કલ્યાણિકા/અનિર્વાચ્ય પરતત્ત્વ
← ઊડવાં આઘાં આઘાં રે | કલ્યાણિકા અનિર્વાચ્ય પરતત્ત્વ અરદેશર ખબરદાર |
અગમની ઓળખ → |
અનિર્વાચ્ય પરતત્ત્વ
• રાગ કેદાર — તાલ ત્રિતાલ[૧] •
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
કેમ તને બતલાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
લોક પૂછે પ્રભુ કેવો છે તે
કેમ કરી સમજાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?-(ધ્રુવ)
અગમ, અરૂપ, અગોચર, અનહદ :
શા અંકે અંકાવું ?
એક અકળ અંતરનો વાસી
ક્યમ શબ્દે ઉતરાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ? ૧
વેદ પુરાણ કુરાન અવસ્તા
શીખવે તે હું શિખાવું ;
પણ અક્ષર જ નથી તેને ક્યાં
કાનો માત્રા લગાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ? ૨
સૌ ઇંદ્રિયથી પર છે તેને
ક્યમ અનુબોધે લાવું ?
અલખ અકથ એવો ઉર આણું,
પણ કઈ વાણ વસાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ? ૩
સ્વપ્ન ન જોયું તે ક્યમ જાણે
સ્વપ્ન ઊગે છે આ’વું ?
અજન્મ ને અવિગત એવાને
શું કલ્પી કલ્પાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ? ૪
ખાટું, ખારું, તીખું, મોળું,
મધુરું, કડવું ગણાવું :
પણ જે સ્વાદ ન જાણ્યો જીભે,
તે કઈ રીત રસાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ? ૫
નિર્ગુણના શા ગુણ હું ગાઉં ?
કઈ ભાષા ઉપજાવું ?
એ અમી તો ચાખ્યે જ જણાતું :
અદ્દલ હું ક્યમ દર્શાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ? ૬
લોક પૂછે પ્રભુ કેવો છે તે
કેમ કરી સમજાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
- ↑ " મો સમ કૌન કુટિલ ખલ કામી, " એ રાહ.