ત્રિશંકુ/સહુ સહુની રમત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જાગૃત મન ત્રિશંકુ
સહુ સહુની રમત
રમણલાલ દેસાઈ
ફરી મળતી નોકરી →


 
સહુ સહુની રમત
 

આપણું જીવન આપણને સ્વપ્નમાં પણ પકડી રાખે છે. માનવી નિદ્રા લે છે જીવનને ભૂલવા - જીવનની કઠણાઈઓ ભૂલવા. જીવન ધા નાખતું સ્વપ્નને દરવાજે થઈ નિદ્રાને હલાવી નાખે છે, શાંતિને હલાવી નાખે છે અને ભૂલવા ધારેલી વિટંબણાઓને પાછી સામે લાવી મૂકી દે છે ! ઑફિસનો ઉંદર બની રહેલો કિશોર સ્વપ્નમાં ઑફિસ સિવાય બીજું જુએ પણ શું ? જાગ્યા પછી પણ એનો એ જ વિચાર ! પ્રભાત થવા આવ્યું હતું. શહેરના વ્યવસાયી સ્ત્રીપુરુષ જાગે છે પણ વહેલાં. વહેલાં જાગીને ધ્યાન, ધારણા કે સમાધિમાં ઊતરી ઈશ્વર સાથે એકતાર બનવાની કોઈને ભાગ્યે ફુરસદ હોય છે. ચા પી, નાહીધોઈ, ઉતાવળે નાસ્તો લઈ બસ કે ટ્રામ પકડી. સ્ટેશને જઈ દોડી નવ વીસની ટ્રેન પકડી નવ ચાળીસે બીજે સ્ટેશને ઊતરી ફરી બસ કે ટ્રામમાં ઘૂસી જઈ બરાબર દસને ટકોરે ઑફિસમાં પ્રવેશ તેમણે કરવો જ પડે છે. ઑફિસ એ શહેરી જનતાના મોટા ભાગનું મહામંદિર ! વખતસર હાજરી આપ્યે જ છૂટકો !

કિશોરકાન્તે પણ શહેરીઓના કિસ્મતમાં લખાયેલો આ માર્ગ લીધો. શોભા અને અમર એ બે બાળકો શું ભણે છે, ક્યારે રમે છે, ક્યારે જમે છે, બહેન તારા કૉલેજમાં જઈ ભણે છે કે યુવાન મિત્રો સાથે 'સરગમ' કે 'પુષ્પાયતન’ સરખા વિશ્રાંતિગૃહોમાં જઈ 'મેડોના' કે 'સ્લીપિંગ બ્યુટી' થિયેટરમાં આવેલું નવામાં નવું હોલીવુડનું ચિત્ર જોવાનો સમય નક્કી કરે છે; પત્ની સરલા કામ કરી પરવારી બપોરે સૂએ છે, વાંચે છે, પડોશની સ્ત્રીઓ સાથે વાતો કરે છે, પતિ કરતાં વધારે રૂપાળા કોઈ યુવાનને સ્મરે છે કે દેવદર્શનની ગોઠવણ કરે છે એની ખબર રાખવાની ભાગ્યે જ કિશોરને જરૂર હોય. જે ઘર અને કુટુંબ છે, એ જેમનું તેમ ચાલ્યા કરે એટલો પગાર મેળવવો, અને મળતા પગારના બદલામાં ત્રીસ એકત્રીસ દિવસ સુધી કચેરીમાં કામ આપવું, એ કિશોર અને કિશોર સરખા કૈંક યુવાનોનો જીવનધર્મ બની જાય છે.

‘કિશોર તો વળી ઊંચી પદવીનો અમલદાર ગણાય ! એને અઢીસોનો પગાર મળતો હતો. એટલો પગાર પામતા બહુ થોડા માનવીઓ શહેરમાં વસતા હતા. અઢીસો ! એટલે ? ત્રીસ દિવસ સુધી રોજના આઠ કલાકની કામગીરીનું મહેનતાણું ! કલાકનો લગભગ રૂપિયો એક પડ્યો ! બીજાને એટલું પણ ક્યાં મળતું હતું ? વિચાર કરતો કરતો કિશોર સરસ કપડાં પહેરી ઑફિસમાં આવી પહોંચ્યો. એના ઊંચા સ્થાનને લઈને કપડાં પણ સારાં જ પહેરવા પડતાં હતાં ! લિફ્ટબૉય કિશોરને સલામ કરી એકબે માળ ઊંચે લિફ્ટમાં ઉઠાવી ગયો. ખટકારા સાથે બારણું ખૂલ્યું અને કેટલાય કામ કરનારાઓની સાથે તે લિફ્ટમાંથી બહાર પડ્યો અને પોતાની કચેરી તરફ ચાલ્યો. સાફસૂફી કરી પરવારેલા પટાવાળાએ બારણું ખોલી કિશોરનું મહત્ત્વ વધાર્યું. અંદર એની પહેલાં આવીને બેઠેલા કારકુનોએ તેને સહજ માન આપ્યું અને મોટા ખંડમાં ઇલાયદા પડદા નાખી તૈયાર કરેલી તેની નાનકડી ઓરડીમાં તેણે પ્રવેશ કર્યો.

એને સ્વતંત્ર પંખો મળ્યો હતો એટલે ગરમી ઘટાડવા પંખામાં ભાગીદારી રાખવાની તેને જરૂર હતી નહિ. એણે પોતાનો કોટ ખુરશી પાછળ લટકાવી દીધો, પંખો ચલાવી દેહને જરા ટાઢક આપી, ઘર આગળ પૂરા ન વંચાયેલા છાપાને ખોલી ઝડપથી સમાચારો વાંચી લીધા અને દસેક મિનિટમાં ખમીસની બાંય ચડાવી પહેરેલી ટાઈની ગાંઠ હળવી કરી પાસે પડેલી ફાઈલો જોવામાં કિશોર મશગૂલ બની ગયો. એક કલાક થઈ ગયો, બે કલાક વીત્યા; એક-બે કારકુનોને ઘંટડી વગાડી તેણે બોલાવ્યા અને તેમની પાસેથી માહિતી મેળવી; કેટલાક કારકુનોએ પોતાની મેળે આવી કિશોરની પાસેના કાગળો સમજી લીધા; અને એક કાગળ વાંચતાં તે જરા ચમક્યો ! એ જ કાગળ એણે ફરી વાંચ્યો ! વાંચી રહી એણે ઊભા થઈ પોતાની ટાઈને પાછી ઠીક કરી અને ખુરશી ઉપરથી કોટ લઈ તે પહેરી કાગળ સાથે તેણે પોતાની કેબિન છોડી. ઑફિસના મુખ્ય ખંડમાંથી પસાર થતાં એણે કચેરીના કારકુનોનાં મુખ જોઈ લીધાં. સહુ કોઈ પોતપોતાના કામમાં પરોવાયેલા હોવા છતાં પ્રત્યેક કારકુન કિશોર ભણી એકાદ દૃષ્ટિપાત કરી લેતો હતો એ કિશોરે પણ નોંધી લીધો.

બહાર નીકળી એ શેઠસાહેબની ઑફિસરૂમ પાસે ગયો. શેઠ જગજીવનદાસ એક નહિ પણ અનેક ધંધામાં પડેલા એક દક્ષ પુરુષાર્થી ધનિક હતા. તેમની ઑફિસને દરવાજે દરવાન બેઠો હતો. કિશોરે દરવાનને પૂછ્યું :

'શેઠસાહેબ એકલા છે ને ?'

'ના જી.'

'કોણ છે. અંદર ?' ‘ટાઈપિસ્ટ... મેડમ સાહેબા !' જરા નીચું જોઈ દરવાને જવાબ આપ્યો.

'મારે મળવું પડશે શેઠસાહેબને.'

'અત્યારે મનાઈ છે.'

‘ભલે મનાઈ હોય. મારી વરદી આપો. સલામ બોલો.' કિશોરે કહ્યું.

અને જરા ખખડાટ કરતો દરવાન અંદર ગયો. કિશોરકાન્ત શેઠની ઑફિસમાં એક મહત્ત્વનો અધિકારી ગણાય. દરવાનથી તેને વધારે મનાઈ કરી શકાય એમ ન હતું. દરવાન અંદર જઈ શેઠની પરવાનગી લઈ આવ્યો અને તેણે કિશોરને શેઠના ખંડમાં પ્રવેશ કરાવ્યો. એ ખંડ 'એરકન્ડીશન્ડ’ હતો, અને તેની ટાઢક કિશોરે ચમક સાથે અનુભવી. શેઠની બાજુમાં એક ચબરાક રૂપાળી યુવતી બેઠી હતી – જે શૉર્ટહેન્ડ ટાઈપિસ્ટ અને શેઠના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરતી હતી. કિશોર આવ્યો ત્યારે એ યુવતી પોતાનું સ્મિત સમાવી દઈ કાંઈ લખવાનો પ્રયત્ન કરી રહી હતી. શેઠસાહેબ ઊભા થઈ પોતાનો કોટ પહેરતા હતા તે કિશોરને જોઈ પાછા ખુરશી ઉપર બેસી ગયા. કિશોર મેજ સામે આવી ઊભા રહી શેઠને નમસ્કાર કર્યા.

'કેમ ? કેમ ચાલે છે, કિશોરકાન્ત ? અબઘડી જ કેમ આવવું પડ્યું?' શેઠે કિશોરને પૂછ્યું. કંઠમાંથી નીકળતા શબ્દો એક સફળ વ્યાપારીને શોભે એવી સ્થિરતાપૂર્વક બહાર પડતા હતા.

'જી ! એક મહત્ત્વનો કાગળ આપને બતાવવો છે.'

‘હું લંચ લઈ કલાકમાં પાછો આવું છું. જો સૉલિસિટરને ત્યાં નહિ ગયો હોઉં તો. એ પછી મને બતાવો.'

‘નહિ, શેઠસાહેબ ! મહત્ત્વનો કાગળ છે. આપની નજર પડવી જોઈ, હમણાં જ.'

'મેનેજરને બતાવ્યો ?' મેનેજરને બીજાઓએ “સાહેબ” કહેવું પડે, પરંતુ પગાર આપનાર શેઠને એ શબ્દ વાપરવાની જરૂર ન જ હોય.'

‘ના જી.'

'કેમ?... તો તે પહેલાં મારી પાસે કેમ લાવો છો ?'

'આજ મેનેજર સાહેબ આવવાના નથી.... આપે જ ગઈ કાલ એમની રજા મંજૂર કરી છે... અને ચાર્જ મારી પાસે છે.'

'અરે હા ! કેટલા કામમાં મગજ રોકવું ? ચાલો ઝડપથી કહી દો, કિશોરકાન્ત ! શું છે એમાં ?' 'તે આપ વાંચશો નહિ?'

'ના. મને ફુરસદ નથી. તમે કહી દો ટૂંકામાં એનો ભાવાર્થ !'

'શેઠસાહેબ ! કહેવું ન જોઈએ, પણ...'

'અરે તમે નકામા વાર કરો છો ! કારકુનિયા ટેવમાંથી તમે ઊંચા આવતા જ નથી !... અમલદાર બનાવ્યા તોય !... કહેવા આવ્યા છો તે જલદી કહી નાખો. મારો સમય બરબાદ થાય છે ! શું છે કાગળમાં ?' કિશોરને બોલતો અટકાવી શેઠસાહેબે લાંબો ઠપકો આપી પોતાની શેઠાઈ સિદ્ધ કરી.

સુંદર દેખાવા મથતી ટાઇપિસ્ટ-સેક્રેટરીએ મુખ ઉપર સ્મિત ફેલાવ્યું.

'શેઠસાહેબ ! હું એ જ કહું છું... આપણી ઑફિસમાં કેટલાકને બે માસથી પગાર મળ્યો નથી અને કેટલાકને ત્રણ માસ પણ વીતી ગયા....' જરા ઝંખવાઈને કિશોરે કહ્યું. પરંતુ શેઠસાહેબની અત્યારે બગડતી ક્ષણો આગળ કારકુનોને પગાર વગર પસાર કરવા પડતા મહિનાઓની કશી જ કિંમત ન હતી. તેમણે જરા ગુસ્સે થઈને કહ્યું :

‘તમે કાગળની હકીકત કહો છો ? કે મને શિખામણ આપો છો ?'

'હં. શેઠસાહેબ, કાગળની જ હકીકત કહું છું... પગાર હવે નહિ મળે તો લોકો હડતાળ ઉપર ઊતરશે એમ કાગળમાં લખ્યું છે.' કિશોરે જરા સ્વસ્થ બની ઉત્તર આપ્યો.

'જેને હડતાલ ઉપર ઊતરવું હોય તેને ઊતરવા દો. કૈંક એવાં કુરકુરિયાં ભેગાં કરી દઈશું... મને ધમકી નહિ ખપે. શેઠસાહેબે જવાબ આપ્યો. તેમનાં ધંધામાં નોકરી શોધનાર માનવીઓની તેમને મન કિંમત માત્ર કુરકુરિયાં જેટલી જ હતી - ઊછરેલા કૂતરા જેવી પણ નહિ ! બેકારીના રોગમાં ફસાયેલી જનતાને હડતાલનો ઈલાજ પણ ભારે પડે એવો છે એની શેઠસાહેબને ખબર હતી.

‘ધમકી નથી, સાહેબ.. વિનંતી છે.' કિશોરે કારકુનોનો બચાવ કર્યો.

'હું જાણું છું એ વિનંતી !.. શરૂઆત જ તમારાથી થઈ છે ! શેઠે સીધો હુમલો કિશોર ઉપર જ કર્યો.

'મેં શરૂઆત કરી !... સાહેબ ! મારી લાંબી અને પ્રામાણિક નોકરીએ તો આપના ધંધાને પણ લાભ કરાવ્યો છે એમ આપે જ...'

'ચાર માસ ઉપર પગાર વધારવાની માગણી તમે જ કરી હતી, નહિ ?' 'શું કરું, શેઠસાહેબ ? વધતા જતા ખર્ચને પહોંચી વળવું... આબરૂ રાખવી... અને નફો કરી આપ્યા પછી મેં માગણી કરી હતી...'

'તે શું હું જાણતો નથી ? હું શું ઑફિસમાં આવીને ઘાસ કાપું છું? કોણ કેટલામાં છે એની મને ખબર નહિ હોય તો બીજા કોને ખબર હશે ? જુઓ કિશોરકાન્ત ! તમારા જેવા જૂના વફાદાર નોકરોએ આવે વખતે વધારે સારો દાખલો બેસાડવો જોઈએ. તમારી કદર હું નહિ કરું એમ ન માનશો. આટલો મહિનો જરા ચલાવી લો... રકમ અઠવાડિયામાં પાકે છે... ચઢાવી દો સહુને કામ ઉપર.... બધું પછી જોઈ લઈશું. અને હડતાલમાં ભાગ ન લેનારને લાભ પણ આપીશું.... શું સમજ્યા ?... શાબાશ ! હું જરા ઘેર જઈ લન્ચ પછી આવું છું... મને ફરી મળજો ને !' કહી કિશોર સામે જોઈ શેઠસાહેબ જરા હસ્યા અને કિશોરનો ખભો થાબડી ડોકું પાછળ ફેરવી રૂપાળી ટાઈપિસ્ટ પ્રત્યે તેમણે કહ્યું :

'કમ ઑન !.. તમે પણ લન્ચ લઈ આવો... પહોંચાડી દઉ તમને.' અને અત્યંત લાડભર્યા અભિનયપૂર્વક, નહિ જેવા પડેલા કાગળો ઊંચકી લઈ શેઠસાહેબ સાથે એ લલના શેઠના ઑફિસખંડની બહાર નીકળી. બહાર નીકળતે નીકળતે શેઠના દેહનો તેને થયેલો સ્પર્શ તેનામાં સંકોચ ઉપજાવતો લાગ્યો નહિ.

પાછળ રહેલો ઝંખવાયેલો કિશોર ખંડની બહાર આવ્યો. દરવાને તેને જરા નમન કર્યું અને લિફ્ટમાં બેસતા શેઠ અને સ્ત્રીટાઇપિસ્ટ તરફ જોઈ સહજ આંખ પણ મીંચકારી, એ દરવાનનો આંખ મીંચકાર સૂચવી રહ્યો હતો કે શેઠને અને ટાઇપિસ્ટને ઑફિસ-કામ ઉપરાંતનો પણ સંબંધ હતો એની ખબર શેઠના ખંડની બહાર પહોંચી ગઈ હતી ખરી !

કિશોર ઝંખવાયો ખરો, પરંતુ એના હૃદયે કદી ન અનુભવેલો એવો બંડઝોલો ખાધો. નોકરી ફગાવી શેઠના મુખ ઉપર રાજીનામું ફેંકવાની એને થયેલી ઈચ્છા એણે કચરી નાખી. એને પાંચ માણસનું પોતાનું કુટુંબ યાદ આવ્યું. એની નજર મકાનની બહાર શૂન્યતાપૂર્વક પડી. છતાં એ શૂન્યતાએ પણ એને દર્શાવ્યું કે શેઠસાહેબ લંચ લેવા માટે ઘેર નહિ પણ. કોઈ સારા આહારગૃહમાં જતા હતા, અને તે પોતાની પત્નીને સાથે લઈને નહિ પરંતુ એક યૌવનભરી કુમારીને લઈને – જેને શેઠસાહેબે થોડા પગારે ટાઇપિસ્ટ તરીકે જગા આપી અંગત સેક્રેટરીની જગાએ ચઢાવી જોતજોતામાં કિશોર કરતાં વધારે પગાર આપી દીધો હતો ! એ યુવતીનો પગાર અટકતો નહિ....પગાર અટકતો હતો પુરુષ-કારકુનો ને કામદારોનો! કિશોરના હૃદયમાં વિચાર આવ્યો : શેઠસાહેબ તો લંચ લેશે... સરસ બનાવટો જમી શકશે... સુંદર યુવતી સાથે ચમકભરી વાતચીત કરી એને પણ જમાડશે.... પણ પગાર ન પામનાર નાના નોકર અને તેમનાં કુટુંબોનાં લંચનો કોને ખ્યાલ આવતો હશે ?... એમની પૂરી હકીકત સાંભળવાનો સમય પણ શેઠસાહેબ પાસે ન હતો !

કાર ક્યારની ચાલી ગઈ હતી. કિશોરે પોતાના પગ પોતાની ઑફિસની ઓરડી તરફ લીધા, અને એણે પોતાની સામે દર્શનને ઊભેલો જોયો.

‘કેમ દર્શનભાઈ ? તમે અહીં ક્યાંથી ?' કિશોરે પૂછ્યું.

'અમારા પત્રમાલિકે મને ઑફિસની બહાર ધકેલી દીધો છે.' દર્શને કહ્યું.

'કેમ? શા માટે ?'

'મને કહ્યું કે કાં તો સારી જાહેરખબર લાવ કે પત્રનો ફેલાવો વધે એવા સમાચાર લાવ; નહિ તો એને મારો ખપ નથી !'

‘તે... તમે ક્યાં જઈ આવ્યા ?'

'બીજે ક્યાંય ગયો નથી. અહીં જ પહેલો આવ્યો છું. બીજે ક્યાં દોરવણી શોધું, કિશોરભાઈ ?'

‘હં !' કહી કિશોર સહજ હસ્યો.

'કેમ હસ્યા ?'

'અમસ્તો જ. પણ તમે અમારા શેઠને ઓળખો છો ને ?'

'આમ અંગત ઓળખાણ નથી... પણ હમણાં કારમાં ગયા એ જ તમારા જગજીવનદાસ શેઠ ને ?'

'કોઈ ફેશનેબલ રૂપાળી યુવતી તેમના સાથમાં હતી, નહિ ?'

'હા. એ એમની પર્સનલ સેક્રેટરી છે.'

'ભણેલી બહુ હશે ! ગ્રેજ્યુએટ?'

'ભણેલી તો કોણ જાણે ! ગણેલી બહુ છે. એને શેઠસાહેબ લંચ ઉપર લઈ ગયા છે અને ઑફિસના કારકુનોને બે-ત્રણ માસથી પગાર મળ્યો નથી!'

‘તે... આપ કાંઈ કહેતા નથી ?

'કહ્યું પણ ખરું અને શેઠસાહેબનો જવાબ પણ સાંભળ્યો.'

'શો ?' ‘તમને તમારા શેઠે આપ્યો એવો જ જવાબ અમારા શેઠે મને આપ્યોઃ પગાર માટે બૂમ મારવી હોય તો ઘેર જાઓ.’

'મને લાગે છે કે... એક શેઠ અને બીજા શેઠમાં બહુ ફેર નહિ હોય.. નાના મોટામાં પણ.'

'નફા ઉપર જ જેમનું જીવન રચાતું હોય એ આખો વર્ગ સરખો ! નાનામોટા કશો ભેદ જ નહિ.'

'જેમ નફાની તલપૂર આશા વગર ખોટમાં જ જીવતા આપણા વર્ગમાં પણ ભેદભાવ નથી તેમ ! હું અને તમે બન્ને સરખા !'

'એમ કહો તોય ખોટું નથી !... પરંતુ વર્ગની વાત કરીશું તો આપણને સામ્યવાદી ગણી પોલીસ આપણી પાછળ ફરશે ! વારુ, સમાચાર તો મારી પાસે મળે એમ નથી, જાહેરખબર એકાદ હું આપી શકું, પણ તે એક શર્તે.' કિશોરે કહ્યું.

'ગમે તે શર્ત હોય. એક જાહેરાત મળે તો મારાથી મારી ઑફિસમાં પાછા જવાય.'

'શર્ત એટલી જ... હું જાહેરાત આપું; તમારા તંત્રી મને બિલ મોકલાવી આપે. પરંતુ એ બિલનાં નાણાં ક્યારે ચૂકવાય તે હું કહી શકું નહિ.'

'હરકત નહિ; બિલનાં નાણાં ચૂકવાય ન ચૂકવાય એ ભવિષ્યનો પ્રશ્ન છે. એનું તો જે થાય તે ખરું. પરંતુ હું જાહેરાત લઈને જાઉં તો ઑફિસમાં મને પ્રવેશ મળે.' દર્શને કહ્યું.

અને કિશોર દર્શનને લઈ પોતાની ઓરડીમાં ગયો. એક-બે કારકુનોને બોલાવી તેણે પોતાના શેઠ તર્ફે એક સારી જાહેરાત લખાવી દર્શનને આપી.

દર્શન રાજી થયો. એના મનમાં એ વિજયઊર્મિ અનુભવી રહ્યો હતો. એને જાહેરાત તો જરૂર મળી - સારી મોટી જાહેરાત મળી... અને એના પૈસા પણ મળે ત્યારે સારા મળવાનો સંભવ હતો...એ પૈસા ન મળે તો...એ ભાવિની વાત ! અને ભાવિની ચિંતા કરી વર્તમાનમાં મળેલી સિદ્ધિથી નાખુશ થાય એવો સ્વભાવ દર્શને કદી કેળવ્યો ન હતો. જાહેરાતથી એને આનંદ થયો.

પરંતુ એ વધારે આનંદ તો એટલા માટે થયો કે તે જાહેરાત સાથે એક અત્યંત મહત્ત્વના સમાચાર પણ મેળવી શક્યો હતો ! કિશોરે જ અજાણતાં એ સમાચાર દર્શનને આપ્યા હતા. નગરના એક મહાન ધનપતિ પોતાનું કામ કરતા નોકરોને બે-ત્રણ માસથી પગાર આપતા ન હતા ! એમની મોટરકાર, મોજશોખ અને લંચ ચાલુ હતાં ! મોજશોખમાં સ્ત્રી ટાઈપિસ્ટને સેક્રેટરીપદ મળે – કામ કર્યા સિવાય ! અને કામ કરી દેહ ભાંગી નાખતા પુરુષ નોકરોને નોકરી છોડવાની ધમકી ! શેઠસાહેબે પોતાના વૈભવમાં કાંઈ ઓછું કર્યું હોત તો તેમના પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન જરૂર થાત; પરંતુ તેમને તો ફરિયાદ સાંભળવાનો પણ વખત મળતો ન હતો !

આવા પ્રસંગો ભલે રોજ-બરોજ બનતા હોય, છતાં આના કરતાં વધારે ચોંકાવનારો બીજો કયો પ્રસંગ હોઈ શકે ?

ધન ન હોય એમાંથી ગુના જાગે ! ધન હોય ત્યાં પણ ગુના જાગે !

ફેર એટલો જ કે ધનિકના ગુના સંસ્કારી માનવીની મોજ ગણાય અને . તેના ઉપર સ્મિત ફેરવાય ! ગરીબના ગુનામાં બદમાશી દેખાય અને કેદ તરફ દોરાય !

પત્રની કચેરીમાં આવી દર્શને એક જાહેરાત આપી દીધી અને વધારામાં ચોંકાવનારા સમાચાર તરીકે જગજીવનદાસ શેઠની નામ વગરની આખી હકીકત એણે રંગ પૂરીને લખી. વગર પગારની નોકરી જાય એવો એમાં સંભવ હતો જ; અને તંત્રી બીજા સમાચાર અને જાહેરાત. મેળવવા બહાર નીકળ્યા હતા તેનો લાભ લઈ તંત્રીસાહેબે જ આ સમાચાર છપાવવા મોકલ્યા છે એમ કહી આવી હકીકત તેણે પત્રમાં છપાવી દીધી !

અને સવારમાં પત્ર આઠ-નવ વાગ્યે બહાર પડ્યું ત્યારે પત્રના મહાન તંત્રી સુખલાલ ચોંકી ઊઠ્યા. કોને માટે આ હકીકત લખાઈ છે એ તેમની જાણ બહાર ન હતું. છતાં હજી પગભર ન થયેલા, ધનિકોની જાહેરાતો ઉપર આધાર રાખી રહેલા અને શેઠશાહુકારોની મહેરબાની ઉપર આગળ વધવાની આશા રાખી બેઠેલા તંત્રીને પૂરો ભય લાગ્યો કે જગજીવનદાસ શેઠ આ પત્ર ઉપર બદનક્ષીની ફરિયાદ માંડ્યા વગર રહે જ નહિ ! પરંતુ કમાનમાંથી તીર છૂટી ગયું હતું ! એમનો રોષ હવે એક જ રીતે ઊતરી શકે. દર્શન રોજના સમયે પત્રની કચેરીમાં આવ્યો એટલે સુખલાલે તેને કહી દીધુંઃ

'દર્શન ! તને નોકરીમાંથી બરતરફ કર્યો છે ! આજથી તારે અહીં પગ ન મૂકવો.'

'કારણ, સાહેબ ?'

‘આ લેખ-સમાચાર તેં આપ્યા છે ને ? મને પૂછ્યા વગર ?'

'હા જી. સાચી વાત હતી.. અને આપણા પત્રનું નામ તો “સચ્ચાઈની રાહ ઉપર” છે ને?'

'તને બરતરફીની જ સજા ઘટે છે !'

'પગાર વગરની નોકરીમાંથી ભલે બરતરફ થવાય. સાહેબજી ! તંત્રીસાહેબ !' કહી દર્શને હસતે મુખે રસ્તો માપ્યો. તંત્રી તેના તરફ જોઈ રહ્યા અને પછી હસ્યા ... ખડખડાટ !