ગ્રામોન્નતિ/સ્વદેશી શા માટે ?

વિકિસ્રોતમાંથી
← ૧૪ ગૃહઉદ્યોગનું વર્ગીકરણ ગ્રામોન્નતિ
સ્વદેશી શા માટે ?
રમણલાલ દેસાઈ
૧૬ સામાજિક ઉન્નત્તિ →


.






૧૫
સ્વદેશી શા માટે ?

ઇતિહાસ દષ્ટિએ
સ્વદેશી આંદોલન
રાજકીય ચળવળ આટલી વ્યાપક નહોતી ત્યારે પણ સ્વદેશીની ભાવના છેક અવ્યક્ત નહોતી. સ્વદેશી સંબંધી બહુ ઝળકતા વિચારો નર્મદે કર્યા છે. દલપતરામની હુન્નરખાનની ચઢાઈ પણ તે સમયના સ્વદેશી આંદોલનની સૂચક છે. સદ્‌ગત રા. બ. કાંટાવાળાનું ‘દેશી કારીગીરીને ઉત્તેજન’ નામનું પુસ્તક આજ પણ આપણે વાંચીને લાભ મેળવી શકીએ એમ છે. લોકપ્રિય લેખમાળા નામની ઉપયોગી લેખશ્રેણી શ્રેયઃસાધક વર્ગ તરફથી બહાર પડતી હતી. તેમાં ‘વિલાયતી’ નામનો એક લેખ આવ્યો હતા. એ લેખ આજની જ્વલંત સ્વદેશી ભાવનાને પણ પોષે એવો અસરકારક છે.
બંગભંગથી ગાંધી-
યુગ સુધી
પછી તો બંગભંગ વખતે સ્વદેશી ભાવના વ્યાપક બની ગઈ, અને રાજકીય પ્રકરણમાં તેણે મહત્ત્વનું સ્થાન મેળવ્યું. એ મહત્ત્વ દિવસે દિવસે વધતું ચાલ્યું અને મહાત્મા ગાંધીજીએ તેને ધર્મનું સ્વરુપ આપી દીધું. રાજ્ય પ્રકરણમાં જે વસ્તુ ભળે

તેની રાજ્યકર્તાને બીક લાગ્યા જ કરે છે. સ્વદેશીની ભાવનામાં બે તત્વો ભળેલાં હતાં : (૧) પરદેશી માલનો બહિષ્કાર (૨) સ્વદેશી માલનો વપરાશ. પહેલું તત્ત્વ વેરઝેર ઉત્પન્ન કરે છે એમ માની મનાવી પરદેશી રાજ્યકર્તાઓએ તેને ગુનો માન્યો હતો. એ ખરેખર ગુનો હોઈ શકે કે કેમ એનો નિર્ણય નીતિની દૃષ્ટિએ જે થાય તે ખરો. સજા ખમવાની શક્તિ ન ધરાવતી જનતા તો બહિષ્કાર વિષે કાંઈ બોલતી નથી. જેનામાં શક્તિ છે તે બહિષ્કારની બાંગ પોકારી હસતે મુખે સજા સહી લે છે. પરંતુ બીજા તત્ત્વમાં પણ કડવાશ ઉત્પન્ન થાય છે એમ કહેવા જેટલું મગજનું સમતોલપણું રાજ્ય કરતી કોમે ખોયું નથી એટલે સ્વદેશી સંબંધી વાત થઈ શકે છે.

સ્વદેશીને ટેકો
દુનિયાની લગભગ બધી પ્રજાઓને સ્વદેશીની જરૂર સમજાઈ છે. માલ ઉત્પન્ન કરી બીજી પ્રજાઓને ગળે તે વળગાડી દઈ પૈસા સ્વદેશમાં ખેંચી લાવવાની હરીફાઈ એટલી વધી ગઈ છે કે સહુ સહુને પોતતાનાં ઘર સંભાળવાની જરૂર ઊભી થઈ છે. બ્રિટિશ પ્રજા બ્રિટિશ માલને ઉત્તેજન આપવા ઢંઢેરો પીટાવે છે. તેમને પગલે ચાલતી હિદી પ્રજા ખુશીથી હવે કહી શકે કે ‘હિંદી માલ વાપરો.’
સ્વાર્થ દૃષ્ટિએ

સ્વદેશીની ફીલસુફીમાં આપણે ઉતરીશું નહિ. એ માત્ર રાજકારણનું અંગ જ નથી. તે હવે તો ધર્મ બની ગયો છે. એ શા માટે ધર્મ બની ગયો છે ? એના કાંઈક ઉત્તરો આપી સ્વદેશી ધર્મને આપણે સામાન્ય બુદ્ધિ વડે સમજવા મથીશું.

સ્વદેશી એટલા માટે કેઃ— 

ગરીબી ટાળવા
સ્વદેશી


૧) આપણો દેશ ગરીબમાં ગરીબ દેશ છે.
(ર) કરોડો માણસને પેટપૂર ખાવા મળતું નથી.
(૩) કરોડો માણસને અંગઢાંકણ પૂરતું મળતું નથી.
(૪) કરોડો માણસોનાં રહેઠાણ માનવીને રહેવા યોગ્ય નથી.

એ સ્થિતિ ટાળવા માટે સ્વદેશી.

હિંદવાસીઓ દયાળુ કહેવાય છે. ગરીબીના ઘા રૂઝવવા હોય, કરોડો માણસો બે ટંક અનાજ પામે, કરોડો માણસો આછું પાતળું વસ્ત્ર મેળવી દેહ ઢાંકે, અને કરોડો માણસો છાપરાં નીચે સૂઈ શકે એમ કરવું હોય તો હિંદવાસીઓ સ્વદેશી વાપરે. જરા પણ દયાળુ વૃત્તિ હિંદવાસીમાં રહી હોય તો તે સ્વદેશી માલ વાપરે.

સ્વદેશી એટલા માટે કે,

(૧) કરોડો રૂપિયાનું કાપડ હિંદ પરદેશથી ખરીદે છે.
(૨) કરોડ રૂપિયાનાં સાંચાકામ બહારથી હિંદમાં આવે છે.
(૩) મોજશોખનાં સાધન અને ઝીણીમોટી વસ્તુઓ માટે હિંદને પરદેશનું અવલંબન કરવું પડે છે, અને કરોડો રૂપિયા તે પરદેશ મોકલાવ્યે જાય છે.

પરદેશ જતું અઢળક
નાણું બચાવવા સ્વદેશી
એ અબજબંધ નાણુ પરદેશ જતું અટકાવવું હોય તો તેટલા માટે વિદેશી આટઆટલું નાણું પરદેશ ઘસડાઈ જાય છે અને ગરીબોની ગરીબી વધ્યે જાય છે એ જોયા કરવાની કઠોરતા હજી કેટલાના હૃદયમાં રહી છે ?

વળી

હિંદનાં જ સાધનો વડે
સમૃદ્ધ થવા માટે
સ્વદેશી
(૧) હિંદમાં અઢળક કાચો માલ થાય છે. હિંદમાં સોનું, લોખંડ અને કોલસા થાય છે. ચામડાં, હાડકાં, હાથીદાંત, અને લાકડાંનો શુમાર નથી. આખા જગતનું પોષણ થાય એટલો પાક જમીનમાંથી ઊતરે એમ છે. એ કશુંએ આપણે વાપરીશું નહિ ? બધું ઓછે ભાવે પરદેશને સોંપી દઈશું ? પરદેશમાંથી એની એ જ ચીજો દેખાવફેર થઈ આવે તે વખાણીને વાપરવાની સમાજદ્રોહી વૃત્તિ આપણે બતાવ્યા જ કરીશું ?

(૨) ઘર આંગણે નદીઓ વહે છે; યોજને યોજને ધોધ પડે છે; અઢળક મીઠું દરીયો આપે છે; ઔષધિભર્યા વન હજી વેડ્યા વગરનાં પડ્યાં છે; રસાયણ જોઈએ એટલાં છે; તો ય આપણે ગરીબના ગરીબ ! વીજળી પરદેશથી આવે, મીઠું પરદેશથી આવે, દવા તો પરદેશની હોય જ, અને રસાયણની શીશીઓ પશ્ચિમ આપે તે વાપરવાની. આપણી દેશલક્ષ્મીને આપણે અપૂજ્ય જ રાખવી છે ?

(૩) આજ આટલાં સાધનો છતાં આપણા ભણેલાઓ બેકારઃ સરકારી નોકરી અને વકીલાત સિવાય એક્કે ધંધો ભણતરને પોષતો નથી. એ ધંધાઓને પણ પોષણ-મર્યાદા છે. પરદેશીના મોહમાં આથી વધારે કયી પાયમાલી હજી જોવાની રહી છે ?

કાચો માલ આપણે ઘેર જ સાફ થાય, દેશની લક્ષ્મીનું પૂજન આપણા દેશમાં જ થાય અને આપણા ભણેલાઓ ઉદ્યોગ આદરે એ માટે સ્વદેશી. પ્રત્યેક હિંદવાસી પાસે હિંદમાતાની માગણી છે કે ‘સ્વદેશી વાપરો.’

સંસ્કાર દૃષ્ટિએ
સંસ્કારસ્વાતંત્ર્ય
માટે સ્વદેશી
(૧) આપણા સંસ્કારનું સ્વાતંત્ર્ય સાચવવા માટે સ્વદેશી. હિંદવાસીઓને પરાયા સંસ્કારોમાં જ તણાયે જવું છે ? એ પરાયા સંસ્કારો શુદ્ધ અને કલ્યાણકારક હોય તો ભલે તે સંસ્કારો આપણે ગ્રહણ કરીએ. પરંતુ બધા ય પરાયા સંસ્કારો શુદ્ધ અને કલ્યાણકારક છે ?

(૨) આપણા દેખાવ અને પહેરવેશનું સ્વાતંત્ર્ય સાચવવા માટે સ્વદેશી. દેશકાળને અનુસરી જરૂર પહેરવેશને આપણે ફેરવીએ. પરંતુ પરદેશી પહેરવેશ વગર આપણી શિષ્ટતા નહિ જ સચવાય એવી પરાધીન મનોવૃત્તિથી રચાતો પહેરવેશ તો બાળી જ મૂકવો જોઈએ.

(૩) આપણી ભાવિ પ્રજાને દેખાવ અને સંસ્કારની ગુલામીમાંથી મુક્ત કરવા માટે સ્વદેશી. આપણી જવાબદારી આજની જ નથી. ભાવિ પ્રજા આપણા યુગને પ્રશ્ન પૂછશે : ‘અમારે માટે તમે શું કર્યું ?’ ‘સંસ્કારની પરાધીનતા અમે તમારે માટે સ્વીકારી’ –એવો જવાબ ન આપવો પડે એ માટે સ્વદેશી.

ઉપરાંત સ્વદેશી

સ્વાભિમાન, સ્વદેશા-
ભિમાન તથા જગત-
કલ્યાણની ભાવના અર્થે
સ્વદેશી
(૧) સ્વાભિમાનની લાગણી પોષવા માટે. આપણી શરમો અનેક છે, પરદેશી માલ વગર આપણને નથી ચાલતું એમ કહી સ્વાભિમાનની લાગણીને છેવટનો ફટકો આપણે મારવો છે?

(૨) સ્વદેશાભિમાનની લાગણી પોષવા માટે. આપણો દેશ ભલે પરાધીન હોય ! પરંતુ શું ખાવું, શું પીવું, શું નિદાન પહેરવું અને શું વાપરવું એ પ્રશ્નોના ઉકેલમાં તો આપણે સ્વતંત્ર જ છીએ. આપણે આપણું રાજ્ય ચલાવવા ભલે નાલાયક કહેવાઈએ, પણ આપણે આપણા દેશની બનાવટ વાપરવા માટે પણ નાલાયક કહેવાવું છે ?

(૩) માનવજાતના કલ્યાણ માટે. માનવજાત ભેગી મળી આગળ વધી શકે; એકમેકનો હાથ ઝાલી પ્રગતિ સાધી શકે. આપણે દુર્બળ, પરાધીન, પરાશ્રયી રહી માનવજાતને ભારરૂપ નીવડી ઘસડાઈશું ? કે જગતનો ભાર હળવો કરી પ્રગતિની દોડમાં આપણો વેગ પૂરીશું ? પોતાની જરૂરિયાતો પૂરી ન પાડી શકતો, પોતે ઉપજાવેલી ચીજો વાપરવાની અશક્તિ ધરાવતો દેશ માનવજાતનું શું કલ્યાણ સાધશે ?

એકંદર વિચાર કરતાં સ્વદેશી

આજથી જ સ્વદેશી
(૧) દેશની ગરીબી ટાળવા માટે,

(૨) દેશને સમૃદ્ધ બનાવવા માટે,
(૩) આપણી સંસ્કારસ્વતંત્રતા જાળવવા માટે,
(૪) ગરીબોના પોષણ માટે,
(૫) સ્વાભિમાન અને સ્વદેશાભિમાન સજીવ રાખવા માટે,
(૬) જગતકલ્યાણની ભાવના પોષવા માટે છે.

દયાભાવથી, શરમથી, ધર્મ માનીને, જરુરીયાત સમજીને પણ સ્વદેશી ધર્મ આપણે પાળવો જ જોઈએ. આજે ચૂકીશું તો કાલ આપણી નથી.