દીવડી/સનાતન દર્દી
← સુવર્ણાક્ષર | દીવડી સનાતન દર્દી રમણલાલ દેસાઈ ૧૯૫૪ |
બાજી પટેલ → |
કેટલાંક દર્દ ચલ હોય છે અને કેટલાંક અચલ હોય છે. એવી જ રીતે કેટલાંક દર્દીઓ પણ ચલ હોય છે અને કેટલાંક દર્દીઓ અચલ હોય છે. અચલ દર્દીઓનાં દર્દ ઈશ્વર પણ મટાડી શકતો નથી. એવા સનાતન દર્દીઓમાં મારો એક બાલમિત્ર હતો, જે નાનપણથી યૌવન સુધી રોગમુક્ત થયો જ નહતો, અને યૌવનનો પ્રાથમિક આનંદ ગુમાવી બેઠો હતો.
એનું નામ હતું રૂપમોહન. સારી સ્થિતિના માબાપનો એ દીકરો. અમે બન્ને સાથે ભણીએ. મારી સ્થિતિ રૂપમોહન કરતાં ઘણી નીચી કક્ષાની હતી. રૂપમોહન પાણી માગે તો તેને દૂધ મળી શકે એમ હતું; મારે પાણી માગવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. મારે માગવાનું મારી જ કને; અને હું જ્યારે પાણી માગતો ત્યારે મને પાણી જ મળતું, દૂધ નહિ. પર્વ-ઉત્સવને દિવસે જ દૂધશાકનો સ્વાદ હું લઈ શકતો; પરંતુ એનું મને દુઃખ ન હતું.
રૂપમોહન નાનપણમાં બહુ દેખાવડો હતો, અને તેનાં હોંસીલાં માતાપિતા તેને સારાં કપડાં-ઘરેણાં પહેરાવી તેના દેખાવમાં ઉમેરો કરતાં હતાં. હું એના જેટલો ગોરો નહિ, એના જેટલો દેખાવડો નહિ, અને મારે પહેરવામાં થીંગડાંવાળાં વસ્ત્રો અને જવલ્લે જ મળતા જોડા. હું ઉઘાડા પગે ફરતો કદી ફાંસ-કાંટો વાગતાં, તાપટાઢ કદી સિસકારીઓ બોલાવરાવતાં; પરંતુ એનું મને દુઃખ થયું હોય એમ મને જરા યે યાદ નથી. કપડાં ઘસાય નહિ એ અર્થે એકલી ચડ્ડી પહેરી દિવસ-રાતભર ઉઘાડું શરીર રાખવાની મને ટેવ જ પડી ગઈ હતી. પરંતુ રૂપમોહન ઘરમાં પણ ભાગ્યે જ મોજડી વગર ફરતો. તેનો રૂપાળો દેહ મેં કદી ઉઘાડો જોયો હોય એમ મને યાદ નથી. સવારનાં કપડાં તેને સાંજે પહેરાવવામાં આવતાં નહિ. ટાઢમાં તેનાં પિતા અને માતા તેને ઢબૂરીને રાખતાં, જ્યારે કડકડતી ટાઢમાં મારા દેહ ઉપર વસ્ત્ર પણ ન હોય, અને હોય તો પણ હવા અજવાળાની બારીઓવાળું હોય !
પડોશનાં બાળકોમાં એક પ્રકારની મૈત્રી જાગે છે. રૂપમોહનનું ઘર ઘણું મોટું હતું એ વાત ખરી. મારું ઘર ઘણું નાનું-ઝૂંપડીનો ખાલ આપે એવું હતું છતાં અમે સાથે ભણતા એટલે અમારી વચ્ચે મૈત્રી સારી જામી હતી. મોંઘા રૂપમોહનની સાથે એ જ્યાં જાય ત્યાં માણસો મોકલવામાં આવતાં. મારે તો એકલા જ જવાનું હોય. એ માગે ત્યારે તેને પૌષ્ટિક ખોરાક મળતો. અરે ! ન માગે ત્યારે પણ એને ખોરાક મળતો, જ્યારે મને તો જમતી વખતે સતત ભૂખ લાગી છે અને જમ્યા પછી થોડી ભૂખ રહી છે એવો ભાસ રહ્યા કરતો. રૂપમોહનની માતા કદી અમને કાચું કોરું આપતી વખતે ફરિયાદ કર્યા કરતી:
'આ અમરો રૂપ ! એને ખાવાનું ઠેકાણું જ નહિ. કશું જ ફાવે નહિ અને ભાવે નહિ. પ્રભુએ આપ્યું છે ત્યારે એની ભૂખ જ મરી ગયેલી છે.'
હું જાણતો કે રૂપમોહનને કેટલી વાર જમવાનું મળે છે અને કેટલી વાર કાચું કારું મળે છે. એની પાછળ વેરાતો ખોરાક એક પહેલવાનનું પૂરું કરે એટલો કહી શકાય, છતાં એને મહેનત તો કશી જ કરવાની કે પડવાની નહિ. એને વાસીદું વાળવાનું નહિ, હાથે પાણી કાઢી નહાવાનું નહિ, કપડાં ધોવાનાં નહિ, જમવાનો પાટલો પણ હાથે લેવાનો નહિ અને સૂવા માટે પથારી કરવાની નહિ. એના પાટીદફતર પણ નિશાળે એક માણસ લઈને આવે. મારે તો આ બધું મારે હાથે જ કરવાનું હતું. ઉપરાંત કદી કદી માતાપિતાને કે ભાંડુઓને માટે એ કરવાનું હોય. આ ઉપરાંત નિત્ય રૂપમોહનને ઘેર એક વૈદ્ય અને એક ડૉકટર આવતા હતા. રૂપમોહન રમતો હોય તો પણ તેને રમતમાંથી પકડી જઈ વૈદ્ય-ડૉકટરની તપાસમાં રજુ કરી દેવામાં આવતો હતો. વૈદ્ય માત્ર તેની નાડી જ જોતા, પરંતુ ડૉકટર તો તેની છાતી, વાંસો, પેટ અને આંખ તથા જીભ તેને ઉથલાવી ઉથલાવીને જોતા હતા. ઘણી વાર તેને અણગમો આવતો છતાં તેનું આ તપાસકાર્ય તો ચાલુ જ રહેતું. વૈદ્ય તથા ડૉક્ટર પાછા તેને કાંઈ ને કાંઈ દવા આપતા, જે દવા પીતાં મેં ઘણી ય વાર રૂપમોહનને રડતો જોયો હતો. મને તો તાવ આવ્યો હોય તોપણ ઘરના ઉપચારથી તે મટી જતો, જો કે ઈશ્વરકૃપાએ મને બહુ તાવ આવતો નહિ, અને આવતો હશે તો તાવ આવ્યો એમ મને લાગતું પણ નહિ.
નિશાળમાં છોકરાઓ રૂપમોહનને બહુ ચીડવતા અને તેની મોટાઈ ઉપર બહુ મહેણાં મારતા. એમાં રૂપમોહનનો બહુ વાંક ન હતો. એની સુખી સ્થિતિ એને વધારે સાધનો અપાવે એમાં એ પણ શું કરે? પરંતુ એટલું તો ખરું જ કે એવાં સાધનો ન ભોગવી શકતાં બાળકો તેના પ્રત્યેની અદેખાઈથી અગર માત્ર રમૂજમાં તેના ઠીક ઠીક ચાળા પાડતા. રૂપમોહન નોકર પાસે દફતર ઉપડાવી જતો ત્યારે અમારા વિદ્યાર્થી ટોળામાંના કેટલાક છોકરાએ તેના ચાળા પાડી રૂપમોહન જેવું ચાલે અને પોતાનાં દફતર બીજાઓને આપી રૂપમોહનને ચીડવે. રૂપમોહનને માટે શાળામાં પણ ચા-નાસ્તો નોકર લઈને આવતો અને તેની મોટાઈ સંતોષાય એ ઢબે નોકર તેને બીજા વિદ્યાર્થીઓથી અલગ પાડી તેનું રક્ષણ કરી તેને જ નાસ્તો ખવરાવી દેતો. આ જોઈ શાળાના છોકરાઓ પાઈ પૈસાના ચણા લાવી રૂપમોહન દૂર બેઠા બેઠા નાસ્તો ખાતો હોય ત્યાં તેને તાકીને મારતા. કોણે ચણો માર્યો એ જલદી પકડાય એમ ન હતું, એટલે ગુસ્સે થયેલો નોકર વિદ્યાર્થીઓની આ ચેષ્ટાને રોકી શકતો નહિ.
પરંતુ રૂપમોહનને એથી ચીઢ અને રીસ ચઢતી ન હતી એમ કહેવાય નહિ. ભારે ઉદારતા હોવા છતાં પોતાની નકલ કે પોતાનો ઠઠ્ઠો સહન કરવો મુશ્કેલ છે. એક વખત રૂપમોહન શાળાની બહાર નીકળતાં ગુસ્સે થઈ ગયો; કારણકે તેના સરસ કોટના સરસ ખિસ્સામાં કોઈએ કાંકરા ભર્યા હતા. રૂપમોહન જાણતો હતો કે તે બીજા છોકરાઓ કરતાં વિશિષ્ટતા ધરાવતો નિશાળિયો હતો. તેના સરખા માતાપિતા બીજા વિદ્યાર્થીઓને નથી એવી તેને ખાતરી હતી. તેણે ચિડાઈને બૂમ પાડી :
'કોણે હરામખોરે મારા ખિસ્સામાં કાંકરા ભર્યા?'
'ગાળ ન દઈશ. મેં કાંકરા ભર્યા છે. બોલ, શું કહેવું છે?' એક મારકણા છોકરાએ આગળ આવી કહ્યું.
'હું મારા માણસ પાસે તને માર મરાવીશ.' રૂપમોહને કહ્યું.
'પણ તેમાં તેં શું કર્યું? યાદ રાખજે, જો માણસને કંઈ કહ્યું છે તો તને અધમૂઓ કરી નાખીશ.'
'હું આજે જ તને માર ખવરાવીશ.' એટલું રૂપમોહને કહેતાં બરોબર પેલા મારકણા વિદ્યાર્થીએ રૂપમોહનને બોચીથી પકડી ધક્કો મારી જમીન ઉપર નાખ્યો, અને તેને મારવા લાગ્યો. રૂપમોહન મારો મિત્ર હતો એટલે હું વચ્ચે પડ્યો. એટલામાં સહેજ દૂર ગયેલો રૂપમોહનનો નોકર બૂમાબૂમ સાંભળી આવી લાગ્યો અને તેણે રૂપમોહનને મારનારને મારવાનું શરૂ કર્યું. રૂપમોહન અને તેને મારનાર બન્નેએ રડવા માંડ્યું. મેં સહુને છોડાવવા પ્રયત્ન કર્યો અને સહુ કોઈએ અરસપરસ દુશ્મનાવટ વધારી છુટા પડ્યા. ઈશ્વરની કૃપા છે કે બાળપણના ઝઘડા અને મારામારીઓ, બાળકોમાં કાયમી વેરઝેર ઉપજાવતાં નથી. અઠવાડિયામાં અમે પાછા ભેગા થઈ ગયા, જો કે રૂપમોહનને મારનાર વિદ્યાર્થીની ખબર લેવાની તેનાં માબાપોએ ધમકી આપી અને રૂપમોહનને આ મારામારીમાંથી કાંઈ વધારે હાનિ ન થાય એ માટે વૈદ્યો અને ડૉકટરોની એક પરિષદ બોલાવી.
આમ ચાલતું અમારું બાળપણ આગળ વધી કિશોરાવસ્થા પામ્યું અને અમે માધ્યમિક શિક્ષણને છેડે આવી પહોંચ્યા. ત્યાં સુધીમાં રૂપમોહનનું રૂપ ઘણું ઘટી ગયું; પરંતુ એનું વૈદ્યકીય જ્ઞાન ઘણું વધી ગયું. એટલું જ નહિ પણ તેના અભ્યાસની અતિશયતાનો ખ્યાલ કરી ડૉકટરોએ તેને ચશ્માં પહેરવાની પણ સલાહ આપી દીધી, જે સલાહ માન્ય કરી તેણે ચશ્માં પહેરવા પણ માંડ્યા. માધ્યમિક શિક્ષણમાં ગૂંથાયલા વિદ્યાર્થીઓ ભાગ્યે જ ચશ્માં પહેરે છે. થોડા દિવસ રૂપમોહનને ચશ્માં ગમ્યાં, બધા કરતાં જુદા પડવાનું અભિમાન પણ તેનામાં ઊપજ્યું; પરંતુ વિદ્યાર્થીઓ કોઈનું પણ અભિમાન ભાગ્યે જ સાચવે છે. રૂપમોહનના સુંદર નામને બગાડી વિદ્યાર્થીઓએ તેને 'ચશ્મેધબ’ને નામે ઓળખવા માંડ્યો. અને નવું નામ પડે એટલે સહુ કોઈને કારણ વગર પણ એ નામ ઉચ્ચારવાનું મન થઈ જાય ! ઓળખીતા, વગર-ઓળખીતા સહુ કોઈ તે ચાલ્યા જતો હોય ત્યાં 'ચશ્મેધબ' એવી બૂમ પાડી ઊઠતા. એ નામ અંતે ખીજની કક્ષાએ આવી પહોંચ્યું. કોઈ પણ માનવીને ઘેલો બનાવવો હોય તો તેની ખીજ પાડી દેવી. ડાહ્યામાં ડાહ્યો માણસ પણ એ ખીજનો બોલ સાંભળીને ઘેલામાં ઘેલા માનવી જેવું વર્તન કરવા માંડશે !
વિદ્યાર્થીઓએ રૂપમોહનને બરુના અને કાગળનાં ચશ્માં બનાવીને ભેટ આપવા માંડ્યાં. માનવી ગુસ્સે થાય છે ત્યારે તે પોતાના બળનો વિચાર કર્યા વગર જ આવેશને કાબૂ સોંપી દે છે. રૂપમોહન આમ તો જોરદાર હતો જ નહિ. સમુદ્રની અને સરોવરની કંઈક માછલીઓનાં તેલ તે ડૉકટરની સલાહ અનુસાર પી ગયો હતો, અનેક ઈંડાનું સત્યાનાશ તેણે કાઢી નાખ્યું હતું તથા કોઈ દવા વેચનારની વિશાળ દુકાન થાય એટલી દવાઓની શીશીઓ તેણે ખાલી કરી હતી છતાં તેના દેહમાં કાંઈ જોર આવ્યું હોય એમ મને લાગ્યું નહિ. જોર વગરનાં માણસોને પણ ખીજ અસહ્ય થઈ પડે છે અને પૂરતી શક્તિ હોય કે ન હોય તો પણ અશક્તિમાનનો ક્રોધ તેમના દેહને મરણિયો પણ બનાવી શકે છે. રૂપમોહન હવે બહુ ગુસ્સે થતો. રડવાની પરિસ્થિતિ હવે પોસાય એમ ન હતી. રુદન ઘણા ક્લેશને ધોઈ નાખે છે; પરંતુ માધ્યમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ રુદનથી છેટા જતા જાય છે. રૂપમોહન નાનપણની માફક હવે રડી શકતો નહિ; પરંતુ હવે વારંવાર મારામારી થતી અને તેમાં તેને વાગતું પણ ખરું. એના દેહને ઘા પડતા એના કરતાં એના મનને જબરા ઘા પડ્યા હતા. એક દિવસ મેં તેને કહ્યું :
‘રૂપ ! તારે આ છોકરાઓ સામે થવું હોય તો ચાલ આપણે અખાડામાં જઈએ.'
છોકરાઓ સામે થવા માટે રૂપમોહનને જે સૂચના થાય તે સૂચના પ્રમાણે વર્તવાની તેની તૈયારી હતી. એકબે દિવસ તે મારી સાથે અખાડામાં પણ આવ્યો; પરંતુ એ બે દિવસની કસરતમાં તેનું શરીર એટલું દુખવા લાગ્યું કે તેના માતાપિતાએ તે હકીક્ત જાણી. આવી હલકી ગુંડાઓને શોભે એવી પ્રવૃત્તિઓમાં તેના જેવા પૈસાદાર છોકરાથી ન પડાય એમ તેમણે સૂચવ્યું, અને વળી પાછી વૈદ્ય ડૉકટરની પરિષદ ભરી તેને કસરતમાંથી પાછો વાળી લીધો.વૈદ્યોએ કહ્યું :
'કસરત કરવી ઠીક છે, પણ હજી જરા અમારી દવા ખાય અને શરીર કસરત સહન કરે તેવું થાય પછી ભાઈને કસરત કરાવો !'
અને ડૉક્ટરોએ એવો અભિપ્રાય આપ્યો :
'કૉડલીવર ઓઈલ એટલે-Bottled Sunshine–શીશીમાં ભરેલો સૂર્યપ્રકાશ. ભાઈને એ પાઓ અને અમારા દવાખાનામાં એક માસ સુધી ભાઈને રાતાંભૂરાં કિરણોનું સ્નાન કરાવો. પછી જુઓ એમનું શરીર.'
વૈદ્યની કે ડૉક્ટરની દવા લેતાં બરાબર એક કે બે દિવસ રૂપમોહનને સારું લાગતું પણ ત્યાર પછી તો એ ભગવાન એના એ ! દવા ચાલુ રહેતી અને તેનું શરીર બગડ્યા કરતું.
મૅટ્રિક ભણી રહીને અમે છૂટા પડ્યા. છૂટા પડ્યા પછી પત્રવ્યવહાર પણ ઘસાતો ચાલ્યો. મારાથી તો શરીરની કાળજી રૂ૫મોહનની ઢબે રાખી શકાય એમ હતું જ નહિ. શરીરને સ્વસ્થ રાખી ભણવું એ જ મારે માટે દુનિયામાં એક માર્ગ હતો; જ્યારે રૂ૫મોહનને તો ભણ્યા વગર ચાલે એમ હતું, કારણકે તેનું ગુજરાન ભણતર ઉપર આધાર રાખતું ન હતું. થોડા વખતમાં અમે સાંભળ્યું પણ ખરું કે ડોકટરો અને વૈદ્યની સલાહ અનુસાર રૂપમોહને અભ્યાસ છોડી દીધો હતો. જ્યાં જ્યાં સગવડ મળતી ત્યાં ત્યાં હું ભણી લેતો; એટલે મારે ઘણી ઘણી કૉલેજો બદલવી પડી. કૉલેજની બહાર નીકળતા પહેલાં તો રૂપમોહનનો એક આગ્રહભરેલો પત્ર આવ્યો કે મારે તેના લગ્નમાં હાજર થઈ જવું ! પરંતુ લગ્નને દિવસે જ મારે પરદેશ ભણવા જવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. અને જોકે મારા જીવનમાં રૂપમોહનના લગ્નનું મહત્ત્વ તો હતું જ; પરંતુ તે મારા ભણતર કરતાં વધારે ન હોવાથી મેં તેની ક્ષમા માગી, તેને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પરણનાર યુગલની છબી મંગાવવા માટે આગ્રહ લખી હું મારે કામે લાગ્યો અને પરદેશ ગયો.
પરદેશથી પણ હું તેને કાગળો લખતો અને તેના પત્રો કદીક કદીક મારા પર આવતા, મને આશા હતી કે રૂપમોહનનું લગ્ન રૂપમોહનના દેહને અને મનને વધારે સ્વસ્થતા આપશે; પરંતુ એના પત્રો જોતાં મને લાગ્યું નહિ કે તેનો દેહ અને તેનું મન સ્વસ્થતાને માર્ગે જતાં હોય. તેના કાગળમાં આનંદની તો લકીર હતી જ નહિ ઊલટું લગ્નજીવનની ગંભીરતા તથા તેની જવાબદારીઓ વિશેનાં તેનાં રોદણાં આવતાં હતાં. અને પરદેશમાં પુરુષો કઈ દવાઓ ખાઈને લગ્ન માટેની લાયકાત મેળવે છે અને એ લાયકાત સાચવી રાખે છે તે વિષેની પૂછપરછ તેના પત્રોનો મોટો ભાગ રોકતી હતી.
હું ઠીક ઠીક ભણ્યો –પરદેશમાં પણ; અને મને ઉત્તર હિંદના એક અજાણ્યા સ્થળે સારી નોકરી પણ મળી. હું દેશ પાછો આવ્યો અને મેં ધાર્યું હતું કે રૂપમેહન બંદરે ઊતરતી વખતે મને જરૂર મળશે; પણ ઊતરતાં બરોબર રૂપમોહનને બદલે રૂપમોહનનો તાર મળ્યો, જેમાં તેણે મને શુભેચ્છા પાઠવી હતી અને શરીરની અસ્વસ્થતાને અંગે રૂબરૂ ન આવી શકવાની દિલગીરી પ્રદર્શિત કરી હતી, મારે તો સીધા જ નોકરી પર ચાલ્યા જવાનું હતું, એટલે મારાથી પણ તેને મળાયું નહિ; પરંતુ મારો જીવ તેનામાં જ રહ્યા કરતો હતો. મૈત્રીના પાયામાં નિઃસ્વાર્થ લાગણી રહેલી છે.
નોકરીમાં એકબે વર્ષ વીતી ગયાં એટલે મને હકની રજા મળવાનું શરૂ થયું. જેવી પહેલી રજા મને મળી તેવો જ મારા બાળપણના ગામે આવી રૂપમોહનને મળ્યો. એને મળતાં બરોબર હું ચમકી ગયો, રૂપમોહન માનવી ન હતો, એ માત્ર મડું હતો ! હું એને મળવા ગયા ત્યારે તે એના મકાનના એક સુંદર ખંડમાં બારીબારણું બંધ કરી, ગરમ કપડાં પહેરી ઉપરથી માથે અને કાને ગરમ શાલ ઓઢી એક કોચ ઉપર બેઠો હતો. એની પાસે વીસેક દવાની શીશીઓ પડી હતી, થોડાં પડીકાં ગોઠવીને મૂક્યાં હતાં અને દવાની જાહેરાતનાં ફરફરિયાં તથા દેશપરદેશનાં વૈદ્યકીય સામયિકો પડેલાં મેં જોયાં. મને જોઈ તે ઊભો થવા ગયો પણ તેના પગ અમળાઈ પડ્યા. તે કોચ ઉપર બેસી ગયો અને તેના દેહમાં જીવતી દેખાતી તેની આંખમાંથી પાણી વરસી રહ્યું, જે તેણે ચશ્માં કાઢી થરથરતા હાથે લૂછવા માંડ્યું, જરા વાર રહી મેં તેને કહ્યું :
'રૂપ ! આ શરીર તેં કરી નાખ્યું ?'
'બધાંની સાથે તું પણ મારો હવે વાંક કાઢ !'
'બધાં કોણ?' મેં પૂછ્યું.
'મારાં માતાપિતા હવે નથી; અને પરણ્યો છું એ તો તને ખબર હશે. બધાં કોણ તે સમજી લે. દુનિયામાં મારું કોઈ નથી.' રૂપમોહને કહ્યું.
એટલામાં જ રૂપમોહનની પત્ની ચારુલતા ત્યાં આવી પહોંચી. એનું મુખ સ્મિતભર્યું હતું, જોકે સ્મિત ઊડી ગયેલું હતું, પરંતુ ઊડી ગયેલા સ્મિતવાળું મુખ સુંદર તો જરૂર હતું. રૂપમોહને મને તેની અને તેની પત્નીની છબી મોકલી હતી; પરંતુ છબીઓ માટે ભાગે જૂઠી હોય છે. ચારુલતા છબીમાં હતી તેના કરતાં વધારે સુંદર લાગી; પરંતુ તેનું સૌદર્ય ફટકી જતું દેખાયું. રૂપમોહન કરતાં મને ચારુલતા વધારે દયાપાત્ર લાગી,
'ચારુબહેન ! હું જ મારું ઓળખાણ કરાવું, આપણે પહેલી જ વાર મળીએ છીએ. હું રૂપમોહનનો બહુ જૂનો મિત્ર. રૂબરૂમાં તમને બંનેને અભિનંદન આપું છું.'
'આભાર !' એટલો એક જ શબ્દ બોલી ચારુલતા સહજ હસી પતિની પાસે ઊભી રહી.
'ચારુ ! મારા એકના એક મિત્રને ચા પાવાની ઈચ્છા હોય તો હું વાંધો નહિ લઉં.' રૂપમોહને વાણીમાં કરડાકી લાવી કહ્યું. એવી વાણીનું કાંઈ કારણ પણ ન હતું.
'મેં સ્ટવ ઉપર ચા મૂકી જ દીધી છે.'
'જોયું ? મારી પત્ની એટલે સંપૂર્ણતાનો નમૂનો. એને કાંઈ કહી શકાય જ નહિ. મારી સુચના થતાં પહેલાં એણે એ સૂચન અમલમાં મૂકી દીધેલું જ હોય !' રૂપમોહન બોલ્યો અને તેણે સહજ ઉધરસ ખાધી. ચારુલતાના મુખ ઉપર પતિના અન્યાયી શબ્દોનો પડઘો પડ્યા વિના રહ્યો નહિ, જોકે તે એક અક્ષર પણ બોલી નહિ અને માત્ર ગંભીર મુખ કરી ત્યાંથી ચાલી ગઈ. સૂચન થતાં પહેલાં અમલમાં મૂકનાર પત્ની કોઈ પણ પતિને આશીર્વાદરૂપ લાગવી જોઈએ. રોગથી વિકૃત બનેલા મારા મિત્રના માનસને એવી પત્ની પણ ફાવતી ન લાગી !
'જોયાં અમારાં પત્નીને ? મારું શરીર આવું છે છતાં એને ચિંતા હોય એમ લાગતું નથી !' રૂપમોહને કહ્યું.
'શા ઉપરથી તું એવું કહે છે?' મેં પૂછ્યું.
'એનું શરીર જરા યે ઘટ્યું લાગતું નથી.' રૂપમોહન બોલ્યો. એ માંદા માણસનું મન પણ માંદુ થઈ ગયું હતું અને પોતાની પત્નીની તંદુરસ્તી પણ એ ખમી શકતો ન હતો. માંદગી માનવીને અતિ સ્વાર્થી બનાવી દે છે.
'માંદો તું રહે, અને શરીર તારી પત્નીએ ઘટાડવું, એમ? ઈશ્વરનો આભાર માન કે તારી માંદગી સાચવવા તેણે તને એક તંદુરસ્ત પત્ની આપી છે.' મેં કહ્યું. અને એટલામાં ચારુલતા ચા અને કાંઈ ખાવાનું લઈ આવ્યાં. પતિની આગળ પણ તેમણે ચા અને કાંઈ ખાવાનું મૂકી દીધું. રૂપમોહને મુખ ઉપર કદરૂપાશ લાવી કહ્યું :
'તું જાણે છે કે મને ચાની ડોક્ટરોએ ના પાડી છે અને આ ખોરાક મને ભારે પડી જાય એ મારે તને કેટલી વાર કહેવું ?'
'આ ચા નથી; અને ખાવાનું પણ ડૉક્ટરના કહ્યા પ્રમાણેનું જ છે; મારા મનમાં કે આપના મિત્રની જોડે...'
'મેં શું કહ્યું હતું તને ? મારી પત્ની એટલે કદી પણ ભૂલ ન કરે એવું પ્રાણી.' એટલું બોલી રૂપમોહન હસ્યો. તેના હાસ્યમાં તેની પત્ની પ્રત્યેની ચીઢ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ચારુલતાની આંખમાં આંસુ ચમક્યાં અને તે ઢાંકવા તે અંદર ચાલી ગઈ. માંદગી માનવીને અતિ સ્વાર્થી તો બનાવે છે, સાથે સાથે તે માનવીને અદેખો અને ખારીલો પણ બનાવે છે. બંનેની જિંદગી ધૂળમાં મળી જતી હતી તે મેં જોઈ અને મેં રૂપમોહનને કહ્યું :
'રૂપ ! હું તને અહીંથી ઉઠાવી જવા આવ્યો છું.'
‘હું ઈચ્છું છું કે કોઈ મને આ સ્થળથી છોડાવે – જોકે મારાથી તો ડગલું પણ મુસાફરી થઈ શકે એમ નથી. અને પાછાં અમારાં પત્નીની તારે રજા લેવી પડશે.' રૂપમોહને કહ્યું.
'એ બધું મારા ઉપર છોડી દે.' મેં કહ્યું. અને મેં બેત્રણ દિવસ રહી ચારુલતાને સમજાવી રૂપમોહનને મારી સાથે લેવાનું નક્કી કર્યું. દરમિયાન મેં આ દર્દી પતિની કેટકેટલી હકીકત સાંભળી. પત્નીને એ ચોવીસે કલાક ત્રાસ આપ્યા કરતો હતો; પત્નીની અદેખાઈ કર્યા કરતો હતો અને પોતે વધારે ભણી શક્યો નહિ માટે ચારુલતાને પોતે ન ભણવા દીધી એમ મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને એ સ્વાર્થી માંદા મિત્ર ઉપર ક્રોધ ચઢ્યો, અને ચારુલતાની મને દયા આવી. હું જોઈ શક્યો કે ચારુલતા પણ પતિ સાથે માંદગીના મુખમાં પ્રત્યેક ક્ષણે ધસતી જાય છે. માત્ર એ પોતાની માંદગીનો દેખાવ ઢાંકી રાખતી હતી.
રૂપમોહનને મેં સાથે લીધો. ચારુલતાની જરા પણ ઈચ્છા ન હતી કે તેને એકલી છોડવામાં આવે, પરંતુ મને લાગ્યું કે સતી સીતા અને પતિ રામચંદ્રને પણ ચોવીસે કલાક સાથે રાખવાં એ બન્ને માટે જોખમભરેલું છે. પતિને સતત માંદો જોનાર પત્ની અગર પત્નીને સતત માંદો જોનાર પતિને એકબીજાથી છોડાવવા એમાં જ બન્નેની સલામતી રહેલી છે. ચારુલતાને રડતી મૂકી મેં રૂપમોહનને મારી સાથે લીધો. ડૉક્ટરોને મેં ખાનગી રીતે પૂછ્યું હતું. તેમણે તો મને ચોખ્ખું કહી દીધું કે હવે રૂપમોહન માટે દુનિયામાં કોઈ દવા નથી અને કોઈ ડૉક્ટર પણ નથી. 'પણ પરગામ લઈ જવામાં કંઈ જોખમ ખરું ?' મેં ડૉકટરને પૂછ્યું હતું.
'અરે, ના રે ! જેટલું જોખમ અહીં તેટલું જ જોખમ મુસાફરીમાં. ખખડતાં હાડકાં જરાક વધારે ખખડશે એટલું જ.' ડૉક્ટરે કહ્યું. સતત કકળાટ કરતા સનાતન દર્દીઓ પ્રત્યે ડૉક્ટર વૈદ્યો પણ સહાનુભૂતિ રાખી શકતા નથી એ દર્દીઓ સમજે તો વધારે સારું.
પરંતુ વ્યસનીની માફક દર્દીઓને દવા અને ડૉક્ટરનું વ્યસન જ પડી જાય છે.
મેં રૂપમોહનને સાથે લીધો.એક ડૉકટરને શોભે એટલી દવાની પેટીઓ તેણે સાથે રાખી હતી. પહેરવાનું, ઓઢવાનું, પાણી પીવાનું વગેરે સાધનો તો સાથમાં હોય; પરંતુ જંતુઓ મારવા માટેનાં પણ સાધનો તેણે સાથે રાખી લીધાં ! અને તે કદાચ બેભાન થઈ જાય તો મારે ક્યા કયા ઇલાજો લેવા તેનું પણ જ્ઞાન મને આપવામાં આવ્યું; એટલું જ નહિ, પરંતુ માથામાં સણકો આવે તો મારે શું કરવું, આંખ ફરકે તો મારે એને કઈ દવા સૂંઘાડવી, પગે ઝંઝણી ચઢે તે માટે કયો મલમ ચોપડવો અને ઊંઘમાં જ કોઈ દર્દ થઈ આવે તો તેનાં ચિહ્નો જોઈ મારે કયું ઇન્જેક્શન આપવું એ બધી વિગતવાર માહિતી એક ચોક્કસ અભ્યાસ તરીકે મેં સમજી લીધી. કારણ એકાદ વખત તેની અતિ ચોકસાઈને સહજ હસવામાં તેનો મારી સાથે આવવાનો આ કાર્યક્રમ બંધ રહે એવો ભય ઉત્પન થયો હતો. તેણે તેના એક અનુભવી નોકરને સાથે લેવાની ઈચ્છા દર્શાવી, જેની મેં સંમતિ આપી. સનાતન દર્દીઓને પત્ની, પુત્ર અને પુત્રી કરતાં નોકરો અને વૈદ્ય-ડૉક્ટરો વધારે ઉપયોગી લાગે છે.
ગાડીમાં બેઠા પછી રૂપમોહન મારા કબજામાં આવ્યો હતો. મેં તેની સાથેના વર્તનનું આખું વલણ ફેરવી નાખ્યું. પાપા કલાકે તેની દવા લેવાની ટેવને મેં જરા યે ગણકારી નહિ. દવા આપવામાં મેં વાર લગાડવા માંડી અને પા કલાકને બદલે દવા આપવામાં કલાક થઈ જાય તો પણ મેં તેની દરકાર રાખી નહિ. મારી બેકાળજીથી કંટાળેલો રૂપમોહન પ્રથમ તો મને ધમકાવી શક્યો નહિ કે મારી સામે છણકો કરી શક્યો નહિ. મારી બેદરકારી પ્રત્યે લાચારી બતાવી તે સૂઈ જતો અને મને લાગ્યું કે તે નિદ્રાવશ પણ થતો. છત્રીશ કલાકની અમારી મુસાફરી હતી. ભર દિવસે તે બે કલાક નિરાંતે ઊંઘ્યો અને તે જાગ્યો ત્યારે તે કોઈ પણ ફરિયાદ કરે તે પહેલાં મેં તેને કહ્યું :
'રૂપ ! તું બહુ સારું ઊંઘ્યો.'
'કોણે કહ્યું ?' રૂપમોહને જવાબ આપ્યો. સનાતન દર્દીઓને કોઈ સારું ચિહ્ન દેખાયું એમ કહેનાર માનવી જરાય ગમતો નથી. દયાના એ ભિખારીઓ સતત દયા માગવામાં જ મોજ માણે છે.
'હું કહું છું. બે કલાકથી છો તું હાલ્યોચાલ્યો પણ નથી.'
'બે કલાક ? મારી દવાનું શું થયું ત્યારે ?'
'અરે તારી દવાને નાખ જહન્નમમાં. દવા પાછળ આ ઘેલછા શી? તને બે કલાક સારી ઊંઘ આવી એ કહે ને !' મેં તેને કહ્યું,
રૂપમોહન મારી તરફ જોઈ રહ્યો. રૂપમોહનની માંદગીની અને તેની દવાની અવગણના કરનાર હું કોણ આ દુનિયામાં પાક્યો, એવો આશ્ચર્ય ભાસ તેના મુખ ઉપર છવાઈ રહ્યો. પછી તેણે કહ્યું :
'પણ હવે આ કલાકની દવા તો આપ !'
'પાછલી રહી ગયેલી દવા ભેગી કરીને આપું ? કે આ ટંકની એકલી જ ?' મેં પૂછ્યું.
'શું તું યે અભણ જેવું બોલે છે! દવાઓ તો બધા ટંકની ભેગી થતી હશે ? એ તો જે તે વખતે અપાય.' રૂપમોહને કહ્યું અને મેં તેણે બતાવ્યા પ્રમાણે દવા, પ્યાલો અને પાણી તેની પાસે મૂકી દીધાં. તેણે મને પ્યાલો સાફ કરવાનું કહ્યું. મેં પ્યાલાને કૂક મારી સાફ કર્યો એટલે રૂપમોહન ચીસ પાડી બોલી ઊઠ્યો:
'અરર ! તું આ શું કરે છે? '
'કેમ? પ્યાલો સાફ કરું છું.' મેં કહ્યું.
'એમ નહિ. ચોખ્ખા રૂમાલ કે કકડાથી પ્યાલો સાફ થાય. આ તો તારા મુખના જંતુઓ પ્યાલામાં આવે.' રૂપમોહને કહ્યું.
'અરે ચાલ, જંતુવાળા ! મારી ફૂંકથી તો ભલભલા જંતુઓ ઊડી જાય છે. અરે આ ગાડીનો વેગ એટલો છે કે ડબ્બામાં જંતુઓ રહે જ નહિ. તારી બારી ખોલી નાખુ?'
'ના, ના, ભાઈ ! બારી ખોલીશ તો મને ન્યૂમોનિયા થઈ જશે.' – કહી તે કટાણુ મુખ કરી દવા પી ગયો. મેં તેને વાતોએ વળગાડ્યો. થોડી ચોપડીઓ વાંચવા આપી. ચિત્રવાળાં માસિકોનો ઢગલો તેની પાસે કર્યો અને પછી હું સુઈ ગયો. હું જાગતો હતો છતાં સૂવાના ઢોંગમાં ખાસ્સા ત્રણ કલાક મેં કાઢી નાખ્યા. એટલે વળી પાછી પા પા કલાકે રૂપમોહનને લેવાની દવા રહી ગઈ. નોકર બીજા ડબામાં બેઠો હતો. તેને રૂપમોહન પાસે આવવાની મેં સખ્ત મનાઈ કરી હતી. એટલે નોકર ઉપર, પોતાને એકલો છોડનાર પત્ની ઉપર અને મારા જેવા બેદરકાર મિત્ર ઉપર શાપ વર્ષાવતો રૂપમોહન ન છૂટકે ચિત્રો અને ચોપડીઓમાં ચિત્ત પરોવવા લાગ્યો.
હું જાગ્યો ત્યારે તેણે મને કહ્યું :
'તુ આમ મને દવા વગરનો રાખીશ તો હું તો મરી જઈશ.'
'તો ય શું? જીવન કરતાં મૃત્યુ વધારે ચોક્કસ છે. અને આપણે એવાં ક્યાં મોટાં માણસો છીએ કે આપણા મૃત્યુથી કોઈને પણ ખોટ પડે?' મેં કહ્યું. અને રૂપમોહને વિચિત્ર ઢબે મારી સામે જોયું. મારો અણગમો તેને આવવા લાગ્યો. હતો એમ હુ સ્પષ્ટ જોઈ શક્યો. ગાડીમાંથી ઊતરતી વખતે એ અણગમો સ્પષ્ટ થયો અને તેણે મને કહ્યું :
'ભાઈ ! મને તો વળતી ગાડીએ પાછો ઘેર રવાના કરી દે. મારાથી અહીં નહિ રહેવાય.'
'અરે, તું જો તો ખરો ! મેં પણ લીધું છે કે તને સાજો કરવો.' મેં કહ્યું.
'પરંતુ તારી આવી બેદરકારીમાં તો હું મરી જઈશ કે ગાંડો બની જઈશ.'
'ગાંડો તો તું બની જ ગયો છે એટલે મારે તને બાંધીને ન રાખવો પડે એટલું તું જોજે. અને તારા કે મારા મૃત્યુની તો મને કિંમત જ નથી. જો રૂપ ! દવાનો કોઠાર બનીને જીવવા કરતાં મરવું શું ખોટું ?' મેં કહ્યું અને તેને સાથે લીધો. હું જોઈ શક્યો કે રૂપમોહન ભયભીત થયો અને કંપી ઊઠ્યો. ઘેર જઈ મેં તેને બહુ સુખસગવડમાં રાખ્યો અને તેની ખૂબ કાળજી લીધી; પરંતુ બીજી સવારે તેના દેખતાં જ મેં તેની દવાની બધી શીશીઓ ફોડી નાખી, મકાનના કંપાઉન્ડમાં તેને સહજ ફેરવ્યો, તેનાં નિરર્થક ગરમ કપડાં મેં નોકરને આપી દીધાં, અને તેની ખાવાપીવાની ચાપલૂસીમાં જરા ય સાથ આપ્યો નહિ. એની એક પણ ફરિયાદ ન સાંભળવી એવો મેં નિશ્ચય કર્યો અને રૂપમોહનની ધમકી કે વિનંતિ, પ્રત્યે મેં તલપૂર પણ ધ્યાન આપ્યું નહિ. ડૉકટર કે વૈદ્યનો તેને સંસર્ગ પણ થવા દીધો નહિ, જોકે થોડા દિવસ સુધી તો તેણે કલાકે કલાકે ડૉકટર-વૈદ્યની માગણી કરવા માંડી. જરૂર પડ્યે મેં તેને ધમકાવી નાખવા માંડ્યો અને હું જોઈ શક્યો કે એક અઠવાડિયામાં જ તેના ખોરાકમાં, તેની આકૃતિમાં અને તેના સ્વભાવમાં ફેર પડવા માંડ્યો હતો. તેને પોતાને પણ એમ લાગ્યું કે દવા વગર મરવાને બદલે તે જીવી શકે છે. કેટલીક સારવારો તેણે પોતાને હાથે કરી લેવા માંડી, અને બે માસમાં તો તેણે મારી સાથે ત્રણ માઈલની ચાલ ચાલવાની પણ શરૂઆત કરી દીધી હતી.
ત્રીજે માસે મેં ચારુલતાને તાર કરી બોલાવ્યાં. રૂપમોહને પોતે ચારુલતાને સ્ટેશને તેડવા જવા મન કર્યું, પરંતુ મેં ક્યારનું ય તેને કહી દીધું હતું કે તે ચારુલતા જેવી પત્નીને જોવા લાયક પતિ હજી બની શક્યો નથી.
સાંજને વખતે ચારુલતાને લઈને સ્ટેશનેથી હું મારે ઘેર આવ્યો ત્યારે કંપાઉન્ડમાં રૂપમોહન તેના નોકરની સાથે બેડમિન્ટન રમતો હતો. તેને જોઈને ચારુલતાની આંખમાંથી આશ્ચર્ય ઢળી પડ્યું. ઊતરતાં બરોબર રૂપમોહન ચારુલતાની સામે ધસી આવ્યો, અને તેની આંખમાં પણ પ્રેમ ઝળકી રહ્યો. આશ્ચર્ય ઓછું થતાં ચારુલતાની આંખમાંથી આંસુ આવી ખરવા લાગ્યાં. મેં કહ્યું :
'ચારુલતા ! નાનપણમાં માબાપે અને મોટપણમાં તમે આ રુપમોહનને બગાડી મૂક્યો. રૂપમોહન ! ફાટેલી આંખે પત્ની તરફ જુઓ છો એના કરતાં તમે જ પાણી પાયેલા છોડમાંથી એક ગુલાબ લાવી પત્નીને ભેટ તો આપો !'
રૂ૫મોહન વગર દવાએ અને વગર સારવારે બળવાન અને રૂપાળો બની ગયો. પતિ-પત્ની બંનેને બીજા બે માસ મેં મારે ત્યાં રાખ્યાં અને પછી બન્નેને વિદાય કરતી વખતે કહ્યું :
'રૂપમોહનને એક પણ દવા જો તમે આપી છે તો હું તમને છૂટાછેડા લેવાની ફરજ પડીશ !'
એકાદ વર્ષ વીત્યા પછી બન્નેએ સાથે પડાવેલી છબી રૂપમોહને મારી તરફ મોકલી ત્યારે મારે તેના જવાબમાં લખવું પડ્યું :
'ભાઈ રૂપમોહન !
'છબી તારી જ છે એમ હું માની લઉં છું, જો કે છબી જોતાં મને એમ માનવાનું મન થાય છે કે ચારુલતાએ તને – જૂના રૂપમોહનને – સનાતન દર્દીને છૂટાછેડા આપી કોઈ સારા દેખાવડા નવયુવાન સાથે લગ્ન કર્યું છે !'