહી શકાય.
જુઓ 'હમીરજી ગોહિલ' વિશે કલાપીનો પત્ર :
'હમીરજીના બે સર્ગ વાંચ્યા. મને બહુ સારી મદદ મળી છે. ખરું જોતાં આપ જ મને કાવ્ય લખી આપો છો. બીજા સર્ગો માટે રાહ જોઈશ. એ કાવ્ય હું ધારી શકતો હતો તેના કરતાં ઘણું વધારે સારું બનાવી શકીશ. તેમાં યોગ્ય લાગે તો મહમુદનું પાત્ર વધારશો. એમ થવાથી આટલાં પાત્રો થશે – હમીરજી, ચંદા, હમીરનો મિત્ર, ચંદાની કોઈ સખી, (યોગ્ય લાગે તો) બેગડો અને મહમુદ. સર્ગને મથાળે જે મંગળાચરણ લખવાનાં તે કેવી રીતે શા શા મતલબનાં તે પણ લખશો. બીજા સર્ગ માટે આપે લખેલું છે પણ હજુ વિશેષ સ્પષ્ટ વિસ્તારથી લખશો. [૧૪]
'હમીરજી ગોહિલ'માં જટિલે આપેલી મદદ વિશે તેમની પરના ઘણા પત્રોમાં આવા જ ઉલ્લેખો મળે છે. તે વિશે વિસ્તાર કરવાને બદલે શ્રી. મુનિકુમાર ભટ્ટે પ્રસિદ્ધ કરેલ પત્રમાં આ વાંચી જવાની જ ભલામણ કરું છું, અને અહીં માત્ર થોડી પંક્તિઓ જ મૂકીશ.
'હમીરજીનો પહેલો સર્ગ ઘણું કરીને કાલે પૂરો કરીશ. આપને લખી મોકલીશ. તેમાં યોગ્ય લાગે તો સુધારો કરી મોકલશો.'
'ત્રીજો સર્ગ વાંચી મને બહુ આનંદ આવે છે. એ સંકલના ગોઠવનારને અમે ત્રણેએ વાંચી જતાં ધન્યવાદ આપ્યા સિવાય રહેવાતું નથી.'
'ચોથો સર્ગ લખવાનું શરૂ કરશો. કાંઈ લખાયો છે?'
'શાંત ચિત્ત હોય તો હમીરજીનો પાંચમો સર્ગ શરૂ કરશો.'
'કલાપીનો કેકારવ' છપાવતી વખતે કાન્તે તેમાં સુધારા કર્યા છે એમ 'સુદર્શન'માં છપાયેલ કાવ્ય સાથે સરખાવતાં દેખાય છે. કાઠિયાવાડી પ્રાન્તિક શબ્દો કાન્તે વીણીવીણીને કાઢી નાખ્યા છે, છતાં કોઈક રહી ગયા છે. આ તો છપાયેલાં કાવ્યો સાથેની સરખામણીની વાત હું કરું છું, પણ 'હમીરજી ગોહિલ'ની લખવાના સમયની જેવી માહિતી ઉપલબ્ધ છે તેવી આ કાવ્યો વિશે ન હોવાથી છપાતાં પહેલાના સુધારાઓ વિશે અનુમાન કરવાનું જ રહે છે. કલાપીનાં શરૂઆતનાં કાવ્યો નાટકના રાગોમાં લખાયાં છે અને તે બહુ ઊતરતી કોટિનાં લાગે છે. તે દૃષ્ટિ સમક્ષ રાખીને જોઈએ તે તેમનાં 'કેકારવ'નાં શરૂઆતનાં કાવ્યમાં મિત્રોની ઠીક મદદ મળી હશે એમ અનુમાન નીકળી શકે. નમૂના તરીકે ૧૮૯૦માં લખેલું એક કાવ્ય જ અહીં આપું છું:
સુકુમારી ચિત્ર જ તારૂં રે, મુજ દિલમાં ખચિત ઠસેલું,
રતિ સ્વરૂપ તારૂં હું જોઈને, મન મારું લોભાયું રે,
સિંધુમાં જેમ બિંદુ મળે છે, તેમ મુજ મન તુજ સાથે મળ્યું,
હવે તો દિન થોડા રહ્યા છે, કરવા મુજ મન તૃપ્ત ખરૂં રે.
અહીં મદદ શબ્દ વાપર્યો છે તેથી હું કલાપીની નૈસર્ગિક શક્તિની કીમત ઓછી આંકું છું એમ કોઈ રખે સમજે. મોટામાં મોટા કવિઓને પણ મિત્રોની મદદ મળી છે. સ્વ. નરસિંહરાવે લખ્યું છે કે 'ઉત્તરા અને અભિમન્યુ' માં અત્યારે છે તેના કરતાં વધારે પંક્તિઓ હતી, પણ છેવટનો ભાગ સ્વ. કાન્તના કહેવાથી તેમણે કાઢી નાખ્યો, અને તેથી કાવ્યની કલાને લાભ થયો. કલાપીનાં કાવ્યમાં જે દર્દ છે તે કલાપીના પોતાના હૃદયનું હતું, અને તે તેમણે જ વ્યક્ત કર્યું છે; માત્ર સંકલના, છંદોરચના, શબ્દપસંદગી વગેરેમાં તેમને સૂચનાઓ અને સહાય મળી હશે, એટલું જ હું કહેવા ઈચ્છું છું.
વળી, કલાપીનાં કાવ્યનું મૌલિકતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતી વખતે તેમણે કરેલા અનુવાદોનો પણ વિચાર કરવો જોઈએ. 'કેકારવ'માં કેટલાંક કાવ્યો અંગ્રેજી ઉપરથી લખાયાં છે એમ નોંધ રૂપે નીચે કાન્તે આપ્યું છે. પણ આવું 'સુદર્શન'માં જેનાં મૂળ આપેલાં છે તેટલાં જ કાવ્ય પરત્વે બન્યું છે. કલાપીના પત્રોમાંથી બીજા થોડાંક કાવ્યોનાં મૂળ મળે છે, તે જ બતાવે છે કે કલાપીએ કદી પણ પોતાનાં કાવ્યો અનુવાદ હોય તો તે છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. એ વસ્તુ જ તેમના સ્વભાવની વિરુદ્ધ હતી. પરંતુ તેમનું અકાળે અવસાન થયું તેથી બધાં કાવ્યોનાં મૂળ છપાવતી વખતે દર્શાવવાનું રહી ગયું. પરંતુ કલાપીનાં કાવ્યો સમજવામાં આ મૂળ જાણવા જરૂરી છે. અને કલાપી એવી ઉચ્ચ સ્વાભાવિક કવિત્વશકિત ધરાવતા હતા કે તેમણે મૂળ વસ્તુને પણ વારંવાર શોભાવી છે. એટલે આ જાણવાથી તેમના કવિત્વ સંબંધી આપણો અભિપ્રાય હલકો પડવાને બદલે ઊલટો વધે છે.
આવા ઉદ્દેશથી પ્રેરાઈને આજથી ૨૦ વર્ષ પહેલાં આ લેખકે કલાપીનાં કાવ્યોનાં મૂળ શોધી કાઢવાનો પ્રયાસ કર્યો અને તેનાં પરિણામો અવારનવાર અભ્યાસીઓ સમક્ષ મૂક્યાં હતાં. [૧૫] તેમાંથી થોડું અહીં આપીશ. અત્રે જણાવતા આનંદ થાય છે કે તેથી કલાપીની કવિ તરીકેની તેની ભક્તિમાં જરા પણ ઊણપ આવી નથી,પણ વધારો જ થયો છે. અને વાંચકનો અનુભવ પણ આવો જ છે.
કલાપીનો પ્રિય કવિ વર્ડ્ઝવર્થ હતો. તેની ઢબ પર કલાપીએ કેટલાંક કાવ્ય રચવાનો પ્રયત્ન કર્યો હતો. "વર્ડ્ઝવર્થ એમ માનતો લાગે છે કે, કોઈ માણસની અથવા કે માણસની જીંદગીના એક બનાવની સાદી સીધી વાત કરી જવી એમાં કાવ્ય બની જાય છે. એ જ રીતિથી એટલે વર્ડ્ઝવર્થની એ શિલિને અનુસરી હજુ સુધી ત્રણ જ કાવ્ય લખાયાં છે:- 'સારસી', 'શેલડી' અને 'વૃદ્ધ ટેલીયો.' જો કે આ ત્રણેમાં કાગડો હંસની ચાલ ચાલવા જાય અને જેવું બને તેવું બન્યું છે. વર્ડ્ઝવર્થ સાદાઈમાંથી કાંઇક અદ્ભુત ચમત્કાર ઉપજાવી શકે છે. એ શક્તિ બધા કવિઓમાં કેટલેક અંશે હોય છે, પણ હૃદયની લાગણીની તીવ્રતા કે મંદતાથી કુદરતનું ચિત્ર આપતાં, કાં ઘસડાઈ જવાય છે કે કાં પાછળ રહી જવાય છે. શેલિને જોઈશું તો દરેક સ્થાને તે નાયગરાના ધોધમાં જ ઘસડાતો અને ઘસડાતો માલુમ પડશે. વર્ડ્ઝવર્થ એક જ સ્થાને ઉભો રહેલો દેખાય છે, માથું નીચું નમાવીને, ધેાળા વાળમાં પડેલી ટાલ પર લીસ્સો હાથ ફેરવતા દેખાય છે. True to nature તો એ એક જ મહાત્મા છે. 'કહેવાનું તો કહી જવું, એ નિર્ણય પર જ્યારે વર્ડ્ઝવર્થ આવે છે ત્યારે તે કોઇમાં નથી એવું પેદા કરી શકે છે. મ્હારું લક્ષ્ય આ છે, પણ, એ કાર્ય મારા સ્વભાવને પ્રતિકૂળ લાગે છે, કે કાં તો તે બહુ કઠિન કાર્ય છે; પણ એ રસ્તે ચાલતાં હજુ સુધી મને સંતોષ નથી મળ્યો. હજુ અગાડી એવા યત્ન કરી જોઇશ–જોઈએ શું થાય છે? આમ છે, માટે 'વૃદ્ધ ટેલીયો'ને એક વખત બીજાં કાવ્ય સાથે સરખાવી જોશો ને એક વખત 'સારસી' અને 'શેલડી' સાથે સરખાવી જશો. 'નિમંત્રણ' જો કે વધારે સારું છે, પણ, તે મ્હારો હમેશનો માર્ગ છે. પણ, ‘ટેલીયો’ પર જરા તીખી દૃષ્ટિ રાખશો. નવા માર્ગમાં કેટલે અંશે અને શી ખામી રહે છે તે જાણવાની જરૂર છે."[૧૬]
'વૃદ્ધ ટેલિયો' વર્ડ્ઝવર્થના Excursion Book—I માં આવતી Margaretની વાર્તાનો અનુવાદ છે; પરંતુ તે અક્ષરશઃ અનુવાદ નથી. સ્વ. નવલરામ પંડ્યા જેને સ્થલકાલાનુરૂપ ભાષાંતર કહે છે તે પ્રકારનું આ ભાષાંતર છે. છતાં કેટલીક લીટીઓ તો બરાબર ભાષાંતર જ છે, પણ તેય અતિ સુંદર છે. “માર્ગરેટ (Margaret) ના જીવનની વાત અથેતિ કહેનાર 'વટેમાર્ગુ'નો શ્રોતા (કવિ પોતે) સાથેનો સંબંધ કેવો હતો અને કેમ બંધાયો, વગેરે વર્ણન અને ઇતિહાસથી વર્ડ્ઝવર્થ પોતાનો સર્ગ આરંભે છે. એ આખો વિષય કલાપીએ છોડી દીધો છે. તેમાંથી થોડીક જ વિગત લઈને, તેમાં આપણા દેશકાલને બંધબેસતી કલ્પિત વિગત સાંધીને કલાપી મૂળ કવિના 'વટેમાર્ગુ' માંથી પોતાનો 'ટેલિયો' ભિખારી સર્જે છે, અને તે કથાનાયિકાની હકીકત કહેતાં કહેતાં વચ્ચે ટૂંકામાં જ પોતા વિશેનું કહી લે છે, એટલે કથાતંતુની સળંગતા પણ જળવાય છે. નાયિકા બાલાના જીવનને લગતી વિગતો કલાપી મૂળમાં વર્ડ્ઝવર્થે માર્ગરેટની ચિત્રી છે તે જ રાખે છે અને એ મુખ્ય વર્ણન પણ ટૂંકાવીને કલાપી એ વિષયને ઘટતી લંબાઈનો જ રાખી રસની જે પાકી માત્રા સધાય તે સાધે છે; અને આ રીતે ગુજરાતી કવિતામાં સાદી ભાષા, સાદી કડી, સાદી વિગત, સાદાઈ નરી, એ સાધન વડે જ મર્મભેદક કરુણ રસનો એક ઉત્તમ નમૂનો સર્જે છે.
વર્ડ્ઝવર્થનું કાવ્ય લાંબું છે, તે સાથે તેનો ઉદ્દેશ અને પદ્ધતિ બંને જુદાં છે. એ મહાકવિની વિશિષ્ટ કૃતિઓમાં શાંત રસ પ્રધાન હોય છે, અને કુદરતનાં વર્ણનો પણ માનવ બનાવો અને વીતકના કરતાં ઊતરતી અગત્યનાં હોતાં નથી. એની કાવ્યકલામાં, ટૂંકામાં કહીએ તો માનવ પાત્ર કુદરતની સજીવન અનંતતામાં વહેંતિયા જીવ કે તેથીયે શુદ્ર જતુ જેવાં, આંબા જંબુડા ઉપરનાં કીડી મંકોડી જેવાં હોય છે. શ્રદ્ધા અને શાંતિ, પ્રકાશ અને આત્મા પણ વર્ડ્ઝવર્થના કલાપટમાં કુદરત મહામૈયાનાં હોય છે. કુદરતના અતિ વિશાળ ઉત્સંગોદરમાં મનુજપંખી ઉડે છે, અને થોડું મહાલે છે તો થોડું સહન કરે છે, અને વીતકથી ગાંડું થઈ જાય છે, તો વળી કુદરતની અજબ અમીથી દર્દની ખટક ધીમે ધીમે સહ્ય પણ બને છે. મધ્યાહ્નના સૂર્ય પછી જેમ સંધ્યાની પરિણામ-રમણીયતા કુદરતી રીતે જ આવે છે, તેમ વર્ડ્ઝવર્થના આઈડિયલો (Ideals) માં અવસાન શાંત તેજોમય સમતામાં આવે છે. કુદરત માણસને આ પ્રમાણે ઘડે છે. પશુને 'દ્વિજ' બનાવે છે. કુદરતથી માણસ આ પામે છે એ સત્ય રૂપસુંદર અને મનોવેધક રીતે શીખવનાર કવિગુરુ અથવા ઋષિ (Prophet) તે વર્ડ્ઝવર્થ.
આ પ્રમાણે ઘડાઇ ઘડાઇને વૃદ્ધ થઈ ગયેલો તથાપિ અંગે અને બુદ્ધિમાં સશક્ત રહેલો જેવો વર્ડ્ઝવર્થનો 'વટેમાર્ગુ' છે, તેવો જ કલાપીનો 'ટેલિયો' છે. માર્ગરેટ-બાલાના જીવનની અતિ કરુણ ઘટનાને માટે એના હૃદયમાં દર્દ થઈ થઈને એ આખો ઇતિહાસ એને દુઃખરસનો ભરેલો તો એવો ને એવો રહ્યો છે, પણ એ દુઃખરસમાં હવે ખટક નથી; 'બિચારીને અહોહો! જુવોને માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં,’ એ પ્રમાણેની અનુકંપા ખટકનું સ્થાન લે છે અને તીવ્ર ખટકને બદલે આ સરલ અને શાન્ત, અને મૃદુલ વહેતી અનુકંપાસારિત વર્ણનને સુન્દરતા અર્પે છે. વળી વિધિનો ખેલ એવો! એ પ્રકારની દૃષ્ટિનો કોમળ પ્રકાશ એ અનુકંપાસરિત ઉપર એક સરખો પડે છે. પરંતુ કલાની આવી નાજુક સર્જકતા આગળ પૃથક્કરણ અને સમજૂતી વૃથા કાલક્ષેપ છે.
કલાકારની સ્વતંત્રતાનું મા૫ આંકતાં એક મુશ્કેલી એ આવે છે કે, કલામાં પસંદગીની શક્તિ જેટલી નવું યોજવામાં જોઈએ, તેટલી જ જુદે જુદે સ્થળેથી બીજાના અંશો પોતાના કરવામાં જોઈએ, અને તેટલી જ પસંદ કરેલ અંશોમાંથી પણ ઘણું ત્યજવામાં જોઇએ. સામાન્ય દુનિયા, માત્ર ત્યજી દીધું છે, માત્ર પસંદ કર્યું છે, એમ કહી એ બંને પ્રવૃત્તિઓ ઉપર પોતાના હલકા અભિપ્રાયની છાપ ઠોકે છે; અને એથી ઊલટું, નવું યોજ્યું હોય તે પ્રવૃત્તિને હદથી વધારે માન આપે છે. નવું જોડેલું નવું જોડાયું તેથી વખાણ લાયક નથી હોતું, યોગ્ય જોડાયું હોય તો જ વખાણ લાયક હોય છે; અને યોગ્યાયોગ્ય વિવેચકશક્તિ બીજી બે પ્રવૃત્તિઓમાં ય એટલી જ મહત્વની છે.
વર્ડ્ઝવર્થ સાથે ઉપર ટાંકેલી પંક્તિઓ જ નહિ, પણ આખી કૃતિ મેળવી જોતાં, મૂળમાં નથી એવું 'ટેલિયા'માં ભાગ્યે કંઈ પણ મળી આવે. અને આ હકીકતનું વધારે આંકવું યોગ્ય ગણે તેવો વિવેચક ઘણું કરીને 'ટેલિયા'ને અનુકૃતિ કરતાં ટૂંકાવેલો અનુવાદ જ ગણે. સાચી બાજૂએ, કલાપીએ એટલું તો ટૂંકાવ્યું છે, અને જે થોડો ભાગ શબ્દશઃ અનુવાદ જેવો છે તે પણ એવો અસરકારક છે, તથા એકંદરે લેતાં કૃતિ એવી તો હૃદયની ઊર્મિમાંથી ઉદ્ભવેલી અને ઐક્યવાળી છે કે, એને અનુવાદના વર્ગમાં મૂકવી અશક્ય લાગે છે.
કલાપીને પોતાને આ કાવ્યના ગુણ વિશે શંકા રહેતી. તેનાં બે કારણ છે. કોઈપણ સાચા કવિને પોતાની કૃતિથી પ્રસન્નતા અને પૂરા સંતોષનો અનુભવ છેક વિરલ હોય છે. સુંદરતા અને કલારૂપ ઇન્દ્રલોકની અસરાની જે આંખને ખરે જ ઝાંખી થઈ હોય છે, તે પોતાની ઘણીખરી કૃતિઓ વિશે અસંતુષ્ટ હોય જ હોય. લોકો જ્યારે માત્ર તેની કૃતિ જુએ, ત્યારે તે તો પોતે જે અનિર્વચનીય વસ્તુ સર્જવા મથેલો, અને બદલો પામે ત્યારે આ યત્કિંચિત્.
કલાપીને 'ટેલિયા'થી અસંતોષ રહે તેનું વિશેષ કારણ એની પોતાની વર્ડ્ઝવર્થ ઉપરની આસક્તિ. તેણે વર્ડ્ઝવર્થનો એવો તો અભ્યાસ કરેલો, કે તેનો એ અભ્યાસમાંથી ભક્ત બની ગયો હતો, અને એને તો એ 'ગુરુવર્ય', એ 'મહા કવિ', એ 'ઋષિ'ની કોઈ કૃતિ લે, તો તેના મૂળ જેવી જ સાદી ભવ્ય ભાષામાં, મૂળ જેટલો મર્મવેધક, સંપૂર્ણ સળંગ અનુવાદ કરી શકે, તે જ સંતોષ વળે એમ હતું.
પણ ટેલિયાના મૂળનો એ સંપૂર્ણ સળંગ અનુવાદ કર્તાને પોતાને ગમે તેવો પ્રિય થઈ પડત, તથાપિ ગુજરાતી કવિતામાં તે બહુ નીચું સ્થાન લેત એમાં શક નથી. ઘણી વિગત જતી કરી છે, કુદરતનાં વર્ણનો ઘણાં છોડી દીધાં છે, વગેરે જે જે કલાપીને પોતાને અસંતોષનું કારણ હતી, તે ક્રિયાઓ વડે જ આ કૃતિમાં કરુણ રસ અને ઐક્ય, સુરેખતા અને મર્મવેધકતા, ઉત્તમ સધાયાં છે." [૧૭] 'શેલડી' કાવ્ય વર્ડ્ઝવર્થની શૈલિથી લખ્યું છે એવું કલાપીએ કહ્યું છે. આ કાવ્યનું નામ ફેરવીને પછીથી 'ગ્રામ્યમાતા' રાખવામાં આવ્યું હતું.
કલાપીએ એક પત્રમાં લખ્યું છે– “Goody Blake" છીછરા વાંચનારાઓને રસહીન લાગશે; ઉંડા વાંચનારને બહુ રસ આવશે. આંતરડીની કદુવા લાગવી, નિસાસો લાગવો, અહો ! એથી માણસ કેવું દુઃખી થાય છે ? કુદરતને વર્ડ્ઝવર્થ જરાપણ કઠિનતા સહન ન કરી શકે તેવી ગણે છે. અકૃપા–નાની સરખી પણ–કુદરત સહી શકતી નથી અને બ્લેકના શાપથી જીલ થંડો થઈ જાય છે. આપણો કાયદો તો શું, પણ આપણી ઇક્વિટીથી પણ વર્ડ્ઝવર્થની ઈકિવટી બહુ ઊંચી છે." 'ગ્રામ્યમાતા' માં પણ આ પ્રમાણે મનની અસર જ બતાવી છે. પણ તે સિવાય વર્ડ્ઝવર્થનું બીજું કાંઈ જ નથી.
'ગુડી બ્લેક અને હેરી જીલ'ની વાર્તા એવી છે કે, ગુડી બ્લેક નામની એક ડોશીની ઝુંપડી હેરી જીલના મકાન પાસે હતી. ગુડી બ્લેક ગરીબ હતી ત્યારે હેરી જીલ સારી સ્થિતિનો હતો. શિયાળાની ઠંડીથી ધ્રુજતી ગુડી બ્લેક કોઈ વખત હેરી જીલની વાડમાંથી લાકડાં ઉઠાવી લાવતી. એ પ્રમાણે એક વખત લાકડાં ખોઈમાં વીણીને જતી હતી તેવામાં હેરીએ તેને પકડી અને ધમકાવી. ડોશીએ કહ્યું : "હે ઈશ્વર ! તું બધું જ સાંભળે છે; તો હું કહું છું કે, આ માણસને કદી ગરમી મળશે નહિ !' અને ત્યારથી હેરી ઠંડો થઈ ગયો. સાત કોટ પહેરે, સાત કામળા ઓઢે અને ગમે તેટલું તાપે પણ હેરીની ટાઢ ઊડે જ નહિ. ગ્રામ્યમાતાને તો ડોશીના જેટલું પણ બોલવું પડતું નથી !
'વૃદ્ધ માતા'નું કાવ્ય વર્ડ્ઝવર્થના The Affliction of Margaret ઉપરથી લખાયું છે. તેમાં કલાપીએ તેના નિયમ પ્રમાણે ઘણે ઉમેરો કર્યો છે. વિલાયતમાં સંચાથી લોટ દળવાનો, એટલે ડોશીને ઘંટી ફેરવવાની હોય નહિ; પરંતુ કલાપીએ ડોશીના મુખમાં પંક્તિ ૨૯થી ૩૨ના શબ્દો મૂકી (જે ઘંટીને......જીવ ધારું.) આપણા દેશનું વાતાવરણ ખડું કરી દીધું છે.
કલાપીના કાવ્ય 'કુદરત અને મનુષ્ય'ની બેથી સાત સુધીની કડીઓ વર્ડ્ઝવર્થના કાવ્ય Lines written in Early spring ઉપરથી અનુવાદિત છે. શરૂઆતની કડી અને છેવટની આઠ કડીએમાં મુખ્ય વિચારોને પોષવાનો સુંદર પ્રયાસ છે. અનુવાદમાં પણ કલાપીએ મૂળ વિચારો ખૂબીથી સ્પષ્ટ કર્યા છે.
કલાપી 'ઋણ'ના કાવ્યમાં કહે છે :
બ્રહ્માંડ આ તો ગૃહતાતનું છે,
આધાર સૌને સહુનો રહ્યો જ્યાં;
લે છે સહુ કૈં સહુને દઈ કૈં,
આધાર સૌનો સહુ ઉપરે છે.
એ બરાબર છે. શેક્સપિયર અને પ્રેમાનંદ જેવાએ પણ લગભગ એકે એક ગ્રંથમાં બીજાનો આધાર લીધો છે, તે જોવાનો આપણો ઉદ્દેશ લેખકને હલકો પાડવાનો નથી, પણ નાની વસ્તુને લેખકે પોતાના ચાતુર્યથી કેવી બદલાવી છે તે સમજવાનો છે. કલાપીના આ 'ઋણ' કાવ્યની જ છેવટની ચાર લીટીઓ વર્ડ્ઝવર્થના કાવ્ય Simon Lee–The old Huntsman ની એક કડીનો અનુવાદ છે; તેથી ભલે 'આભાર' ચઢતો ન હોય, પરંતુ અભ્યાસી તરીકે આપણે તે જાણવું તો જોઈએ.
કલાપીનું લાંબું કાવ્ય 'પ્હાડી સાધુ' ગોલ્ડસ્મિથકૃત Edwin and Angelina અથવા The Hermit ઉપરથી લખાયું છે. મૂળ કાવ્ય ૧૫૬ પંક્તિઓનું છે, ત્યારે આ અનુવાદમાં ૨૦૦ પંક્તિઓ છે. કલાપીએ ભાષાન્તર કરતાં વિસ્તારથી સમજાવ્યું છે, એટલું જ નહિ પણ ઘણું નવું ઉમેર્યું છે. સ્વ. ગોવર્ધનરામે પણ આ કાવ્યનું ભાષાન્તર કર્યું છે. સરસ્વતીચંદ્રના ચોથા ભાગમાં કુમુદ આ કાવ્ય ગાય છે. પણ સ્વ. ગોવર્ધનરામે આખા કાવ્યનું ભાષાતર કર્યું નથી. કુમુદ અહીં 'પ્હાડી સાધુ'માં ૧૧૬ પંક્તિઓમાં આવે છે ત્યાંસુધીના ભાવાર્થનું ગીત જ ગાય છે. પછીથી ગોવર્ધનરામ કુમુદ પાસે પોતાની કથાને અનુકુલ પંક્તિઓ ગવડાવે છે. ગોવર્ધનરામે અધૂરું મૂકેલું ભાષાન્તર સ્વ. નરહરિલાલ ત્ર્યંબકલાલે પૂરું કર્યું હતું અને તે 'વસંત’ના સંવત્ ૧૯૬૩ના જ્યેષ્ઠ માસના અંકમાં છપાયું હતું. 'સાહિત્યરત્ન' નામે શાળોપયોગી સાહિત્યસંગ્રહના પહેલા ભાગમાં પણ તે પ્રસિદ્ધ થયું છે.
આ બન્ને ભાષાન્તરોની સરખામણી શ્રી. મોહનલાલ પાર્વતીશંકર દવેએ 'ગુજરાતી' ના સં. ૧૯૮૦ ના દિવાળી અંકમાં કરી હતી: “એ ઉભય સાક્ષરોના પ્રયત્ન તદ્દન નિષ્ફળ તો ન જ જાય એ ખુલ્લું છે. ઉભયમાં ઉંચા પ્રકારની રસિકતા હતી. કવિ તરીકેનું જીવન ઉભયને સ્વાભાવિક હતું. કવિપણાનું સ્વતંત્ર વ્યક્તિત્વ તેમાં સ્વતઃસિદ્ધ હતું, અને એ વ્યક્તિત્વ ઉંચા પ્રકારની કેળવણીથી અને રસિક કાવ્યોના વાંચનથી સુદૃઢ અને વિકસિત બનેલું હતું. ઉભયની કૃતિ કેવળ અનુકરણરૂપ નથી; પણ મૂળ લેખકના ઉંડા ભાવમાં ઊતરીને, તેની સાથે પોતાના હૃદયનું તાદાત્મ્ય કરીને, તેની કવિતાનું અંતસ્તત્ત્વ પોતાના અંતરમાં ઉતારીને, તે તત્ત્વને પણ પોતાના હૃદયના રંગથી રંગીને તેને વિશેષ મનોહર બનાવવાનો પ્રયત્ન ઉભયે કીધો છે, અને એમ હોવાથી ઉંચા પ્રકારની કવિતાનાં ખાસ લક્ષણો એમાં આવી શક્યાં છે, અને સાધારણ રીતે બીજાં પ્રાકૃત મનુષ્યોને હાથે થતાં અનુકરણોમાં જેવી શુષ્કતા આવી જાય છે તેવી એમાં આવી નથી."
આમ શરૂઆત કરી શ્રી. દવેએ વિગતવાર સરખામણી કરી એ અભિપ્રાય દર્શાવ્યો છે કે, કલાપીના કાવ્યમાં જો કે કેટલેક ઠેકાણે અસલની ખૂબીમાં વધારો પણ થયો છે, અને કેટલીક પંક્તિઓમાં જેવી ખૂબી આવી ગઈ છે તેવી ગોવર્ધનરામથી પણ લાવી શકાઈ નથી, છતાં એકંદરે 'જોગીરાજ,' કલાપીના 'પ્હાડી સાધુ’ કરતાં હદય પર વધારે સચોટ અસર કરે છે.
ગોવર્ધનરામના આ કાવ્યની શૈલિ અતિ સરળ અને સ્વચ્છ છે, તથા તેમણે પસંદ કરેલા 'ઓખાહરણ'ના રાગમાં તે એવી બંધબેસતી આવી જાય છે કે સાધારણ વાંચકને આ કાવ્ય 'સ્નેહમુદ્રા'ના કવિનું છે એમ કહીએ તો માની શકે જ 'કલાપી'નું કાવ્ય પણ તેનાં સર્વ કાવ્યો પ્રમાણે જ સરળ છે, છતાં અહીં ગેવર્ધનરામની સરળતા ચઢી જાય છે.
'પુષ્પ' માં શેલીના The skylark ની અસર પ્રત્યક્ષ છે, અને 'ફુલ વીણ સખે' હેરીકના કાવ્ય 'Gather rose buds while ye may' નો અનુવાદ છે. શેક્સપીયરના નાટક 'વિન્ટર્સ ટેઈલ'ના ચોથા અંકના ત્રીજા પ્રવેશમાં આવતા એક કાવ્યના કકડા પરથી 'પ્રેમીની મૂર્તિપૂજા'એ કાવ્ય રચાયું છે એમ 'કાવ્યમાધુર્ય'ના સંગ્રહકર્તા શ્રી. અંજારિયાએ વર્ષો પહેલાં કહ્યું છે. 'મ્હારૂં કબુતર’ એ કીટ્સના The Dove ને અને 'મધ્યમ દશા' એ કેર્યુના કાવ્ય 'Give me more love or more disdain’ નો અનુવાદ છે. આ સર્વે અને બીજા કેટલાંક કાવ્યોની સરખામણી આ લેખકે ઉપર દર્શાવેલ ત્રણ પુસ્તકોમાં વિસ્તારથી કરી છે. પણ એક કાવ્યનું મૂળ હમણાં જડી આવ્યું છે. 'હજુ એ મળવું' એ કાવ્ય બાયરનના When we two parted થી શરૂ થતા કાવ્યનો અનુવાદ છે.'[૧૮]
અનુવાદ વિશેની ચર્ચા બંધ કરતાં પહેલાં બે બાબતો વિચારવા જેવી છે તે જોઈ લઇએ. કલાપીએ કદી પણ અનુવાદને સ્વતંત્ર કાવ્ય તરીકે ખપાવવાને પ્રયત્ન કર્યો નથી. તે “પ્રિયતમાની એધાણું” એ કાવ્યનું શું સમજવું.
“આ કાવ્યને પ્રમથ “મૃતકુસુમ' એ નામ કલાપીએ આપ્યું હતું. જટિલને લખેલા પત્રમાં કલાપીએ લખ્યું છેઃ “મૃતકુસુમ એ મૃતબાલક નથી, પણ મૃતકુસુમ જ છે. દશ વર્ષ સુધી સાથે રહી શક્યું, કેમકે, પ્રિયાની તે પહેલા પ્રેમની ભેટ, એક પેટીમાં સાચવી રખાયેલું છે. પ્રિયા તો સ્વર્ગવાસી બની અને આ પહેલું કુસુમ પાંખડીઓ પાંખડીઓ સાથે ચોંટી જ ગયું છે અને આકાર માત્ર જ કુસુમ જેવું રહ્યું છે."
આ કાવ્ય ૨૫-૬-'૯૫ ના રોજ લખાયું. કુસુમ દશ વર્ષ સાથે રહ્યું એમ લખ્યું છે. તો તે પેટીમાં લગભગ ૨૫–૬-'૮૫ ની આસપાસ મુકાયું હોવું જોઈએ. કલાપીનો જન્મદિવસ ૨૬–૨–૭'૪. ત્યારે બાર વર્ષની વયે કલાપીએ પોતાની પ્રિયાની એંધાણી સાચવી રાખેલી અને તે પ્રિયા તે સ્વર્ગે ગઈ આ પ્રિયા કોણ? કચ્છ રોહા અને કોટડાની રાજકુમારીઓ સાથે તેમનાં લગ્ન તે ૧૮૯૦માં થયાં? કાંઈ સમજાતું નથી. પણ આ કાવ્યને મિસિસ બ્રાઉનિંગના કાવ્ય A Dead Rose સાથે સરખાવો. થોડા ફેરફાર સાથે તે અંગ્રેજીનો ભાવવાહી અનુવાદ જ લાગશે. ત્યારે કલાપીએ જટિલને આમ શા માટે લખ્યું? એ પ્રશ્નનો જવાબ શોધવાનું વાંચકોને જ સોંપી દઈને હવે બીજી બાબતને વિચાર કરીએ.
અપહરણના અતિ ઉત્સાહમાં આવી જઈને કલાપીના ઉપર એ આરોપ મૂકતાં ઘણો વિચાર કરવા જેવું છે, કે આપણે આ મહાન આત્માને અન્યાય તે નથી કરતા?
સ્વ. નરસિંહરાવે કલાપીના કાવ્ય “'જ્યાં તું ત્યાં હું' ને 'અપહરણનો ઉત્કૃષ્ટ નમૂનો' કહી લખ્યું છે કે, 'આ કાવ્યનાં “પ્રસંગઅંગો 'સ્નેહમુદ્રા'માંના કલાપીએ લગભગ શબદશ: અને પૂર્ણરૂપે અર્થશઃ પોતાના કાવ્યમાં ઉપાડી લઇને નાખ્યાં છે; પ્રસંગ અને ચિત્રનું આ અપહરણ સંપૂર્ણ છે."[૧૯]
પરંતુ હકીકત એ છે કે, ગોવર્ધનરામે પોતે જ 'રસપાન અને મોહ' એ 'સ્નેહમુદ્રા'નું કાવ્ય સ્વતંત્ર રીતે લખ્યું નથી. તેમણે 'સ્નેહમુદ્રા'માં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે, ટોમ્સન કૃત સીઝન્સમાં ડેમન્ અને મ્યુસીડોરાની વાર્તા છે, તે ઉપરથી આ કાવ્યનો પ્રસંગ સૂચિત છે. એટલે સ્વ. નરસિંહરાવભાઇએ કલાપી પર અપહરણનો જે આરોપ આ કાવ્યને અંગે મૂક્યો છે તે ખોટો છે. કલાપીએ કેટલાએ કાવ્યો અંગ્રેજી પરથી લખ્યાં છે, અને કદાચ તેમણે જાતે પુસ્તક છપાવ્યું હોત તો તે પોતાનું સાહિત્ય—ઋણુ જાહેર કરત; એટલે જ કલાપીને માટે 'અપહરણ' શબ્દ વપરાય તે અયોગ્ય લાગે છે."
સ્વ. નરસિંહરાવ કલાપીના આ 'અપહરણ' અને 'સ્નેહમુદ્રા’ના પોતે માનેલ મૂળ કાવ્યમાંથી રા. ખબરદારે કલિકામાં 'અપહરણ' કર્યું છે એમ પણ કહ્યું છે. 'તળાવ કિનારેનાં ઝાડ, ઝાડ ઉપર ચઢીને બેઠેલો પ્રેમી, જનતણો પગરવ બંધ થવો, વસ્ત્રો ઉતારીને જળમાં પડેલી છાયાનું ઓચિંતું દર્શન, તેથી ચમકીને પ્રિયતમાનું જળમાં ડૂબકી મારવાનું કૃત્ય–આ સર્વ અંશો લગભગ મૂળ રૂપમાં કાંઈક ગોપનાર્થે ગોઠવેલા રૂપાન્તરમાં ગોવર્ધનરામની સ્નેહમુદ્રામાંથી, અને તેના જ અપહરણરૂપ કલાપીના એક કાવ્યમાંથી, જડી આવશે.'
નવાઈની વાત એ છે કે, સ્વ. બાલાશંકરે પણ આ અંગ્રેજી કાવ્યના વિચારો લઈ, 'સ્નેહાલાપ’ નામનું કાવ્ય કલાપીએ 'જ્યાં તે ત્યાં હું' લખેલ છે તે જ શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં લખ્યું હતું, અને તેના વિશે સ્વ. સાગરે લખ્યું છે :– "સ્વ. બાલાશંકરનું 'સ્નેહાલાપ'નું કાવ્ય આ જ વૃતમાં છે અને જાણીતું છે. શૈલી અને ભાવ બન્નેમાં ઘણે અંશે સમાન છે. બાલાશંકરની ઉન્મત્ત મસ્તી જો કે આ કાવ્યમાં નથી, પણ તેની ચારુતા, તેની મધુરતા, તેની પ્રણયમયતા અને તેની કલા તો આમાં સર્વાંશે છે." એટલે કે, કલાપીએ આ કાવ્ય બાલાશંકર પરથી લીધું એમ જ, પણ નરસિંહરાવની જેમ 'અપહરણ' શબ્દ નહિ પરંતુ ખરું જોતાં એ સર્વનું મૂળ ઉપર દર્શાવેલ અંગ્રેજી કાવ્ય છે.
વળી કલાપીના સાહિત્ય ઋણ વિષે બોલતાં એક વસ્તુ જણવવાની જરૂર છે. કલાપીમાં મહાન્ કવિઓમાં જ દેખાતી પ્રબળ કલ્પના શક્તિ હતી, એના પુરાવાઓ તેમનાં કાવ્યોમાંથી મળી આવે છે. કાલિદાસને નાયિકાના વિયોગના સંતાપને નાયક ચિત્રદર્શનથી ( કે સ્વપ્નદર્શનથી પણ ) શમાવી શકતો નથી, એ વિચાર બહુ ગમી ગયો લાગે છે. તે તેમણે ત્રણ જગ્યાએ દર્શાવ્યો છે. 'મેઘદૂત'માં યક્ષ મેઘ સાથે પોતાની પત્નીને કહાવે છે:
કાઢી તારી છબી રીસઇને લાડતી, હું શિલામાં,
પોતાને ત્યાં ચિતરૂં, ચરણે વંદતો તેટલામાં;
આંસુ આવી નયન ભરતાં, દૃષ્ટિને રૂંધી લે છે,
ના એવા દે તુજ નયનને, કૂ ર એ વિધિ છે.[૨૦]
ઉજાગરે નહીં એનો પામું સ્વપ્ને સમાગમ;
આંસુ વ્હેતાં થવા દેતાં ના ચિત્રે પણ દર્શન.[૨૧]
દરસન થવું સ્વપ્ને શાનું જ ? નિંદ નર્યો હરે,
વિષમ શરનાં શલ્યો સાલી નિરંતર અંતરે.
છબી ચિતરવી વ્હાલીની, તેય દોરૂં ન દોરૂંને,
પૂરી જ કરવા ના દે આંસુ દગે ઉભરાઇને.[૨૨]
આ પ્રમાણે ત્રણ ગ્રંથોમાં કાલિદાસ એક વાત સામાન્યપણે કહે છે કે, નાયક વિયોગનો સંતાપ શમાવવા માટે નાયિકાનું ચિત્ર જોઈ આશ્વાસન લેવા જાય છે, પરંતુ શોકાવેગથી આંખમાં આંસુ ભરાઈ આવે છે, અને તેથી તે નાયિકાનું ચિત્ર જોઇ શકતો નથી. કલાપી આ કાવ્ય–'જ્યાં તું ત્યાં હું'–માં કહે છે.
આંસુના પડદા વતી નયન તો મ્હારાં થયાં આંધળાં,
લૂછ્યાં ના પણ ઉષ્ણ શ્વાસ દિલને અશ્રુ સુકાવી દીધાં.
અહીં પહેલી લીટીમાં કાલિદાસને પ્રિય થઇ પડેલો વિચાર આવે છે, પરંતુ બીજી લીટીમાં કલાપી કલ્પનામાં કાલિદાસના કરતાં પણ એક પગલું આગળ વધે છે. આંખમાં આંસુ આવવાને લીધે પ્રિય વસ્તુનું દર્શન થઈ શકતું નથી, એટલું કહી કાલિદાસ અટકે છે, પરંતું કલાપી તેથી આગળ વધીને કહે છે કે, પ્રિયતમાનું દર્શન શરૂઆતમાં તો આંસુને લીધે થઇ શકતું નથી; પરંતુ પાછળથી શોકને લીધે જે ઉષ્ણ શ્વાસોચ્છ્વાવાસ ચાલે છે તેને લીધે આંખમાંથી આંસુ સુકાઈ જાય છે અને તેથી પ્રિયતમાનું દર્શન થાય છે !
'હૃદયત્રિપુટી' કલાપીનું સૌથી લાંબું અને સૌથી મહત્ત્વનું કાવ્ય છે. આ ખંડકાવ્યની અનેક દૃષ્ટિથી તુલના કરી શકાય, તેના વિશે પ્રથમ પ્રશ્ન એ થાય છે કે, તેને કલાપીનું આત્મચરિત કેટલે અંશે ગણી શકાય. કલાપીએ જટિલને લખેલા પત્રમાં તેને 'આ જીંદગીના ઇતિહાસમાં એક મહાન વિક્ષેપથી લખાયેલ કાવ્ય,' કહ્યું છે. (તા. ૯−૬−'૯૬) આ જ પત્રમાં કલાપી આ અને તેના જેવાં બીજાં કાવ્યોમાં આલેખેલ પરિસ્થિતિને 'સ્વપ્ન' કહે છે. આ પત્ર 'હૃદયત્રિપુટી' લખાયા પછી લગભગ બે મહિને લખાયેલો છે. હૃદયત્રિપુટી' લખાયાની તારીખ છે, ૭−૪−'૯૬. ત્યાર પછી લગભગ એક વર્ષ પછી સ્વ. કાન્તને કલાપીએ 'હૃદય–ત્રિપુટી'ની નકલ મોકલતાં તેને કાવ્યને બદલે ઇતિહાસ તરીકે વાંચવાનું લખ્યું હતું.
"'હૃદયત્રિપુટી' મોકલેલ છે. હું કહેતો હતો તે જ આ. તેને આપ કાવ્ય તરીકે વાંચવા કરતાં ઇતિહાસ તરીકે વાંચશો. કાવ્ય જેવું બહુ તેમાં નથી. એક વૃત્તાંતમાં અમુક સુધારા કરવામાં આવે છે ત્યારે જ કાવ્ય બને છે, તે આમાં નહિ જેવો જ કરવામાં આવ્યો છે. કદાચ તેમાં poetic justice (કાવ્યસહજ ન્યાય) પણ નહીં લાગે. એ વૃત્તાંતમાં એ justice (ન્યાય) હોત તો એ કાવ્યમાં પણ આવત.” [૨૩]
પણ આ કાવ્યને એક રીતે જોતાં ઇતિહાસ ન કહી શકાય. તેમાં બનેલા બનાવોનું જ માત્ર વર્ણન નથી; કવિએ તેમાં કલ્પનાથી ઘણું ઉમેર્યું છે. વળી આ કાવ્ય લખાયા પછી બે વર્ષે કલાપીએ શોભના સાથે લગ્ન કર્યું. કલાપી પોતાનાં રોહાવાળાં રાણીને 'રમા' અને 'મોંઘીબા'ને 'શોભના' કહેતા હતા, તેથી આ કાવ્યને કલાપીનું જીવનવૃત્તાંત જ માની લેવાય તેવું છે. પણ આ કાવ્યના જેવું કલાપીનું જીવન લગભગ થયું એમ કહી શકાય. એટલે કવિએ જ્યારે તે લખ્યું ત્યારે તેમાં પોતાના જીવનમાં બનેલા બનાવોને બદલે શું બનવું જોઈએ તે લખ્યું છે. સ્વ. કાન્તને ઉપર દર્શાવેલ પત્ર પછી એક અઠવાડિયે કલાપીએ લખ્યું હતું: 'શેલી મેં ૯૨ ની સાલમાં વાંચ્યું હતું. હું ત્યારે તેને સમજી શક્યો નહોતો. હું તેના વિચારમાં અનીતિ જોતો હતો. પણ અહા ! સમય ગયો, અનુભવ મળતા આવ્યા અને જે તે પુકારી ગયો છે તેનું તે જ મ્હારા નશીબમાં લખાયું. હમણાં સાત દિવસ પહેલાં જ ફરીથી એ કવિનાં ત્રણ ચાર કાવ્યો વાંચ્યાં. Epipsychidion [એપિસાઈકીડિયોન] તો ખાસ વાંચવું જ હતું, તે વાંચતાં લાગી આવે છે કે, મ્હારે કાંઈ જ લખવાની જરૂર નથી. પણ એ હૃદય કરતાં આ હૃદયનું દર્દ વિશેષ વિષમ હોય તેમ લાગે છે. એટલું જ તેનાથી જુદું કહેવાનું છે.' (૧૧-૧૨-૯૭). અહીં જેમ કલાપીએ શેલીનું કાવ્ય 'એપિસાઇકીડીઓન’ વાંચ્યું નહતું છતાં તેના જેવા વિચારો અજાણતાં જ 'હૃદય-ત્રિપુટી'માં આવી ગયેલા છે, તેવી જ રીતે 'હૃદય-ત્રિપુટી' માં જે વિચારો કલાપીએ લખ્યા છે અને તેને પરિણામે થતા બનાવો વર્ણવ્યા છે, તેવું કલાપીના જીવનમાં પણ કેટલેક અંશે બની આવ્યું.
સ્વ. કાન્ત ઉપર લખેલા લાંબા પત્રમાં કલાપીએ પોતાનો જીવનવૃત્તાંત લખ્યો છે, તે કેટલેક અંશે 'હૃદય-ત્રિપુટી' આત્મકથા છે, તે સમજવામાં ઉપયોગી થાય તેવો છે.
તે વૃત્તાંત વાંચતાં લાગશે કે, 'હૃદય-ત્રિપુટી'માં કલ્પનાના અંશો કેટલા મોટા પ્રમાણમાં ભળેલા છે. આ સંબંધમાં જાણવું ઉપગી થઇ પડશે કે, કલાપીના મિત્ર સ્વ. સંચિત પણ 'હૃદય– ત્રિપુટી'ને 'કલ્પનામિશ્રિત કાવ્ય' કહે છે. [૨૪]
બીજો પ્રશ્ન એ થાય છે કે આ કાવ્યનાં પાત્રોના મનમાં અને આચરણમાં જે દેખાય છે તે પ્રેમ છે કે કામવાસના? પણ આવો પ્રશ્ન કરનારને અગાઉથી જ કલાપીએ કહી મૂક્યું છે કે 'પ્રેમમાં બધી નીતિ સમાઈ જાય છે.'
પણ શેલીના જે કાવ્યનો ઉલ્લેખ કલાપીએ ઉપર કર્યો છે તેમાં તેવું નથી. શેલીનો પ્રેમ સૂક્ષ્મ (Platonic Love) હતો.
શેલી, અને કલાપીના 'હૃદય-ત્રિપુટી'ના વિચારને પણ મળતું ઘણું યુરોપીય સાહિત્યમાં મળી આવે છે. આ જાતના સાહિત્યનો ટૂંકો પરિચય જીવનનાં દૃષ્ટાંતે સાથે આપતાં એક જર્મન લેખકે [૨૫]લખ્યું છે કે એક જ સ્ત્રી અને એક જ પુરુષ વચ્ચેના લગ્નથી સંપૂર્ણ એકતા સાધવાનું કામ અત્યંત કઠિન છે. પણ અહીં જુદાં જુદાં દૃષ્ટાંત આપી લેખક છેવટે જે નિર્ણય પર આવે છે તે ખાસ જાણવા લાયક છે. તે કહે છે કે, આવાં દૃષ્ટાંત પરથી એવું અનુમાન કરવાનું નથી કે, માણસે નિરંકુશ બની જવું; પણ એક પતિવ્રત અને પત્નીવ્રતના ઉચ્ચ આધ્યાત્મિક આદર્શને પહોંચનાર વ્યક્તિઓ કેટલી બધી મહાન છે તે સમજવાનું છે.
કલાપીની માન્યતા, ઉપર લખ્યું તે લેખકના અને શેલીના કરતાં પણ જુદા પ્રકારની હોવાનું એક કારણ એ પણ હોઈ શકે છે, કલાપી અનેક સ્ત્રી–લગ્નની પ્રથાના અમુક દૃષ્ટિબિંદુથી હિમાયતી હતા, એટલે તેમને આમાં કાંઈ જ અનીતિ જેવું લાગે નહિ. એક પત્નીવ્રતની માન્યતાવાળા ખ્રિસ્તી ફિલસૂફ સ્વીડનબર્ગના વિચારો ઉપર વિવેચન કરતાં કલાપીએ પોતાનું દૃષ્ટિબિંદુ વિસ્તારથી સમજાવ્યું છે. સ્વ. સર રમણભાઈને તેમાં 'સુરસિંહજીનું ઠાકોરપણું કાયમ રહેલું' [૨૬] અને 'રજપુત રાજાની સાંસારિક ભાવના તેમને છોડી દઈ શકી નથી' એવું જણાય છે. પણ કલાપીના આ વિચારોમાં 'ઠાકોરપણું' અથવા 'રજપૂત રાજાની સાંસારિક ભાવના' કરતાં કાંઈક વધારે છે. કયા હેતુથી કલાપી 'હૃદય-ત્રિપુટી'માં ત્રણ હૃદય ઐક્યની કથા કહેવા પ્રેરાયા, અને જીવનમાં પણ શાથી તેમણે સર્વસ્વના ભાગે આવું સાહસ ખેડવાનું યોગ્ય ધાર્યું તે 'સ્વીડનબર્ગના ધર્મ વિચાર'માં વિસ્તારથી અને ઘણું નિખાલસરીતે દર્શાવ્યું છે.
આ સર્વ પ્રશ્નોના કરતાં વધારે મહત્ત્વને પ્રશ્ન એ છે, કે કાવ્ય તરીકે 'હૃદય-ત્રિપુટી'નું મહત્ત્વ કેટલું. તે વિશે અત્યાર સુધી ઘણા લેખકોએ જુદા જુદા અભિપ્રાય આપ્યા છે, પણ સાચો અભિપ્રાય તો દરેક વાંચકે જાતે જ બાંધવો જોઈએ. છતાં વિવેચક તરીકે દુરારાધ્ય મનાતા સ્વ. નરસિંહરાવનો આ કાવ્ય વિશે કેવો અભિપ્રાય છે. તે જાણવું કદાચ ઉપયોગી થઈ પડશે. તેમણે કલાપી વિશે અભિપ્રાય દર્શાવતાં લખ્યું છેઃ માત્ર, 'હૃદય-ત્રિપુટી' અને ત્હેવા જ સ્વરૂપમાંથી ઉદ્દભવ પામેલાં પાંચ છ કાવ્યો, એ જ આ કવિની કીર્તિના પાયારૂપ હું માનીશ; પછી ભલે ક્ષણસ્થાયી કાવ્યોમાં અન્ય જનો મોજ માણે. 'હૃદય-ત્રિપુટી' કાવ્યમાં પ્રેમની જાતિના પ્રશ્નનું અવલોકન કરવાનું અહિં પ્રયોજન નથી. આપણે તો એ કાવ્યમાં પ્રગટ થતી અપૂર્વ કલારચના જ જોવાની છે, અને એ દૃષ્ટિએ અપૂર્વ છે. કલામય રચના છતાં તેમાં કૃત્રિમતા નથી, ભાવપ્રવાહ કેવળ સ્વાભાવિક સ્રોતમાં વહે છે."[૨૭]
કલાપી 'કવિ' કે 'સ્નેહી' એ પ્રશ્ન એક વખત ગુજરાતી સાહિત્યમાં જુસ્સાથી ચર્ચાતો હતો એ અત્યારના વાંચકોને નવાઈ પમાડે તેવું છે. પણ 'કવિ' અને 'સ્નેહી’ એ 'સ્ત્રી' અને 'પુરુષ' જેવા incommensurable શબ્દો નથી. એક વ્યકિત કવિ અને સ્નેહી બને હોઈ શકે, 'કલાપી કવિ હતા કે સ્નેહી?' એમ પૂછવાને બદલે કલાપી કવિ હતા કારણ કે તે સ્નેહી હતા અને સ્નેહી હતા કારણ કે તે કવિ હતા, એમ સમન્વય કરીને સમાધાન ન મેળવી શકાય ?
પણ, કલાપીએ કવિ ગણાવાની કે કવિ તરીકેની કીર્તિની કદીએ દરકાર કરી ન હતી એ હકીકત છે. પોતાનાં કાવ્યોને કલાપી 'કવિતા'નું નામ આપવાની ના જ કહે છે. અખાએ પોતાને કવિ નહિ પણ જ્ઞાની ગણવાનું કહ્યું છે અને આપણે તેને જ્ઞાની કવિ અખો કહીએ છીએ, તેમ કલાપીને પણ સ્નેહી કવિ કલાપી કહીએ તો?
કલાપી પોતાનાં કાવ્યથી કદી સંતોષ પામતા ન હતા તે જ દર્શાવે છે કે તે સાચા કલાકાર હતા. કારણ કે સાચો કલાકાર પોતાની કૃતિથી સંતોષ પામે છે? છતાં કલાપીનાં કાવ્યાએ ૪૦ વર્ષથી ગુજરાતની કવિતા વાંચનાર આલમને વશ કરી છે. લાઠીના નાનકડા રાજ્યના રાજવીએ ગુજરાતી કવિતાપ્રદેશમાં મોટું સ્થાન
મેળવી લીધું છે. અને કીર્તિ તરફ સંપૂર્ણ ઉપેક્ષાવૃત્તિ સેવનાર આ સ્નેહી કવિને અક્ષય કીર્તિ વરી છે.
કલાપીનાં સર્વાનુભવરસિક દેખાતાં કાવ્ય પણ ઊંડી દૃષ્ટિથી જોતાં સ્વાનુભવરસિક માલુમ પડે છે. પણ કલાપી પોતે જ કહે છેઃ 'સ્વાનુભવરસિક કવિ અને સર્વાનુભવરસિક કવિમાં હું બહુ ભેદ જોતો નથી.' [૨૮] કલાપીનાં પ્રતિ વર્ણનનાં કાવ્યોમાં પણ મોટે ભાગે તેની પોતાની જ સ્થિતિનું વર્ણન હોય છે; અને તેમનાં ખંડકાવ્યો તેમની પોતાની જ કથા દેખાય છે. ભરત મૃગબાળને ઉછેરતાં આસક્તિમાં પડ્યો, તે જ પ્રમાણે કલાપીનો એક બાળિકા પ્રત્યેનો વાત્સલ્યભાવ દાંપત્યપ્રેમમાં પરિણમ્યો.
'રમાડ તેને પણ લુબ્ધ ના થજે.' એ પ્રાચીન રાજર્ષિને અપાયેલી સલાહ ખરું જોતાં આ અર્વાચીન રાજર્ષિ પોતાની જાતને જ આપે છે. 'વીણાનો મૃગ’ એ કાવ્યમાં મૃગ, કન્યા અને પોતાની ત્રિપુટીની વાત આવે છે તે હૃદયત્રિપુટીની જ કથા છે.
'વ્હાલાં હાય અરે અરે જગતમાં વ્હાલાં ઉરો ચીરતાં,
ભૂલોની જ પરંપરા જગત આ આખું દીસે છે પિતા'.
અને—
કલા છે ભોજ્ય મીઠી તે જોતા વિણ કલા નહિ,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ ભળે નહિ.
એ આ કાવ્યનું રહસ્ય કલાપીના પ્રેમજીવનનું પણું રહસ્ય છે.
'બિલ્વમંગળ’ માં નાયક પ્રિયાપ્રેમમાંથી પ્રભુપ્રેમમાં ચઢે છે તેની કથા છે. તેમાં પ્રિયાપ્રેમ ઝંખતા કલાપી આ પ્રેમની નિંદા કરે છે, તે આશ્વાસન માટે કરાતી જ 'દ્રાક્ષ ખાટી છે' ન્યાયની અપ્રાપ્યની જ નિંદા છે. મણિલાલ ઉપરના પત્રમાં કલાપીએ લખ્યું. છે: 'ગીતાનો ત્રીજો અધ્યાય મ્હેં હમણાં જ શરૂ કર્યો.. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય–થી [૨૯]શરૂ થતો છઠ્ઠો શ્લોક એ શું મ્હારા પર અને મ્હને લાગે છે, કે દુનિયાના મોટા ભાગ પર એક સખ્ત ઝપાટો નથી ? અને પછી તુર્ત જ એ મહા યજ્ઞનો વિચાર ! એ યજ્ઞ ! હું કોઈ પણ રીતે, મ્હને તે વાંચ્યા પછી શું થાય છે, તે સમજાવી શકતો નથી ! કેટલી બધી પામરતા ! અને એથી પણ વધારે કેટલો બધો સ્વાર્થ : અને એ બધું હૃદયમાં સળગી ઊઠતાં, તે એક મ્હોમાં–પ્રભુ જાણે કેટલી બધી આસક્તિ ! આપ જે સ્થૂલની વાત સમજાવવા માગો છો તે ગીતાના થોડા શ્લોકે મને સમજાવી છે. અને દીન બનાવી દીધો છે...... જે શરીર વૃદ્ધ થઈ જશે તેમાં આત્માના પ્રેમથી જૂદી જ એવી–પણ મ્હારા હદયને-સ્થૂલ કહો કે જે કહો તે-કેટલી બધી લાગણી છે ![૩૦]
'બિલવમંગળ' માં નાયિકાના મુખેથી કહેવડાવ્યું છે :
'મ્હારા વ્હાલા ! સુર ! હૃદયથી, દાસ તું ઈશનો થા.'૩[૩૧]
અહીં 'સુર' ને અર્થ માત્ર સુરદાસ લેવાને બદલે 'સુરસિંહ' પણ કેમ ન લઈએ ?
'ભરત’ વિશે કલાપીએ કહ્યું છે તે જ પ્રમાણે તેમના વિશે પણ કહી શકાય કે— 'રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝુલતું હતું,' અને છેવટે એ હૈયું 'બિવમંગળ’ની માફક રાગ છોડી ત્યાગ સ્વીકારવા તૈયાર પણ થયું હતું, એટલામાં તેના મહાન માલિકનું અવસાન થયું.
આવી જ રીતે કલાપીને 'હમીરજી' લેખકની પ્રતિકૃતિ છે એમ બતાવી શકાય,
કલાપી કવિ તરીકે જેવા સફળ હતા તેવા જ ગદ્યલેખક તરીકે પણ હતા. તેમની પ્રથમ કૃતિ 'કાશ્મીરને પ્રવાસ' વિશે શરૂઆતમાં કહી ગયા. તેમની અન્ય સફળ ગદ્યકૃતિઓ એટલે તેમના 'સંવાદો', 'સ્વીડનબર્ગના ધર્મવિચાર' અને તેમના પત્રો 'સંવાદો' માં પણ તેમની આત્મકથાનાં અશો આવે છે. “સ્વીડનબર્ગના ધર્મવિચાર' માં પણ તેમણે પોતાના પ્રશ્નને જ મધ્યસ્થ રાખીને ચર્ચા કરી છે. પણ તેમના પત્રો તો તેમની અપ્રાપ્ત આત્મકથાનું [૩૨]જ સ્થાન લે તેવા છે. તે દ્વારા તેમના આ મહાન હૃદયમાં અવગાહન કરી વાંચક અલૌકિક પવિત્રતા પ્રાપ્ત કરે છે. સંતના હૃદય જેવું પાવનકારી બીજું તીર્થ કયું છે ?
- ↑ ૧. 'કલાપીનું સાક્ષર જીવન,' રૂપશંકર ઓઝા.
- ↑ ૨. શ્રી. 'કલાપીની પત્રધારા'
- ↑ ૧. પાન્થપંખીડું.
- ↑ ૧. 'કાન્તને પત્ર,' તા. ૨૮-૩-૯૩ 'કલાપીની પત્રો.'
- ↑ ૫.૦ ૫.૧ '૧. જટિલને પત્ર તા. ૯-૧-૯૬'
કલાપીના પત્રો' - ↑ ૧ બિલ્વમંગળ-કેકારવ
- ↑ ૧ ભરત-કેકારવ
- ↑ ૨ હૃદયત્રિપુટી-કેકારવ
- ↑ ૩ વીણાનો મૃગ-કેકારવ
- ↑ ૧ શિકારીને-કેકારવ.
- ↑ ૨ પુષ્પ -કેકારવ
- ↑ ૩ કૌમુદી પૃ. ૧, અંક ૨
- ↑ ૧ કલાપીના પત્રો
- ↑ ૧ 'કલાપીના પત્રો' (શ્રી. મુનિકુમાર ભક) પૃષ્ઠ પ
- ↑ ૧ કલાપીની કવિતાઃ ત્રણ મુદ્દા (કેટલાંક વિવેચનો)
કલાપીનું જીવન અને કવન(કેટલાંક વિવેચનો) ,
ગ્રામમાતા અને બીજા કાવ્યો, હૃદયત્રિપુટી અને બીજા કાવ્યો. - ↑ ૧. દરબારશ્રી વાજસુરવાળાને પત્રઃ ૩૦-૪-૯૬
- ↑ ૧ કવિતા શિક્ષણ–શ્રી. બલવંતરાય ક. ઠાકોર
- ↑ 1. One thousand and one Gems of English Poetry
- ↑ ૧. મનોમુકુર : ગ્રંથ બીજો
- ↑ ૧. શ્રી કીલાભાઈ
- ↑ ૨. શાકુન્તલ : શ્રી બલવંતરાય ઠાકોર
- ↑ ૧. વિક્રમોર્વશીય : શ્રી. કેશવલાલ ધ્રુવ
- ↑ ૧. કાન્તને પત્રઃ ૧-૮-૯૭
- ↑ ૧. કલાપીની પત્રધારા
- ↑ 2 Ivan Bloch. The Sexual Life of Our Time
- ↑ ૧ 'જયંતી વ્યાખ્યાનો'
- ↑ ૧ નરસિંહરાવ : મનોમુકુર-ગ્રંથ ૩
- ↑ ૧ કાન્તને પત્ર તા. ૧૪-૧-૯૮
'કલાપીના પત્રો' - ↑ ૧. કર્મેન્દ્રિયો નિરોધી જે મનથી સ્મરતો રહે,
વિષયોને, વિમૂઢાત્મા મિથ્યાચારી ગણાય તે. - ↑ ૨. સરખાવો :
શું છે હુંમાં ? સુખરૂપ તને દેહ આ ના થવાની,
વ્હાલા, તેને મરણ પછી તો કાષ્ટમાં બાળવાની. – 'બિલ્વમંગળ'. - ↑ ૩. કલાપીનું કાવ્ય 'સુદર્શન'માં 'તુલસી' ના મથાળા નીચે પ્રસિદ્ધ થયું હતું. કાન્તે 'કેકારવ' માં તેનું નામ ફેરવી 'બિલ્વમંગળ' મૂક્યું, કારણ એમાં વર્ણવેલ પ્રસંગ તુલસીદાસના કરતાં બિલ્વમંગળના જીવનને વધારે મળતો છે. આ સમયે કાન્તે મૂળની “મ્હારા વહાલા હૃદય! તુલસીદાસ તું રામનો થા' એ પંક્તિ પણ ફેરવીને ઉપર પ્રમાણે મૂકી. પણ મ્હારા વક્તવ્યમાં આથી કાંઈ જ ફેર પડતો નથી. 'તુલસી' કહીને પણ કવિ પોતાની જાતને જ સંબોધતા હતા, અને ‘કાન્ત’ ના ફેરફારથી તેમાં શ્લેષ આવ્યો.
- ↑ ૧. “હું autobiography (આત્મજીવન) હાલ લખું છું.' કાન્તને પત્ર (૧-૮-૯૭) 'કલાપીના પત્રો'