કલ્યાણિકા/પૂર્ણ જીવનની સુંદરતા

વિકિસ્રોતમાંથી
← કર્મનાં પ્રતિબિંબ કલ્યાણિકા
પૂર્ણ જીવનની સુંદરતા
અરદેશર ખબરદાર
યોગ →





પૂર્ણ જીવનની સુંદરતા


• રાગ કેદાર — તાલ ત્રિતાલ [૧]


રે મન ! કાં રહે એકલરંગી ? —
કાં રહે એકલરંગી,
રે મન ! કાં રહે એકલરંગી ?
હું—તું કશું યે જીવનમાં નથી,
એક જ વિશ્વ અભંગી !
રે મન ! કાં રહે એકલરંગી ? — (ધ્રુવ)

એક અમિત અવકાશે ગબડે
ગોળ જગતના જંગી;
એક ભ્રમણગાને નિયમે રહે :
તું કાં ભિન્નતરંગી?
રે મન ! કાં રહે એકલરંગી ? ૧


ડાંખલી તોડે, પાન મરોડે,
ફૂલ ચૂંટે બહુરંગી;
આજ ઊગે ને કાલ ખરે એ,
પછી એ સૌની તંગી
રે મન ! કાં રહે એકલરંગી ? ૨

ભરવૃક્ષે જ રહે સુંદરતા,
કર તેને તુજ સંગી;
ફૂલ, પાન ને ડાંખલી તો છે
એ જ વૃક્ષનાં અંગી !
રે મન ! કાં રહે એકલરંગી ? ૩

નહીં બિંદુમાં સિંધુ ઊછળતો,
સંધ્યામાં ન પતંગી;
પૂર્ણ જીવનની સુંદરતા રહે
એક દિશા ન કઢંગી:
રે મન ! કાં રહે એકલરંગી ? ૪

મનબંધન સૌ એકલરંગે,
તેનો થા ન ઉમંગી:
પૂર્ણ જીવનરંગે જા ડૂબી
હું-તું સૌ ઓળંગી !
રે મન ! કાં રહે એકલરંગી ? ૫

  1. "મો સમ કૌન કુટિલ ખમ કામી?" - એ રાહ."