લખાણ પર જાઓ

કલ્યાણિકા/એક જતારી ઓથ

વિકિસ્રોતમાંથી
← યોગ કલ્યાણિકા
એક જતારી ઓથ
અરદેશર ખબરદાર
ઊડવાં આઘાં આઘાં રે →





એક જ તારી ઓથ


• રાગ ઠુમરી — તાલ ત્રિતાલ []


નાથ ! મને એક જ તારી ઓથ !
તું જ જીવનની જ્યોત :
નાથ ! મને એક જ તારી ઓથ ! - (ધ્રુવ)

સંધી દુનિયા લાગે અંધી,
અંધ દિસે આકાશ :
એક કિરણ વિણ અંધ બધું રહે,
એક ઊગે નહીં આશ :
નાથ ! મને એક જ તારી ઓથ !

પૃથ્વી ખાલી, સાગર ખાલી,
ખાલી સર્જનખેલ ;
ચેતન વિણ કો જડ નવ જાગે,
ખાલી રહે દિલમહેલ !
નાથ ! મને એક જ તારી ઓથ !


બખ્તર પહેરું, શસ્ત્રશું લહેરું,
બામ્ધું કિલ્લા કોટ :
એક ફૂંકે એ સર્વ તૂટે ત્યાં
કોણ પૂરે મુજ ખોટ ?
નાથ ! મને એક જ તારી ઓથ !

સાગર તરવા નૌકા બેઠો,
નૌકા તૂટી જાય :
નાથ નામનો મળે તરાપો,
તો જળ પાર તરાય !
નાથ ! મને એક જ તારી ઓથ !

દેવ ફિરસ્તાને શું પૂજું ?
એ સૌ તુજ મહોતાજ :
નાથ ! મને તુજ ઓથ મળી ત્યાં
ચૌદ ભુવનનું રાજ !
નાથ ! મને એક જ તારી ઓથ !

  1. "કંથ બિન રહી અકેલી મોરી જાન," એ રાહ.