જયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ પાંચમો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અંક પહેલો - પ્રવેશ ચોથો જયા-જયન્ત
અંક પહેલો - પ્રવેશ પાંચમો
ન્હાનાલાલ કવિ
અંક પહેલો - પ્રવેશ છઠ્ઠો →

પ્રવેશ પાંચમો


સ્થલકાલ:એક વનમાંના ઉદ્યાનમાં સન્ધ્યા
(બંસી વાતા કાશીરાજ આવે છે.)

કાશીરાજ : વનમાં છે તે નગરમાં નથી.

ઘટાનાં શાં આ ગાઢાં જૂથ !
ને શો મંહીનો આ દેવનન્દન !
જાણે મોહનાં ઉપવન.
અંહી ઉતરતી હશે
દેવાંગનાઓ વિહાર ખેલવા.
સ્વીકારી મ્હેં ગિરિદેશની લગ્નપત્રિકા,
ને જાઉં છું દેવગિરિનાં શિખરોમાં.
આજની રાતી શિબિર માંઢ્યાં
સૌન્દર્યવનની આ કુંજોમાં.
નવયૈવના અંગો સરિખડી
શી ફૂલડે ફૂલી છે ફૂલવાડી !
ઓ નિર્જનતાની નિવાસિની !
ત્હારો રસદેવ ક્ય્હાં ?
(વેલઘટામાં ફરે છે. ફૂલવીણતી ને ગાતી શેવતી આવે છે.)

શેવતી : વીણો વીણો ને ફૂલડાંના ફાલ,

ફોરે એવાં હૈયાં, સખિ !
ગૂંથો ગૂંથોને ફૂલડાંની માળ,
ગૂંથો એવાં હૈયાં, સખિ !

કાશીરાજ : (વેલી જૂથની પાછળથી)

અહોહો ! ફૂલદેવીનું જાણે ગીત !
વીણ, બોલે ! વીણ સંસારનાં ફૂલડાં
અનન્તતાના યે ઉઘાડમાં.

શેવતી : સરખી સાહેલી કોઇ વીણવા ન આવે,

વીણું હું વનને અકેલી રે;
વીણું અલબેલી હું ફૂલ ફૂલની વેલી, ને
વીણું ને થાઉં ઘેલી;
હે ! વીણો એવાં ફૂલડાં, સખિ !

કાશીરાજ : એ ટહુકો ! જગતની કોયલ બોલી !

પુષ્પ પુષ્પની પાંદડીમાં
પ્રગટાવે છે કિરણો એ ટહુકાર.
બોલે ! ત્હારા કંઠમાં જ છે ઝરણ
વિશ્વના સમસ્ત શબ્દમાધુર્યનું.
શી કૌમારની છે કુમાશ
એની સૌન્દર્યની ઓઢણીમાં !
શાં ત્હારી દેહલતાનાં નૃત્ય !
આ પુષ્પલતાઓને યે લજાવે !
અપ્સરાઓ સહુ શિષ્યાઓ હશે ત્હારી.
બોલે ! કોના સદ્ભાગ્યની
તું છે કલ્યાણવિધાત્રી?

શેવતી : આઘે આઘે છે મઢૂલી જોગીની મ્હારા,

પાસે છે ફૂલડાંની વાડી રે;
સાધીશું જોગ સ્નેહગંગાને કાંઠડે,
વીણીશું ફૂલ દ્‌હાડી દ્‌હાડી;
હો ! વીણો એવાં ફૂલડાં સખિ !

કાશીરાજ : દિલ દોડી ગયું , ને દેહ રહી;

આવશે તે ય તુજ પૂજનાર્થે, સુન્દરી !
ઝળહળે છે ત્હારી સૌન્દર્યજ્યોતિ,
ઉડે છે ત્હાં આ પ્રાણનું પતંગ.
ધીરી થાવ, પાંખો ! ધીરી;
દાઝશો કે દઝાડશો મા.

શેવતી : આઘે-આઘે, પણ કેટલેક ?

જન્માક્ષર કહે છે ગંગાને કાંઠડે.
પણ ક્યહાં? ને કોણ
આ કુમારીનો રસજોગી ?-
પાછી વળી ન આવી સખીઓ
વીણવા એટલે આઘેનાં કૂલ.
ભરાઈ મારી છાબ તો કાંઠાભર
વનની સુવાસલક્ષ્મીથી-
આંબાની ડાળે છે મ્હારો હીંચકો.
ચાલ, ચ્હડાવું ગગનની ઘટામાં
આ મ્હારો યે ઝૂલો.
(ઝૂલે ચ્હડી ઝૂલતાં ગીત ગાય છે.)
મ્હારો હીંચકો રે અમર વેલડીની મ્હાંય.
(ગીતમાં કાશીરાજ બંસી પૂરે છે.)
એ વેણુ !-કોણે વાઇ
એ હૈયાવેધણ વેણુ ?
નથી ચ્હડતો, આડો થયો
ઝૂલો યે આજ-સખીઓ સરિખડો.
(બંસી વાતા કાશીરાજ પ્રત્યક્ષ થાય છે.)

કાશીરાજ : દેવબાલે ! પુષ્પોમાં પુષ્પતા પૂરો છો,

વેણુનાં યે વાગીશ્વરી છો
મ્હને ઝૂલાવવા દેશો ?
દેવને ફૂલહિન્ડોલે ઝૂલાવે છે,
ફૂલપાંદડીને અનિલલહર ઝૂલાવે છે,
આવડશે તો એવું ઝૂલાવીશ
તમ દેહકલિકાને ય તે.

શેવતી : અગ્નિહોત્ર છે અમારે ત્યહાં;

દેવકન્યા નથી, હું બ્રહ્મકન્યા છું
આજ ઝૂલો યે આડો થયો,
સખી સમોવડો.

કાશીરાજ : પણ વિધિ વાંકો નથી મ્હારો.

રસનાં રસેશ્વરી ઝૂલે,
ઝૂલો એવાં વનઘટામાં,
ને ગાવ ત્રિલોકવેધી તે ગીત.
(કાશીરાજ ઝૂલાવે છે. ઝૂલતાં ઝૂલતાં સેવતી હીંચકાનું ગીત ગાય છે.)

શેવતી : મ્હારો હીંચકો રે અમરવેલડીની માંહ્ય;

અમરવેલડીની માંહ્ય;
અમરવેલડીની માંહ્ય;
મ્હારો હીંચકો રે અમરવેલડીની માંહ્ય.
વીજળી જ્યમ ગગન મ્હાંય,
કવિતા કવિનયન મ્હાંય,
એમ હીંચી હૃદય મ્હાંય
પ્રેમરાય
ગાય;
પ્રેમહીંચકો રે હ્રદયવેલડીની મ્હાંય;
હ્રદયવેલડીની મ્હાંય;
હ્રદયવેલડીની મ્હાંય;
પ્રેમહીંચકો રે હ્રદયવેલડીની મ્હાંય;
(એક છલાંગ મારી શેવતી હીંચકેથી ઉતરે છે. સ્વગત)
કંદર્પનો જ અવતાર !
પ્રાણમાં પૂર ચ્હડે છે
નિરખી નિરખીને એમને તો.

કાશીરાજ : પદ્મને હિન્ડોલે હીંચતાં

જગલક્ષ્મી છો, કુમારિકે !
આશીર્વાદ દેશો અતિથિ ?

શેવતી : મુગટ ભાખે છે ત્હમને રાજવી.

કાશીરાજ : એ મુગટ પહેરશો ?

રસયોગીન્દ્ર દુષ્યન્તરાજે
પ્હેરાવ્યો હતો સૌન્દર્યદેવી શકુન્તલાને.

શેવતી : દિલને દિલ અડકે, રાજેન્દ્ર !

તો દીપક પ્રગટાવે અજબ જ્યોતના.
દીઠા ત્ય્હારથી દૃષ્ટિએ વધાવ્યા,
પ્રીછ્યા ત્ય્હારથી પ્રાણથી પોંખ્યા છે.
મુગટધારી ઓ મહેમાન !
માગો છો એવું આપજો.

કાશીરાજ : હૈયાં હિન્ડોળે ચ્હડ્યાં;

ને એ હેંચકો યે છે
અખંડ ડોલનો.

શેવતી : વગાડો ત્હમારી વેણુ,

ને જગાડો જીવનનો મન્ત્ર
(બે આંબેથી કોયલો ટહુકે છે.)
થોભો, રાજેન્દ્ર ! થોભો;
મા વાશો એકલડી એ વેણુ.
મા વીંધશો એ શબ્દબાણે.
હું યે ભણીશ એ પાઠ
ને ત્ય્હારે માંડીશું રણસંગ્રામ.
બોલશે ઓતપ્રોત આપણી બંસરીઓ,
આ આંબાની ડાળો સમી,
આ કોકિલવીણાના બોલ સમી.

કાશીરાજ : આજનો જ અતિથિ છું.

બ્રહ્મતોલે ! ત્હમારો;
પ્રભાતે પંખી ઉડી જશે;
દેશો આતિથ્યનાં એંધાણ ?

શેવતી : દીઠાં હશે દિલનાં કમળો,

તો પધારશે પાછા રાજહંસ.
સજ્જનની સદ્‌વાંછના જ હોય.
શું ઇચ્છો છો ? રાજેન્દ્ર !

કાશીરાજ : દેહ છે દેહનો ભૂખ્યો,

આત્મા છે આત્માનો તરસ્યો.
એક જ છે અભિલાષ, કુમારિ !
ક્ષત્રિયરાજના યશમુગટે
બ્રહ્મજ્યોતની કલગી થાવ.
સુન્દરીકુલશોભન મુજ શકુન્તલા -

શેવતી : આતિથ્ય લઈ આતિથ્ય ન વાળ્યાં

એ પુરાણકીર્તિ દુષ્યન્તરાજ.

કાશીરાજ : એ તો શાપના વિસ્મરણ.

ત્હમારી તો બ્રહ્મભાલે !
આશીર્વાદની સ્મૃતિઓ,
અસ્તિત્વના થાળમાં જડેલી.

શેવતી : તો ત્હમારાં જ છે, રાજેન્દ્ર !

પ્રાણનાં મન્દિર ને દેહના મહેલ
નવલખ તારાઓની સાખે.

કાશીરાજ : બ્રહ્મબાલે ! ઉભો છે વિરાટ

કોટી નયને નિરખતો આપણો કોલ.
કોયલ સાક્ષી, ને ફૂલડાં છે સાક્ષી.
ફૂલડાં ફોરશે ને કોયલ ટહુકશે,
ત્ય્હાં સૂધી આપણે ય બે
ટહુકશું ને ફોરશું
રસની અમૃતકુંજોમાં.
(પરસ્પરને સત્કારે છે.)
ચાલો, ચાલો, સલૂણી  ! રસકુંજમાં.

શેવતી : ચાલો, ચતુર સુજાણ !

કાશીરાજ : ઉગ્યા નયનોમાં ભાણુ;

શેવતી : મ્હારા પરમ કલ્યાણ !

કાશીરાજ : રસકુંજમાં

ચાલો રસની સરિતાને ઘાટ હો !
ચાલો ફૂલડાં ને વેલી પૂરે વાટ હો !

શેવતી : મ્હારા રસિયાને માટ;

રસકુંજમાં.

શેવતી : (ઉપવન દાખવતી)

ખીલ્યો સુન્દર શોબાગ !

કાશીરાજ : (શેવતીનું દેહોદ્યાન દાખવતા)

ખીલ્યો સુન્દર શો બાગ !

શેવતી : (ઉપવન દાખવતી)

મહીં મધુરા પરાગ;

કાશીરાજ : (શેવતીનું દેહોદ્યાન દાખવતા)

મહીં મધુરા પરાગ;

શેવતી : (સ્નેહલજ્જાથી કાશીરાજના વિશાળ વક્ષસ્થળ ઉપર માથું ઢાળી દઇ)

મ્હારા અખંડ સૌભાગ્ય !

કાશીરાજ : રસકુંજમાં.

(વનઘટામાં જાય છે.)