કલ્યાણિકા/ઊડવાં આઘાં આઘાં રે
← એક જતારી ઓથ | કલ્યાણિકા ઊડવાં આઘાં આઘાં રે અરદેશર ખબરદાર |
અનિર્વાચ્ય પરતત્ત્વ → |
આઘાં આઘાં તે ઊડે આભલાં,
ને આઘાં આઘાં ઘૂમે આકાશ રે :
ઊડવા આઘાં આઘાં રે !
આઘી ઊડે ઝીણી આંખડી,
ને આઘી આઘી અંતરની આશ રે !
ઊડવા આઘાં આઘાં રે. ૧
આઘા આઘા હૂલે તારલા,
ને આઘાં ઝૂલે નક્ષત્રનાં ઝુંડ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
હૈયાની રાખ ઊડે ચોગમે,
તેમાં પડવાં શાં કર્મને કુંડ રે !
ઊડવા આઘાં આઘાં રે. ૨
આઘા સૂરજ, આઘા ચંદ્રમા,
ને આઘા સંધ્યા ઉષાના રંગ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
સોને મઢ્યાં મોંઘાં સોણલાં,
પણ પડ્યાં છે ભાગ્ય તો અપંગ રે !
ઊડવા આઘાં આઘાં રે. ૩
આઘા આઘા ઊડે મેહુલા,
ને કંઈ આઘી આઘી ઊડે વીજ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
પડતાં ખડતાં દિલ ડોલતાં,
ક્યાંથી આવે તે પ્રાણને પતીજ રે ?
ઊડવા આઘાં આઘાં રે. ૪
આઘાં વિહંગ ઊડે વ્યોમમાં,
ને આઘી આઘી સરે ત્યાં દિગંત રે :
ઊડવા આઘાં આઘાં રે ;
સુખના પતંગ દૂર ઊડતા,
એના આવે ક્યાં હાથમાં તંત રે ?
ઊડવા આઘાં આઘાં રે. ૫
આઘા તે ગિરિવર ગઢ દિસે,
ને આઘા આઘા દિશાના દોર રે :
ઊડવા આઘાં આઘાં રે ;
ફૂટે જ્યાં પાંખ જરી આત્મને,
ત્યાં તો તૂટે કૈં કાળજાની કોર રે !
ઊડવા આઘાં આઘાં રે. ૬
આઘા ફિરસ્તા ને દેવતા,
ને આઘા આઘા પ્રભુજીના મહોલ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
પડ્યો જે પ્રાણ દેહપિંજરે,
તેનો આઘે સુણે કોણ બોલ રે ?
ઊડવા આઘાં આઘાં રે. ૭
આઘા આવાસ આશાતણા,
ને આઘાં આઘાં છે પ્રાણનાં પ્રયાણ રે :
આઘેરો આત્મ ઉડાવતાં,
વહાલાં ! લાધશે સ્નેહ કલ્યાણ રે !
ઊડવા આઘાં આઘાં રે. ૮