ગ્રામોન્નતિ/સામાજિક ઉન્નત્તિ

વિકિસ્રોતમાંથી
← ૧૫ સ્વદેશી શા માટે ? ગ્રામોન્નતિ
સામાજિક ઉન્નત્તિ
રમણલાલ દેસાઈ
૧૭ આરોગ્યરક્ષણ →


.





૧૬
સામાજિક ઉન્નતિ

ગ્રામજીવનની ઉન્નતિના પ્રશ્નો આપણે બહુ જ સામાન્ય ધોરણ પ્રમાણે બે વિભાગમાં વહેંચી નાખ્યા હતા : આર્થિક અને સામાજિક.

અર્થ અને સમાજનું
પરસ્પર અવલંબન
આર્થિક અને સામાજિક ઉન્નતિ એ બે વિભક્ત પ્રકાર નથી પરંતુ એક બીજા ઉપર અવલંબન કરી રહેલાં જીવનનાં બે પાસાં છે એ પ્રશ્ન ઉપર પણ આપણે ભાર મૂક્યો હતો. ખેડૂતના હાથમાં પૈસો હોય તો તે કેળવણી પણ મેળવી શકે, ચોખ્ખાઈ રાખી શકે અને માંદગીમાં સારી સારવાર પામી શકે. સામે પક્ષે એમ પણ કહી શકાય કે તેને કેળવણી મળે તો તે વધારે સારી ખેતી કરી શકે. ખેડૂત ચોખ્ખો રહે તો તેનું આરોગ્ય વધારે સારી રીતે સચવાય અને તે વધારે કામ કરી શકે, અને તે વધારે ધન મેળવી શકે.
પરાધીન પ્રજાનું
અર્થશાસ્ત્ર
પરંતુ આજના જગતમાં આર્થિક સિદ્ધાન્તો અતિ સ્વાર્થભર્યા, અનુદાર અને આંટીઘૂંટીવાળા બની ગયા છે. એમાં પૈસા માનવી માટે છે એવી ભાવના રહી નથી : માનવી પૈસા માટે છે એવી ભાવના આજની અર્થવ્યવસ્થા પાછળ રહી છે. ધનવહેંચણીની

શ્રેણી કોઇને પણ ખૂંચે નહિ એવી ચઢતી ઊતરતી રાખવાને બદલે એક પાસ ધનના ડુંગર રચાય છે અને બીજી પાસ ધન વગરના ખાલી ખાડા પડે છે. વ્યાપાર એ શરાફોને હાથ નહિ પણ જુગારીઓને હાથ ચઢ્યો છે. પ્રજાભાવના–Nationalism એ વ્યક્તિગત સ્વાર્થનો વિસ્તૃત ઓળો બની ગઈ છે. એટલે સમૃદ્ધ અને શક્તિશાળી પ્રજાઓ છડેચોક પરાયા દેશ કબજે કરે છે અને નિર્બળ પ્રજાઓને વેઠીયાં વસવાયાંની સ્થિતિમાં મૂકી દે છે. અણકેળવાયલી પરાઈ પ્રજાના ઉદ્ધારને બહાને જેટલાં પાપ થતાં હશે એટલાં કોઈપણ ભાવનાની પાછળ નહિ થયાં હોય. એટલે અર્થશાસ્ત્ર પણ બે જાતનું બની ગયું છે : એક વિજેતા પ્રજાનું અર્થશાસ્ત્ર અને એક પરાજિત અને પરાધીન પ્રજાનું અર્થશાસ્ત્ર. પરાધીન પ્રજા કાચો માલ ઉપજાવે, વિજેતા પ્રજાને તે માગે એ ભાવે પૂરો પાડે અને એ કાચા માલમાંથી બનાવટ બને તે પણ સામાને ફાવતે ભાવે ખરીદી કરે એ વિજયી પ્રજાનું અર્થસૂત્ર.

કેળવાયેલી પ્રજાના એક એક હાથમાં યંત્રે હજાર હજાર હાથનું બળ મૂક્યું. એ યંત્રનો લાભ પરાધીન પ્રજાને ન જ હોય.

અને એ વિજેતાઓનું અર્થશાસ્ત્ર લશ્કરીઓ, નૌકા સૈનિકો અને મુત્સદ્દીઓના વ્યવસ્થિત સત્તાધિકારથી રક્ષાયેલું ! પરાધીન હિંદનો રૂપિયો પણ બ્રિટિશ પાઉન્ડનો દાસ !

એટલે પરાધીન પ્રજાએ પોતાનું વિશિષ્ટ અર્થશાસ્ત્ર વિકસાવવું રહ્યું–જો તેને પરાધીનતા ટાળવી હોય તો. સત્તા વગર, પૈસા વગર, યંત્રો વગર, રક્ષણ વગર તેણે આગળ વધવાનું. વિદ્યા અને બુદ્ધિ ઝડપથી વેચાઈ જાય છે. સત્તાના પડછાયાને પ્રલોભનમાં વહેવરાવી શકાય છે. રોટલીનો ટુકડો ટોળામાં ફેંકી ભીખારીઓને અંદર અંદર લઢાવી શકાય છે. સ્વાધીન પ્રજાને કદી ન નડતાં ભૂત પરાધીન પ્રજામાં જાગ્રત કરી શકાય છે. જેટલી આપણી નબળાઈઓ એટલી બધી જ આપણી વિરુદ્ધ વાપરી શકાય છે.

એમાં શહેર અને ગ્રામના ભેદ; હિંદુ મુસ્લીમના ભેદ; શીયા સુન્નીનાં તડ, બ્રાહ્મણ અબ્રાહ્મણ અસ્પૃશ્યનાં તડ; એ બધું આપણા દેશહિત વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય.

પ્રજાએ સ્વાતંત્ર્ય મેળવવું હોય તો સાધારણ પ્રયત્ને તે ન મળી શકે. મૃત્યુની તૈયારી અને નિદ્રાજીતપણું એ બે વૃત્તિઓને કેળવવી રહી. ગ્રામોન્નતિ એ સ્વાતંત્ર્યનો પાયો છે – એટલું જ નહિ, સ્વાતંત્ર્યની નિશાની છે. એટલે દરજ્જે ગામડાં આગળ આવે એટલે દરજ્જે આપણે સ્વાતંત્ર્યની આપણી પાત્રતા વધારી એમ કહી શકાય.

આર્થિક ઉન્નતિ કેટકેટલાં તત્ત્વો ઉપર રચાઈ છે તે આપણે જોઈ ગયા. એ આર્થિક ઉન્નતિમાં પરિણામ પામે એવી સમાજરચના કરવાના પ્રયત્નમાં સામાજિક પ્રગતિની સાધના થઈ શકે એમ છે. ઉન્નતિ-બન્ને પ્રકારની–દુર્ઘટ છે એ બહાના નીચે હાથ જોડી બેસી રહેવાય એમ નથી જ. દુર્ઘટને શક્ય બનાવવાના સર્વ પ્રયત્નો થવા જ જોઈએ ધ્યેયને પહોંચાય ત્યાં સુધી થવા જોઈએ. ગ્રામોઉન્નતિમાં નિરાશાને સ્થાન હોય જ નહિ. જે ક્ષણે નિરાશાને વશ થવાય તે ક્ષણે સમજવું કે આપણે પાછળ પગલું ભર્યું છે.

સામાજિક ઉન્નતિ એટલે શું ? સમગ્ર ગ્રામજનતાની સર્વ બાજુએ ઉન્નતિ થાય એને સામાજિક ઉન્નતિ કહીએ.

પરંતુ સર્વ બાજુ એટલે ?

વ્યક્તિ અને સમાજ
ગામડાં ગ્રામસમાજનાં બનેલાં છે. ગ્રામસમાજ એટલે ગામડાંમાં વસતો માનવસમૂહ. સમૂહ અનેક વ્યક્તિઓનો બનેલો હોય. એટલે વ્યક્તિ-એકલ

મનુષ્ય અને તેનો અન્ય મનુષ્યો સાથેનો સંસર્ગ–સંબંધ એ સર્વ સામાજિક ઘટનામાં આવી જાય.

સામાજિક ઉન્નતિનો વિગતવાર ખ્યાલ આવે એ અર્થે આપણે આપણા ગ્રામસમાજનું સહજ પૃથઃકરણ કરીએ.

તંદુરસ્તી
ગ્રામસમાજ ગ્રામજનતાનો બનેલો હોય. ગામડામાં રહેતાં માનવીઓ એ આપણો સમાજ, એમાં પુરુષો પણ હોય અને સ્ત્રીઓ પણ હોય. કૂબા, ઝૂંપડી કે મકાનમાં એ માનવીઓ રહે છે. એમને પોષણ મેળવવું પડે છે, એમને તંદુરસ્તી સાચવવાની હોય છે, કામકાજ કરવાનાં હોય છે, પડોશી અને સગાંસંબંધીઓ સાથે વ્યવહાર કરવાના હોય છે, અને અરસપરસ શોક-આનંદના પ્રસંગોએ એક બીજાનો સાથ આપવાનો હોય છે.
કેળવણી
એ લોકોનાં ભણતર અને સંસ્કાર ઉપર ગ્રામજીવનની હૃદયસંપત્તિ રચાયેલી હોય છે. અતિથીસત્કાર, ઉદારતા, અજાણ્યાને પણ ઉપયોગી થઈ

પડવાની વૃત્તિ આપણે ગ્રામજીવનમાં કલ્પીએ છીએ એમાં આપણે ગ્રામજીવનના ઉચ્ચ સંસ્કારની જ કદર કરીએ છીએ.

ભણતરનો અભાવ તેમની વાણીમાં, પહેરવેશમાં, રીતરિવાજમાં એક પ્રકારનું બેડૉળપણું લાવે છે એ પણ ભૂલવા સરખું નથી. તેમના માનસમાં એક પ્રકારનું શિથિલપણું, ભય, આળસ, નવીનતા પ્રત્યે ઉદાસીનતા, સ્થિતિચુસ્તપણું પણ દાખલ કરી દે છે. કુદરત ઉપર આધાર રાખ્યા કરતી ગ્રામજનતા નસીબને દોષ આપવામાં પોતાના દોષને ન ઓળખવાની ભૂલ કરતી પણ થઈ જાય છે.

દેખાદેખીમાં ખર્ચાળપણું તે વધારી દે છે, અને વ્યસન તેની પાસે મૂકવામાં આવે તો તેનો ભોગ એ જલદી થઈ પડે છે. છક્કાપંજાની રમત, અમેરીકન ફ્યુચર્સ વગેરે જુગારના પ્રકારોમાં ગ્રામપ્રજા કેટલી ઝડપથી ફસાય છે તે જોવા માટે લાંબે દૃષ્ટિ કરવાની જરૂર નથી. છેલ્લાં પાંચ દસ વર્ષ એ જુગારની અસર સમજવા માટે બસ થાય એમ છે.

સંપની સામાન્ય વૃત્તિ તેનામાં હોય છે, પરંતુ સંપથી આખા જીવનને રંગી તેનો લાભ લેવાની ઝીણવટ કે આવડત તેનામાં ભાગ્યે ખીલી હોય છે. સંગઠિત થવાનો ઉત્સાહ તે જવલ્લે જ બતાવે છે.

આપણામાં સામાન્ય માન્યતા એવી હોય છે કે ગામડિયા પ્રજા બહુ સશક્ત, આરોગ્યભરી અને સ્કૂર્તિવાળી હોય છે. અમુક ઢબની મહેનત કરવામાં તે ટેવાયેલી હોય છે એ ખરું. પરંતુ એ ટેવ અને શારીરિક બળમાં બહુ ફેર છે. ગામડામાં રોગ પણ ઘણા હોય છે, અને રોગને મટાડવાનાં સાધનો ઓછામાં ઓછાં હોય છે.

આગેવાની.
અને ગામને દોરતા આગેવાનો સ્વાર્થી, ખુશામદખોર, નિર્બળને રંજાડે એવા, અને ઉચ્ચ ગુણો કે વ્યવસ્થાશક્તિથી રહિત હોય છે. એટલે ગ્રામજીવન નિર્બળ, નિસ્તેજ, જડ, શોભારહિત, સંગઠનરહિત અને ઉદ્દેશરહિત લાગ્યા કરે છે. આવા ગ્રામસમાજને સામાજિક ઉન્નતિના માર્ગે મૂકવો હોય તો કયા માર્ગ લેવા જોઈએ એ સંબંધી વિચાર કરવાની તત્કાળ જરૂર ઊભી થાય છે. ગ્રામજનતાને ઉન્નત કરવી હોય તો પ્રથમ આપણે તેના દેહ તરફ નજર નાખીશું. ગ્રામવાસી સશક્ત અને પ્રફુલ્લ આરોગ્યભર્યો તો જોઈએ જ. ગ્રામજનતાનું શરીર સુખી ન હોય તો એનાથી કામ નહિ થાય અને જીવન આનંદથી ભોગવી નહિ શકાય.

એકલી તનદુરસ્તી ઉન્નતિનું લક્ષણ નથી. માનસિક જડતા, નિષ્ક્રિયપણું, સમયને ઓળખી તે સાથે ન રહેવાય એવું રેઢિયાળપણું, નિયમિતતાની ખામી એ બધું ગ્રામમાનસમાંથી નીકળી જવું જોઈએ. કેળવણી જ એ સર્વ અશુદ્ધિઓને દૂર કરે એમ છે. એટલે ગ્રામવાસી સામાજિક ઉન્નતિ માટે કેળવણી પણ માગી જ લે. કેળવણી વગરનો માણસ-શહેરી કે ગ્રામવાસી-આંખે પાટા બાંધી ફરે છે.

કલાદૃષ્ટિ
તંદુરસ્તી, નિરોગ શરીર અને કેળવાયલું મન ગ્રામજનતા પાસે હોય તો સ્વાભાવિક રીતે જ તેને પોતાના ગામ પ્રત્યે, પોતાના ધંધા પ્રત્યે, પોતાનાં પરિવેષ્ટનો પ્રત્યે અને આખા ગ્રામવાતાવરણ પ્રત્યે કલામય દૃષ્ટિ ઊઘડે છે. કલાદૃષ્ટિ વગર જીવન જડ, પશુતાભર્યું, અંધકારમય બની રહે છે. ગ્રામજીવનમાં નૈસર્ગિક સૌન્દર્ય ભર્યુંભર્યું હોય છે. એ સૌન્દર્યને ઓળખવાની, એ સૌન્દર્યને સજવાની અને એ સૌન્દર્યને ભોગવવાની શક્તિ ગ્રામજનતામાં વિકસે તો ગ્રામજીવન પ્રત્યેની ઉપેક્ષા અને ઘૃણા દૂર થઈ ગ્રામજીવન પ્રત્યે અભિમુખ થવાની પ્રેરણા મળે.

શહેરમાં નિસર્ગને ખેંચીખેંચી લાવવું પડે, અને તો ય સૂક્ષ્મદર્શક યંત્ર લઈ ફરીએ ત્યારે સૃષ્ટિસૌન્દર્ય દેખાય. ગ્રામજીવનમાં તે પળે પળે સામે આવે, અને સહજ-જીવન તરીકે અનુભવાય. ગ્રામજનતાની આંખે પડળ આવવાથી કવિત્વથી ભરેલી પ્રકૃતિ ઉપર પડદો જ પડેલો રહે છે. એ પડળ કાઢવા માટે ગ્રામજીવનમાં તંદુરસ્તી, કેળવણી અને આર્થિક સ્વસ્થતાની જરૂર રહે જ. ગ્રામજીવનમાં નૈસર્ગિક કલાભાવના જાગ્રત થાય ત્યારે જાણવું કે ગ્રામજીવન ખરેખર ઉન્નત થયું છે.

ગ્રામજીવન પ્રત્યે
મમત્વ.
એ કલાદૃષ્ટિ ખીલતાં ગ્રામજીવન પ્રત્યે મમત્વ, અભિમાન, પ્રેમ ઉત્પન્ન થાય છે અને ગ્રામજીવનને ઉપયોગીને થઈ પડવાની, ગ્રામજીવનને સેવા અર્પણ કરવાની, ગ્રામજીવનને સમસ્ત રાષ્ટ્રજીવનના

જીવંત વિભાગ તરીકે ખીલવવાની ભાવના જાગ્રત થાય છે. ગામ પ્રત્યે આવા મમત્વ અને અભિમાનમાં નાગરિકપણાંનાં બીજ રહેલાં છે. આપણાં પરિવેષ્ટનો, આપણી બાહ્ય ઉપાધિ, આપણાં બાહ્ય સાધનો અને આપણને વીંટળાઈ વળેલી આપણી નાનકડી સૃષ્ટિ આપણા દેહને અને આપણા મનને ખૂબ ઘડે છે. શહેરની સંકડાશ આપણને પરોણાગતથી વિમુખ બનાવે છે એ આપણો સહજ અનુભવ છે. ગ્રામજીવનની નિષ્ક્રિય, ઊંઘરેટી અને ઉર્મિમંદ ઉદાસીનતા આપણામાં પણ નિષ્ક્રિયતા, સુસ્તી અને નિરુત્સાહની છાયા પાથરી દે છે એ આપણો ગામડાંનો અનુભવ સહજ છે. એ જ ગ્રામવાતાવરણમાં તંદુરસ્તી ઉભરાય, કેળવણીના પરિણામે બુદ્ધિના ચમકારા પ્રગટ થયા કરે, કલાયોજના અને સૌન્દર્યવૃદ્ધિના પ્રયોગો નિત્ય થાય તથા ગ્રામને જીવંત બનાવવામાં –અન્ય ગામો કરતાં આગળ વધારવામાં આપણું અભિમાન દોરાય ત્યારે ગ્રામજનતાનો સામાજિક વિકાસ થયો એમ આપણે કહી શકીએ.

એમ કહી શકાય કે આર્થિક ઉન્નતિ પણ સામાજિક ઉન્નતિનો એક વિભાગ છે. સામાજિક વિકાસ આર્થિક ઉન્નતિની અમુક અપેક્ષા રાખે પણ છે, અને સાથે સાથે સામાજિક ઉન્નતિનાં વિવિધ અંગોમાં તે પરિણામ પણ પામે છે. છતાં બંને અંગો વધારે વિસ્તૃત વિવરણથી વધારે સમજાય એ અર્થે સામાજિક ઉન્નતિને આર્થિક અંગોથી છૂટી પાડી જોવાનો પ્રયત્ન કર્યો છે.

નૈતિક ઉન્નતિ અને ધાર્મિક ઉન્નતિના વિભાગો પાડવાની જરૂર નથી. સ્વાર્થરહિત સંબંધ એ મોટામાં મોટી નીતિ છે, અને ધર્મ જો કે સામાજિક સ્વરૂપ જગતમાં ધારણ કરી રહ્યો છે, છતાં ધર્મભેદ પ્રગતિરોધક બને છે અને સર્વ ધર્મમાં રહેલું સત્ય જગતનો સ્વીકાર પામતા ધર્મસમન્વયની ભાવના તરફ સહુને વાળતું હોવાથી ધર્મની ચર્ચા અને કરવી બિનજરૂરી લાગે છે. સામાજિક ઉન્નતિમાં નીતિ અને ધર્મ આપોઆપ સમાઈ જાય છે. જે ધર્મો આપણને વ્યક્તિ તરીકે, ગ્રામવાસી કે શહેરી તરીકે અને પ્રજા તરીકે નીચે ઉતરતાં અટકાવી શકતા નથી એ ધર્મો અધર્મ છે એમ કહેવામાં કશી જ અડચણ નથી.

ગ્રામજીવનની સામાજિક ઉન્નતિને આપણે નીચે પ્રમાણેના વિભાગોમાં જોઈ શકાય :

ગ્રામોન્નતિ
આર્થિકસામાજિક
આરોગ્ય રક્ષણકેળવણીકલાભાવનાનાગરિકત્વ
સ્વચ્છતારોગ સામે
સાવચેતી
રોગનિવારણવ્યાયામખોરાક
સંતતિ નિયમનબાલ ઉછેર