કલ્યાણિકા/માલિકને દરબાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અગમની ઓળખ કલ્યાણિકા
માલિકને દરબાર
અરદેશર ખબરદાર
સ્વયંપ્રકાશ →
* રાગ આસાવરી - તાલ ત્રિતાલ *


મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત !
એના ઉરમંદિર મોઝાર રે કો લઈ જાઓ રે સંત !- ( ધ્રુવ )

સોળ કીધા શણગાર શરીરે,
લાખ કીધાં કંઈ લટકાં ;
દસદિશ તાકી જોઉં બધે પણ
ક્યાં માલિકનાં મટકાં ?
મારી આંખ વહે ચોધાર રે કો લઈ જાઓ રે સંત !
મારા સાહેબને દરબાર રે કો લઈ જાઓ રે સંત !

તીરથ તીરથ સ્નાન કીધાં મેં,
કીધી દર્શનયાત્રા ;
વજ્ર સમાં વ્રત લીધાં તોપણ
મળી ન એકે માત્રા :
મને સૂઝે નવ કો સાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા નાથ તણે દરબાર રે કો લઈ જાઓ રે સંત !

જોતાં જોતાં આંખ મીંચાઈ,
સુણતાં ખોયા કર્ણો :
જ્ઞાન ચઢી મુજ ખભાં દબાવે,
કેમ ચલાવું ચરણો ?
મારા તૂટે તનના તાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા પ્રીતમને દરબાર રે કો લઈ જાઓ રે સંત !

"ફેંકી દે શણગાર તીરથ સૌ,
ભાર ભર્યા તુજ દેહે :
એ વાદળ વચમાં શાં વસમાં ?
આવ સરળ તુજ સ્નેહે ! "
મારા છૂટ્યા એ સૌ ભાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત !

-૦-

ટિપ્પણ

ટિપ્પણ:માલિકને દરબાર