ગ્રામોન્નતિ/આંગણું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૮ સ્વચ્છતા ગ્રામોન્નતિ
આંગણું
રમણલાલ દેસાઈ
૨૦ શેરી અને ગામ →


.
૧૯
આંગણું

આંગણું કે ઉકરડો ?

સ્ત્રીઓ ગરબામાં ગાય છે :

કંકુ લીપ્યાં આંગણાં

‘મેં તો કુમકુમ લીપ્યું મારું આંગણું રે લોલ !'

એમ કંકુથી લીપેલાં કેટલાં આંગણાં હશે ?

કંકુથી આંગણું લીપવાની વાત જવા દો. માટીથી લીપેલાં આંગણાં પણ આજના સમયમાં હશે ખરાં ? બહુ જૂજ.

માટીથી લીપી આંગણું ચોખ્ખું રાખવામાં કાંઈ મુશ્કેલી હશે એમ આપણે માનીએ. માત્ર સાવરણીથી જ સાફ કરેલાં આંગણાં કેટલાં જોવામાં આવે છે ? આંગળીને ટેરવે ગણાય એટલાં ! સો આંગણે એકાદ !

આપણે તો આંગણાંના ઉકરડા બનાવી દીધા છે. આંગણું એટલે ઘરનો કચરો ફેંકવાની જગા; ગંદું પાણી ઢોળવાની જગા; અજીઠવાડ નાખવાની જગા; રદ્દી કાગળો ફેંકવા હોય તે પણ આંગણામાં; ચૂલાની રાખનો ઢગલો કરવો હોય તો તે પણ આંગણામાં; જમી રહીને પતરાળાં નાખવાં હોય તો તે પણ આંગણામાં, બાળકોને કુદરતી હાજતે લઈ જવાં હોય તો તે આંગણામાં, ઢોર બાંધવાનાં હોય તો તે એ આંગણામાં. ઉકરડા અને આંગણામાં આપણે શા ફેર રહેવા દીધો છે ?

ઘરને દીપાવનાર આંગણું
ઉચ્ચ કોમોની બે-
કાળજી
જેટલું ઘરનું મહત્ત્વ એટલું જ મહત્ત્વ શું આંગણાનું નથી ? એક સુંદર ઇમારત હોય અને તેના જ ઓટલા નીચે ઘાસનાં તણખલાં, કાગળના ડૂચા, છાણના ઢગલા અને ગંદા પાણીના રેલા દેખાતા હોય. તમને તે જોઈને કેવું લાગશે ? તમે સુઘડ હશો તો તુરત નાકે હાથ દેશો; ઘરની ઉંચાઈ પહોળાઈ કે કારીગરી જોવા એક પણ ક્ષણ થોભશો નહિ; સંભાળીને પગ મૂકવાની અગવડ ભોગવતા તમે બબડી ઉઠશો, અને ઘરના માલિકને એક સુસ્ત, કાળજી વગરના ગોબરા માણસ તરીકે કલ્પનામાં ધારી લેશો. એના મોટા ઘરની કિંમત કેટલી ઘટી ગઈ ?

હવે તમે કોઈ સારા ઢેડવાડામાં જાઓ. તમને ખબર છે ? ઢેડવાડા એવા સ્વચ્છ હોય છે કે તેમની આગળ શેઠશેરી, બ્રહ્મપોળ, દેસાઈવગો, નાગરવાડો કે મહાજન ચકલો એવા મોટા મોટા નામવાળા ચકલા બિલકુલ અસ્વચ્છ લાગે. ત્યાં મોટી મોટી હવેલી એ નથી હોતી; થોડાં નાનાં ઇંટેરી મકાનો અને મોટે ભાગે માટીથી થાપેલાં ઝૂંપડાં તમારી નજરે પડશે. પરંતુ એ ઝૂંપડાંનાં આંગણાં કેવાં હોય છે ?

ઝૂંપડાં વચ્ચે પહોળી જગા; સ્વચ્છ લીપીને તૈયાર કરેલું આંગણું; આંગણામાં તુળશી ક્યારો ! આ દેખાવ શું સારો નથી ? તમે ઝૂંપડીનો વિચાર ભૂલી જાઓ છો અને આંગણું કેવું ચોખ્ખું છે એનો વિચાર કરતા હો છો. કહો, સ્વચ્છ આંગણાવાળી ઝૂંપડી સારી ? કે ગંદા આંગણાવાળી હવેલી સારી ? તમને ઝૂંપડી આનંદ આપશે કે હવેલી ? જે હવેલી આગળથી તમારે નાશી જવું પડે તેના કરતાં જે ઝૂંપડી પાસે જરા ઊભા રહેવાનું મન થાય એ જ વધારે પ્રશંસાપાત્ર ગણાય. અલબત્ત ઢેડ લોકોનાં રહેઠાણ બધે જ સ્વચ્છ હાય છે એમ કહેવાનો આશય નથી.

આંગણાનું મહત્ત્વ
સુંદર આંગણાથી ઉપ-
જતું સુંદર માનસ
આંગણાંનું મહત્ત્વ હવે કાંઈ સમજાય છે ? જેટલું સુંદર આંગણું એટલું જ સુંદર ઘર દેખાય. ખરાબ આંગણે ઘરનો બધો મોખ માર્યો જાય છે.

ઘરઆંગણાંની સુંદરતા એ એક વાત થઈ. બીજાને આપણું આંગણું કેવું લાગે છે તેની આપણે દરકાર કદાચ ન રાખીએ. પણ આપણે પોતાને માટે શું આંગણું સાફ રાખવાની જરૂર ઓછી છે ?

ઘરનું સાથી આંગણું. તમે બારીએ નજર કરો તો આંગણું પહેલું નજરે પડે. ઘર બહાર પગ મૂક્યો હોય તો ય તે આંગણામાં થઈને. બહારથી ઘેર આવવું હોય તો યે તેમ જ. તમારાં બાળકોને રમવું હોય તો ય તે આંગણામાં જ. વિવાહવાજનનો પ્રસંગ આવ્યો હોય તે આંગણે જ ઉજવાય. ઘરમાં સંકડાશ હોય તો પાટ પાથરી મળવા આવનારને આંગણામાં બેસાડાય. સંધ્યાકાળે અણગમો આવે તો પડોશીઓ સાથે આંગણે બેસીને વાતો થાય. ગરમીના દિવસોમાં ખાટલા પાથરી આંગણામાં સુવાય.

આરોગ્ય અને આંગણું
તમે જ કહો, તમે નજર કરો અને તમારું આંગણું કચરાથી ભરેલું હોય એ તમને જ કેવું કદરૂપું લાગશે ? ઘર બહાર પગ મૂકતાં જ તમે ગંદકી જુઓ એટલે તમને કમકમી આવશે કે નહિ ? ગંદા આંગણાંમાં થઈને ઘરમાં દાખલ થવું એ કેટલું જોખમ ભરેલું છે તે જાણો છો ? ગંદકી એ રોગના જંતુઓનું ઘર. તમે ઘરની અંદર આવો તે વખતે ગંદા આંગણાંમાંથી જોડા અગર પગ સાથે રોગના કેટલાંયે જંતુ ઘરમાં દાખલ કરતા હશો તેનો હિસાબ કાઢો છે ? ધૂળ ભરેલા આંગણામાં રમીને તમારાં બાળકો કેવાં થઈ જાય છે એ તમે ધ્યાન રાખીને કદી જોયું છે ?
પવિત્ર પ્રસંગો અને
આંગણું
એક પાસ ચૉરી જેવી પવિત્ર જગા બાંધી હોય અને તેની જ પાસે ખાળકુંડીનાં પાણી વહેતાં હોય ! પ્રસંગની પવિત્રતા ક્યાં રહી ? પાટ પાથરીને તમે પરોણાઓને બેસાડો અગર કોથળો પાથરી પડોશીઓને બોલાવી વાત કરો. તે વખત તમારી જ બાજુમાં દુર્ગંધવાળું છાણ પડ્યું હોય એ જોઈને શું તમને શરમ નહિ આવે ? કોઈ દિવસ આંગણામાં તમારે સૂવાનો પ્રસંગ આવ્યો ! માથા આગળ કોલસા, પગ આગળ ખાળકુંડી અને ખાટલા નીચે રાખડીનો ઢગલો પડ્યો હોય : તમે સમજુ હો તો જરૂર તમને કમકમાટી થવી જોઈએ. અને શું આવા પ્રસંગો ઘણી વખત અનુભવમાં નથી આવતા ? ઘણી વખત તો શું પણ સોએ નવ્વાણું આંગણાંમાં જ ઉપર પ્રમાણે દશા હોય છે. ત્યારે આપણે સમજુ કે અણસમજુ ?
ગરીબીનું બહાનું

આંગણું સ્વચ્છ રાખવું એ બહુ મુશ્કેલીની વાત છે એમ માનશો

ગરીબીનું બહાનું
નહિ. ગરીબ કે તવંગર બધા જ પોતાનાં આંગણાં સાફ રાખી શકે છે. જો તેઓ ધારે તો. એમાં ભારે સાધનની જરૂર નથી. એક સાવરણો અને બે ઘડા પાણી : એટલામાં હરકોઈ ગરીબ પોતાનું આંગણું ચાંદની જેવું ચોખ્ખું બનાવી શકે છે.

ગરીબ માણસને ઘેર નોકરચાકર હોતા નથી એ વાત ખરી છે. ગરીબ માણસ પોતાની ગરીબીને લીધે ઘણી બાબતોમાં તવંગર કરતાં પાછળ રહી જાય છે; પરંતુ એક બાબત એવી છે કે જેમાં એક ગરીબ માણસ લક્ષાધિપતિને કોરાણે મૂકી શકે છે. એ કઈ બાબત ?

આંગણું અને અંગ-
મહેનત
લક્ષાધિપતિને અગર તેના કુટુંબીઓને સાવરણી ઝાલતાં શરમ આવે છે, તેનાથી અંગમહેનત થઈ શકતી નથી; ઘણાં કામમાં તેમને નોકર ઉપર આધાર રાખવો પડે છે. તવંગરના નોકરો તેમને મુબારક હો ! તેમની ઈચ્છામાં આવે તો તેઓ આંગણાં ભલે નોકરો પાસે સાફ કરાવે ! પરંતુ નોકરો ઉપર આધાર રાખનાર ધનાઢ્યો કેટલા પરતંત્ર છે તે તેમની જ ફરિયાદ ઉપરથી સમજાઈ આવશે. જગતનો મોટો ભાગ ગરીબ છે. ગરીબોને અંગમહેનત કરતાં શરમ આવતી નથી. તવંગરોને નોકર વગર બેસી રહેવું પડે છે, નોકર કરે તેટલાથી ચલાવી લેવું પડે છે, જ્યારે ગરીબ માણસ જાતે જ પોતાનું કામ પોતાની ઇચ્છા મુજબ કરી શકે છે. અંગમહેનતની છૂટ એ ગરીબોને તવંગર કરતાં વધારે અનુકૂળ સ્થિતિએ શું મૂકતી નથી ? તવંગરો જે કરી ન શકે તે ગરીબો અંગમહેનતથી કરી શકે છે. અંગમહેનત એ ગરીબોને એક જાતની સ્વતંત્રતા આપે છે જેનો લાભ તવંગરો લેઈ શકતા નથી. એ બાબતમાં શું ગરીબ શ્રેષ્ઠતા નથી ભોગવતા ?

સ્વચ્છતામાં રહેલી
સહેલાઈ
અંગમહેનત જેવું સમર્થ સાધન જેને મળ્યું છે તેનાથી ગંદકીનો બચાવ થઈ શકે જ નહિ, ગરીબીનું બહાનું કાઢી તેનાથી આંગણું અસ્વચ્છ રાખી શકાય જ નહિ. આંગણું સ્વચ્છ રાખવામાં દરરોજ દસ મિનિટ કરતાં વધારે વખત જાય એમ નથી. સાવરણીથી પંદર વીસ ફૂટનું આપણું આંગણું ચોખ્ખું કરી તેના ઉપર માત્ર બે જ ઘડા પાણી નાખવાથી આંગણાની આખી રોનક બદલાઈ જાય છે, અને તે ઘણું રળિયામણું લાગે છે. રળિયામણી જગા એ જ પવિત્ર જગા. આપણાં આંગણાંને શું આપણે પવિત્ર ન બનાવવાં જોઈએ ? ગરીબ કે તવંગર આંગણું અસ્વચ્છ રાખવા માટે કશું બહાનું કાઢી શકે એમ નથી. આંગણું અસ્વચ્છ રહે એ આપણો જ દોષ !
બીજા લોકોનાં આંગણાં
જનો યુગ
આપણે ધારીએ છીએ ત્યારે આપણે આપણાં આંગણાં કેવાં સ્વચ્છ રાખી શકીએ છીએ તેની ખાતરી કરવી હોય તો આપણા જૂના સમયનો સહેજ ખ્યાલ કરો. જૂના સમયમાં આંગણાં હાલ કરતાં વધારે શોભાયમાન રહેતાં એનો અનુભવ દરેક જણને હશે. જૂના સમયનો વિચાર ન કરવો હોય તો આપણા દીવાળી ટાંકણાને યાદ કરો. આપણો સ્ત્રીવર્ગ સવારમાં વહેલો ઊઠી આંગણું વાળી ઝાડી તેના ઉપર સહજ લીપીગૂંપી અગર તેવી સગવડ ન હોય તો માત્ર આંગણામાં પાણી છાંટી સાથીયા કરે છે, એ તો બધાએ જોયું હોય જ. એ દૃશ્ય કેવું સુંદર લાગે છે ? તહેવારને દિવસે જે સફાઈ આંગણાંમાં રહે તે દરરોજ કેમ ન રહી શકે ?પારસીઓનાં
આંગણાં
તમે પારસીઓના મહોલ્લા જોયા છે ? બધા જ પારસીઓ ધનવાન છે એમ માનવાની કદી ભૂલ કરશો નહિ. તેમનામાં પણ ઘણાં ગરીબ કુટુંબ હોય છે. પારસણોને પણ સ્થિતિ પરત્વે બેડું લઈ કૂવે પાણી ભરવા જવું પડે છે. તેમનામાં પણ નાનકડા ઘરમાં વસતાં ગરીબ કુટુંબો હોય છે. તથાપિ તાલેવન કે ગરીબ ગમે તે પારસીનું આંગણું જોશો તો સ્વચ્છ અને ચકચકીત દેખાશે. એવાં સ્વચ્છ આંગણામાં ધોળાં, લાલ, પીળાં એવાં રંગીન છાપાં પાડી આંગણાને સુંદર ચિત્ર જેવું શોભીતું બનાવ્યું હોય છે. આવી આંગણાની સ્વચ્છતા તહેવારના જ દિવસોમાં તેઓ રાખે છે એમ નહિ. દરરોજ સવારમાં પારસણો મોટે ભાગે જાતે આંગણું ઓટલા સ્વચ્છ કરી બીબાં વડે છાપાં પાડે છે. રોજ સુંદર આંગણું જોવા ટેવાયેલી પારસી કોમ ગંદાં આંગણાં સહન કરી શકતી નથી.

આપણે પણ એ જ સ્વચ્છતાની ટેવ પાડીએ તો આપણાં આંગણાં પણ સુશોભિત બને. સૂરત નવસારી બાજુએ પારસી સિવાય પણ કેટલાંક હિંદુ કુટુંબોમાં આંગણે છાપાં પાડવાનો રિવાજ દાખલ થઈ ગયો છે.

દક્ષિણી કુટુંબોનાં
આંગણાં
એ જ પ્રમાણે દક્ષિણી કુટુંબમાં પણ આંગણાં સ્વચ્છ રાખવાની ભારે ચીવટ જોવામાં આવે છે. દક્ષિણનાં ગામડાંમાં આંગણાંની છૂટ સારી હોય છે. લોકો આંગણે ફળ ઝાડ વાવે છે, ફૂલ છોડ રોપે છે, અને રંગોળી પૂરી આંગણાંને બહુ જ સુંદર બનાવે છે. આ સ્વચ્છતાની ટેવ તેઓ ગુજરાતમાં પણ સાથે લાવે છે. દક્ષિણી કુટુંબનાં આંગણાં આગળ હાલ આપણે સ્વચ્છતા જોઈ શકીએ છીએ; બે ચાર કેળના રો૫ આંગણે હોય જ. દરરોજ જુદી જુદી જાતના સ્વસ્તિકો જુદા જુદા રંગથી પૂરી તેમનાં

આંગણાં તેમણે ઝાકઝમાળ બનાવ્યાં જ હોય. એવાં આંગણાંમાં બેસીએ તો આપણને મંદિરમાં બેઠા જેવી પવિત્રતા લાગે. આ બધા દક્ષિણીઓ વધારે પૈસાદાર હોય છે એમ માનશો નહિ. એમના દાખલા ઉપરથી એટલું સમજવાનું છે કે આંગણાં સ્વચ્છ રાખવામાં પૈસાની બિલકુલ જરૂર નથી. રંગોળીના રંગ મોંઘા હોતા નથી. ધોળો રંગ તો પથરા અગર ખડીમાંથી પણ મેળવી શકાય. સાથીયા ચીતરવાની આવડતમાં આપણી ચિત્રકળાનું સહજ રક્ષણ થાય છે એ ભૂલવા જેવું નથી.

પરંતુ ભલે તમારે આંગણે રંગોળી ન ચીતરી શકાય. તમારાથી આંગણે કચરો તો ન જ રખાય. અને કચરો દસ મિનીટમાં સાફ કરી તમે બે ઘડા પાણી છાંટી તમારું આગણું સુશોભિત નહિ તો સાફ કેમ ન રાખી શકો ? એમાં ભારે મહેનત નથી અને એક પૈસાનું પણ ખર્ચ નથી.

આપણો નિશ્ચય.
સ્વચ્છતાનો નિશ્ચય
એક જણ આંગણું સાફ રાખે તે જોઈને પાડોશીને પણ દેખાદેખી તેમ કરવાની ઈચ્છા થાય. ધીમે ધીમે આખું ગામ આંગણાં સાફ રાખતાં શીખે. ગામના પાંચ આગેવાનો-પંચાયતના સભ્યો જ આવા કામની શરૂઆત કરી ગામને દાખલો કેમ ન બેસાડે ? જે આંખને ગમે તે હૃદયને પણ ગમે. ગંદુ આંગણું જોઈ આપણી આંખ કંટાળશે, અને સાથે સાથે આપણું હૃદય પણ કંટાળશે. આપણે સુસ્ત, નિર્જીવ અને ચીડિયા બનીશું.

એના કરતાં આંગણું સ્વચ્છ રાખી તેને પવિત્ર બનાવી આપણી આંખને અને હૃદયને પવિત્ર બનાવીએ તો કેવું સારું ? એક આંગણું સાફ કરવાથી કેટલા લાભ થાય ? દેહને આરોગ્ય મળે, આંખને સૌન્દર્ય મળે અને હૃદયને પવિત્રતા પ્રાપ્ત થાય.