લખાણ પર જાઓ

કલ્યાણિકા/કલ્યાણ

વિકિસ્રોતમાંથી
← સ્વયંપ્રકાશ કલ્યાણિકા
કલ્યાણ
અરદેશર ખબરદાર
નવપ્રકાશ →





કલ્યાણ

• ભદ્રિકા છંદ[]



શું સામે આવે અંધારાં ?
પ્રભુ બેઠા છે માથે !
શું હૃદયેથી સર્યાં સવારાં ?
પ્રભુ બેઠા છે માથે !
રાત જશે કાળીમાં કાળી,
ઉષા હૃદય દેશે અજવાળી ;
કર્મ કરો ચિંતા સૌ ટાળી !
કલ્યાણ ! કલ્યાણ !
કલ્યા.........ણ !

શું સૂઝે નવ પંથ અગાડી ?
પ્રભુ બેઠા છે માથે !
શું થાક્યા પગ હાથ પછાડી ?
પ્રભુ બેઠા છે માથે !
પંથ પ્રકાશ પ્રગટશે અંતે,
લાંબા પંથ કપાશે ખંતે :
રાખો દૃષ્ટિ અચૂક દિગંતે !
કલ્યાણ ! કલ્યાણ !
કલ્યા.........ણ !

શું ભવભાર ન જાય ઉપડિયો ?
પ્રભુ બેઠા છે માથે !
શું કો સાથી મિત્ર ન જડિયો ?
પ્રભુ બેઠા છે માથે !
ભાર ભલે બહુ વાર દબાવે,
દેહ નહીં પણ સ્નેહ ઉઠાવે ;
પ્રભુની અંગુલિ સૌ ઉપડાવે :
કલ્યાણ ! કલ્યાણ !
કલ્યા.........ણ !

શું આશાની પાંખ કપાઈ ?
પ્રભુ બેઠા છે માથે !
શું કાયર મન રહે મુંઝવાઈ ?
પ્રભુ બેઠા છે માથે !
આશ પડે શ્રદ્ધા રણ રાખે ;
ચીર વિજય પામે ડર પાખે ;
પ્રભુ રાખે તો કોઈ ન ચાખે :
કલ્યાણ ! કલ્યાણ !
કલ્યા.........ણ !


શું તમ આત્મસરોવર ફૂટ્યું ?
પ્રભુ બેઠા છે માથે !
શું તમ અંતરબળ છે ખૂટ્યું ?
પ્રભુ બેઠા છે માથે !
પ્રભુના પ્રેમળ મેઘ ઊતરશે,
સૂકાં સરવર પલકે ભરશે ;
અંતર અદ્દલ નિરંતર ઠરશે :
કલ્યાણ ! કલ્યાણ !
કલ્યા.........ણ !

શું કરશે માનવની મરજી ?
પ્રભુ બેઠા છે માથે !
શું બનશો માનવના ગરજી ?
પ્રભુ બેઠા છે માથે !
પ્રભુને ઉરસિંહાસન થાપો !
સુખદુખ છે પ્રભુના આલાપો :
જે આપો તે, પ્રભુજી ! આપો !
કલ્યાણ ! કલ્યાણ !
કલ્યા.........ણ !

  1. આ છંદ નવો રચ્યો છે.