કલ્યાણિકા/અગમની ઓળખ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અનિર્વાચ્ય પરતત્ત્વ કલ્યાણિકા
અગમની ઓળખ
અરદેશર ખબરદાર
માલિકને દરબાર →
* રાગ આસાવરી - તાલ ત્રિતાલ *


સંતો ! કોણ અગમ સમજાવે,
મનમાં ગાંઠ પડી છોડાવે ?- ( ધ્રુવ )

નહીં નામ કે ઠામ દિસે કો,
નહીં દીઠો, નહીં જાણ્યો ;
નહીં કલ્પનામાં કલ્પાયો :
કેમ ઉરે રહે આણ્યો ?
સંતો ! કોણ અગમ સમજાવે ?

સ્પષ્ટ નિરખતાં છે પણ નહીં ને
છે તે નથી કહેવાતો ;
ક્યાં અંગુલિ ચીંધી દાખવવો ?
નહીં કો રૂપ સમાતો :
સંતો ! કોણ અગમ સમજાવે ?

અંધાએ ઉરસ્વપ્ન દીઠું કો,
મૂંગે સાકર ખાધી ;
બધિરે નવસંગીત સુણ્યું હો :
સહુની એ જ ઉપાધિ !
સંતો ! કોણ અગમ સમજાવે ?

નહીં તારાગણ, નહીં રવિ ચંદા,
નહીં જળ થળ કો બોલે ;
લાખ નામ દઈ જન પૂજે, પણ
પૂજ્ય ભેદ નહીં ખોલે !
સંતો ! કોણ અગમ સમજાવે ?

ચેતન ચેતન અંતર ઝબકે,
બહાર રહી છે માટી :
અક્ષર ઓળખનાર ઉચ્ચારે,
નહીં બોલી દે પાટી !
સંતો ! કોણ અગમ સમજાવે ?

નિરાકાર આકાર કહે કે
ઓળખાવે ઓંકારે ;
સૌથી ન્યારો અદ્દલ રહ્યો તે
કો વિરલા ઉર ધારે !
સંતો ! કોણ અગમ સમજાવે ?

-૦-


ટિપ્પણ

ટિપ્પણ:અગમની ઓળખ