કલ્યાણિકા/પ્રભુની સ્નેહઠગાઈ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← દિશાસૂચન કલ્યાણિકા
પ્રભુની સ્નેહઠગાઈ
અરદેશર ખબરદાર
પ્રભુનો જ સાથ →
(ધોળ)


જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું !
એને આગળ કરી તું ગુપ્ત રહે શું દૂર ?
તારી લાખ લીલામાં સર્વ રહ્યા લોભાઈને,
પણ મુજને તો જોઇએ એક જ ઉરનૂર :
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૧

તારો સૂરજ આવી બાંધે તેજકિરણ વડે,
તુજ તારા અમને તમજાળે ઘસડી જાય;
હું તો તેજ તિમિર વચ્ચે મુજ આંખો ઠેરવું,
તારી છાય જરા પકડું કે તું લોપાય !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૨

તુજ સંદેશા જેવા ગગને ઘૂમી રહે,
તારાં ઘોર નગારાં વાગી રહે આકાશ;
અમૃતબિંદુ પડે ટપકી તુજ પ્રેમાળ પાત્રથી,
ભીંજવે ભૂમિ, પરંતુ ભીંજાય ન મારી આશ :
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૩

તારી વીજલપાંખ ઊડી રહે વાદળ વાદળે,
પળમાં ક્ઝબકાવી જગવે સૂતા અંધાર :
તારાં સ્વર્ગતણાં દ્વારોના ઢાંકઉઘાડ એ
આંજે સૌને, પણ ક્યાં છે તુજ અંતરદ્વાર ?
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૪

રંગે રંગભર્યાં આભે તારાં પગલાં પડે,
જાણે એ પૂઠે પડતાં જડશે તુજ વાટ;
ઘડીના રંગો એ જગને ઝૂઅવી રહે; પણ હું તો
માગું તુજને, -નહીં તુજ વસ્ત્રોના ઝળકાટ !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૫

તારી માયાનાં નખરાં મોહી રહે સર્વને,
મારું મનુજહૃદય સપડાય તહીં ધડી એક;
તારા ઠોકા ત્યાં સુણતાં જાગે ફરી આત્મ મુજ; -
આ તો તું નહીં, તારી છે પ્રતિમૂર્તિ અનેક !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૬

જીવનભર આવાં જ રમકડાંથી શું રાચવું ?
અમારે રોવું ને તારે જોવું સંતાઈ ?
તું શું નવાં નવાં આપે તે નહીં ભાંગી જશે ?
જા રે !-આ તો તારી શાશ્વત સ્નેહઠગાઈ !
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું ! ૭

તારી દિશા દિશાના પડદા માંડું ખોલવા,
મારા રંગ બધા ધોઈ નાખું રસલોલ;
ઠોકી ઠોકી તારાં દ્વાર તને પજવું હું યે,
તારી પાસ અદ્દ્લ બોલાવી દઉં એક બોલ !
જા રે પ્રભુ ! જોજે હસી પડશે મુજ બળ જોઈ તું ! ૮

(પૂર્ણ)