દીવડી/મંદિરનું રક્ષણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સ્ત્રીની કિંમત કેટલી? દીવડી
મંદિરનું રક્ષણ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
અણધાર્યો હરીફ →


મંદિરનું રક્ષણ

મારા બાળપણનાં બે દ્રશ્યો મારાથી હજી ભુલાતાં નથી. પાછળ નજર નાખું છું એટલે તરત એ બે દ્રશ્યો નજર સામે ખડાં થઈ જાય છે. એ બન્ને દ્રશ્યોના મધ્યબિંદુમાં એક નાનકડું દેવમંદિર સતત ઊભેલું હું જોઈ શકું છું. વીર હનુમાનનું એ દેવાલય. એ દેવાલયની એક પાસ નદીનો ઊંડો ગર્ત આવેલ હતો અને બીજી પાસ, આગળ-પાછળ તેમ જ બાજુમાં મદિરને અડીને નાનાં-મોટાં મકાનો આવ્યાં હતાં. એ મંદિર રામચંદ્રને સતત પગે લાગતા દાસ હનુમાનનું ન હતું, પરંતુ ગદા ઘુમાવતા, સૂર્યને પકડવા મથતા બજરંગ બલી વીર હનુમાનનું હતું. આખું ગામ બજરંગ બલીના દર્શને આવતું અને શનિવારે તો ત્યાં મેળો ભરાતો તથા હનુમાનને વિપુલ તેલસિંદૂર ચઢતાં.

હું ત્યારે એ ગામડામાં ભણતો નાનકડો વિદ્યાર્થી હતો. આજ ભણ્યાગણ્યા પછી ભણતરે દેવો ઉપરની શ્રદ્ધા ધટાડી દીધી છે, પરંતુ બાળપણમાં દેવો ઉપર મને પૂરી શ્રદ્ધા હતી. દેવની કૃપા ધાર્યું ફળ આપે છે; દેવોને નારાજ ન કરી શકાય; દેવોને અપ્રિય વર્તન ન થઈ શકે; અને દેવનાં દર્શન ઇષ્ટ છે : એવા એવા શ્રદ્ધામય સિદ્ધાંતો બાળપણમાં સાચા લાગતા અને તે પ્રમાણે અમારું વર્તન પણ થતું. કદી તેવું વર્તન ન થાય તો સાચો પશ્ચાત્તાપ પણ થતો, પાપની ક્ષમા માગવા માટે બાધા-આખડી પણ રાખવામાં આવતી અને દેવની કૃપા મેળવવા દેવને સાષ્ટાંગ પ્રણામ પણ કરવામાં આવતા હતા. આજ એ બધુ સાચું લાગતું નથી, અને દેવ પ્રત્યેની શ્રદ્ધા પણ ઘટી ગઈ છે એટલે કે દેવને પ્રણામ કે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પણ કરવાની નમ્રતા મારામાં રહી નથી. છતાં એ ઉપચારવિધિમાંથી એક વિધિ યાદ રહી ગયો છે, અને તે એ કે હનુમાનને દંડવત્ પ્રણામ કદી થાય નહિ ! દંડવત્ પ્રણામ કરનાર ઉપર હનુમાનજી પોતાનો વજ્રભાર મૂકી દે એવી બીક હતી.

ત્યારે...હિંદના દેવોમાં એક દેવ એવા છે જે કે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાની ભક્તોને મના કરે છે ! જરા પણ નમ્યા વગર, માત્ર મર્દાનગીભર્યા નમસ્કારથી રીઝનારા વીર હનુમાન મને ખૂબ ગમતા, અને આજે પણ ખૂબ ગમે છે. શ્રદ્ધા ન હોવા છતાં તેમના કોઈ પણ મંદિર આગળથી પસાર થતાં હું તેમને છાનામાનાં નમન કરી લઉં છું.

અમારા ગામના એ હનુમાનનું મંદિર ખૂબ લોકપ્રિય હતું અને લોકોને હનુમાનનાં સત ઉપર શ્રદ્ધા પણ બહુ હતી. હનુમાને અનેક પરચાઓ બતાવ્યા હતા એમ પણ લોકો માનતા; એટલું જ નહિ, પરંતુ એ પરચાની અનેક રસભરી વાર્તાઓ પણ લોકો કહેતા, જેમાં એક્કે વાત ભણેલો યુગ ભાગ્યે સાચી માની શકે ! હનુમાનજીના પ્રતાપે ગામમાં ચોરી-ચખારી થતી નહિ, કારણ કે ચોરી કરનારાઓમાં પણ એવી માન્યતા હતી કે બજરંગ બલી હનુમાનની આણ ફરતી હોય ત્યાં ચોરી થઈ શકે નહિ ! વૃદ્ધ પુરુષો એવી પણ વાત કરતા હતા કે જૂના વખતમાં એક વાર ધાડપાડુઓએ ગામમાં ધાડ પાડી. ગામને ઝાંપે પેસતાં જ એક બાઈએ ધાડપાડુઓને હનુમાનની આણ દીધી. એ આણને ન માનતાં ધાડપાડુઓ ઘૂસ્યા અને દુકાનો તથા મકાનોને લૂંટવા લાગ્યા. એક ધનિકનું ઘર ઉઘાડાવી કુટુંબનાં માણસને માર મારી ધાડું પાડુઓએ તેમને ઘરની બહાર કાઢ્યા. એવામાં એકાએક હનુમાનનો 'હૂં' કારો સંભળાયો અને 'હૂં' કાર સાથે જ ઘરનો એક માળ તૂટી પડ્યો અને ઘર અંદર ગયેલા ધાડપાડુઓ એ માળ નીચે દટાઈ ગયા. બહાર રહેલા એકબે ધાડપાડુઓએ હનુમાન મંદિર જઈ પોતાનાં હથિયાર મૂકી દીધાં અને ગામને કરેલા નુકસાનનો દોઢો બદલો આપવાની બાધા રાખી એટલે ઘવાયેલા ધાડપાડુઓ જીવતા તો નીકળ્યા; પણ તેમણે ત્યાર પછી આ ગામે ધાડ પાડવાનું મોકૂફ રાખ્યું અને બીજું ગામ લૂંટી, અગર ફાવે તેમ કરી, થયેલા નુકસાનનો બદલો વાળી આપી હનુમાનની માનતા પૂરી કરી.

આમ આ હનુમાનનું મંદિર ગામનું એક મહાન રક્ષણસ્થાન હતું. અને હનુમાનની હાક ચારે બાજુએ વાગતી. ગામના ગુનેગારોને હનુમાનની હાજરી સીધે માર્ગે રાખી રહી હતી અને પરગામના ગુનેગારોને તેમની હાજરી ખૂબ ભય પમાડતી હતી. ગામના આખા નૈતિક સંસ્કારનો આધાર આમ હનુમાનનું મંદિર બની રહ્યું. હતું. પાપ લઈ હનુમાનનાં દર્શન કરવા કોઈ પણ આવતું નહિ; અને આવતું તો તેનાં પાપ પ્રગટ થઈ તેને ત્યાં ને ત્યાં જ સજા મળી જતી.

એમાંથી એવી પણ એક માન્યતા ઊભી થઈ કે જ્યાં સુધી હનુમાન અને હનુમાનનું મંદિર ગામમાં હોય ત્યાં સુધી ગામની આબાદીને જરા યે ધક્કો પહોંચે નહિ. એ મંદિર સાચામાં સાચી સાર્વજનિક મિલકત બની રહ્યું હતું. સહુ તેને પોતાનું માનતા, છતાં તેમાં કોઈની માલિકીની ભાવના ઉત્પન્ન થતી નહિ. શનિવારના ઉત્સવો અને મેળા થયા કરતા હતા અને પોતપોતાની શક્તિ અનુસાર સહુ કોઈ એ મેળાઓને સફળ બનાવતા,

મને મારા નાનપણનો આ પ્રસંગ બરાબર યાદ આવે છે. એક રાત્રે હનુમાનના દેવાલયની નજીકના મકાનમાં આગ લાગી અને એ અંગે કોલાહલ મચી રહ્યો અને આખું ગામ ત્યાં ભેગુ થયું. હું તો નાનો હતો, છતાં હું પણ મારા ઘરનાં માણસો સાથે ત્યાં આવીને ઊભો; અને જોઉં છું તો અગ્નિની જ્વાળાઓ એક ઘરથી બીજા ઘર ઉપર નાચતી, દોડતી મેં નિહાળી. મકાનોનાં છાપરા અને છજાં કડકડ થઈને બેસી જતાં હતાં અને અગ્નિજ્વાળાનો વિસ્તાર વચ્ચે જતો હતો. ગામના ભેગા થયેલા લોકો આગને હોલવવા પ્રયત્ન કરતા હતા. એટલામાં કોઈએ બૂમ પાડી:

'મરી ગયા ! સંભાળો ! આગ મંદિરને ઝડપી લેશે !'

અને ત્યાં આવેલા આખા ટોળાંએ એક અજબ કંપ અનુભવ્યો. હનુમાનના મંદિરને આગ લાગે ? તો પછી ગામનું રક્ષણ કરનાર દેવનું સ્થાન કયાં રહેશે ? પોતાના અંગત ઘરને આગ લાગે અને તેને બચાવવાની જે તીવ્ર ઈચ્છા થાય તેના કરતાં હનુમાનના મંદિરને બચાવવાની ઇચ્છા સહુના હૃદયમાં વધારે તીવ્ર,વધારે વ્યાપક અને વધારે સામુદાયિક બની. ગામના નગરશેઠ જેવા એકબે ધનાઢ્ય પુરુષો આગ જોવાને અને બને તો આગ હોલવવાને ત્યાં આવીને ઊભા હતા. બૂમ સાંભળી તેમના શાંત મુખ ઉપર એકાએક પરિવર્તન થઈ ગયું અને તેમની આંખો વ્યાકુળ થઈ ગઈ.

એક શેઠિયાએ બૂમ મારી :

'અલ્યા, જોઈ શું રહ્યા છો ? મંદિરને આગ લાગી તો આવી બન્યું સમજો. ખાલી કરો કૂવા-ટાંકાં; અને એક એક ઘડે મારા તરફનો રૂપિયો ગણી લેજો.'

તેમની સાથે ઊભેલા બીજા શેઠનું મુખ પણ ગંભીર બની ગયું. અને તેમણે પણ કહ્યું : મારો પણ રૂપિયો ઘડે ઘડે ગણી લેજો, શેઠ ! હનુમાનની ધજાને ચિનગારી પણ લાગે તો આપણો રળ્યો પૈસો ધૂળ બરાબર છે.'

'એ તો ખરું, શેઠિયા ! પણ તમે યે હાથમાં ઘડો લો અને અગ્નિદેવતાને શાંત કરો. આ એક માણસનું કામ નથી; અને અત્યારે તમારા રૂપિયાની ખાતર કોઈ ઘડા ગણવા બેસશે નહીં.' ગામના એક પટેલે પાસેના એક ઘરમાંથી આણેલા બે ઘડા શેઠિયાઓના હાથમાં આપતાં કહ્યું. અને કદી પણ જેમણે ઘડો ઊંચક્યો ન હતો એવા એ બંને શેઠિયાઓએ કેડ મજબૂત બાંધી, પાણીવાળા ઘડા અગ્નિની ઝાળમાં નાખવાનું શરૂ કર્યું.

શેઠિયાઓને કામ કરતા જોઈ આખા માનવસમુદાયમાં એક પ્રકારનું શૂરાતન ઊભરાઈ આવ્યું. જોરાવર જુવાનો અને કાબેલ કારીગરો હિંમતપૂર્વક હાથમાં ધારિયાં વાંસી લઈ અગ્નિવાળા ઘરવિભાગોને તોડવા લાગ્યા. ગામની સ્ત્રીઓ ઝપાઝપ ચારે બાજુએથી બેડાં ભરી ભરી પાણી લઈ આવી અને અગ્નિ સામે યુદ્ધે ચડેલા જુવાનિયાઓના હાથમાં આપવા લાગી. ભડભડ બળતી આગ વચ્ચે પાણી રેડવા ધસતા એ યોધ્ધાઓ પાણીનો મારો ચલાવવા લાગ્યા. બૂમાબૂમ થઈ રહી હતી, પરંતુ એ બૂમાબૂમનું કેન્દ્રસ્થાન એક જ હતું :

'આગ હોલવો ! પાણી છાંટો ! આગવાળો ભાગ તોડી પાડો ! આગને ઝીલવા તૈયાર થયેલા ભાગને કાપી નાખો ! ગમે તે તોડો ફોડો ! પણ જોજો, રખે આગનો તણખો હનુમાનની દેરીને અડકે.'

અમે બાળકો ટાળે વળી દિગ્મૂઢ બની ઊભાં હતાં. અગ્નિની ભયાનકતા અને લોકોના કોલાહલ અમારા હૃદયમાં એક પ્રકારનો થડકાર વારંવાર ઉપજાવતાં હતાં, શું કરવું એની અમને સમજ પડતી ન હતી. હનુમાનના મંદિરને આગ અડશે તો આખું ગામ પાયમાલીના ખાડામાં પડશે એવી કોઈ અર્ધસમજાતી બીક અમને થથરાવી રહી હતી. એટલામાં એક વૃદ્ધે પાણીનો ઘડો આગમાં રેડતાં બૂમ પાડી : 'આ છોકરાં, બોત જેવાં ઊભાં કેમ રહ્યાં છો ? ભેગી કરો ધૂળ,અને નાખો આગમાં. આ તમાસો જોવાનો નથી !'

અમારા હૃદયમાં પણ એક વિજળી જાગ્રત થઈ. અમારે માથે ટોપીઓ હતી; તેમાં અમે ધૂળ ભરી અને આગની એક બાજુએ અમે નાખવા માંડી. ટોપીઓમાં તો કેટલી ધૂળ ભરાય ? અમે અમારાં પહેરણ અને અંગરખાં શરીર ઉપરથી કાઢ્યાં અને તેમાં ધૂળ ભરી ભરી આગમાં નાખવા માંડી. એક વૃદ્ધ બાઈ ઘડો ભરી પાણી છાંટતી હતી તેણે અમને જોયા અને ઘડો જમીન પર મૂકી તેણે એક બાળકની ધોતી કાઢી નાખી તેને કહ્યું :

'દીકરા ! ટોપી-પહેરણની ધૂળ નહિ ચાલે. ધોતી કાઢ અને તેમાં ધૂળ ભરી હનુમાનનું નામ લઈ આગમાં નાખ, જો આગ હોલવવી હોય તો. અને આખો બાલસમૂહ લાજશરમને બાજુએ મૂકી પોતપોતાની ધોતીઓ કાઢી, તેમાં ધૂળ ભરી અગ્નિમાં નાખવા લાગ્યો.

વૃદ્ધો અને યુવાનો, સ્ત્રીઓ અને પુરુષો આગ હોલવવામાં સામેલ થઈ ચૂક્યાં હતાં અને તેમાં અમે બાળકો પણ દાખલ થઈ ગયાં અને આગને વધતી અટકાવવા તથા હનુમાનના મંદિરને અગ્નિ ન અડકે એમ જોવા અમે બાળકો પણ પ્રવૃત્ત થયાં.

એ તો ઠીક; પણ જ્યારે અંત્યજવાસમાંથી ઘડા લઈ અંત્યજ સ્ત્રીપુરુષો આવી પહોંચ્યાં ત્યારે મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

તેમના આગેવાને બૂમ મારી :

'શેઠ બાપુ ! શાસ્ત્રીજી ! અમારું પાણી ખપશે કે ?' ત્યારે તિલકવાળા નગરશેઠ અને ત્રિપુંડવાળા શાસ્ત્રીએ પણ સામે બૂમ મારી કહ્યું :

'અરે, કાંઈ હરકત નહિ; આપદ્દધર્મ છે. પછીથી પ્રાયશ્ચિત થઈ શકશે. નાખો ઘડો; વાર ન કરો.'

આમ બ્રાહ્મણ અને અંત્યજ ભેગા મળી આગ હોલવવા મથતા હતા; જાતિભેદ વીસરાઈ ગયો હતો; અને ધર્મભેદ બાજુએ મૂકી, હનુમાનના મંદિરને બચાવવા ડાંગ લઈ મુસલમાનો પણ આગ સામે તૂટી પડયા હતા એ દ્રશ્ય હજી હું ભૂલી શક્યો નથી. કેટલાંક મકાનો આગમાં બળી ગયાં; કેટલાંક તોડી પાડવામાં આવ્યાં. બેભાન થયેલ એક મુસલમાન અને એક અંત્યજને પાસે આવેલા બ્રાહ્મણના ઘરમાં સુવાડી સારવાર કરવામાં આવી. એ તો સ્મરણીય દ્રશ્ય છે જ; પરંતુ સૌ કરતાં વધારે સ્મરણીય દૃશ્ય તો એ હતું કે આગ હોલવાઈ ત્યારે મંદિરની ધજા તણખાનો સ્પર્શ થયા વિના ફરકતી રહી અને હનુમાનના મંદિરને અગ્નિની જરા ય આંચ પણ લાગી નહિ ! આગ હોલાતાં સહુ આનંદમાં આવી ગયા અને આખી રાત પ્રયત્ન કરી થાકેલી મેદની 'બજરંગ બલીની જય !' પોકારી પોતાનો થાક વીસરી ગઈ. એમાં બાળકોનો જયધ્વનિ સૌથી વધારે ગર્જી રહ્યો, જેમાં અંત્યજો સામેલ હોય એમાં નવાઈ નહિ; પરંતુ મુસલમાનો, પણ સામેલ હતા.

પ્રભાત થતાં આગ હોલવાઈ અને વગર થાકેલા નગરશેઠે હસીને વાઘરીઓના સમૂહને કહ્યું :

‘અલ્યા ! આગ તો તમે બધાએ હોલવી; પણ કોઈનું કાંઈ ગયું તો નથી ને ?'

'અરે, બાપા ! અહીં તો હનુમાનની આણ ફરકે છે. એક ચીજ ગઈ હોય તો અમારાં કાંડાં કાપજો. બાકી બીજે તો હાથ સળવળ્યા વગર ન રહે !' વાઘરીના મુખીએ જવાબ આપ્યો અને આખું ટોળું હસી પડ્યું.

ઘેર જઈ, સ્નાન કરી શાસ્ત્રીજીએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. દેવસેવા કરી શેઠ પોતાની હવેલીને ઓટલે બેઠા અને આગમાં કોનાં ઘર બળી ગયાં, કોનો કેટલો માલ બગડી ગયો, નવાં મકાન બાંધવા કોને કેટલી રકમ જોઈએ, નિરાશ્ચિત બનેલા લોકોને અન્ન જોઈએ એનો હિસાબ કાઢતા ચાલ્યા અને કોથળામાંથી જેને તેને જોઈતી રકમો પહોંચાડવા મુનીમને હુકમો કરતા ચાલ્યા. બેભાન થયેલા મુસલમાનની બ્રાહ્મણે કરેલી સારવારથી તે શુદ્ધિમાં આવ્યો અને સ્વબળથી પગે ચાલતો શેઠના ઘર આગળથી તે પોતાને ઘેર જતો હતો. શેઠે તેને પોતાની પાસે બોલાવી બેસાડ્યો અને પૂછ્યું :

'મિયાં ! કાલે રાત્રે તમે ખૂબ કરી હો ! મંદિરની ટોચે જઈ ધજા સંભાળી તમે ઊભા ન હોત તો ધજા જરૂર બળી જાત'.

'ઈસમેં ક્યા, શેઠ સહાબ ? હનુમાનજી ગાંવકા ઔર ગાંવ હમારા સહી ને ? અગર જરૂરત હતી તો મેં આગમેં ભી કૂદ પડતા થા.' ગુજરાતી લઢણવાળી હિંદુસ્તાની બોલીમાં મિયાંએ જવાબ આપ્યો.

'મિયાં ! દવા કે લિયે કુછ ચાહિયે ?' શેઠે પૂછ્યું.

'અરે, નહિંજી, અલ્લા રસુલકા નામ લેકર મૈંને કામ કિયા, ઇસમેં દવા ભી કૈસી ઔર પૈસા ભી કૈસા ?'

થોડે દિવસે આગમાં દાઝેલા મિયાંને રૂઝ વળી; છતાં તેમના હાથ ઉપર દાઝ્યાનો એક ડાઘ રહી ગયો. કોઈ અજાણ્યા માણસે એ ડાઘની પૂછપરછ કરી એટલે મિયાંએ પોતે જ કહ્યું:

'વો તો હમારા ચાંદ હૈ. હનુમાનજીને દિયા.' અને એ કાર્યની સ્મૃતિ તરીકે ત્યારથી એ મુસલમાનને બધા 'ચાંદવાળા મિયાં'— 'ચાંદમિયાં' કહીને ઓળખતા. હનુમાનના મંદિરને બચાવવામાં તેમના યશસ્વી ભાગનો યશ સહુ કોઈ તેમને આપતા અને મિયાં ગર્વ પૂર્વક એ યશને લેતા પણ ખરા આમ સહુના પ્રયત્નથી હનુમાનનું મંદિર અગ્નિમાંથી બચી ગયું. હનુમાનનું મંદિર બચ્યું એટલે ગામ ચોરી ચખારીથી બચી ગયું, લૂંટફાટથી બચી ગયું અને અનીતિથી બચી ગયું. હનુમાન દેવ હોય કે ન હોય. એમણે સાચા પરચા બતાવ્યા. હોય કે ન હોય એનો આજ ભલે બુદ્ધિપૂર્વક વિચાર કરીએ અને તેમનામાં અશ્રદ્ધા સેવીએ; છતાં આજે એટલું તો લાગે છે કે એ હનુમાન અને હનુમાનનું મંદિર ગામના શૌર્યનાં, ગામના સંગઠ્ઠનના, ગામની સજ્જનતાનાં અને ગામની ઝિંદાદિલીનાં પ્રતીક તો જરૂર હતાં. હનુમાનની ફરકતી ધજા અનીતિને સતત ભય પમાડતી હતી.

એને જ લગતો એક નાનો સરખો બીજો પ્રસંગ મારા બાળપણનો નોંધી લઉં. આગ લાગી અને હોલવાઈ એ જ વર્ષે નદીમાં ભયંકર પૂર આવ્યું. એ પૂરનાં મહાજળ હનુમાનની ભેખડને ધોઈ રહ્યાં હતાં. ગામને ભય લાગ્યો કે હાથવેંતમાં એ પાણી હનુમાનના મંદિરને તાણી પાડવા મથી રહ્યાં છે. આગની માફક રેલને દિવસે પણ આખું ગામ ભેગું થયું, અને પૂરના બળને ખાળવા સહુ કોઈ પોતપેતાની બુદ્ધિશક્તિ પ્રમાણે મથન કર્યું જતું હતું. ધો ધો વહેતાં પાણી આખી મેદનીના હૃદયને થડકાવી રહ્યાં હતાં. પાણી ચઢતાં જતાં હતાં અને નગરશેઠ પોતાનાં પત્ની સાથે સહકુટુંબ પૂજાપાનો સામાન લઈ ભેખડ ઉપર આવી પહોંચ્યા. તેમની સાથે ઠાકોર તરીકે ઓળખાતો ગામનો એક ગરાશિયો પણ હતો. સહુએ શેઠને માર્ગ કરી આપ્યો. ગામના શાસ્ત્રીએ શેઠ અને શેઠાણી પાસે નાની પૂજા કરાવી. ફુલ, ચંદન, નારિયેળ અને સાડી તેમણે નદીને ચડાવ્યાં અને સહુએ ધાર્યું કે હવે નદીનાં પૂર નમતાં થશે; પરંતુ નદીએ ઊતરવાનું એક પણ ચિહ્ન બતાવ્યું નહિ અને ગામના આશ્રયસ્થાન સમું હનુમાનનું મંદિર ક્ષણે ક્ષણે ભયમાં આવી પડતું હતું.

એકાએક ગરાશિયાએ કહ્યું :

'ફૂલ-ચંદનથી મા નહિ રીઝે. કોઈનું કાળું કૃત્ય થયું છે એથી મા કોપી છે. લોહી લીધા વગર એ કોપ શમે નહિ.'

'લોહી કોણ આપશે ?' શાસ્ત્રીજીએ પૂછ્યું. રુધિર ધરાવવાના મંત્રો અને વિધિ શાસ્ત્રીજી પાસે તૈયાર હતાં; પરંતુ બ્રાહ્મણનું લોહી નદીમાતાને ન જ ખપે.

'ચાંદવાળા મિયાંએ કહ્યું કે મેરા લોહી ચલેગા ?'

'તે બધા હિંદુઓ મુડદાં બની બેઠા છે કે શું ? ગરાશિયાઓએ ચૂડીઓ નથી પહેરી ! કહે એટલું લેાહી હું પાણીમાં પધરાવું. કટાર મારી પાસે છે.' ગરાશિયાએ કહ્યું અને કમરેથી એણે પોતાની કટાર ખેંચી કાઢી. સહુએ શાસ્ત્રીજી તરફ જોયું. શાસ્ત્રી જરી વિચારમાં તો પડ્યા; પરંતુ અચકાતાં અચકાતાં તેમણે કહ્યું :

'વાત ખરી. પણ લોહી કાં તો રાજા આપે કે ગામનો મોવડી હોય તે આપે.'

સહુએ નગરશેઠ સામે જોયું. ગામનો રાજા તો હતો નહિ; હતો તે રાજા દૂર દૂરથી આવી નદીને રુધિર અર્પણ કરે તે પહેલાં હનુમાનનું મંદિર તણાઈ જવાનો પૂરો સંભવ હતો. શેઠાણીએ પણ શેઠની સામે જોયું. અને સુંવાળા સુખી નગરશેઠની આંખમાં તેજ ચમક્યું. તે બોલી ઊઠ્યા :

'ગામે જિંદગી આપી, પૈસો આપ્યો અને હનુમાનજીએ તે સાચવ્યું. એમને ખાતર માથું આપવું પડે તો ય હું તૈયાર છું.'

આખી જનતા શાંત પડી ગઈ. નદીનો ઘુઘવાટ વધતો જાતો હતો. નગરશેઠે ઠાકોરની પાસેથી કટારી હાથમાં લીધી અને જે હાથે શાક પણ કદી કાપ્યું ન હતું. તે હાથ વડે બીજા હાથના કાંડા ઉપરના ભાગમાં 'જય બલી બજરંગ !'ની બૂમ મારી, કટારનો ઘા કરી નગરશેઠે હાથમાં ઊભરાતા લોહીની ધાર નદીમાં પધરાવી.

ચમત્કારમાં માનીએ કે ન માનીએ તોપણ રુધિરબિંદુઓ પડતાં આખા વાતાવરણમાં શાંતિ વ્યાપી ગઈ. પૂરના ઉછાળા શમતા હોય એમ લાગવા માંડ્યું અને નદીનો ધોધ મૃદુતાને માર્ગે વળતો હોય એવો સહુને ભાસ થયો. ખરેખર, સહુ ઊભા હતા અને પાણી નીચે ઊતરતાં ચાલ્યાં, અને આમ હનુમાનજીનું મંદિર બચી ગયું !

આ ન ભુલાતાં દ્રશ્યની વાત માત્ર વાર્તા નથી; સાચી બનેલી હકીકત છે. એમાં કોઈ નાયક નથી, નાયિકા નથી, પ્રેમ નથી અને વિયોગ પણ નથી. શું છે એ વાર્તામાં એ શોધી કાઢવા આજ હું મથી રહ્યો છું. આજના ભૂખમરા વખતે, ચારે પાસ તંગીની આગ સળગી રહી છે તે વખતે, કાળાબજારનાં પૂર વહી આખા હિંદને ડુબાવી રહ્યાં છે તે ક્ષણે, મને આ વીર હનુમાનનું મંદિર અને તેને બચાવનાર ગ્રામજનતાનું વીરત્વ યાદ આવ્યા વિના રહેતાં નથી. પૂરમાં પોતાનું રૂધિર રેડનાર કોઈ નગરશેઠ, કટાર લઈ પોતાનું મસ્તક ધરવા તત્પર બનેલો કોઈ ગરાશિયો, ઝાળથી પડેલા ચાઠાંને ચાંદ માનનાર કોઈ મિયાં, બેભાન બનતાં સુધી પાણી રેડતો કોઈ રોહીદાસ, અરે ! આગને શમાવતો કઈ નાગો બાળક અગર પતિને રુધિર રેડવા પ્રેરતી કોઈ પત્ની આજ નહિ મળી આવે શું?

એ નહિ મળે તો આગને ભડકે કે પાણીના પ્રલયમાં ભારતનું મંદિર આ..ડૂબ્યું જાણો !...

બન્ને પ્રસંગોએ આખું ગામ વીરરસથી ઊભરાયું હતું – જો કે મોટા ભાગને શસ્ત્ર પકડતાં કદી આવડ્યું ન હતું. વાર્તાનો નાયક કોઈ ન હતો – અગર એકેએક માનવી એનો નાયક હતો.

ભારતમાતાના મંદિરને બચાવવા સહુએ–પ્રત્યેક વ્યક્તિએ- નાયક બની વીરત્વપ્રવેશ કરવાની ક્ષણ આવી ચૂકી છે એટલું જ મને એ બે પ્રસંગો કહી રહ્યા છે.