લખાણ પર જાઓ

કલ્યાણિકા/દ્વિરંગી જ્યોત

વિકિસ્રોતમાંથી
← અમૃતપાત્ર કલ્યાણિકા
દ્વિરંગી જ્યોત
અરદેશર ખબરદાર
અજવાળિયાં →





દ્વિરંગી જ્યોત

• રાગ માઢ — તાલ ગઝલ — પશ્તો •


ધ્રૂજી ધ્રૂજી જળે ને ધગધગે
જગે જીવનની રસજ્યોત :
જળે જળે છતાં લળી ઝગઝગે,
એવી જીવનની અમીજ્યોત !—( ધ્રુવ )

સોનલ કોડિયે અમૃત ભરિયાં,
કિરણવણી મહીં વાટ ;
વેદનઝાળથી તે સળગાવી,
જળતી ઝગે જગપાટ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૧

અંદર અમૃતરસ ભર છલકે,
ઉપર વેદનઝાળ :
અમૃતપાન કરે તે જળે હો,
સંતોનો પંથ કરાળ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૨

અંધારે ઊગશે તારલા ને
કાંટે ફોરશે ફૂલ ;
જળવું જગતને બારણે ને
ઝબકી લઈ થવું ગૂલ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૩

દારુણ વેદના હો એ ભલે, પણ
અંતરબળ દે એ જ :
વાદળવહન વિના નહીં વૃષ્ટિ ને
અગ્નિ વિના નહીં તેજ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૪

ક્યાં લગી જળતું આ જીવન જાશે,
ક્યાં છે એ પ્રશ્નનું કામ ?
જ્વલન જશે તો એ જ્યોતે બુઝાશે :
ક્યાં રહેશે જીવન નામ રે ?
એવી જીવનની અમીજ્યોત ! ૫

જીવનજોગી હો ! દિલડું જળાવતો
અમૃત પીજે એ એમ !
જ્યોતિફુવારા એ ઊડશે ને કરશે
સહુનું કલ્યાણ ને ક્ષેમ રે !
એવી જીવનની અમીજ્યોત ! ૬