લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/આરોગ્યરક્ષણ

વિકિસ્રોતમાંથી
← ૧૬ સામાજિક ઉન્નત્તિ ગ્રામોન્નતિ
આરોગ્યરક્ષણ
રમણલાલ દેસાઈ
૧૮ સ્વચ્છતા →


.





૧૭
આરોગ્ય–રક્ષણ


ગામડાંની તંદુરસ્તી
સામાન્ય માન્યતા એવા પ્રકારની છે કે ગામડાં તંદુરસ્તીની ખાણ સરખાં છે : ગ્રામજનતા શહેરની કેળવાયલી જનતા કરતાં વધારે મજબૂત, દીર્ઘજીવી અને નિરોગી છે. આમ હોવું જોઈએ એ વાત ખરી. પરંતુ આમ છે એમ કહેવું એ અભ્યાસ અને નિરીક્ષણથી ભાગ્યે જ સાચું ઠરે.

ગામડાંની પ્રજા વધારે મજૂરી કરતી દેખાય એટલા માટે તે વધારે તંદુરસ્ત છે એમ કહી શકાય નહિ. મહેનતના ઘણા પ્રકાર ટેવરૂપ બની જાય છે. કોથળા ઊંચકવા ટેવાયેલો પુરુષ આપણને નવાઈ પમાડે એટલો ભાર ઊંચકી શકે. પરંતુ તેનો અર્થ એમ નહિ કે એટલા જ કારણે તે આપણા કરતાં વધારે મજબૂત છે. લાકડાં ચીરનાર, ઘણ મારનાર અને એવી સખ્ત મજુરી કરનાર માણસોના સ્નાયુઓ અમુક કામ કરવાને એવા ટેવાઈ ગએલા હોય છે કે બીજાને અશક્ય લાગતું કામ તેઓ સરળતાથી કરી શકે છે. એવાં કામ ટેવ ઉપર વધારે આધાર રાખે છે.

અને મજુરીનો મોટો ભાગ તો અનિચ્છાએ આદરવાનો હોય છે. પોષણને માટે જરૂરની મજૂરી કર્યા સિવાય ગ્રામજનતાનો છૂટકો હોતો નથી માટે શક્તિ બહારની મહેનત તે ઘણી વખત કરે છે. આમ ટેવ અને જરૂરિયાત નબળી ગ્રામજનતાને સશક્ત દેખાડી સહુને ભ્રમમાં નાખે છે. ગ્રામજનતાનાં હાડચામડાં તેના અનારોગ્યની સાક્ષીરૂપ છે. ઝડપથી વૃદ્ધ બની જતો ગામડિયો ગ્રામઆરોગ્યના – કે અનારોગ્યના પ્રદર્શનરૂપ છે. કરમાઈ ગએલો કરચલીવાળો ગામડિયો ગ્રામશક્તિનું દર્શન નથી જ કરાવતો.

આરોગ્યભર્યું જીવન કોને કહેવાય ?

રોગ અને આરોગ્ય
 

રોગરહિત જીવનને આપણે આરોગ્યમય જીવન કહીએ. પણ હિંદુસ્તાન તો રોગનું ઘર છે ! એક નહિ અનેક ! હિંદમાં કયા રોગ નથી ?

ટાઢિયો તાવ–મૅલેરિયા એ તો કૃષિજીવનનો નિત્યસાથી. ચોમાસુ અને શિયાળાનો મોટો ભાગ હિંદની પ્રજા ટાઢિયા તાવમાં સપડાયેલી રહે છે. હિંદની પોણા ભાગની જનતા ટાઢિયા તાવનો દર વર્ષે અનુભવ કરે છે.

પ્લેગ-ગ્રંથીકજ્વર તો ગમે ત્યારે ગમે ત્યાં દેખા દે. ઇન્ફ્લ્યુઅન્ઝા તો લગભગ મૅલેરિયાની હરીફાઈ કરતો દેખાય છે. પ્લેગ અને ઈન્ફલ્યુએન્ઝાએ હિંદની અંદર ભયંકર સંહાર કરી હવે કાયમનું સ્થાન મેળવ્યું હોય એમ લાગે છે. હિંદમાં એકલા માનવ–હુમલા જ આવે છે એમ નહિ. રોગ પણ હિંદ ઉપર ફાવે ત્યાંથી તૂટી પડે છે, અને માનવીઓની માફક કાયમનું સ્થાન મેળવે છે.

કૉલેરા પણ વખત બેવખત ફાટી નીકળે.

ઓરી, અછબડા અને બળિયાનાં દર્દીને આપણે દેવ બનાવી પૂજીએ છીએ. એ તો સહુને થવાં જ જોઈએ એવી આપણી માન્યતા છે. ઉંટાટિયો પણ આપણો દેવ !

ફેફસાંનાં દર્દો વગર પણ કેમ ચાલે? સામાન્ય ઉધરસને આપણે બાજુએ મૂકીએ, તો પણ ક્ષય અને દમનાં દર્દ કેટકેટલાં જીવનનો ભોગ લે છે એનો આપણે હિસાબ કાઢ્યો છે? ન્યુમોનિયા, ટાઈફૉઈડ એ હવે આપણાં ઓળખીતાં દર્દો બની ગયાં છે, અને ડીપ્થેરીયા, મેનીન્જાઈટીઝ, કાલાઆઝાર તથા બેરીબેરી જેવાં ભવ્ય કલ્પનાપ્રેરક નામવાળાં દર્દો આપણને ધીમે ધીમે સોડમાં લેતાં થયાં છે એ ભૂલવા સરખું નથી.

આંખો દુખવી એ પણ એક સામાન્ય દર્દ થઈ પડ્યું છે. ચામડીનાં દર્દો વિસ્તૃત હોવા છતાં તેમને સંતાડી શકાય અને વાઢકાપને પાત્ર ન થાય ત્યાં સુધી તેમને મહત્ત્વ અપાતું નથી. એનીમીયા, મંદાગ્નિ અને અસ્વસ્થતાને તો આપણે ગણકારતા નથી – જો કે તેમની બૂમો તો બહુ જ પાડીએ છીએ. સ્ત્રીઓએ તો સ્વયંવર રચી હિસ્ટીરિયાને વરમાળ આરોપી દીધી છે.

થોડા ચોંકાવનારા
આંકડા
એક અભ્યાસીએ હિસાબ કાઢ્યો છે કે બ્રિટીશ હિંદમાં દર વર્ષે સાડાચાર કરોડ માનવીઓ રોગમાં સપડાય છે, તેમાંથી પોણો કરોડ ઉપરાંત માણસો મરણવશ થાય છે. એનો વધારે અસરકારક હિસાબ કરીએ તે દર એક દિવસે લગભગ એકવીસ હજાર માણસો મરે છે, અને દર કલાકે ૮૭૦ માણસોને આપણે બ્રિટીશ હિંદમાંથી ખોઈએ છીએ.

બ્રિટિશ હિંદ ઉપરાંત રાજસ્થાની હિંદને આમાં વધારીએ તો એ પ્રત્યેક આંકડાનો ચોથો ભાગ તેમાં ઉમેરી દેવો રહ્યો !

કલાકનાં હજાર સવાહજાર માણસો અને ચોવીસ કલાકનાં પચીસ ત્રીસ હજાર માણસોનો ભોગ લેતા રોગનું ભયંકરપણું સમજવું જોઈએ. અને એ મરણપ્રમાણ ગ્રામજનતામાં જરા ય ઓછું નથી.

ગયા દસકામાં – ઘણું કરી સને ૧૯૨૬ની સાલમાં – સમગ્ર હિંદના વૈદ્યકીય સંશોધકોની એક પરિષદ મળી હતી. તેનો એક ઠરાવ આપણા અનારોગ્ય સંબંધમાં આપણી આંખ ઉઘાડે એવો છે. એ ઠરાવ કહે છે કે :
૧ અટકાવી શકાય એવા રોગથી દર વર્ષે હિંદમાં થતાં મરણની સંખ્યા પચાસથી સાઠ લાખ જેટલી છે.
૨ અટકાવી શકાય એવા રોગથી પીડાતો પ્રત્યેક મનુષ્ય બેથી ત્રણ અઠવાડિયાં જેટલી મહેનત અને તેનું ઉત્પાદન દર વર્ષે અચૂક ગુમાવે છે.
૩ અટકાવી શકાય એવા રોગને વશ થનારો પ્રત્યેક મનુષ્ય પોતાની શક્તિ, આવડત, હોંશિયારી અને દક્ષતામાં વીસ ટકા જેટલી ખામી અનુભવે છે, અને માંદા પડવાનો વારો તો લગભગ બધાનો જ વારાફરતી આવે છે. એક વર્ષમાં આમ છ સાત કરોડ માનવીઓની શક્તિ વીસ ટકા જેટલી ઘટી જાય છે.
૪ જે બાળકો જન્મે છે તેમાંનાં માત્ર અડધાં જ – પચાસ જેટલાં જ બાળકો રોજી મેળવી શકે એટલી ઉમર પ્રાપ્ત કરે છે. અડધોઅડધ બાળકો તો બાળક તરીકે જ મરી જાય છે.
૫ આ જન્મેલાં બાળકોમાં ૮૦ થી ૯૦ ટકા જેટલાં બાળકો તો લાંબુ જીવી શકે એમ છે.
૬ આ આંકડા વધારે પડતા મૂકાયા નથી. ઊલટ છે તેના કરતાં હળવી સ્થિતિના તે દર્શક છે.
૭ એટલું તો ચોક્કસ કે અટકાવી શકાય એવાં દર્દીને લીધે જિંદગીમાં અને જીવનની કાર્યદક્ષતામાં જે અપવ્યય થાય છે અને ઘસારો પડે છે તેનું આર્થિક નુકસાન હિંદમાં તો પ્રતિવર્ષ અબજો રૂપિયા જેટલું થવા જાય છે. આવાં દર્દોને અટકાવાય તો માણસની જિંદગી અને શક્તિ હિંદમાં પ્રતિવર્ષે અબજો રૂપિયાની સમૃદ્ધિ ઊભી કરે.
૮ ઉપરાંત આ અટકાવી શકાય એવાં દર્દોને લીધે પ્રતિવર્ષ લાખો માનવી ભારે યાતના ભોગવી રહે છે એનો તો હિસાબ કેમ નીકળી શકે ?
૯ આર્થિક દૃષ્ટિએ પણ આ રોગ અટકાવવાની જરૂર છે. રોગ અટકાવવામાં જેટલો પૈસો ખર્ચાય એટલો ઓછો છે.

આવા અટકાવી શકાય એવા રોગોને આપણે શા માટે અટકાવતા નથી ? હિંદીજનતા દયાધર્મમાં માને છે એવું વારંવાર કહેવાય છે. અટકાવી શકાય એવા રોગનો ભોગ થતાં લાખો માનવીઓનો આપણે વિચાર કરીએ ત્યારે આપણને શંકા પડે છે કે ખરેખર હિંદ દયાધર્મ પાળે છે ખરો ! આપણે – એટલે સરકાર, ધનિક વર્ગ અને સમજદાર વર્ગ – જે પચસ સાઠ લાખ માણસો જીવતા રહેવા જોઈએ તેમને ખુલ્લી આંખે મરવા દઈએ છીએ.

અને હિંદની સંપત્તિ વધારવા આતુર બનેલા અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓ માનવજીવન અને માનવશક્તિમાં રહેલી અબજો રૂપિયાની સંપત્તિને આમ રોગની ઝાળમાં પ્રજ્વળી જવા દે એ શું સાચા અર્થશાસ્ત્રનું અનુસરણ છે ?

ગ્રામજનતાના રોગ અને અનારોગ્યનાં કેટલાંક કારણો સમજી લેવાં જોઈએ.

ગામ અને શહેર
ગામડાંની સાથે આપણને મોકળાશનો જ ખ્યાલ આવ્યા કરે છે. પરંતુ સીમની ખુલ્લી જમીનના ભ્રમમાં ગામઠાણની પણ જમીન એવી જ ખુલ્લી હશે એમ માનવું એ ભૂલભરેલું છે. વસતીની સંખ્યા ઉપર આપણે આપણા નિવાસસમૂહને-રહેઠાણોને શહેર, કસ્બા અને ગામડામાં વહેંચી નાખ્યાં છે. લાખ ઉપરાંતની વસતીવાળાં રહેઠાણને આપણે શહેર કહીએ છીએ, પાંચ હજાર ઉપરાંતની વસ્તીવાળાં નિવાસસ્થાનોને આપણે કસ્બા કહીએ છીએ, અને તેથી ઓછી વસતીવાળાં રહેઠાણને ગામડાં કહીએ છીએ. આમ શહેર, કસ્બા અને ગામડાંનો તફાવત વસતી ઉપર જ મુખ્યત્વે આધાર રાખતો હોવાથી કૃત્રિમ છે – આપણો બનાવેલો બન્યો છે, અને જો કે તેને જ અંગે રહેઠાણના, સાફસુફીના, પાણી પુરવઠાના, અન્ય સાધનોના કેટલાક

તફાવત લાક્ષણિક બને એ ખરું, છતાં એ તફાવતોમાંના ઘણા દૂર થઈ શકે એવા છે, અને તે દૂર કરવાની જરૂર જ છે. મોટે અંશે ગ્રામવિભાગ નગરની અનુકૂળતા ભોગવી શકે એ પણ ગ્રામોન્નતિનો એક મહા પ્રશ્ન છે.

ગામ અને શહેરના
તફાવત
આ તફાવતોને અંગે આપણે સહજ શહેરો અને ગામડાંની સરખામણી વિચારીએ. તફાવત સમજ્યા પછી તે દૂર કરવાના અવિરત પ્રયત્નો તો કરવા જ પડશે. ગ્રામ્યતા — ગામડિયાપણામાં જે તુચ્છકાર સમાયલો છે તે આજ સકારણ હોય તો પણ તે દૂર કરવામાં જ ગ્રામોન્નતિ સમાયેલી છે એ એમાંથી પ્રત્યક્ષ થશે અને ગ્રામોન્નતિની સામાજિક બાજુ પણ કેટલેક અંશે સમજાઈ જશે.

૧ શહેર અને ગામડાંનો તફાવત બંનેની કેળવણી વિષયક પરિસ્થિતિમાં રહ્યો છે. શહેરની વસતી કેળવણીમાં આગળ પડતી છે, જયારે ગામડાંની વસતી કેળવણીમાં બહુ પછાત છે. વડોદરા રાજ્યની છેલ્લી વસતી ગણતરીને અંગે ઉપલબ્ધ થતા આંકડા બહુ સૂચક નીવડે એમ છે. ફરજીયાત કેળવણીનો પ્રયોગ વડોદરામાં થઈ રહેલો હોવાથી તેની પરિસ્થિતિ બ્રિટિશ પ્રદેશો કરતાં કેળવણીમાં ચઢિયાતી છે. એ ચઢિયાતા પ્રદેશમાં પણ નાગરિક વસતીના દર હજાર પુરુષોએ ૫૪૧ પુરુષો ભણેલા છે, અને દર હજાર સ્ત્રીઓએ ૧૭૫ ભણેલી સ્ત્રીઓ છે. ગ્રામવસતીની સ્થિતિ તપાસીશું તો જણાઈ આવશે કે દર હજાર પુરુષે ર૯ર પુરુષો અને દર હજાર સ્ત્રીએ ૫૮ સ્ત્રીઓ ભણેલી છે. આ તફાવત નાનોસૂનો નથી પરંતુ એ તફાવત ગ્રામજનતાને ઊપયોગી કેળવણીદ્વારા કેળવણીનાં સાધનો ગામડે ગામડે મુકવાથી દૂર થઈ શકે એવો છે એમાં તો જરા ય શક નથી. અલબત્ત મહેનતની કાયર કેળવણી ગામડાંને માટે તો ન જ પરવડી શકે.

૨ ધંધાવિષયક તફાવત એ બીજો તફાવત શહેર અને ગામડાંના ભેદને સાચવી રહ્યો છે. શહેરી જનતામાં માત્ર ૨૪ ટકા વસતી ખેતી સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ગ્રામજનતામાં ૭૭ ટકાની વસતી ખેતી સાથે સંબંધ ધરાવે છે.
૩ ત્રીજો તફાવત જે આરોગ્યરક્ષણની વિચારણામાં મહત્ત્વનો છે તે વસતીવિષયક છે. શહેર કસ્બાની સરેરાશ વસતી દસહજારની ગણાય. જ્યારે ગામડાંની સરેરાશ વસ્તી ૭૦૦ માણસની આવે છે.
૪ રહેણીકરણી અને દૃષ્ટિબિંદુનો તફાવત પણ શહેર અને ગામડાંને જુદાં પાડી દે છે એ સ્પષ્ટ છે. એક શહેરી અને એક ગામડિયાને ઓળખી કાઢવું બહુ અઘરું નથી.

તફાવત
પરિણામે આપણી આંખ આગળ તરી રહે એવો શહેર અને ગામડાંના તફાવત દેખાડી આપે છે કે ગામડાં અનારોગ્ય, ઘીચ વસતીવાળાં અને અવ્યવસ્થિત બંધારણવાળાં હોય છે, જ્યારે શહેર પ્રમાણમાં વધારે આરોગ્ય, ઓછી ઘીચવસતિવાળાં અને વ્યવસ્થિત બંધારણવાળાં હોય છે.

શહેરોની પરિસ્થિતિ દરેક રીતે સંપૂર્ણ છે એમ આ ઉપરથી અનુમાન કરવાનું નથી. પરંતુ ગામડાંને પડછે શહેરો વધારે લાભકારક સ્થિતિ ભોગવે છે એમાં શક નથી. શહેર અને ગામડાં વચ્ચેનો તફાવત શહેરની ઉચ્ચ કક્ષાને જ સાબિત કરે છે. એ તફાવત સમજવાથી જ તે ઓછા કરવાના પ્રયત્નો થઈ શકે.

ગામડાંની ઘીચ વસતી
શહેરની વસતી કરતાં ગામડાંની વસતી વધારે ઘીચ છે એ કથન ઘણાને આશ્ચર્યજનક લાગશે. ગામડાં માટેની સામાન્ય કલ્પના એવી છે કે ત્યાંની વસતીને શહેર કરતાં રહેવાની ઘણી વધારે મોકળાશ હોય. પરંતુ ગામડાંની તંદુરસ્તીના સરખો ગામડાંની મોકળાશનો ખ્યાલ પણ ભ્રમરૂપ છે એમ આંકડાથી સાબિત થાય એમ છે.
આંકડા
વડોદરા રાજ્યની માહિતી મને સહજ ઉપલબ્ધ હોવાથી હું દૃષ્ટાંતમાં વડોદરાનો વધારે ઉપયોગ કરું છું. વળી સામાજિક પ્રગતિનાં આંદોલન વડોદરામાં ખૂબ ઝીલાયાં છે, અને શ્રી. સયાજીરાવ સરખા દક્ષ ચિંતકે પ્રગતિના અનેકાનેક રાજપ્રયત્નો વડોદરા માટે કરેલા છે. એટલે ગુજરાત માટે તો નિદાન વડોદરા ઝટ નજરે ચઢે એમ છે.

વસતીના નિવાસસ્થાનને આપણે ગામઠાણ તરીકે ઓળખીએ છીએ. વડોદરા રાજ્યની ઓગણીસ લાખની ગ્રામજનતા ૨૯૦૨ ગામડાંમાં પથરાઈ છે. એ બધાં ય ગામડાંનાં ગામઠાણ ભેગાં કરીએ તો ૧૨૦૦૦ વીઘાં જેટલો વિસ્તાર થાય. આનો અર્થ એટલો જ કે ઓગણીસ લાખ ગામડિયાઓ માત્ર ૧૨૦૦૦ વીઘાંમાં પુરાયલા છે. આમ આપણી ગ્રામજનતાનાં રહેઠાણ એટલાં સાંકડાં છે કે એક વીધામાં ૧૫૮ જેટલાં માણસો ભચડાઈ રહ્યાં છે !

આની સામે આપણે વડોદરા શહેરનો જ વિચાર કરીએ. વડોદરા શહેરની વસતી એક લાખ દશહજાર માણસની, અને તેનું ગામઠાણ દસ હજાર વીઘાંનું ! વડોદરા શહેરની એક વીઘા જેટલી જમીનમાં માત્ર અગિયાર માણસ જ વસે છે, જ્યારે ગામડામાં એક વીઘે ૧૫૮ માણસોનો વસવાટ !

ગામડાંની ભયંકર સંકડાશનો ખ્યાલ હવે આપણને આવી શકશે. કોણ કહેશે કે ગામડાંમાં બહુ મોકળાશ છે ? રાજ્ય બહારનાં ગામડાંની સ્થિતિ વડોદરાનાં ગામડાં કરતાં વધારે સારી નથી જ. એટલે હિંદભરનાં ગામડાંની સંકડાશનો ખ્યાલ આપણને તરત આવી શકશે. સીમનું નજીકપણું ગામડાંની ભયંકર સંકડાશને સહજ હળવી બનાવે છે એ ખરું. પરંતુ તેથી તેની ભયંકરતા સમૂળ જતી રહેતી નથી. ગામડાંમાં ઘણી ઘીચ વસતી કહેવાય. તેનું પરિણામ ગંદકી, ધૂળ, અવ્યવસ્થિત મકાનરચના અને ઢંગધડા વગરના રસ્તાઓમાં જ આવે !

સંકડાશ
આમ સંકડાશ એ પ્રથમ મુશ્કેલી આરોગ્યરક્ષણના કાર્યક્રમમાં વિચારવાની રહી. સંકડાશને લઈને મકાનો અનારોગ્ય બંધાય. વસતીના પ્રમાણમાં અમુક ખુલ્લાશ હોવી જ જોઈએ – મકાનમાં તેમ જ મકાન બહાર, હવાની અવરજવર માટે મકાનોમાં બારીબારણાંની કે જાળીઓની પણ સગવડ જોઇએ. શુદ્ધ હવા એ આરોગ્યરક્ષણનો આત્મા છે.

સાંકડાં ગામઠાણ અને બંધિયાર મકાનોમાં એ અશક્ય જ હોય.

સ્વચ્છ પાણી
શુદ્ધ હવા જેટલું જ શુદ્ધ સ્વચ્છ પાણી જરૂરી છે. અસ્વચ્છ પાણીને લીધે કૉલેરા જેવા રોગ ફાટી નીકળે છે. પાણી સ્વચ્છ, શુદ્ધ, ગુણકારી અને મબલખ હોવું જોઇએ. ગામડાંમાં પૂરતા કૂવા હોતા નથી. કૂવા હોય તો પણ તેમનો વાપર એવા પ્રકારનો હોય પાણીની વિશુદ્ધિ જળવાય નહિ. કૂવાની આસપાસ પાણી ઢોળાય, અને કાદવ થાય. એ પગ લઈ પનિહારીઓ પાણી ભરે. પગ અને દોરડાના કચરા કૂવામાં ઉતરે અને એ પાણી પીવામાં અને રસોઈમાં વપરાય. આમ પાણી જેવું જંતુવાહક તત્ત્વ એકાદ રોગનાં જંતુ ફેલાવે જ.

કદાચ ઉકરડા પણ પાણીનાં સાધન પાસે જ હોય. ઉકરડાની ગંદકી પાણીનાં મૂળને ઝડપથી દુષિત કરે છે.

કપડાં ધોવાનું કાર્ય પણ કૂવાના થાળા ઉપર જ થાય. કપડાંનો મૅલ પીવાના પાણીમાં ઊતરે અને તેથી તંદુરસ્તી બગડે એનો ખ્યાલ પણ ગ્રામજનતામાં આવતો નથી.

કૂવા ન હોય ત્યાં તો પાણીનું ભારે દુઃખ હોય જ. કૂવા હોય ત્યાં જનતા તેનો ઉપયોગ જ એવો કરે કે જેથી આરોગ્ય સચવાય નહિ, કૂવા ન હોય ત્યાં નદી તથા તલાવની એવી જ દુર્દશા કરવામાં આવે છે. નદી-તલાવનાં પાણીમાં માણસ અને જાનવર સાથે પાણી પીએ ત્યાં સુધી તો આપણે કદાચ વાંધો ન ઉઠાવીએ.પરંતુ એ નદી-તલાવમાં તથા આસપાસ હરેક પ્રકારની ગંદકી કરવાનો સહુ હક્ક કરી બેસે છે ત્યારે ગ્રામજનતાનું અજ્ઞાન પાપ બની જાય છે.