ત્રિશંકુ/દુખ−પોલીસ અને દુઃખમાં સહાય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચૌટે−ચકલે ત્રિશંકુ
દુખ−પોલીસ અને દુઃખમાં સહાય
રમણલાલ દેસાઈ
નવી દુનિયા અને નવા દોસ્તો →
૧૮
 
દુઃખ-પોલીસ અને દુઃખમાં સહાય
 


ચૌટેચકલે આમ વાતો થઈ રહી હતી તે વખતે તો દર્શન કિશોરની ઓરડીમાં આવી ચૂક્યો હતો અને તેણે શોભા તથા અમરને પોતાની ઓરડીમાં મોકલી દીધાં હતાં. ઘણું ઘણું સંભળાયું, ન સંભળાયું તે કલ્પી લીધું, અને કલ્પનામાં સરલા અને તારા બન્નેનાં હૃદય અને આંખ ૨ડી રહ્યાં હતાં. શી વાત કરવી તેની દર્શનને સમજ પડતી ન હતી. રડતી સ્ત્રીઓને જોઈ તેનું હૃદય કપાઈ ગયું હતું. તેને થતું દુઃખ તેના મુખ ઉપરના સ્મિતને અદૃશ્ય કરી રહ્યું હતું. એકાએક સરલાએ કાન બંધ કર્યા અને આછી ચીસ પાડી ઊઠી. દર્શનને લાગ્યું કે સરલા આ ચીસ પછી કાં તો ઘેલી થઈ જશે અગર મૂર્છિત થઈ જશે. અને ખરેખર સરલાના દેહમાં એક ખેંચ આવી પણ ખરી.

દર્શન એકદમ સરલાની પાસે આવ્યો અને સરલાને સહજ ટેકો આપ્યો. સરલા મૂર્છિત થવાને બદલે એકાએક સહજ મોટેથી રડી પડી. રડતાં રડતાં તે ડૂસકે ભરાઈ; પરંતુ એ ડૂસકાં વધી જાય તે પહેલાં મન ઉપર વજ્રનો ભાર મૂકી તેણે એકાએક રુદન બંધ કર્યું અને આંખો પોતાના લૂગડા વડે લૂછવા માંડી. તારાની પણ એ જ સ્થિતિ હતી. છતાં એનું કૌમાર્ય એને સહજ મજબૂત બનાવી શક્યું. અને રુદનના સહજ પણ અવાજ વગર તેની આંખોમાંથી અશ્રુ ગર્ ગર્ પડી રહ્યાં હતાં. આંખો લૂછતી સરલાને ટેકો આપવો ચાલુ રાખી અને બીજી કાંઈ સૂઝ ન પડવાથી કહ્યું :

‘સરલાભાભી ! રડવું હોય એટલું રડી લો હમણાં જ... મન મોકળું મૂકીને !'

‘રડી લીધું, ભાઈ ! હવે વધારે પડતું નથી. થોડું રુદન કિશોરને ભાગે પણ આવવા દઉં.' સરલાએ જવાબ આપ્યો. હજી તેના કંઠમાં રુદનના ધડકાર તેના શબ્દોનો આશ્રય લઈ રહ્યા હતા.

‘કિશોરભાઈ કદી રડે નહિ, દેહ અને જીવન ભાંગીને ભૂકો થઈ જાય તોય ! એ પૌરુષનો પ્રકાર જ જુદો છે.' દર્શને કિશોરનાં વખાણ કર્યા - જ્યારે આખી દુનિયા તેના ઉપર ફિટકાર વરસાવી રહી હતી. 'એની આંખ નહિ રડતી હોય, પરંતુ એનું હૃદય જરૂર રડતું હશે... હું એના હૃદયને ઓળખું છે.' સરલાએ કહ્યું.

'આવું ઉમદા કુટુંબ પામીને કિશોરભાઈનું હૃદય પણ શા માટે રડે ?' દર્શને કહ્યું.

'કુટુંબ... ઉમદા !' સરલાની આંખ પાછી જરા ઘેલી બની.

'ભાભી ! બહુ કુટુંબો મેં જોયાં.... હજી કુટુંબો જોયા જ કરું છું. તમારા સરખું કુટુંબ અને તમારા સરખી પત્ની મેં ક્યાંય જોયાં નહિ.' દર્શન સરલાને ધારણ આપવા માંડી, પરંતુ સરલા અત્યારે સ્વપરીક્ષામાં પડી હતી.

‘મારા સરખી પત્ની ! નખશિખ નિરુપયોગી !'

‘તમે ? નિરુપયોગી ? તમને કોણ નિરુપયોગી પત્ની કહી શકે ?' દર્શને જરા ચમકીને સરલાના વિચારનો માર્ગ પરખ્યો.

‘જુઓ, દર્શનભાઈ ! લગ્નના બદલામાં આખોય જીવનભાર પતિને ખભે રાખનારી પત્ની નિરુપયોગી નહિ તો બીજું કોણ નિરુપયોગી ?' સરલાએ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું.

અત્યાર સુધી રડી રહેલી, પરંતુ દર્શન અને સરલાની વાતચીતમાં પોતાનું મન પરોવી રહેલી તારાએ પહેલી જ વાર કહ્યું :

'ભાભી ! આપણે ભાઈને ખભેથી ભાર જરૂર ઓછો કરીશું.' પરંતુ તારાને યાદ આવ્યું કે ભાઈનો ભાર ઓછો કરવાના પ્રયત્નમાંથી કુટુંબવ્યવહાર વાંકો બનતો ગયો હતો.

'એટલામાં શોભા અને અમર રડતાં રડતાં ઓરડીમાં આવ્યાં. એ. બન્ને બાળકો પણ ડૂસકે ભરાઈ ગયાં હતાં. તારાએ તેમને પૂછ્યું :

'શું થયું શોભા? કેમ રડે છે તું, અમર ?'

'છોકરાં મને ચીડવે છે - ચોરની દીકરી કહીને !...મા ! બાપુજી ક્યાં ગયા ?' શોભા જવાબ આપતાં વધારે રડી પડી.

‘પણ માં ! બાપુજી કદી ચોરી કરે ખરા ?' અમરે ઉત્તર ન દેવાય એવો પ્રશ્ન કર્યો અને સરલાએ અમરને કાંઈ પણ જવાબ ન આપતાં દર્શનને કહ્યું:

‘દર્શનભાઈ ! મને લાગે છે કે હું હવે આ ઘર છોડી દઉં.'

‘એ બધું થઈ રહેશે. તે પહેલાં કિશોરભાઈને જ્યાં હોય ત્યાંથી અહીં લઈ આવીએ. હિંમત રાખો તો એ બની શકશે.'

‘હિંમત ?...હવે હું પગ ભાંગીને બેસીશ તો અમારાં ચારેનાં જીવન ભાંગશે.' સરલાએ જવાબ આપ્યો.

‘ભાભી ! જીવન તો એક સંગ્રામ છે. કિશોરભાઈ, તમે અને હું સૌ એમાં ઊતરેલાં છીએ.' દર્શને ફિલસૂફીનું ઉચ્ચારણ કર્યું.

'જીવન એ સંગ્રામ હોય તો હું પણ એમાં ઊતરીશ ! આજ સુધી તો હું પડદા પાછળની રૂપાળી પૂતળી હતી; હવે હું કિશોરની પૂતળી નહિ પણ કિશોરની પત્ની બની રહીશ.'

‘તો મારી સાથે જરા ન આવો, ભાભી ? આપણે ભાઈને મળી આવીએ.' દર્શને કહ્યું.

'મળી શકાશે ?' સરલાએ પૂછ્યું.

'પ્રયત્ન કરી જોઈએ.' દર્શને કહ્યું.

'ક્યાં હશે એ ? ખરેખર ?'

‘જ્યાં હશે ત્યાં. એ વધારે જાણવાની જરૂર નથી.' દર્શને કહ્યું.

'મા ! અમે આવીએ ?' શોભાએ પણ પોતાના પિતા પાસે જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. એને ક્યાંથી ખબર હોય કે એનો પિતા એવી જગ્યાએ હતો કે જ્યાં બાળકો ન જ જાય એ વધારે સારું?

‘ના; ફોઈ પાસે બેસો.' કહી સરલાએ બાળકોને જ માત્ર નહિ પરંતુ તારાને પણ પોતાની સાથે આવવાની ઈચ્છા હોય તો તે ઉપર પણ મનાઈ ફરમાવી. છોકરાંને બીજી બાજુ દોરવા માટે દર્શને પણ જતાં જતાં કહ્યું :

'જો પેલી બિલ્લી તમને યાદ કરે છે. એને દૂધ પાઓ બન્ને જણ.' દર્શન બિલ્લી સામે આંગળી તો કરી પરંતુ તારાની પાસે જ અડીને એ બિલાડી બેઠેલી હોવાથી એ આંગળી તારા સામે પણ ચીંધાઈ. તારાએ જરા દર્શન સામે જોયું, સરલા અને દર્શને જવા માંડ્યું એટલામાં પોતાની સામે દોરાયલી આંગળીના જવાબ રૂપે તારાએ પણ કહ્યું :

‘આ જાનવરો પણ ભારરૂપ છે...માણસ જાતને ખભે... પુરુષોની માફક.'

તારાના શબ્દો સાંભળી દર્શને જરા પાછળ જોયું ખરું, પરંતુ અત્યારે યુવતીઓની ટીકાઓના જવાબ આપવાનો સમય ન હતો.

દર્શન અને સરલા બહાર નીકળ્યાં. પ્રથમ ક્યાં જવું તેનો દર્શને નિર્ણય કરી લીધો. સીધા પોલીસની કોટડીએ જવા કરતાં જગજીવનદાસ શેઠને ત્યાં જવું તેણે વધારે પસંદ કર્યું. બળેલી નોટો લઈને કિશોર સહુથી પહેલો જગજીવનદાસને ત્યાં જ રાત્રે ગયો હોવો જોઈએ એમ તેણે માની લીધું. કિશોરની રાત્રિની પ્રવૃત્તિ એ પ્રસંગ પછી જ બનેલી હોવી જોઈએ એમ પણ તેણે માની લીધું.

આગળ વધેલા પ્રભાતમાં જગજીવનદાસ શેઠ પોતાના બંગલામાં બેઠા હતા. એમની પાસે બે પોલીસ અમલદારો પણ પોતાના રુઆબદાર પહેરવેશમાં હાજર હતા. તેમની આસપાસ થોડે દૂર બેચાર પોલીસ સિપાઈઓ પણ ઊભા હતા અને જગજીવનદાસ શેઠના નોકરો પણ ઊભા હતા. ગુનાનું વાતાવરણ સ્પષ્ટ દેખાતું હતું. એક પોલીસ અમલદાર શેઠસાહેબ સાથે વાતચીત કરતો હતો અને બીજો અમલદાર પોતાની મૂછોના આંકડાને વધારે વળ આપી રહ્યો હતો. મૂછોવિહીન થતી પુરુષ દુનિયામાં હજી મૂછોને આછુંપાતળું પોલીસ અમલદારોનું જ રક્ષણ મળે છે.

'હવે શું બન્યું એ વિગતપૂર્વક મને કહી સંભળાવો, શેઠસાહેબ !' પોલીસ અમલદારે પૂછ્યું.

'ભાઈ ! રાત્રે તો એવી ટાઢ હતી કે ક્લબમાં મારે મોડું થઈ ગયેલું. ગભરાટમાં ઘણી વિગતો યાદ ન પણ રહી હોય !' શેઠસાહેબે કહ્યું.

‘તેની હરકત નહિ. ભુલાયું હશે તે અમે શોધી કાઢીશું.' અમલદારે કહ્યું.

અને એકાએક શેઠનો એક માણસ અંદર આવ્યો અને શેઠના હાથમાં એક કાર્ડ મૂકી દીધું. કાર્ડ વાંચ્યા વગર શેઠસાહેબે કહ્યું :

‘આ પોલીસની તપાસ ચાલે છે એ જોતો નથી ? શા માટે વચમાં કાર્ડ લાવે છે ?'

'સાહેબ એ આવનાર ભાઈ હમણાં ને હમણાં જ આપને કાર્ડ આપવાનો આગ્રહ કરે છે.' નોકરે જવાબ આપ્યો.

'એવો કોણ તિસ્મારખાં છે જે પોલીસની તપાસ વચ્ચે જ મને મળવા. આગ્રહ રાખે છે ?' શેઠસાહેબે ગુસ્સે થઈ કહ્યું.

‘કાર્ડનું નામ વાંચશે એટલે શેઠ સાહેબ મને તરત જ આવવા દેશે એમ એ ભાઈ કહી રહ્યા હતા.' નોકરે જવાબ આપ્યો અને ડહાપણ તથા અનુભવથી ભરેલા શેઠસાહેબે કાર્ડ વાંચવાની તસ્દી અંતે લીધી ખરી. કાર્ડ વાંચતાં બરોબર તેઓ બોલી ઊઠ્યા :

'આ પત્રકારો કોઈને જરી જંપવા દેવાના નહિ. સહેજ કંઈ બનવું જોઈએ; ટાંપીને જ રહ્યા હોય !... તેમાં કાર્ડવાળો દર્શન હમણાં જોરમાં છે ! સહુને ફજેત કરી રહ્યો છે. આવવા દો ભાઈ !' કહી નોકરને તેમણે આજ્ઞા આપી અને પોલીસ અમલદારને વિનવણી કરતાં કહ્યું :

‘સાહેબ એ આવી જાય પછી હું આપને વિગતે વાત કહું. દર્શનને જેટલો વહેલો ઘરમાંથી કાઢીએ એટલું વધારે સારું.’

‘દર્શન ! પેલો પત્રકાર ?... ...હા, ભાઈ ! હા. એ તો કોઈને છોડતો જ નથી. હવે ધીમે ધીમે સરકારી અમલદારોને પણ ફજેત. કરવા લાગ્યો છે. આવી જવા દો એને ! કહો તો અમે બહાર બેસીએ.’ પોલીસ અમલદારે શેઠસાહેબને કહ્યું.

'ના રે ના. આપણે કોનો ડર છે ? ભલે ને સાક્ષાત્ ઈશ્વર ઉપરથી ઊતરી આવે ! આપણે તો જે બન્યું છે એ જ હકીકત. લખાવવાના !...ચાનાસ્તો આવે છે, સાહેબ ! જોતજોતામાં.'

એટલામાં જ પરવાનગી પામેલો દર્શન શેઠસાહેબના ખંડમાં આવ્યો. સરલા પણ એની સાથે જ હતી. એને હજી કોઈ ઓળખતું ન હતું એટલે એ અજાણી સ્ત્રીને દર્શન સાથે આવેલી જોઈને સહુને જરા આશ્ચર્ય પણ થયું.

'ઓહો આવો દર્શનભાઈ ! બેસો. અત્યારમાં આટલા વહેલા ક્યાંથી ?' શેઠસાહેબે કહ્યું. દર્શને બેસતાં બેસતાં કહ્યું :

'આપ જાણો જ છો ને, શેઠસાહેબ ! કંઈ બનાવ બને તેની જાહેરાત, આપતાં પહેલાં અમારે સાચી હકીકત જાણી લેવી જ જોઈએ. નહિ તો કોઈને અન્યાય થાય.' દર્શને જગજીવનદાસ તથા પોલીસ અમલદાર બની સામે જોઈ કહ્યું. સરલા પણ દર્શન પાસેની ખુરશી ઉપર બેસી ગઈ હતી.

'અરે, હા રે, ભાઈ ! ન્યાયની મને બધી ખબર છે. પણ આ સાથમાં કોને લાવ્યા છો, દર્શનભાઈ !' જગજીવનદાસે પૂછ્યું.

'એ કિશોરભાઈનાં પત્ની.' દર્શને જવાબ આપ્યો. જગજીવનદાસ અને પોલીસ અમલદાર બન્ને જરા ચમક્યા. શેઠસાહેબની પાસે દયા માગવાનું નવું નાટક શરૂ થવાનું છે એમ જગજીવનદાસ તેમ જ પોલીસ અમલદારે ધારી લીધું. અને એ નાટક આગળ ન ચાલે એવી માનસિક દૃઢતા પણ જગજીવનદાસે ધારણ કરી.

'એમ ?... એમને કેમ આવવું પડ્યું ? આ ઘડીએ ?... ગુનો તો નોંધાઈ ગયો છે. અને કિશોર પણ પકડાઈ ગયો છે... હવે હું કાંઈ કરી શકું એમ નથી... અહીં મારો જવાબ લેવાઈ જાય એટલે આ પોલીસ અમલદાર સાહેબ કિશોરને ત્યાં જ જવાના હતા.' સાહેબે જરા લાંબું ભાષણ કરી પોતાની પરિસ્થિતિ સ્પષ્ટ કરી.

‘આપનાથી જે થાય તે ખરું. ન થાય તે કરવાનું નથી જ. પણ આ સરલાબહેન બહુ મહત્ત્વના કામે તમને મળવા આવ્યાં છે.' દર્શને કહ્યું.

'જે કામ હોય તે અહીં જ કહી દો ને ?' શેઠે કહ્યું.

કિશોરભાઈ લઈ ગયા હતા એ રકમ પાછી આપવા એમનાં પત્ની મારી સાથે આવ્યાં છે.' દર્શને જવાબ આપ્યો.

‘એમ ?' શેઠસાહેબ જરા ચમકી ઊઠ્યા. એકલા શેઠસાહેબ જ નહિ, પોલીસ અમલદારો પણ !

‘હા જી. એમાં ચમકવાનું કારણ નથી. સરલાભાભી ! આપી દો એ પૈસા.' દર્શને કહ્યું.

અને સરલાએ ઊભાં થઈ જગજીવનદાસ શેઠની સામેના મેજ ઉપર નોટનો ચોડો મૂક્યો અને તે પાછી પોતાની ખુરશી ઉપર બેસી ગઈ.

'ઓહો !... અંદરખાનેથી મને તો ખાતરી જ હતી કે કિશોર કદી માલિકના પૈસા લઈને ભાગે જ નહિ... પણ પછી શા માટે એ મધરાતે. આવીને જૂઠું બોલ્યો ?' શેઠસાહેબ બોલી ઊઠ્યા.

‘એ કદી જૂઠું બોલે જ નહિ.' સરલાએ પતિના વર્તનનો બચાવ કર્યો.

'આ નોટો તો તમે લાવીને મૂકો છો. શા માટે મને કિશોરે એમ કહ્યું કે એના છોકરાએ નોટો બાળી મૂકી ?' શેઠસાહેબ બોલ્યા.

'છોકરાએ આપની નોટો બાળી નાખી એ વાત તદ્દન સાચી. પરંતુ હું એટલી જ રકમ લાવી એમનું દેવું ભરપાઈ કરું છું એ વાત પણ એટલી જ સાચી.' સરલાએ જવાબ આપ્યો.

જગજીવનદાસને કિશોર સાથેની વાતચીતનો ખ્યાલ આવ્યો. એણે પૈસા ભરપાઈ કરી આપવા માટે ચોવીસ કલાકની મહેતલ માગી હતી. એટલી મહેતલ પોતે આપી ન શક્યા અને કિશોર તેમને ફટકો લગાવીને ભાગી ગયો હતો. એની પત્ની તો ચોવીસ કલાક વીતતા પહેલાં માગતી ૨કમ આપવા આવી ગઈ હતી એ જોઈ શેઠને લાગ્યું કે તેમણે મહેતલ આપી હોત તો વધારે સારું થાત. પરંતુ ઈશ્વર જે કરે છે તે સારાને માટે જ કરે છે એમ ધર્મનિષ્ઠ જગજીવનદાર્સ માની લીધું. તેમણે મહેતલ આપી હોત તો કિશોરની પત્ની સરખી રૂપાળી સ્ત્રીને નીરખવાનો તેમને કદી પ્રસંગ આવ્યો જ ન હોત ! તેમણે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું :

'હું જાણું છું. બહેન ! કિશોરને તો રોજ ઊઠીને કોઈ મજૂરનું દેવું પતાવવાનું હોય કે કોઈ ગુંડાના પંજામાંથી એકાદ કારકુનને ઉગારવાનો હોય ! એ વાત સારી છે. પણ પોતાની શક્તિ જોઈને સારા કામમાં પડવું. હું તો એને કેટલુંય કહેતો કે એણે પારકી પંચાતમાં ન જ પડવું એ વધારે સારું છે.'

‘પણ હવે શું થાય ?' સરલાએ પૂછ્યું. લગભગ એના જવાબ રૂપે શેઠસાહેબે ખૂબ કરુણા દેખાડી પોલીસ અમલદારને કહ્યું : 'સાહેબ ! મારે હવે ફરિયાદ કરવાની રહેતી નથી. મારે મારી રકમ આવી ગઈ. હાથ ઉપર લાકડી મારી એ એનો ગુનો હું માફ કરું છું.'

અને પલટો ખાતા આ વ્યવહારને વધારે પલટો આપવા પોલીસ અમલદારે કહ્યું :

‘અને બહેન ! જો આપના પતિને આપ સમજાવી શકો તો આખું પ્રકરણ સંકેલાઈ જાય.’

'પરંતુ એમણે ચોરી તો કરી ખરી ને ?' દર્શન પૂછ્યું.

'અરે ! એ તો બધું ગોઠવાઈ જાય એમ છે. એ ભાઈ પકડાયા તેમાં બહુ જૂજ નોટો ફાટી છે, અને ફાટેલી નોટોના નંબર પણ અમારી પાસે છે, જે અમે રદ કરાવી શકીએ. માત્ર તમે એમનાં સગાંવહાલાં એમનું મગજ અસ્થિર હતું એમ પુરવાર કરો તો ઘણી વાતોનો નિકાલ આવી જાય.' અમલદારે તપાસની જંજાળમાંથી અને કૉર્ટની ચુંગાલમાંથી બચવા માટેનો રસ્તો દેખાડ્યો.

‘એ તો કોણ જાણે ! એમને મળીએ અને પૂછીએ અને એ જે કહે તેમ અમે કરીએ. પણ મને એક વખત મેળવો તો આપની મહેરબાની.' સરલા બોલી.

'અરે, હા રે ! સાહેબ બહુ સારા માણસ છે. તમે માગો. તે સગવડ ન કરી આપશે.' શેઠસાહેબે અલદારને પ્રમાણપત્ર આપ્યું.

અમલદારે પણ કહ્યું :

‘તમારે થાણા ઉપર આવવું પડશે. આવવું હોય તો ચાલો હું લઈ જાઉં.'

‘સાહેબ ! એમ ને એમ ન જવાય. આ ચા-નાસ્તો આવી પહોંચ્યાં. એને ન્યાય આપીને આ૫ જઈ શકો... બહેન ! તમે પણ. ચા-નાસ્તો લેજો !' શેઠસાહેબે સર્વ પ્રત્યે ઉદારતા દેખાડી. સહુને ચા-નાસ્તો પીરસવામાં આવ્યો. જગજીવનદાસ શેઠે જરા ઊભા થઈ એકાએક કહ્યું : “દર્શનભાઈ ! જરા આમ આવો તો ?'

દર્શન ઊભો થયો. એને ખભે હાથ મૂકી સહુથી દૂરના ખંડમાં જઈ ધીમેથી હસતાં હસતાં જગજીવનદાસે દર્શનને પૂછ્યું :

'આ પૈસા કોની પાસેથી પડાવ્યા, રાજ્જા? કિશોર કે એની પત્નીનું આ કામ હોય નહિ. તારો હાથ દેખાય છે, દર્શન !'

'જુઓ, શેઠ ! જેનો હાથ એમાં હોય તેનો ખરો. આ પૈસા તમારી પાસેથી નથી પડાવ્યા એની તો ખાતરી છે ને ?... મને તો લાગ મળવો જોઈએ કોઈને ફજેત કરવાનો ! પછી. પૈસા જ પૈસા !' દર્શને જવાબ આપ્યો અને શેઠ સામે તિરસ્કારથી જોયું. શેઠ એ તિરસ્કારને ઓળખી ગયા.

તેમણે કહ્યું :

‘એમ નહિ, દર્શન ! હું તને ખોટું લગાડવા પૂછતો નથી. હું તો એટલા માટે પૂછું છું કે... કિશોરના કુટુંબને કંઈ હરકત હોય તો મને જરૂર કહેજે; હું એની દુઃખી પત્નીને જરૂર મદદ કરીશ.'

'કુટુંબ દુઃખી તો છે, શેઠસાહેબ ! આપણી બધાની સલાહ પ્રમાણે કિશોરકાન્ત જો જૂઠું નહિ બોલે તો જરૂર કેદમાં પડશે, એમ થાય તો આપ આ કુટુંબને બરાબર સંભાળજો. તમારી ઉદારતા વિષે એક લેખ હું આજે જ લખી નાખીશ... આપની છબી સાથે.' દર્શને કહ્યું.

‘તો આજથી મદદ ચાલુ ગણજે ને... આ કિશોરની વહુ ઘેર આવી શેઠાણીને થોડું વંચાવે-લખાવે નહિ ?... એ જ મારી મદદ ! સમજ્યો ?' શેઠસાહેબે મદદની રીત કહી સંભળાવી. દર્શન અને જગજીવનદાસ બન્ને પાછા આવી પોતાની જગા ઉપર બેસી ગયા અને સહુ સાથે ચા-નાસ્તો લેવા લાગ્યા.

નાસ્તો લેતે લેતે આડી આંખે જગજીવનદાસ શેઠ સરલાના સ્વરૂપને વારંવાર નિહાળતા હતા. આપવા ધારેલી મદદને યોગ્ય સરલાનું સ્વરૂપ છે એટલી ખાતરી તો શેઠસાહેબને ક્યારનીય થઈ ગઈ.