કલ્યાણિકા/યોગ

વિકિસ્રોતમાંથી
← પૂર્ણ જીવનની સુંદરતા કલ્યાણિકા
યોગ
અરદેશર ખબરદાર
એક જતારી ઓથ →





યોગ


• રાગ માઢ — તાલ દાદરો •


તારો યોગ ક્યાં સાધું, નાથ હો !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - (ધ્રુવ)

અંતરમાં તુજ થાય ટકોરા ને
ચાલે ચેતન તુજ બહાર ;
પળપળ તારો શ્વાસ ભરું, તું
દૂર રહ્યો ક્યાં લગાર રે ?
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૧

ક્ષણક્ષણ શિરમાં સણકા ફૂટે ને
આંખે વહે તુજ વહેણ :
તારાં જ ગાન ગવાડ્યાં હું ગાઉં,
તારાં જ કહું રસકહેણ રે :
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૨


અંતર પુણ્યની મેખ જડે ત્યાં
લાગે ખીલા મુજ દેહ :
નેણનાં નેવ ઝરે શતધારે હો,
નાથ ! શા તુજ અમીમેહ રે !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૩

ભરભર કુંભ ભર્યો છલકાય આ,
માય નહીં વધુ નીર ;
ભીતર નખશિખ તું જ ભર્યો પછી
સાધું કયે બીજે તીર રે ?
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૪

અગ્નિમાં ભળતાં વાયુ મળે ને
વાયુમાં ભળતાં આકાશ :
નાથ ! હું તો તુજ કોટે રમું, ત્યાં
યોગ ને ભોગ સૌ પાશ રે !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૫

સ્નેહસાયુજ્ય હું પામિયો, ત્યાં
સાધું અવર શા યોગ ?
નાથ ! આ દેહમાં ડંખ પડે, તે તો
કીટ ભમરીના જોગ રે !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૬