જયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ ચોથો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અંક પહેલો - પ્રવેશ ત્રીજો જયા-જયન્ત
અંક પહેલો - પ્રવેશ ચોથો
ન્હાનાલાલ કવિ
અંક પહેલો - પ્રવેશ પાંચમો →
પ્રવેશ ચોથો

સ્થલકાલ:હિમાલયમાંના એક સરોવરને કાંઠે
(આગળ એક હંસ દોડતું ઉડી જાય છે, પાછળ જયન્ત અને જયા ત્હેને પકડવા દોડતાં આવે છે.)

જયા : ગયો ઉડી ગયો, જયન્ત!

એ રઢિયાળો રાજહંસ.

જયન્ત : ઉડ્યો, ગયો, ન ઝલાયો,

કવિની કો કલ્પના સમો.
પીંજર ત્હારાં સૂનાં પડ્યાં
પણ જયા ! કહીશ?
એ હંસ હતો કે હંસી ?

જયા : ન ઝલાય તે હંસ;

કેસરી સમાં વીર પગલાં ભરતો.

જયન્ત : ન ઝલાય તે હંસી;

કેસરિણી સમી મનોવેગે ઉડન્તી.

જયા : પાંજરે ન પૂરાય

તે મેના કે પોપટ ?

જયન્ત : વનની મેના.

જયા : ઉપવનના પોપટ.

જયન્ત  : બન્ને યે, જયાદેવી !

એક જ વેલીનાં ફૂલ;
હું ને તું બન્ને ય સરખાં;
ન ઝલાય કોઈ કોઈનાથી.
જયા ! ગાઈશ ત્હારૂં
હંસોને આવાહનનું ગીત ?

જયા : આવશે હંસ એ સુણીને ?

જયન્ત : ત્હારી હલકે આભ ટોળે મળે,

તો હંસ શું નહીં પધારે ?
માન સરોવર સૂનાં લાગશે
સાંભળશે ત્હારૂં ગીત જ્યારે હંસ.

જયા : હેં જયન્ત ! ગાઉ ત્ય્હારે ?

(હંસોને આવાહનનું ગીત ગાય છે.)

સૂના આ સરોવરે આવો, ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો; જૂનાં એ ગીતને જગાવો, ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.

ક્યહાં શુભ્ર માનસર ? ક્ય્હાં અમ રંક આરો? ક્ય્હાં પુણ્યશ્વેત વપુ? ક્ય્હાં ગિરિ આ અમારો ? ઓ દેવપંખી ! કંઈ દૈવી નથી, તથાપિ ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો

(પાછળ સરોવરમાં બે હંસ આવી તરે છે.)

લીલા લ્હેકન્તા કાંઇ કંઠે મજાના, સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં

અમારાં નીર આ સુહાવો, ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો; હૈયાને સરોવરે આવો,

ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો

જયન્ત : આભમાંથી યે ઉતર્યા તારલિયા

સોહામણા ત્હારા સરોવરને તીર;
જયા ! જો જલની વેલોમાં

જયા : હંસોની પુણ્ય જ્યોત બેલડી.

ચાલ, પકડિયે, જયન્ત !

જયન્ત : ધીરી, જયા! ધીરી !

ઉતાવળી થયે ઉડી જશે.
કલાથી ઝાલજે એમને, જયા !
એ તો રઢિયાળા રાજહંસ

જયા : અહા ! કેવા શોભે છે !

સરોવરના વાદળિયા આભમાં
મુગટધારી જાણે બે ચન્દ્ર
ચાલ, જયન્ત ! ઝાલિયે.

જયન્ત : એક જ જલના

જાણે બે કમલપુંજ.
જયા અને જયન્ત હંસોને ઝાલવા જાય છે. જતાં જતાં સ્વગત
નથી-નથી આ રજહંસીને
સ્વર્ગનાં શિખરો ઓળંગવા યે અઘરાં.

જયા : (જતાં જતાં સ્વગત)

રસપંખાળો આ મ્હારો રાજહંસ.
જગતના આભની તો છે
ઉંચેરી આગાસીઓ એની.
ઉડશે બ્રહ્માંડ વીંધી બ્રહ્માઅંગણે.
ઉડજે , જયન્ત ! અંતરાય નહીં કરૂં.
(સરોવરને એક કાંઠે જયન્ત ને સ્હામે કાંઠે જયા જાય છે.)

જયન્ત : જયા ! ઝીલજે હો-કલાથી.

જયા : જયન્ત ! પકડજે એ પંખીને;

પૂરવાં છે બન્નેયને પીંજરમાં.

જયન્ત : જયા ! એક જ જલનાં બે પંખી.

જયા : જયન્ત ! એક જ રંગી બે પંખી.

(બન્ને જલમાં ઉતરે છે ફૂલપાંખડીઓની પાંખે ઉડંતા મનોજ દેવ અન્તરિક્ષે આવે છે.)

મનોજ : મનોજ ! ચ્હડાવ ત્હારૂં સર્વજેતા ધનુષ્ય.

ઉઘાડા છે આ રસબેલડીના
આત્માનાં દુર્ગદ્વાર અત્ય્હારે.
માર ત્હારાં ફૂલનાં બાણ,
(પુષ્પધન્વા બે બાણ છોડે છે. જયા કે જયન્તને ન વાગતાં તે સરોવરમાં પડે છે.)
અરે ! નિષ્ફળ ! ફોગટ ?
ભૂલ્યો, મનોજ ! ચૂક્યો ત્હારૂં લક્ષ્ય?
અજીત ધનુષ્યે હાર્યું ત્હારું આજ.
નથી ચ્હડી હજી, ઓ મન્મથ !
પૃથ્વીની ખૂમારી ત્હેમના પ્રાણને.
તેજશ્શરીર રાજહંસ સમોવડા
આત્માઓ એમના છે ઉજ્જવળા.
આ ઉપવન નથી ત્હારે રમવાનાં.
(મનોજ અદૃશ્ય થાય છે. થોડીવારે જયા અને જયન્ત બન્ને એક એક પંખી ઝાલે છે.)

જયા : ઝાલ્યો, જયન્ત ! ઝાલ્યો હો;

ચાંચે ન વાગી, ને ઝાલ્યો
(બન્ને મળે છે.)
જયન્ત ! ઝાલ્યો મ્હેં તો રાજહંસ
કરવેલડીના પિંજરામાં.

જયન્ત : ને પૂરી છે મ્હેં યે રાજહંસી;

હુંફ દે છે તે હૈયામાં.
જયા ! હંસે ઝલાય,
ને હંસી યે ઝલાય - આવડે તો.
પૂરાય બન્ને યે પાંજરે.

જયા : પણ કેવું ઉજળું ને કુમળું !

ચાંદનીનું જ જાણે ઘડેલું શરીર.

જયન્ત : મોતીનો છે ચારો, જયા ?

એટલે ચન્દ્રિકાની જ દેહ.

જયા : પુણ્યની વાડીઓમાં વસે,

તો માન્વીનાં યે ઉઘડતાં હશે
આવાં જ પુણ્યસ્વરૂપ ને?

જયન્ત : અલબત, જયા ! એમ જ.

પુણ્યશાળીની પુણ્યમુદ્રા,
ને પાપભક્ષીની પાપમૂર્તિઓ.

જયા : કમળપંદડીની કુમાશ છે

એમની પીચ્છકલામાં
ને જયન્ત ! જોઇ ને
એમની અમૃતભરી આંખલડી ?

જયન્ત : એ અમૃતની આંખે જ

ઓળખે છે નીર ને ક્ષીર;
ને કરે છે જૂદાં એમને,
વિષ ને અમૃત જેવાં.
માન સરોવરનાં નિર્મલ જલનાં વાસી
નિર્મળું નિર્મળું જ નિરખે, જયા !
એમના નયનોમાં જ નિર્મળી.

જયા : એવા મહર્ષિ સમા પંખીરાજને

પીંજરમાં પૂરવા તે પાપ નથી ?
એક પ્રાસાદમાં પૂરિયે તો
બ્રહ્માંડ કેમ અજવાળશે સૂરજ?
જાવ, ઉડી જાવ, રાજહંસ !
ત્હમારા તેજલોકમાં.
નથી ત્હમારે લાયક.
આ દેહ કે દેહી.
(જયાહંસને ઉડાડી મૂકે છે.)

જયન્ત : હંસ ઉડ્યે હંસી ઝૂરતી ન રખાય,

ને પાપ લાગે પરમાર્થીને પણ.
ન રખાય ઝૂરતી ન રખાય
હૈયાને પીંજરે ય તે.
જાવ, હંસી રાણી ! પોતાને દેશ.
(જયન્તે હંસીને ઉડાડી મૂકે છે. બન્ને ઘડીક વિચારશીલ ઉભે છે.)
જયા ! હતાં ત્હેવાં રહ્યાં
હાથ ને હૈયાં.

જયા : રંકને લાધ્યાં રતન,

ત્હેમને ક્યહાંથી આવડે જતન?
જલધિનાં મહાજલને પૂર
ઉડી પડ્યાં આપણાં જવાહીર.
ડૂબ્યાં આપણાં રત્નો મહાસાગરમાં.

જયન્ત : ગા ત્હારૂં ગીત, જયા !

ને ફરીથી ન્હોતર ત્હારા ચોકમાં
એ રાજહંસોની જમાતને.
રજની નથી ઉતરી કાંઇ,
દિનનો દિનમણિ તપે છે હજી;
આવશે એ જગતના શિખરવાસી.
જમાવ એ વધૂતના અખાડા.

જયા : ક્ય્હાં કાંઇ આવે છે કોઇ ?

આવવું હોય તો જાય શા માટે ?

જયન્ત : ત્હેં ઉડાડ્યાં ત્ય્હારે ગયાં, જયા !

જયા : તો લે, આવાહન ગાઉં

આમન્ત્રું છું એ અમરોને.
એ નહીં તો તું સાંભળ.
હૈયાંને સરોવર આવો,

ઓ રાજહંસ ! હૈયાને સરોવર આવો.

રાજહંસોને આવાહનનું ગીત ગાતાં ગાતાં સરોવરતટનાં વનમાં બન્ને ફરે છે.