ઠગ/ભગ્ન હૃદયના ભણકાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઠગનો કાર્યપ્રદેશ ઠગ
ભગ્ન હૃદયના ભણકાર
રમણલાલ દેસાઈ
૧૯૩૮
ઠગ જીવનમાં માનવતા →૧૪
 
ભગ્ન હ્રદયના ભણકાર
 


દેવ મદિરમાં હું એક ભયંકર મૂર્તિ સામે ઊતર્યો. આ કદાવર મૂર્તિ છ-સાત માણસ જેવડી ઊંચી અને તેટલી જ પહોળી હતી. મૂર્તિની જીભ બહાર હતી. તેના એક હાથમાં પ્રમાણસર મોટી તલવાર હતી. બીજા હાથમાં પ્રચંડ ગદા હતી. બીજા બે હાથ બંને જાંઘ ઉપર મૂકેલા હતા. નીચેની એક બેઠક ઉપર પગ લંબાયા હતા. મૂર્તિ બેઠેલી હોય એવો ભાસ થતો હતો, છતાં બંને પાનીઓ થોડી થોડી વારે વારાફરતી ઊપડતી અને તેમાંથી ક્વચિત્ ધૂમ્ર તો ક્વચિત્ જવાળા બહાર આવતાં હતાં અને મૂર્તિની ભયંકરતામાં વધારો કરતાં હતાં.

મને વિચાર આવ્યો કે જવાળામુખી પર્વતના કોઈ ભાગને આ પ્રમાણે મૂર્તિના સ્વરૂપમાં બાંધી લીધો તો નહિ હોય ?

મંદિર વિશાળ હતું, પરંતુ તેની વિશાળતા ઈશ્વરનો આભાસ આપવા કરતાં મનુષ્યની નિરાધાર સ્થિતિ અને ક્રૂર ભવિષ્યનો ખ્યાલ ઉપસ્થિત કરતી હતી. એક મોટો ઘંટ લટકતો હતો, અને બાજુ ઉપર ભારે કદનો એક ડંકો પડેલો હતો. હથોડી, ફરસી, તલવાર, ભાલા, ધનુષ્યબાણ, બખ્તર, ઢોલ વગેરે મોટી સંખ્યામાં દેવળની ભીંતો ઉપર લટકતાં દેખાયાં. નવીન યુગની બંદૂકોનો પણ સારો જથો ભેગો કરેલો લાગતો હતો. એકાદ સાધારણ લશ્કરને પૂરાં પાડી શકાય એટલાં આયુધોનો અહીં સંગ્રહ થયેલો મને દેખાયો.

‘આ તે મંદિર કે શસ્ત્રભંડાર !’ મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો.

મંદિરમાં હું એકલો જ હતો. પર્વતની કોઈ વિશાળ ટેકરી ઉપર આ મંદિર કોરી કાઢ્યું હશે, અને તે ઠગ લોકોનાં જુદાં જુદાં રહેઠાણો સાથે ગુપ્ત માર્ગથી જોડી દીધું હશે એમ મને લાગ્યું. કારણ તે સિવાય હું અહીં કેવી રીતે ઊતરી શકત !

કદાચ આ સઘળો ભાગ ઠગ આગેવાનોના રહેઠાણનો પણ હોય. અતિશય ગુપ્ત ભાગ ઉપર મહત્ત્વના કાગળો, દાખલા વગેરે હતાં. અહીં મંદિર અને શસ્ત્રભંડાર હતો. આટલામાં જ ખજાનો અને કોઠાર પણ હશે એમ મને શક ગયો. વળી કલ્પના પણ ન પહોંચે એવાં આ સ્થાનોનું રક્ષણ કરવાની પણ જરૂર દેખાતી ન હતી. દુશ્મનોનાં અસંખ્ય લશ્કર આવે છતાં આ લોકોનો તલભાર સ્પર્શ પણ કરી શકાય એમ ન હતું, ભયાનક કરાડો અને પાતાળસ્પર્શી ખીણો, અભેદ ઝાડીઓ અને ગગનચુંબી શિખરોથી રક્ષણ પામતો આ પ્રદેશ અત્યંત સુરક્ષિત હતો. ઠગ લોકો સિવાય - અને તેમાં પણ તેમના આગેવાન સિવાય ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે કે કયું સ્થળ ક્યાં આવેલું છે. આ મંદિરની બાજુએથી કોઈ સૈન્ય કદાચ જતું હોય તોપણ તેમાંથી કોઈને સંશય સુધ્ધાં ન પડે કે અનેક શસ્ત્રોથી સજાયેલું સ્થાન અહીં હશે.

આથી જ આ લોકોને વશ રાખવાનું કામ મુશ્કેલ બનતું હતું. અને આ સઘળું મારા જોવામાં આવ્યા પછી તો મારી ખાતરી થઈ કે લશ્કરો લઈ તેમની સામે થવામાં કાંઈ જ અર્થ નથી. આવા વિચારો વચ્ચે ગૂંચવાયલા મારા જેવા અજાણ્યા માણસને બહાર જલદી નીકળવાની સ્વાભાવિક ઇચ્છા થાય જ. છતાં બહાર નીકળવાનો માગ મને જડ્યો નહિ. એક બાજુ ઉપર થોડાંક નાળિયેર પડ્યા હતાં તેમાંથી મેં બેત્રણ ફોડયા અને લીલું કોપરું ચાખ્યું. કોઈ હતું જ નહિ એટલે હું સ્વતંત્રતાથી મંદિરમાં ફર્યો.

પેલી મૂર્તિને પણ તપાસી જોઈ. અલબત્ત, મેં હાથ તો અડાડ્યો જ નહિ. મને ડર લાગ્યો કે કદાચ કોઈ ખોટું યંત્ર દબાય તો મને તેની યાતનામાંથી છોડાવનાર કોઈ મળે જ નહિ. દૂરથી જોતાં પણ મને એટલું તો સમજાયું કે કોઈક યાંત્રિક કરામતનું આ પૂતળું છે.

હું મૂર્તિને જોતો હતો. એટલામાં પાછળથી કોઈ આવતું હોય એવો મને ભાસ થયો; પડછાયો પણ દેખાયો. પાછા ફરી જોતાં આયેશા મારી નજરે પડી.

ભીંત જેમની તેમ હતી; એક પણ બારણું કે જવા આવવાનો રસ્તો મને જણાયો નહિ. પછી આયેશા ક્યાંથી આવી હશે ? કદાચ હું આવ્યો તેમ ઉપરથી તો નહિ ઊતરી હોય ?

મેં તેને માનપૂર્વક ઓળખાણભરેલી સલામ કરી.

‘તમે છેવટે છૂટી તો ન જ શક્યા !’ આયેશાએ પૂછ્યું.

આજુબાજુની ભયંકર પરિસ્થિતિમાં આયેશાનું સૌન્દર્ય વધારે ખીલી નીકળતું લાગ્યું.

‘ના, હજી પ્રયત્ન ચાલુ છે.’

'હવે પ્રયત્નો મિથ્યા છે. આ મંદિરમાં પ્રવેશ કરનાર તેની બહાર જઈ જ શકતું નથી.' આયેશાએ જણાવ્યું.

‘આપ સાથે જ છો એટલે મને તે વાત મુશ્કેલ નહિ લાગે. આપના સરખાં ઉદારચિત્તનાં બાનુની હાજરીમાં મારો અંત આવશે તોપણ કશી હરકત નથી.' મેં તેને સંભળાવ્યું. મંદિરમાં પહેલો પ્રવેશ તો આયેશાએ જ મને કરાવ્યો. એટલે તેના કહેવા પ્રમાણે અમારે બંનેએ એક જ ભવિષ્ય ભોગવવું પડે.

આયેશાએ થોડી વાર સુધી જવાબ ન આપ્યો. તે વિચારમાં પડી ગઈ. કેટલીક વારે તેણે મને પૂછ્યું :

‘તમે મટીલ્ડાને તો ઓળખો જ છો !’

'હા, જી.'

‘કોઈ યુરોપિયન સ્ત્રી હિંદીની સાથે લગ્ન કરે તો તે તમે પસંદ કરશો ?' તેણે પૂછ્યું.

ઉત્તર માટે વિચાર કરવાની જરૂર નહોતી. મેં કહ્યું :

‘કદી નહિ.’

‘તમે ત્યારે મટીલ્ડાને સમજાવી શકો એમ છો ? તે કોઈ હિંદીના પ્રેમમાં પડી છે !’ તેણે કહ્યું.

મને સમજ ન પડી. આ બધું તે શા માટે મને કહે છે ? મટીલ્ડ કોની સાથે પ્રેમમાં પડી છે ? અને તેમ હોય છતાં આયેશાને તેમાં શું લાગેવળગે?

'પણ તમે કહો છો ને કે અહીંથી જવાનો માર્ગ જ નથી ! પછી એ બધું કેવી રીતે બની શકે ?’ મેં જણાવ્યું.

આયેશા હસી. તેના હાસ્યમાં પૂર્વની અભેદ ગહનતા સમાયલી હતી. પૂર્વદેશોની રમણીઓનાં હાસ્ય છીછરાં હોતાં નથી, તેમાં ઊંડા અર્થ સમાયલા હોય છે. મને તે હાસ્યનો અર્થ ન સમજાયો.

‘મારી એક શરત કબૂલ રાખો તો અહીંથી છૂટવાનો એક જ માર્ગ છે તે હું બતાવું...' આયેશાએ પોતાના ગહન સ્મિતને શમાવી ગંભીર બની થોડી વારે મને કહ્યું.

‘આપનો મારા ઉપર ઉપકાર થયો છે, એટલે હું છૂટું અગર ન છૂટું તોપણ મારાથી બને તે કરવા માટે હું બંધાયેલો જ છું. માત્ર શરત જાણ્યા સિવાય તે પાળવાનું વચન ન આપી શકું.' મેં જવાબ આપ્યો.

પ્રવાલ સરખા હોઠ ઉપર ગોરી અંગુલી અરાડી આયેશા સહજ વિચારમાં પડી. પડદા પાછળ જ રહેનારી આ અદ્ભુત સૌન્દર્ય ભરેલી સ્ત્રીને આ એકાંત સ્થળમાં મારા જેવા પરકોમના પરાયા પુરુષ સાથે ઊભા રહેતાં સંકોચ અગર ડર ન હતો. એ જોઈ મને આશ્ચર્ય લાગ્યું.

‘સમરસિંહ ક્યાં છે ?’ મેં શાંતિનો ભંગ કરી પૂછ્યું. આટલા બનાવો બની ગયા હતા. છતાં પેલા યુવકને મેં હજી સુધી જોયો નહિ તેથી મને નવાઈ લાગ્યા કરતી હતી.

એ નામ સાંભળતાં જ આયેશાના મુખ ઉપર ફેરફાર થયો. એ ફેરફાર એટલો સૂક્ષ્મ હતો કે જો એવો ફેરફાર જોવાની ધારણા સહ તેના મુખ તરફ મેં જોયું ન હોત તો મને પણ તે સમજાત નહિ. પરંતુ આયેશાના મકાનમાં મને થયેલો અનુભવ તાજો જ હતો. એટલે સમરસિંહના નામ સાથે તેના સુંદર મુખ ઉપર વધારે સૌંદર્ય ઊભરાયું. તેની લાંબી કાળી આંખો સહજ વધારે ચમકી અને કોઈ આાછું અગમ્ય સ્મિત ફેલાયું.

‘એ તો ભરતપુર ગયા છે.' તેણે જવાબ આપ્યો.

'કેમ ?'

‘રાજ્ય માટે લડાઈ ચાલી છે; તમારું લશકર પણ ત્યાં ગયું છે. એમને બોલાવ્યા હતા.' આયેશાએ કહ્યું.

'ત્યાં સમરસિંહનું શું લાગે ?’ મેં વધારે માહિતી મેળવવા પ્રશ્ન પૂછયો.

‘એમને સચ્ચાઈની બિરાદરી છે. જ્યાં જ્યાં સાચને માથે આફત હોય ત્યાં સમરસિંહ ખરા જ.’ આયેશાએ તારીફ કરી.

‘તો પછી આ બધા પ્રપંચમાં તે કેમ ઊભા રહે છે ? સાધુ થઈ ગંગાતટ કેમ વસતા નથી ?’

આયેશાએ એક નિઃશ્વાસ નાખ્યો. તેના મુખ ઉપર ગ્લાનિની છાયા ફરી વળી.

‘એ તો સાધુ જ. સદાય ગંગાતટ ઉપર જ તેમનો નિવાસ છે.' તેણે કહ્યું.

‘તેમાં તમે દિલગીર કેમ થાઓ છો ?' મેં પૂછ્યું.

‘કેટલીક સ્ત્રીઓ એ વાત જાણતી નથી, જાણે છે તો માનતી નથી, અને માને છે તોપણ તેનો મોહ મૂકતી નથી. એની જ દિલગીરી !' આયેશાએ દિલગીરીનું કારણ દર્શાવ્યું.

સમરસિંહ એ જ પેલા યુવકનું નામ હોય તો તેનું સૌન્દર્ય અતિશય મોહક હતું. પાતળો ઊંચો દેહ, સુપ્રમાણ મુખરચના, આંજી નાખતી તેજસ્વી આંખો, અને સર્વદા સ્મિતભર્યું - બાલક સરખું કુમળું મુખ : સ્ત્રીઓના આકર્ષણ માટે આટલું બસ હતું. પરંતુ તેની અપૂર્વ બુદ્ધિ અને તેનું શારીરિક બળ. તેને પુરુષવર્ગમાં પણ સન્માન અપાવતાં હતાં. મને પ્રથમથી જ તેને માટે પક્ષપાત થયો હતો. તેની લાવણ્યભરી છટા, મધુર કંઠ અને વિવેકભરી સ્થિર રીતભાત કોઈ પણ કુલીન ઘરને શોભા આપે એવાં હતાં. યુરોપીય વિવેક તેના આગળ તોછડો અને દંભભર્યો લાગતો હતો. અને જ્યારે તે સાધુ છે એ વાત મને આયેશાએ કહી, ત્યારે મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. સાધુત્વભર્યું ગૂઢ અગમ્ય જીવન સર્વની કલ્પનાને ઉત્તેજિત કરવા માટે પૂરતું હતું. મને પણ દિલગીરી થઈ કે આ યુવક પોતાના જીવનપ્રવાહને સાધુતાની શુષ્ક રેતીમાં કેમ ઠાલવતો હશે ? આયેશાને દિલગીરી થાય એમાં નવાઈ ન હતી. તેના કથનમાં મને ભજ્ઞ હૃદયના. ભણકારા લાગ્યા.

‘કેમ હવે શો વિચાર કરો છો ?' મને વિચારમાં પડેલો જોઈ તે સહજ હસી અને મને કહેવા લાગી : ‘મેં તમને પહેલાં કહ્યું હતું તે યાદ છે ને ? મટીલ્ડાને સમજાવવાનું ?’

‘હું ચમક્યો. શું મટીલ્ડા સમરસિંહને ચાહે છે ! યુરોપી બાળા એક હિંદવાસી કાળા ઠગને ચાહે ? અને અત્યંત પ્રેમથી તેણે મને બતાવેલી સમરસિંહની છબી મને યાદ આવી. એ છબી મટીલ્ડાએ જ પોતાના હાથે ચીતરી હતી. તેનું કારણ મારા ધ્યાનમાં આવ્યું. મારા જાતીય અભિમાનને એક ઘા લાગ્યો.

પરંતુ સ્ત્રીના હૃદયને કોણ કળી શકે એમ છે ? આકાશની ગહનતાને ભેદી શકાય, સમુદ્રના ઊંડાણને માપી શકાય, કુદરતના ચમત્કારો ઉકેલી શકાય, પરંતુ સ્ત્રીના અગમ્ય હૃદયનો પાર કોણ પામી શકે ? મને મટીલ્ડાની પસંદગી માટે એક પ્રકારનો સદ્ભાવ પણ ઊપજ્યો. યુરોપમાં સમરસિંહ મળી શકે ? મેં મનને પૂછ્યું.

‘એ જ આપની શરત છે ને ? અહીંથી છૂટવાનો માર્ગ બતાવવા માટે એટલી જ શરત પાળવાની હોય તો હું કબૂલ છું.' મેં કહ્યું.

આયેશા ખુશ થઈ.

‘હા, શરત તો એટલી જ છે, પરંતુ તેને પાળવી મુશ્કેલ છે, હો !’ તેણે કહ્યું.

'હરકત નહિ, હું મારું બનતું કરીશ.' મેં કહ્યું.

‘અને તેમાં જીવનસાટાનું જોખમ પણ છે. અત્યારે મટીલ્ડા આઝાદના કબજામાં છે.’ આયેશાએ કહ્યું.

આઝાદ તેને મારી સમક્ષ કેવી રીતે ઉપાડી ગયો હતો તે મને યાદ આવ્યું. ‘પણ આઝાદ તો તમને ચાહે છે ને ? મેં પૂછ્યું.

'પરંતુ એ જાણે છે કે હું પણ સાધ્વી છું, મારાથી કોઈ સાથે લગ્ન થઈ શકે એમ છે જ નહિ !’ મને ફરીથી ચમકાવતો જવાબ આયેશાએ આપ્યો.

'આ શું ? આવી સ્વરૂપવતી સ્ત્રીને એકલી જિંદગી ગુજારવી પડશે ?'

‘અને તેથી જ મટીલ્ડાને ઉપાડી લાવવામાં આઝાદે આગળ પડતો ભાગ લીધો હતો.' આયેશાએ જણાવ્યું.

‘તમે શું કહો છો ? મારી સમજમાં જ કશી વાત ઊતરતી નથી. સમરસિંહ પણ સાધુ છે, અને તમેયે સાધુ છો ? અને તમે બંને કુંવારી જિંદગી ગાળવાનાં છો ?' મેં પૂછ્યું.

‘એમ જ. આપ કહો છો તેમ જ.’ આયેશાએ કહ્યું. ‘અમારો ધર્મ અમને તેવી ફરજ પાડે છે.’

‘પણ આઝાદ તો લગ્ન કરવા માગે છે ! એ શી રીતે ?' મેં પૂછ્યું.

‘બધાંને લગ્નની મના નથી. ધર્મના ભેદની ચાવીઓ જેની પાસે રહે તેણે લગ્નને ઘણી વખત જતું કરવું પડે છે. હું અને સમરસિંહ અમારા ધર્મને યથાર્થ સમજીએ છીએ. એટલે જગતના સુખનો ત્યાગ કરવાની અમારે માથે ફરજ છે.' આયેશાએ જણાવ્યું.

હું આ સાંભળી મૂઢ બની ગયો. આ લોકોનો ધર્મ શો ? ધર્મના ભેદ શા ? ઠગવિદ્યા અને ધર્મને સંબંધ કેવો ? આ સુંદર સ્ત્રીના મુખ ઉપર સમરસિંહના નામ સાથે રતાશ આવે છે તે તેના સહચાર વગર કેમ રહી શકશે ?

વળી આઝાદ મટીલ્ડાને ઉપાડી ક્યાં લઈ ગયો હશે ? તેની કેવી દશા કરી હશે ? આ બધા વિચારો ક્ષણમાત્રમાં મારા હૃદય ઉપર તરવરી રહ્યા.

‘એ બધું તો ઠીક છે; પરંતુ હવે આપણે અહીંથી બહાર જવું જોઈએ. અમારા ધર્મનો ઇનકાર કરનાર અહીં આવે તો જરૂર આ દેવીનો ભોગ થઈ પડે. મારી શરત તો યાદ છે ને ?’ તેણે પૂછ્યું.

‘તમે મને પૂરી વાત કહી નથી. હજી નથી સમજી શક્યો કે તમારી શી શરત છે.' મેં જવાબ આપ્યો.

‘મટીલ્ડાને આઝાદના કબજામાંથી છોડાવવા તમારે મને સહાય આપવી અને પછી તેને કોઈ હિંદવાસીના પ્રેમમાં ન પડવા સમજાવવી. એ શરત કબૂલ હોય તો હું તમને અહીંથી બહાર લઈ જાઉં.' આયેશાએ કહ્યું. તેની આંખમાં તોફાન ઊછળી રહેલું લાગ્યું.

'ઓહો ! એ તો મારી ફરજ છે.' મેં કહ્યું. 'તમને વચન ન આપું તોપણ એ કામ કરવાને મેં મારી જિંદગી સમર્પી છે એમ જાણ઼જો.'

‘તમે ધારતા હશો એટલું એ કામ સહેલું નથી. આઝાદને તમે હજી ઓળખતા નથી.' તેણે કહ્યું.

'તમારા સુમરા ઠગે મને શું કર્યું કે હવે મારે આઝાદથી ડરવું પડે ?’ મેં આયેશાને સહજ ચીડવવા પ્રયત્ન કર્યો. મારી ખાતરી હતી કે સમરસિંહનું ભૂંડું બોલવું એ તેને ઉશ્કેરવા માટે બસ છે. આછા તિરસ્કારથી આયેશા હસી.

'તેને લીધે તો અત્યારે તમે જીવતા રહ્યા છો. શસ્ત્ર વગરનો સુમરો અત્યારે અનેક રાજ્યોને હલાવી રહ્યો છે. તમને ક્યાં ખબર છે ? પણ યાદ રાખજો કે એ કોઈ દિવસ શસ્ત્ર વાપરશે તો અંગ્રેજોથી હિંદુસ્તાનમાં રહેવાશે નહિ.' તેના બોલેબોલમાં અતુલ બળ હતું.

‘હરકત નહિ. એ તો મારો મિત્ર છે. અંગ્રેજો હિંદુસ્તાનમાંથી જશે. તોપણ હું સુમરાના મહેમાન તરીકે રહેવાનો છું.' મેં સહેજ જણાવ્યું. આયેશા એકાએક ચમકી અને બોલી :

‘સાહેબ ! ઉતાવળ કરો.’ આંખે પાટો બાંધી દેવો પડશે. તે સિવાય અહીંથી બહાર નહિ જવાય !' તેણે કહ્યું, અને મને કાંઈ પણ જવાબ આપવાની તક મળે તે પહેલાં તેણે એક રેશમી રૂમાલ કાઢી મારી આંખો ઉપર નાખ્યો.

રૂમાલને બાંધી તેણે મારી દૃષ્ટિ બિલકુલ બંધ કરી દીધી. પછી મને તેણે હાથ આપ્યો. એ હાથ પકડી તેની સાથે સાથે તેના કેવા પ્રમાણે હું દોરાયો. ઘણી ઊંચીનીચી જગાઓમાં થઈને મને આયેશા બહાર લાવી. હું તદ્દન કંટાળી ગયો.

‘છતી આંખોએ ક્યાં સુધી આંધળાનો વેશ ભજવાવશો ?' મેં છેવટે પૂછ્યું.

‘હવે બહુ વાર નથી. આંખ વગરના કંગાલોની શી સ્થિતિ થતી હશે. તે તમારે અનુભવમાં ઉતારવી જોઈએ, કે જેથી ભવિષ્યમાં તમે તેમને હસી ન કાઢો.' આયેશાએ શિખામણ આપી.

‘પણ હવે તો એકે ડગલું આગળ નહિ વધાય. મારી આંખોએ હું જોઈશ ત્યારે જ ચાલીશ.' મેં જીદ લીધી.

‘હવે એક જ ડગલું આગળ વધો. હું તમારો પાટો છોડી નાખીશ. ઉતાવળા થાઓ.' તેણે મને આજ્ઞા આપી.

હું એકાદ ડગલું આગળ વધ્યો અને તેણે મને બેસી જવા ઇશારત કરી મારો હાથ દબાવ્યો. હું તે સૂચનાને માન આપી બેસી ગયો અને તુરત મારી આંખો ઉપરથી બંધન ખસી ગયું. મને આંખે ઝાંઝવાં વળ્યાં. મારી આંખને કાંઈ જ ગમ પડી નહિ. હું ક્યાં હોઈશ ? આંખે ધીમે ધીમે બાહ્ય સૃષ્ટિને ઓળખવા માંડી.

ખરા મધ્યાહ્ન થઈ ગયા હોય એમ લાગતું હતું. એક ડુંગર ઉપર આવેલા ટેકરાઓને ઓથે અમે બેઠાં હતાં. એ ટેકરો લગભગ અમારી બાજુએ ફરી વળ્યો હતો. હું આયેશાને કાંઈક પૂછવા ગયો, એટલામાં તેણે મને ચૂપ રહેવાની ઇશારત કરી. તેના મુખ ઉપર ગંભીર ચિંતાની છાયા પથરાઈ ગયેલી લાગી.

એકાએક અમારા ટેકરાની બાજુમાં થઈને કેટલાંક માણસો જતાં હોય એમ મને લાગ્યું. અમે તેમને દેખી શકતાં ન હતાં અને તેઓ અમને દેખી શકે એવો સંભવ ન હતો, પરંતુ સહજ પણ અવાજ થાય તો બહારના ભાગમાં તરત ખબર પડી જાય એમ હતું. મને ચૂપ રહેવા અંગે આયેશાએ શા માટે સૂચના કરી હશે તે હવે સમજાયું. મને લાગ્યું કે કોઈ ટોળી અમારી શોધખોળમાં નીકળી છે. તેઓની અને અમારી વચ્ચે માત્ર એક નાનો ટેકરો જ હતો. ભૂલેચુકે પણ જો કોઈ આ બાજુ નજર નાખે તો પકડાવાનો પૂરો સંભવ હતો.

‘તેઓ આટલામાં જ હોવા જોઈએ.' ટોળીમાંથી એક જણાએ વાત શરૂ કરી.

મારા હોશકોશ ઊડી ગયા. આયેશાની મુખમુદ્રા અત્યંત જડ થઈ ગયેલી લાગી. તેના મનના ભાવ તેના મુખ ઉપરથી પરખી શકાતા ન હતા. તદ્દન સ્થિરતાથી હાલ્યાચાલ્યા વગર શૂન્ય દૃષ્ટિએ તે મારી પાસે લપાઈને બેઠી હતી, પરંતુ તેના મુખ ઉપર ભયનું એક પણ ચિહ્ન જણાયું નહિ.

‘અને ભાઈ ! તને શો ભ્રમ થયો છે ? એ ગોરો તે મંદિરમાં ઊતર્યો કે બીજે ક્યાંઈ, એની પણ શી ખાતરી ?' એક જણે જવાબ આપ્યો. ‘ચારે બાજુએ પહેરા હતા, અને મંદિરમાં ઊતર્યો હોય તોપણ આયેશા એને શી રીતે નસાડી શકે ? મંદિરની ચારે પાસ તો આપણે જ હતા.’

‘ત્યારે કોઈ બે જણ નાસતાં કેવી રીતે દેખાયાં ?' પહેલા માણસે પૂછ્યું.

‘માટે જ કહું છું ને કાંઈ ભ્રમ થયો હશે. જણાયા પછી તો તરત દોડતા આવ્યા છીએ. સંતાવાની જગ્યા નથી. પછી ક્યાં જાય ?’ બીજા માણસે કહ્યું.

‘પકડાયાં નહિ એટલે એમ જ કહેવું પડશે. પણ હવે આપણે અહીં આરામ લઈએ તો ?' ત્રીજાએ જણાવ્યું.

આયેશાની આંખો મોટી થતી લાગી. તેમની ભ્રમરો ઊંચકાઈ. મને પણ લાગ્યું કે જો આ લોકો અહીં આરામ લેશે તો અમારા બાર વાગી જશે !

‘અહીં ખરા તડકામાં આરામની સારી જગ્યા છે, નહિ ?’ એ ટોળીમાંથી એક જણે હસતે હસતે જણાવ્યું.

‘આ પાછળ ટેકરો છે, તેની છાયામાં બેસીશું.’ માણસે જવાબ આપ્યો.

આયેશાએ ધીમે રહી પોતાનું સ્થાન છોડ્યું અને ચારે બાજુએ વીંટળાયેલા ટેકરાનું એક નાનું સરખું કુદરતી દ્વાર બન્યું હતું ત્યાં જઈ ઊભી રહી. હું પણ તેની સાથે ત્યાં ગયો.

ચટ આયેશાએ પોતાની કમરમાંથી એક ભયંકર જમૈયો ખેચી કાઢ્યો.

મારી પાસે હથિયાર જ ન હતું. છતાં મારા બાહુબળથી જે બને તે કરવા મેં તૈયારી કરી. શું કરવાનું હતું, કોને મારવાના હતા, શા માટે મારવાના હતા, એ બધા પ્રશ્નોનું મારે કામ ન હતું. આયેશા જે કરે તેમાં મારે વગર વિચારે મદદ કરવાની હતી. કટાર લઈ ઊભેલી આયેશાની ભયાનક સૌન્દર્યથી ભરેલી મૂર્તિ નિહાળી હું ચકિત થતો સાવધ થવા લાગ્યો.

પરંતુ આયેશાને કટાર વાપરવાનો અગર તો મારે બિનહથિયારે પરાક્રમ બતાવવાનો કશો પ્રસંગ આવ્યો નહિ. ટોળીમાંથી એક જણે કહ્યું :

‘અહીં બેસી રહેવા કરતાં આપણી જગા ઉપર જ જવું સારું છે. જરા તડકો વેઠીશું પણ ઘરભેગા તો થઈશું. ચાલો.’

માણસોએ ધીમે ધીમે ટેકરાની બાજુએ થઈ જવા માંડ્યું. આયેશાનું મુખ સખતાઈ છોડી પોતાનું અસલ માર્દવ ધારણ કરવા લાગ્યું. માણસો સ્થળ છોડી ગયા એમ ખાતરી થતાં આયેશાના મુખ ઉપર હાસ્ય ફરી વળ્યું.

'ખુદાએ જ આ લોકોને બચાવ્યા !’ તે બોલી ઊઠી.

મને જરા નવાઈ લાગી. બચવાનું તો અમારે બન્નેને હતું. સંખ્યા તે ટોળીની ઘણી વધારે હતી. જો તેઓ આ ટેકરાના ગર્ભભાગમાં પ્રવેશ કરી શક્યા હોત તો અમારું બે જણનું બળ નકામું જ હતું. મેં તે હકીકત સમજાવી; પરંતુ આયેશા બોલી :

‘નહિ નહિ, તમે ભૂલો છો. મેં એકેએક માણસને ઝબે કરી નાખ્યો હોત ! તેમનાથી અંદર આવી શકાય એમ હતું જ નહિ.’ અમે બંને બહાર આવ્યાં. ડુંગરની તળેટીમાં થઈને પેલી ટોળીનાં માણસો ધીમેધીમે પસાર થતાં દૂરથી દેખાયાં. તેમણે સીધેસીધો રસ્તો લીધો અને તેઓ અદૃશ્ય થઈ ગયા.

‘હવે તો બે દિવસ જંપીને બેસાય તો ઠીક.' મેં કંટાળાભરેલા અવાજે કહ્યું. ‘થોડા દિવસમાં કાંઈ અજબ નાટકો ભજવાયાં, કશું ખરું લાગતું નથી. સ્વપ્નમાં હોઉ એમ ભાસ થાય છે.'

‘જિંદગી એ સ્વપ્ન છે, ભાઈ !’ આયેશાએ સિદ્ધાંત જણાવ્યો.

'જિંદગી ગમે તે હોય ! હવે તો તે જિંદગીનાં સ્વપ્નો બદલવાની મને જરૂર લાગે છે.' મેં કહ્યું.

'હવે તમને આરામની જરૂર છે. ચાલો.’ કહી તેણે મને આગળ લીધો. આવા બપોરના વખતે આ પહાડ ઉપર મને શી રીતે આરામ આપશે તે મને સમજાયું નહિ, છતાં મારે તેની સાથે ચાલ્યા વગર છૂટકો જ ન હતો. ઊંચીનીચી જગાઓ ઉપર ચડી ઊતરી અમે એક ઝાડી પાસે આવ્યાં.

ઝાડીમાં સહજ પ્રવેશ કરતાં મને જણાયું કે તેમાં એક ઝૂંપડી હતી. એ ઝૂંપડી ઝાડ સાથે મળી જતી હોવાથી દૂરથી ઓળખી શકાય તેવી નહોતી. પાસે જઈ આયેશાએ બારણું ઠોક્યું.

‘કોણ ?’ અંદરથી કોઈએ બૂમ પાડી, અને તત્કાળ બારણું ખૂલ્યું. બારણું ખોલનારને જોઈ આયેશા અને હું બંને સ્તબ્ધ બની ગયાં. બારણું આઝાદે ખોલ્યું હતું.

આઝાદને પણ અમારા જેવી જ નવાઈ લાગી. બેત્રણ ક્ષણ આઝાદ સ્તબ્ધ બની ઊભો રહ્યો. આયેશાએ પૂછ્યું : ‘તુલસી ક્યાં ગઈ ? અંદર નથી ?'

આઝાદે જણાવ્યું :

'મેં એને બહાર મોકલી છે; હમણાં પાછી આવશે. અંદર આવો ને ?'

આઝાદ સાથે સવારે થયેલી મારામારી મને યાદ આવી. આરામ આપવા માટે આયેશા મને અહીં લાવી હોય એમ લાગ્યું, પરંતુ આઝાદની હાજરીમાં આરામની આશા રાખવી એ મને નિરર્થક લાગ્યું. હું પણ હવે આઝાદ સાથે મારું જોર અજમાવવા તૈયાર થયો.

આયેશાએ બહાર પડેલા ખાટલામાંથી એક ખાટલો પાથર્યો અને મને બેસવા જણાવ્યું. હું તે પ્રમાણે બેઠો.

‘અંદર નહિ આવો ?' આઝાદે મને પૂછ્યું.

‘કાંઈ નહિ. અહીં જ પડ્યો છું.' મેં જવાબ આપ્યો.