જયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ છઠ્ઠો
Appearance
← અંક પહેલો - પ્રવેશ પાંચમો | જયા-જયન્ત અંક પહેલો/ પ્રવેશ છઠ્ઠો ન્હાનાલાલ કવિ |
અંક પહેલો - પ્રવેશ સાતમો → |
ꕥ
દેવર્ષિ : જગતનું મહાભારત આજે ઉઘાડું,
- ને વાંચું મંહીથી ત્રિકાળનાં ત્રણ પર્વ.
- આદરૂં વિશ્વ દર્શનની સમાધિ,
- ને ઉકેલું બ્રહ્માંડના પરમભેદ.
- ફાટો, ઓ ધરતીની ગુફાઓ !
- યોગીના આદેશ છે;
- પાઠવો પુરાણજોગી ભૂતકાલને.
ભૂતકાળ : યોગીરાજ ! આદેશ.
દેવર્ષિ : બચ્ચા ! જગતની શી સેવા સાધી ?
ભૂતકાળ : યોગીરાજ ! ઈતિહાસમૂર્તિ છું.
- સૃષ્ટિનું હું સ્મરણ છું,
- માનવકથાનું મહાકાવ્ય છું,
- ચિત્રવિચિત્રનો ચોપડો છું.
- મહાપુરૂષોના અનુભવ છું, ડહાપણ છું.
- ઉદાર દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
- અમૃતાક્ષરે લખું છું, સત્કર્મો સાધુઓનાં,
- બોધના શબ્દે આલેખું છું
- જીવનભૂલો કો અસાધુઓની.
- ઢાંકેલા ધરા, ભયની ગુફાઓ
- દાખવું છું પ્રવાસીઓને
- મનુષ્યના મનુષ્યત્વના
- લખ્યા છે ચાર વેદ મ્હેં;
- ને મૂક્યા છે ચાર દિશાઓમાં
- દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે;
- એ મહેલનો હું વજ્રપાયો છું;
- બ્રહ્માંડ જેટલો પુરાણ,
- ને બ્રહ્મ જેટલો અવિચળ.
- મ્હારૂં નામ 'હતું'
દેવર્ષિ : થંભો, ઓ વાયુના વેગ !
- યોગીના આદેશ છે,
- પાઠવો ચિરંજીવયોએએ વર્તમાનને.
- (વાયુમાંથી વર્તમાન આવે છે)
વર્તમાન : યોગીરાજ ! આદેશ.
દવર્ષિ : બચ્ચા ! શું સાધ છ જગત હિત ?
વર્તમાન : યોગીરાજ ! જીવનમૂર્તિ છું.
- જગતની ગતિ ને પ્રવૃત્તિ છું.
- માનવમહાકથાનો ચાલતો અધ્યાય છું.
- ચિત્રવિચિત્રની કલમ છું.
- દિવસને રાત્રીની પરંપરા
- અન્ધકારને પ્રકાશના પડછાયા
- પાડું છું સ્થૂલ ને સૂક્ષ્મમાં
- તિક્ષ્ણ દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
- માનવ જાતનું મન છું.
- પરકમ્પાવાસીના પાય છું,
- સન્તજનોની સુવાસ છું,
- અસન્તોના ઓછાયા છું.
- સજ્જીવનનું છું મહાસંગીત.
- યાત્રાળુઓ તો મ્હારે આભલાં છે.
- નથી-નથી કો સત્વ બ્રહ્માંડભરમાં
- જે મ્હારે દોરે ન પરોવાયું હોય.
- દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે,
- એ મહેલનો હું ફૂલબાગ છું;
- નવરંગ ફૂલડે શોભતો,
- અજબ વાસનાઓ ફોરતો.
- મ્હારૂં નામ 'છે'
દેવર્ષિ: ઉઘડો, ઓ આભના પડદાઓ !
- યોગીના આદેશ છે,
- પાઠવો અદ્ભુત યોગી ભવિષ્યને
(આકાશમાંથી ભવિષ્યકાલ ઉતરે છે)
ભવિષ્ય : યોગીરાજ ! આદેશ.
દેવર્ષિ : બચ્ચા ! શું કરીશ જગતનું ?
ભવિષ્ય : યોગીરાજ ! આદર્શમૂર્તિ છું,
- માનવી ને દેવની યે આશા છું,
- બ્રહ્માંડની હું કવિતા છું,
- પરબ્રહ્મની પ્રસન્નતા છું.
- ઊર્ધ્વ દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
- સહુનું મહાઆકર્ષણ,
- સૃજને શિખરે સૂર્ય સમો વિરાજી
- પાઠવું છું કિરનોના દોર
- માનવીને ઝાલી ઉંચે ચ્હડવાને કાજ.
- ઉત્સાહ છું, અભિલાષ છું, પ્રેરના છું;
- કલ્પના છું અદ્ભુત અમૃતની.
- આધાર છું પડતાંનો,
- ઉદ્દીપન છું થાક્યાનું.
- તીર્થ છું તીર્થગામીઓનું,
- મોક્ષ છું મુમુક્ષુઓનો.
- જગતની શક્યતાનો ભંડાર,
- વિશ્વના વિકાસનું કેન્દ્ર,
- મનુષ્યનું દિવ્ય લોચન છું
- દેવર્ષિ ! સૃષ્ટિનો સુન્દર મહેલ છે,
- એ મહેલનો મિનાર ને ધ્વજ છું
- મહાઆભથી યે ઉન્નત,
- ને બ્રહ્મધામની દીવાદાંડી જે
- મ્હારૂં નામ 'થશે'
દેવર્ષિ: સ્મરણ, પ્રવૃત્તિ ને આદર્શ;
- ઈતિહાસ, પરકમ્મા ને મોક્ષ
- ત્રણે કાલ સરજ્યા છે સરજનહારે
- બ્રહ્માંડની ઉન્નતિને અર્થે.
- પડ્યા છે ભૂતકાલના હિમાદ્રિ,
- સમાધિસ્થ, અવિચલ ને યોગમૂર્તિ;
- જન્મે છે ત્હેમાંથી વર્તમાનગંગા,
- વહે છે સદા તે વાડીઓમાં થઈ.
- ઉભા છે આરે આરે
- તીર્થ તપસ્વીઓ, ને ઋષ્યાશ્રમો
- ઉદ્ધારે છે બ્રહ્માંડવાસીઓને,
- અને મૂકે છે લઈ જઈ
- ભવિષ્યના બ્રહ્મસાગરમાં
- જગત એટલે ઉન્નતિક્રમ,
- બ્રહ્મધામનાં અમૃતપગથિયાં.
- જગત અસત્યે નથી,
- જગત અનીશ્વરે નથી.
- असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम्
- ગીતા ભાખે છે એને અસુરવાણી
- દેવસંઘને દુનિયા સત્ય જ છે.
- ब्रह्म सत्यं जगत्सत्यं जीवोब्रह्म सुहृद्द्धयम्
- ગંગા ! ઓ કાલગંગા !
- બ્રહ્માંડના ભાગ્યની ઓ ભાગીરથી !
- દિશાકાલની ગંગાયમુનાનો જય !
- બ્રહ્મ ને બ્રહ્માંડનો જય !
સત્ત્વો: અહો ! ધન્ય ધન્ય ! હો !
- બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે;
- અહો ! ધન્ય ધન્ય ! હો !
- દુનિયાં કહે છે કે દેવ છે.
- વડાં પાથર્યાં આભનાં પત્ર કાળાં,
- લખી તેજના શબ્દથી મન્ત્રમાળા;
- દિશાકાલેદોરે ગૂંથ્યાં સૌ ખગોળે;
- મહાગ્રંથ બ્રહ્માંડનો બ્રહ્મ બોલે.
- અહો ! ધન્ય ધન્ય ! હો !
- બ્રહ્માંડ કહે છે કે બ્રહ્મ છે;
- અહો ! ધન્ય ધન્ય ! હો !
દેવર્ષિ :कालोस्मि लोकक्षयकृत्प्रवृद्ध
- પ્રભો ! એ છે એક પક્ષી.
- જગતમાં મૃત્યુના મહાઓટ છે,
- સૃજનની ભરતી એથી યે છે મ્હોટી.
- ગાવ, ગાવ ફરી એક વેળા
- માનવજાતિની કલ્યાણગીતા, ઓ નાથ !
- સર્વત્ર નિગૂઢ મહાસત્યની દેવઋચા કે
- कालोस्मि लोकोन्नतिकृत्प्रवृद्ध: