ત્રિશંકુ/નીચલા થરમાં ત્રિશંકુ

વિકિસ્રોતમાંથી
← માટી બનતાં સ્વપ્ન ત્રિશંકુ
નીચલા થરમાં ત્રિશંકુ
રમણલાલ દેસાઈ
ચોરનો ભાઈ ઘંટીચોર →



૧૧
 
નીચલા થરમાં ત્રિશંકુ
 

તારા જે ક્ષણે દર્શનની ઓરડી છોડી પોતાની - પોતાના ભાઈની ઓરડીમાં જતી હતી તે વખતે છના ટકોરા કોઈ ઘડિયાળમાં પડતાં તેણે સાંભળ્યા. આજે ભાઈના પગારનો પણ દિવસ હતો અને તારાને પોતાને પણ અંગત પગારનું નાનકડું સ્વરૂપ દેખાયું હતું પરંતુ હજી સુધી જગજીવન શેઠની કચેરીમાં બેસી રહેલા તેના ભાઈ કિશોરને તેનાં પગારનાં દર્શન થયાં ન હતાં. પોતાની ઓરડી – જેને નવા યુગમાં ઑફિસરૂમ કહેવી જોઈએ તેમાં તારીખદર્શક કેલૅન્ડર સામે તેણે જોયું. અને આવા કંઈક પસાર થયેલા અને પસાર થનાર પગારદિનોનું ચિત્ર કલ્પના સામે ચિતરાઈ રહ્યું. ત્રીસ એકત્રીસ દિવસનું ભારણ આખા આજના દિવસ ઉપર ! એના ઉપર કેટકેટલી આશા અને કેટકેટલી નિરાશા લટકતી હતી ? પગારદિન કંઈ વધારે પગાર તો લાવવાનો હતો જ નહિ. છતાં એની સામે નજર નાખી બેસવાનું સહુએ ! એટલામાં એની ઘડિયાળમાં પણ છનો ટકોરો થયો. વધારે કામ ન હોય ત્યારે છનો ટકોરો ઑફિસમાંથી તેને જવાની સૂચના કરતો હતો. નિત્યની ટેવ પ્રમાણે કિશોરે પોતાનો કોટ પહેરી લીધો.

ઑફિસમાં કોટ કાઢીને કામ કરવું એ દક્ષતા અને મહેનતનું સૂચક છે. ખરું જોતાં તેણે કોટ પહેરીને બહાર નીકળવાનું હતું પણ તેણે કોટના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેમાંથી સિગારેટ-લાઈટર બહાર કાઢ્યું. બહાર કાઢી તેની સામે નજર કરતાં જ તેણે આછું સ્મિત કર્યું. છેલ્લી સિગારેટ તેણે ગયે મહિને પીધી હતી. ખર્ચ ઘટાડવા માટે તેણે ગયે મહિનેથી સિગારેટનો શોખ મૂકી. દીધો હતો. એણે લાઈટરને પાછું ખિસ્સામાં નાખ્યું અને વંચાઈ ગયેલા ન્યુઝપેપરને તેણે ફરી હાથમાં લીધું અને આંખને પેપર ઉપર ફેરવવા માંડી. નવી કોઈ વસ્તુ તેને પેપરમાં જડી નહિ એટલે એણે જાહેરખબરો જોવા માંડી. એમાં પણ તેને રસ પડ્યો નહિ. એણે વર્તમાનપત્રને બાજુએ મૂકી ખાલી હાથને રમાડવા માંડ્યા. અને વારંવાર કોઈની રાહ જોતો હોય તેમ બારણા તરફ નજર ફેરવવા લાગ્યો. પા પા કલાકે વાગતી ઘડિયાળે સવા છનો ટકોરો વગાડ્યો, અને બારણું ઉઘાડી ઑફિસનો કૅશિયર તેની ઓરડીમાં આવ્યો. કિશોરના હૃદયમાં આછા આનંદની લકીરે પ્રવેશ કર્યો અને તેણે ઉમળકાભેર કૅશિયરને આવકાર આપ્યો :

'હલ્લો ! છેલ્લી ઘડીએ પણ તમારાં દર્શન દુર્લભ !'

‘કિશોર મેનેજર ન હતો. પરંતુ મેનેજરને સ્થાને ઝડપથી આવવાની તૈયારી કરતો મહત્ત્વનો ઑફિસ અમલદાર તો હતો જ. મેનેજર બીજા કામમાં રોકાય ત્યારે ઑફિસનું ઉપરીપણું કિશોરને સોંપાતું, એટલે મહત્ત્વના અમલદાર તરીકે કૅશિયરે તેને નમસ્કાર પણ કર્યા અને તેના કથનનો જવાબ પણ આપ્યો.

'શું કરું, સાહેબ ? શેઠ, શેઠાણી અને તેમના દીકરાઓના ચેક તો સહુથી પહેલા કાઢવાના... મેનેજરસાહેબ પણ પગાર વગરના તો શાના રહે ? મજૂરો હડતાલની ધમકી આપે એટલે એમના પગાર પણ આપણે કરવાના જ. પેપરવાળા કંઈ નવું લખે નહિ એટલા માટે એમની જાહેરખબરોના પૈસા પણ વખતસર મોકલી આપવા પડે.... બાકી રહ્યા આપણે બે-પાંચ જણ...જેમનાથી ન ઊતરાય હડતાલ ઉપર કે ન છોડાય નોકરી !'

કૅશિયરને ભાષણ આપતો અટકાવી કિશોર એકાએક બોલી ઊઠ્યો:

‘એ સમજ્યો, એ તો રોજની વાત છે. પણ મારો પગાર ક્યાં ? લાવ્યા છો કે નહિ ?'

'એ જ કહેવા આવ્યો છું. શેઠસાહેબે સંદેશો મોકલ્યો છે કે આપણે ચાર-પાંચ જણે હમણાં થોભી જવું.'

'એટલે ?' કિશોરે જરા ગુસ્સે થઈ પૂછ્યું. કૅશિયરે અત્યંત ઠંડકથી જવાબ આપ્યો :

'એટલે એમ સાહેબ ! હતી એટલી રકમ બધી આજના પગારમાં પૂરી થઈ ગઈ. હવે બાકી કંઈ રકમ રહી નથી... એટલે આપને ચારેક દિવસ પછી પગાર મળી શકશે. પેલી હૂંડી ત્રણ દિવસમાં પાકે છે...'

કિશોરને પગાર જોઈતો હતો, પગાર ન મળવાનાં કારણો જોઈતાં ન હતાં અને ભવિષ્યમાં પગાર મળવાની આશા પણ જોઈતી ન હતી. પગારદારને માટે પગાર એ જીવનમરણનો પ્રશ્ન હોય છે. તેમાંય મધ્યમ વર્ગના કિશોર સરખા માણસને તો પગાર વગર ચાલી જ શકે નહિ. છેલ્લે અઠવાડિયું પગારદારો સામાન્યતઃ તંગી અને ઊંચા જીવમાં જ ગાળે છે, જેમાંથી છૂટવાનો આજનો દિવસ ગણાય. એમાંથી રાહતનો દિન આ છે, છતાં છેલ્લી ક્ષણે પગાર પામનારને પગાર મેળવવાનો નથી એવી ખબર પડે ત્યારે તેનું માનસ એક આતતાયી ખૂનીનું બની જાય છે. આસપાસની આખી દુનિયાને સળગાવી મૂકવાનું તેને મન થાય છે. છતાંય પગારદાર માનવીને પોતાની ભયંકર લાચારીનો પણ એ જ ક્ષણે અનુભવ થાય છે. કિશોરથી કૅશિયરનું ખૂન થઈ શકે એવું ન હતું કે ઑફિસને આગ લગાડાય એમ પણ ન હતું. ખૂન અને આગની ક્રિયા પણ આવડત માગે છે, જે મધ્યમ વર્ગનાં સ્ત્રી-પુરુષોને આવડતી હોતી જ નથી. એમાં વળી મધ્યમ વર્ગને પોતાની પત્ની, પોતાનાં બાળકો અને પોતાનાં આશ્રિતો યાદ આવી જાય છે. એટલે કિશોરે પોતાના રોષને એક પ્રશ્નમાં વ્યક્ત કર્યો :

'એવું છે તો... મેનેજરસાહેબે કેમ પગાર લઈ લીધો ?'

‘એ કંઈ મારાથી કે આપનાથી મેનેજરસાહેબને પુછાય એમ છે ?' કૅશિયરે મુશ્કેલી દર્શાવી.

‘અને સહુથી પહેલો ચેક શેઠે પોતે કઢાવ્યો, નહિ ?'

'હા, જી ! એ તો દરરોજનું કામ છે. એકલા શેઠનો જ ચેક નહિ, પણ શેઠાણી અને શેઠનાં છોકરાંનો ચેક પણ નીકળી ચૂક્યો.' કૅશિયરે આંખમાં ચમક લાવીને કહ્યું.

'તમને નથી લાગતું કે શેઠ સહુથી પહેલો પોતાનો ચેક કઢાવે એ શરમભરેલું કહેવાય ?' કિશોરે પોતાના અભિપ્રાયમાં કૅશિયરની સંમતિ માગી જે તેણે આપી પણ ખરી.

'એ તો છે જ, પણ એ સિવાય શેઠ કેમ થવાય ? શરમ અને ભરમને પી જાય એનું નામ શેઠ ! એ પાછા મારી અને તમારી કાળજી ક્યાં રાખતા ફરે ?' કૅશિયરે સંમતિ સાથે શેઠની મનોદશા પણ સમજાવી. કૅશિયરની સમાધાનવૃત્તિ અત્યારે કિશોરમાં ન હતી. ગુસ્સામાં કિશોર ઊભો થઈ ગયો. તેનાથી સહજ પગ પણ પછડાઈ ગયો. અને ઊભા થતાં થતાં તેના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો :

'આવી પેઢીને માટે પગાર બાકી રાખવાનો પ્રસંગ ખરેખર નામોશીનો પ્રસંગ ગણાય...' એટલું કહી તેણે બારણા ભણી ચાલવા માંડ્યું. કૅશિયરે સંમતિસૂચક જવાબ પણ આપ્યો અને કહ્યું :

'હા જી, વાત સાચી. પણ થાય શું?'

'એવી નોકરી, અને એવી પેઢી વહેલી તકે છોડવી જોઈએ !' કિશોર કહ્યું અને તે ગુસ્સામાં પોતાની ઓફિસરૂમના બારણાની બહાર ચાલ્યો ગયો.

ખંધા કૅશિયરે શેઠ, શેઠાણી અને મેનેજરને પ્રસન્ન રાખી પોતાનો પગાર તેમની સાથે જ કાઢી લીધો હતો. કિશોરનો ગુસ્સો સમજી તેણે એક સ્મિત કર્યું અને સ્મિત સાથે તેનાથી બોલાઈ ગયું, બહુ ધીમેથી :

‘પણ એક તક મળે ત્યારે ને ?.. અને બીજે પણ એનું એ જ !'

કોઇ પરંતુ એ શબ્દો ગુસ્સાએ વેગવાન બનાવેલા કિશોરને સંભળાવવા માટે હતા નહિ. કિશોર તો પગથિયાં ઊતરી ઑફિસ છોડી મિલના દરવાજા તરફ ચાલ્યો જતો હતો. આજ તને કોઈ ન જુએ એવી તેના મનમાં ઇચ્છા હતી. એટલે મકાનો અને મિલનું મેદાન બાજુ ઉપર રાખી તે આગળ ચાલ્યો અને દરવાજા બહાર નીકળ્યો. દરવાનની સલામ ઝીલી ન ઝીલી એટલામાં તેની નજર તેના ઓળખીતા એક મઝદૂરની હિલચાલ ઉપર પડી. એ મઝદૂર ટોળાં ભેગો ન હતો. પરંતુ એકલો સંતાતો ક્યાંઈ ભાગી જવાની પેરવીમાં હોય એમ લાગતું હતું. એવામાં જ ક્યાંઈક અદ્રશ્યમાંથી ફૂટી નીકળેલા એક મજબૂત ગુંડા જેવા લાગતા માણસે મઝદૂરને બોચીમાંથી પકડયો અને તેને બે ઠોંસા લગાવી અડબડિયાં ખવડાવી દેતો, ડાંગ, ઉપાડતો જોયો. કિશોર જરાક થોભ્યો. શેઠ અને પેઢી વિરુદ્ધનો તેનો ગુસ્સો એકાએક ઓસરી ગયો અને તેણે સહજ દૂરથી મઝદૂરના ખિસ્સા તપાસતા અને તેને મારતા ગુંડા ઉપર દૃષ્ટિ રાખી. એ રસ્તે જતા કેટલાય માણસો મઝદૂરને માર ખાતો અને ગુંડાના કાલાવાલા કરી ગુંડાને પગે લાગતો તેને જોતા હતા, પરંતુ કોઈની વૃત્તિ માર ખાતા મઝદૂરને છોડાવવાની હોય એમ લાગ્યું નહિ. કિશોરને નવાઈ લાગી. ગુંડાનો માર અટકતો ન હતો. કિશોરથી રહેવાયું નહિ. તે ગુંડાની બાજુએ ધસી ગયો. ગુંડાને પૂછ્યું. એને પોતાને પણ આ પ્રશ્નના ઉકેલની સમજ ન પડી. ગુંડાની પાસે રોકડો જવાબ હતો જે તેણે કિશોરને આપ્યો :

‘આજ એને એવો મારું કે જીવવા જ ન પામે ! અને જીવે તો બાર મહિના સુધી નોકરી ન કરી શકે !'

‘સાહેબ ! તમે કાંઈ દયા કરો તો આજ જિવાય !' મઝદૂરે કિશોરના પગ પકડીને કહ્યું. કિશોરે એકાએક પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો.

મઝદૂર અને ગુંડાની વાતમાં એ ભૂલી ગયો હતો કે આજ તેને પગાર મળ્યો ન હતો. તેને પગાર મળ્યો હોત તો એણે જરૂર અર્ધીપર્ધી રકમ આપીને - અગર આખી રકમ આપીને મઝદૂરને ગુંડાના પંજામાંથી બચાવ્યો હોત. પરંતુ ખિસ્સામાં હાથ નાખતાં જ તેણે પોતાનું ખિસું ખાલી જોયું ! એટલું જ નહિ, પણ આજ તેને પગાર મળ્યો ન હતો એનું શૂળ ભોંકાતું ભાન તેણે અનુભવ્યું. મઝદૂર અને ગુંડા આગળ કિશોરને આજ પગાર મળ્યો નથી એમ કહેવું કિશોરને બહુ જ શરમભરેલું લાગ્યું. તેણે જુઠ્ઠાણું વાપરી કહ્યું : મારો પગાર તો મેં ઘેર મોકલી દીધો. તમે બંને જણ મારી સાથે મારે ત્યાં આવો તો હું તમારી પતાવટ કરી દઉં !'

સત્યને ચાહતા માનવીને ડગલે ને પગલે જૂઠું બોલવાની કેમ જરૂર પડે છે તેનું આબેહુબ જ્ઞાન અત્યારે કિશોરને મળ્યું.

ગુંડાએ કિશોરની સામે ક્ષણ બે ક્ષણ તાકીને નિહાળ્યું. પોલીસની દરમિયાનગીરી માગે અને ગુંડાને પકડાવી દેવાની કોઈ પણ રીતે તજવીજ કરે એવી લુચ્ચાઈ કે હોશિયારી કિશોરના મુખ ઉપર ગુંડાને દેખાઈ નહિ. એવી હોશિયારી કરનાર કંઈક સેવાભાવી દોઢડાહ્યાઓને આ ગુંડાએ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. સાહેબ જેવા દેખાતા માણસની દરમિયાનગીરીથી તેના પૈસા પતે એમ હોય તો પોતાના મઝદૂર જેવા ગ્રાહકને મારી નાખવાની કે અપંગ બનાવવાની તેને ઈચ્છા પણ ન હતી, અને તેમાં તેનો સ્વાર્થ પણ રહેલો ન હતો. મઝદૂર જીવતો અને કામ કરે એવો હોય તો એ ફરી ગુંડાની પાસે પૈસા માગવા આવવાનો જ હતો એની ગુંડાને ખાતરી જ હતી. એટલે તેણે કિશોરને કહ્યું :

'સાહેબ ! બીજી ભાંજગડમાં પડશો નહિ. પૈસા પતાવવાની ઈચ્છા હોય તો હું તમારી સાથે આવું... તમારા વચન ઉપર !'

‘હા હા, મારું વચન છે.' કિશોરે કહ્યું અને ત્રણે જણે ચાલવા માંડ્યું