દીવડી/સુવર્ણાક્ષર

વિકિસ્રોતમાંથી
← અણધાર્યો હરીફ દીવડી
સુવર્ણાક્ષર
રમણલાલ દેસાઈ
૧૯૫૪
સનાતન દર્દી →






સુવર્ણાક્ષર


અત્યંત ધનિક પિતા હોય, તેમણે રહેવા માટે જુદાં જુદાં શહેરમાં આલેશાન મકાન બંધાવ્યાં હોય, સંતાનો માટે દેશ-પરદેશ જવાની સારા પ્રમાણમાં સગવડ રાખી હોય અને અમલદારો અને નેતાઓ તથા શ્રેષ્ઠ સ્થાને બિરાજી ચૂકેલા કલાકારોની વર્તમાન યુગમાં મળતી સોંઘી મૈત્રીની કુટુંબને સગવડ આપી હોય, એવા પિતાના પુત્ર બનવું એ મહાભાગ્યની નિશાની છે. વર્તમાન યુગ આવા ભાગ્યશાળી પિતાપુત્રો ઠીક ઠીક પ્રમાણમાં ઉત્પન્ન કરે છે.

ચંદ્રકાન્ત એવા એક પિતાનો પુત્ર હતો. સગવડનો લાભ લઈ ચંદ્રકાન્ત સારું ભણ્યો, દેશ-પરદેશ જઈ આવ્યો, શોખીન બન્યો, સાથે સાથે સંસ્કારી પણ બન્યો અને એના જ સરખી ધનિક અને સંસ્કારીકન્યા સાથે એ પરણ્યો. એ કન્યાનું નામ હતું ચંદ્રિકા. ચંદ્રકાન્ત અને ચંદ્રિકા વચ્ચે ખૂબ સ્નેહ હતો અને તેમના સંસ્કાર તેમના પ્રેમ ઉપર સુંદર ઓપ ચઢાવતા હતા. ઘણાને સગવડ હોય છે છતાં ઓપ ચઢતો નથી. આ ધનિક યુગલને ઓપ ચઢી ચૂક્યો હતો. ધનિક પિતાએ ગોઠવેલા પાટા ઉપર ધન આવ્યા કરતું હતું અને સંસ્કાર પ્રત્યે તેમની અભિમુખતા ખૂબ વધતી જતી હતી. તરીપાર ન ઊતરેલા લેખકો, ચિત્રો ખપાવવાની હાયવરાળમાં વાસ્તવવાદી બની ગયેલા ચિત્રકારો, જૂનાં સુવર્ણાક્ષરી લિપિવાળાં ચિત્રો અને ચિત્રોવાળા ગ્રંથસંગ્રહોના વ્યાપારીઓ અને પ્રાચીન સિક્કાઓના વેચાણમાંથી મહેલાતો ઊભી કરવાની આશા રાખતા સંશોધકો ચંદ્રકાન્તની આસપાસ વીંટળાયેલા રહેતા; એટલે ધનિકોમાં,નેતાઓમાં, અમલદારોમાં અને સંસારવમળમાં ડૂબકાં ખાવા છતાં પોતાનું અહં જરા ય ઓછું ન થવા દેતા કવિઓ, લેખકો અને કલાકારોનો ચંદ્રકાન્ત ખૂબ માનીતો થઈ પડ્યો હતો. કંપનીના ડાયરેક્ટર તરીકે કંપનીની સભામાં જેમ તેને પ્રમુખસ્થાન મળતું તેમ સાહિત્યમિલનમાં, સંગીત પરિષદમાં કે નૃત્યનાટકના જલસામાં પણ તેનું પ્રમુખપણું વારંવાર વર્તમાનપત્રમાં નોંધાતું. ચંદ્રકાન્તની પાત્રતા જોતાં એમાં કાંઈ ખોટું પણ ન હતું.

નામ સહુને ગમે છે. નામાંકિતપણું એ પરમ સજ્જનોને માટે પણ લાલસાનો વિષય હોય છે. ચંદ્રકાંતને અનેક આમંત્રણો આવતાં તેને તેનો કંટાળો પણ તેને આવતો. છતાં તેના સંસ્કાર અને સજ્જનતા ઘણાંખરાં આમંત્રણોના સ્વીકાર તરફ જ તેને દોરી જતાં. એ પ્રમુખ હોય એટલે એનાં તો વખાણ થાય જ. એ સહુને મદદરૂપ થઈ પડતો હતો એટલે સમાજમાં તેનાં વખાણ થાય એ સ્વાભાવિક હતું. બુદ્ધિમાનો અને કલાકારોને જવલ્લે મળતાં વખાણ ચંદ્રકાંતને ઘણાં મળતાં, કારણ તેનું પુસ્તકાલય સમૃદ્ધ હતું. તેનો સંગ્રહાલય અદ્દભુત વસ્તુઓથી ભરેલો હતો અને અભ્યાસીઓ તથા લેખકો માટે તેના ઘરના દરવાજા ખુલ્લા હતા. વર્તમાન ભોજની તેને ઉપમા મળે અને વીસમી સદીના વિક્રમનું પદ તેને મળે એ તેને પોતાને ન ગમે એ સમજી શકાય એમ હતું; છતાં ચારે પાસ સુવાસ ફેલાવી રહેલા એ ધનિક, સંસ્કારી, રસિક અને યુવાન સજ્જન માટે ભોજ-વિક્રમનાં બિરુદ વપરાય એમાં આશ્ચર્ય તો નથી જ. પોતે જાતે પુરુષશ્રેષ્ઠ છે એમ તો માનવાને કે મનાવવાને તે તૈયાર ન હતો; છતાં તેનું સ્થાન વર્તમાન સમાજમાં ગણનાપાત્ર તો છે જ એવો ખ્યાલ તેને ન આવે તો તેને માણસ નહિ પણ દેવ કહેવો જોઈએ. દેવને પણ પોતાના દેવત્વનું અભિમાન નથી હોતું એમ ન કહેવાય.

કલાકારો અને સાહિત્યકારોના એક સમારંભમાં ચદ્રકાન્તને એક સુંદર માનપત્ર મળ્યું. માનપત્રો અનેક આકાર ધારણ કરે છે. છબીના ચોકઠાથી માંડી કોઈ પણ રચના માનપત્રને અનુકૂળ થઈ પડે છે. અને ચંદ્રકાન્તને મળેલા માનપત્રે તો એક સુવર્ણ કુતુબમિનારનું એક નાનકડું સ્વરૂપ ધારણ કર્યું. વિક્રમ અને ભોજની તથા અકબર અને હરૂન-અલ-રશીદની તેને ઉપમાઓ મળી; ઉપરાંત નવા યુગને અનુકૂળ થઈ પડે એવી પણ એક સુંદર ઉપમા તેને મળી. અને એ ઉપમાને એ સુવર્ણમિનારા ઉપર સુવર્ણાક્ષરે કોતરવામાં પણ આવી.

'ગાંધીચીંધ્યા માર્ગનો એક સાચો મુસાફર; જે ધનનો માલિક નહિ, પરંતુ ધનનો સાચો વાલી બની મહાત્માના આત્માને સંતોષ આપી રહ્યો છે.

આવા સુવર્ણાક્ષરે કોતરાયેલા સુવર્ણશબ્દોથી ભરેલા માનપત્રે તેના હૃદય પર ભારે અસર કરી. ચંદ્રકાન્તને જે નિષ્ઠા હતી તે તેના પ્રશંસકો સમજી શક્યા એટલે તેને સંતોષ જરૂર મળ્યો ખરો. બહુ જ વિવેકપુર:સર તેણે માનપત્રનો જવાબ આપ્યો. અને પોતાને માટે વપરાયેલાં વિશેષણ તેમ જ પ્રશંસાવચનોને પોતે લાયક નથી એમ તેણે માનપત્રનો જવાબ આપતાં કહ્યું. હારતોરા અને માનપત્ર લઈ તે ઘેર આવ્યો. ઘેર યોજેલી મિજબાનીમાં કાયદેસર વીસ અંગત મિત્રોને તેણે જમાડ્યા – બાકી રહેલાઓ માટે બીજા દિવસોમાં ચોવીસ ચોવીસની સંખ્યામાં જમાડવાની યોજના પણ ઘડાઈ ચૂકી હતી – અને મધ્ય રાત્રિએ બધા વેરાઈ ગયા ત્યારે તે અગાશીમાં બેસી પોતાની પત્ની સાથે સુંદર કારીગરીવાળા કુતુબમિનારની પ્રતિકૃતિ સરખા માનપત્રને આદરપૂર્વક જોવા પણ લાગ્યો. ચંદ્ર આકાશમાં ખીલ્યો હતો. જાણે ચંદ્રકાન્તના યશનો સુવર્ણકળશ આકાશે ચઢ્યો હોય ! માનપત્રને વારંવાર જોઈ વખાણી ચંદ્રકાન્તે પત્ની તરફ જોયું. તેની પત્ની પણ સુવર્ણની બનેલી લાગી. ચંદ્રિકા રૂપાળી હતી અને તેનો રંગ પણ કંચન જેવો જ અત્યારે દેખાતો હતો. પત્નીને ચંદ્રકાન્તે કહ્યું :

'ચંદ્રિકા ! કવિઓની દ્રષ્ટિ બહુ સાચી હોય છે, નહિ ? '

'શા ઉપરથી કહે છે? તને માનપાત્ર આપ્યું તેથી?'

'ના. માનપત્રમાં તેઓ એક વાત ભૂલી ગયા છે તે ઉપરથી કહું છું.'

'એવું શું ભૂલી ગયા છે? તારી જોડે માનપત્રમાં મારાં પણ વખાણ થઈ ચૂક્યાં છે. અને તને તો નહિ પણ મને માનપત્રમાં સુંદર પણ કહી છે.'

'સુંદર શબ્દ તારા સૌંદર્યને પૂરતું વ્યક્ત કરતો નથી.'

'એટલે?'

'કવિઓ ભૂલી ગયા લાગે છે કે તારો દેહ કાંચનવર્ણો છે. કાંચનવર્ણો દેહ એ કવિઓનો પ્રિય વિષય છે. એ તારે અંગે કેમ ભૂલ્યા એનો હું વિચાર કરું છું.'

સંસ્કારી પતિ પોતાની પત્નીને અનેક રીતે રીઝવી શકે છે. અને તેમાં ય ગુણવર્ણન કરતાં રૂપવર્ણન વધારે અસરકારક નીવડે છે એમ ડાહ્યા પ્રેમીઓ જરૂર જોઈ શક્યા હશે. ચંદ્ર અત્યારે કાંચનનો ગોળો લાગતો હતો. ચંદ્રમાંથી ઝરતી ચાંદની વિશ્વમાં સુવર્ણ રંગ ઢોળતી હતી, અને સર્વ વસ્તુઓને સોને રસતી હતી. સોનાનો કુતુબમિનાર માનપત્રરૂપે પાસે જ પડ્યો હતો. અને પત્નીની કાયા પણ આ પાર્શ્વભૂમિમાં ન હોય તો યે સુવર્ણરંગી લાગે જ. જ્યારે ચંદ્રિકાની કાયા તો ખરેખર આ પાર્શ્વભૂમિ ન હોત તો પણ કાંચનવર્ણી હતી એટલે સુખ, સંતોષ અને સંસ્કારની ત્રિવેણીએ ચંદ્રકાન્ત પાસે પત્નીના દેહસૌંદર્યનો સ્વાભાવિક ઉલ્લેખ કરાવ્યો. પતિને ખાતરી હતી કે પત્ની આ વખાણનો જવાબ પોતાને ગાલે ટપલી મારીને અગર હતી તેના કરતાં વધુ નજીક આવીને આપશે.

પણ કોણ જાણે કેમ પત્નીએ આ વખાણનો કશો જવાબ પણ આપ્યો નહિ. તે હસી પણ નહિ અને હાલી પણ નહિ. એકાંતની આવી સગવડમાં પત્ની વાતચીત આગળ ન વધારે તો જરૂરૂ નવાઈ ગણાય. ચંદ્રકાન્તે પૂછ્યું :

'સરખામણી ઓછી પડી શું?'

'ઓછી તો કોણ જાણે ! પણ એ મને બહુ ગમી નહિ.'ચંદ્રિકાએ કહ્યું.

'એમ કેમ ?'

‘તારા કવિઓ કાંચનવર્ણી કાયાને વખાણ તરીકે ભાગ્યે જ લેખે છે. દેહની નશ્વરતા અંગે દેહના કાંચનવર્ણને કવિઓ આગળ કરે છે, નહિ કે તારી માફક વખાણને ખાતર. મને કવિઓએ કહેલી નશ્વરતા યાદ આવી.' ચંદ્રિકાએ કહ્યું.

'ચાલ, આ સુવર્ણમય અગાસીને છોડી ભૂરી રોશનીવાળા આપણા ખંડમાં ચાલ્યાં જઈએ એટલે તારો રંગ તને ગમ્યો નહિ તે બદલાઈ જશે.'

'તું ચાલતો થા. માનપત્રને ઠેકાણે મૂકી દે. પછી હું આવું.'

ચંદ્રિકાએ કહ્યું અને તે બેસી રહી.

ચંદ્રકાન્ત ઊભો થઈ અગાશીમાંથી ઘરમાં ગયો. ધનિકોનાં ઘર એટલે મહેલ, કિંમતી ચીજો, નમૂનાની વસ્તુઓ, અપ્રાપ્ય અવશેષો વગેરેને મૂકવા માટે ધનિકાને ઘેર જુદા ખંડ હોય છે. માનપત્ર મેળવી આવેલા ચંદ્રકાન્તને પત્નીનું વલણ બહુ ગમ્યું નહિ. શુભ દિવસે આવા દેહની નશ્વરતા સંબંધી અપશુકનિયાળ વિચાર તેને કેમ આવ્યા છે તેને સમજાયું નહિ. સૌંદર્ય વિષાદ ઉપન્ન કરે ત્યારે વિશ્વના પાયા હાલી ગયા હોવા જોઈએ. ખંડમાં પ્રકાશ પાડી તેણે ખંડ ઉઘાડ્યો અને પોતાના હાથમાં લીધેલા માનપત્રના મિનારને ફરીથી ધારીને જોયો. સુવર્ણ અક્ષરો ઝાંખા કેમ પડ્યા? સુવર્ણથી લખેલો અક્ષર કેટલીક વાર ઊકલતો કેમ નહિ હોય ? ખંડમાં આછું હાસ્ય સંભળાયું. કોઈ સંતાઈ રહે એવો સંભવ તેને દેખાયો નહિ છતાં હાસ્ય તો બરાબર સંભળાયું જ. તેણે ધારીને જોયું તો સિક્કોઓના કબાટ પાસે એક વ્યક્તિ ઊભેલી દેખાઈ. ભય વગરનો ચમકાટ ચંદ્રકાન્તે અનુભવ્યો અને તેનાથી પુછાઈ જવાયું :

'તમે કોણ છો ?'

'હું એક સુવર્ણ પુરુષ છું.' સામે ઊભેલા માણસે જવાબ આપ્યો.

'સુવર્ણ પુરુષ? તમે માનવી નથી ?’ ચન્દ્રકાન્તે પૂછ્યું.

'માનવી હતો; પણ સુવર્ણ પુરુષ થયા પછી હું માનવી મટી ગયો છું.'

'તે તમે અહીં શું કરો છો ? તમારી અહીં શી જરૂર ?'

'હું અહીં તો કાંઈ કરતો નથી, માત્ર તપાસ કરું છું કે માનવી તરીકે હું કોણ હોઈશ...અને મારી જરૂર તો તમને લાગી છે. તમે મને આ કબાટમાં પૂર્યો છે.' ગંભીરતાપૂર્વક તે માણસે જવાબ આપ્યો.

'શી ઘેલી વાત કરો છો ? મને તમારી જરૂર ? હું તમને ઓળખતો નથી. અને તમે છુટા છો છતાં તમે કહો છો કે અમે તમને કબાટમાં પૂર્યા છે ! પોલીસને બોલાવું?'

'તેની હરકત નથી. હું પાછો મારા સિકકામાં ભરાઈ બેસી જઈશ.'

'સિક્કામાં ? કયા સિક્કામાં ? શી રીતે ભરાઈને બેસશો ?'

'આજ સવારે તમે એક સોનાનો સિક્કો પ્રાચીન કાળનો ખરીદ્યો છે, નહિ ? '

'હા. બહુ જૂના, કોઈને ન જડેલા એવા એક રાજવીનો એ સિક્કો હતો. એટલે તે સારી કિંમત આપી મેં ખરીદ્યો છે.' ચંદ્રકાન્તે કહ્યું.

'એ જ સિક્કા ઉપર કોતરાયેલો રાજા તે હું. સુવર્ણના સિકકામાં મેં મારી છબી ઉપસાવી, સુવર્ણાક્ષરે તેમાં મારું નામ લખ્યું અને સુવર્ણાક્ષરે મારા રાજ્યની સાલ પણ તેમાં ચોકસાઈથી ઉતરાવી. છતાં મને કોઈ હજી ઓળખાતું નથી, ઈતિહાસમાં મારું નામ પણ નથી અને સાલ સંવત તો એટલાં બદલાઈ ગયાં છે કે હું પોતે ક્યારે થઈ ગયો તેનું ભાન હું જ ભૂલી ગયો છું. એ ભાન પાછું મેળવવા હું જરાક સિક્કામાંથી બહાર નીકળી આવ્યો અને તમારા વિશાળ ઓરડામાં સહજ ટહેલું છું. મારો સુવર્ણસિક્કો મારું કેદખાનું બની ગયો છે, મારા સુવર્ણાક્ષર મારી બેડી બની ગયાં છે અને મારો સુવર્ણસંવત ધુમ્મસ બની ગયો છે. આમ તો દટાઈને ભુલાઈ જાત; પરંતુ પાછો તમે મને ખરીદી મને ઢંઢોળ્યો...' કહી પેલા માણસે પોતાની આંખો ચોળવા માંડી. પોતાના કપાળ ઉપર જાણે કંઈ યાદ કરતો હોય તેમ આંગળીઓ ફેરવવા માંડી અને પોતાનાં લમણાં ઉપર આંગળીઓ વડે સહજ ટકોરા મારી કાંઈક યાદ કરતો હોય એમ દેખાવ કરવા લાગ્યો.

ચંદ્રકાન્તને કુતૂહલ પણ ઉત્પન્ન થયું અને રમૂજ પણ ઉત્પન્ન થઈ. તેણે પૂછ્યું :

'કાંઈ સમજાય છે તમે કોણ છો તે ?'

'હું વિક્રમ છું, કે વિક્રમાંક દેવ છું એ વિષે મને પોતાને જ શંકા છે અને તમારા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચતાં તો હવે મારી શંકા એમ વધી પડી છે કે હું વિક્રમ તે માળવાનો કે મગધનો ચંદ્રગુપ્ત ? હજારો વર્ષે જાગનારને તમે નવા માણસો આવી ગૂંચવણમાં નાખી દો છો ! અને મારી ગૂંચવણ ઉકેલનાર મારો વૈતાળ ક્યાંક સંતાઈ ગયો લાગે છે. બૂમ પાડ્યે આવતો નથી...તમે પણ કાંઈ સોનાનું રમકડું લઈ આવ્યા લાગો છો.'

'હા જી, એમાં પણ મારું નામ અને સાલ, સંવત તેમ જ મારી ઓળખાણ સુવર્ણાક્ષરે કોતરવામાં આવ્યાં છે.' ચંદ્રકાન્તે કહ્યું.

'મૂકી દો, મૂકી દો ! અરે ! એને ફેંકી દો ! સુવર્ણાક્ષરો તો જોતજોતામાં તેજાબને આશ્રયે ગળાઈ જશે અને તમારાં નામ, ગુણગાન અને તવારીખો ભુલાઈ, ભૂંસાઈ એક ગઠ્ઠો બની જશે. એના કરતાં કાળી શાહીથી તમારું નામ લખો.' અજાણ્યા પુરુષે ધીમેથી પરંતુ મંત્રોચ્ચારની ગંભીરતાપૂર્વક કહ્યું.

ચંદ્રકાન્તને એકાએક ચક્કર આવ્યાં. ભૂતની દુનિયામાં તે એકાએક પ્રવેશ્યો હોય તેમ એને લાગ્યું. ક્ષણભર તેને વહેમ પણ આવ્યો કે સામે ઊભેલ માનવી કદાચ ચોર પણ હોય, પરંતુ ચોરમાં આવી બધી વિદ્વતા હોય ખરી? તેના મનને એ પ્રશ્ન કરે છે એટલામાં તેના હાલતા શરીરને સામે ઊભેલા પુરુષે પકડી લીધું, અને તેને સ્વસ્થતાપૂર્વક લઈ જઈ પાસેના એક કોચમાં સુવાડ્યો. ચંદ્રકાન્તને એમ લાગ્યું કે તેના મુખ પર કોઈ અજબ મીઠાશ ફરી વળી છે. તેણે કહ્યું:

'હું તો..ધનનો માલિક... નથી...વાલી છું.'

બેભાન થતાં થતાં તેણે હસતા મુખના ઉદ્દગાર પણ સાંભળ્યા:

'હું પણ મારા રાજયનો અને મારી પ્રજાનો વાલી હતો. છતાં આજ હું એ નથી, એ પ્રજા યે નથી અને બન્ને સાચવી રાખતો મારો સિક્કો આજ ચલણમાં પણ નથી. મહેલમાં વસી વાલી ન થવાય; વાલી બનનારે ઝૂંપડીમાં રહેવું જોઈએ. એમ બનશે ત્યારે સાચા સુવર્ણાક્ષરે નામ લખાશે.'

જુદી સૃષ્ટિ-અજાણી સૃષ્ટિમાંથી જાણે આ ઉદ્ગારો આવતા હોય એમ ચંદ્રાકાંતને લાગ્યું. અને આ વિચિત્ર સ્વપ્ન જોતો જોતો એ ત્યાં જ નિંદ્રાધીન થઈ ગયો. સવારમાં એ જાગ્યો ત્યારે પોતાના નિત્ય સૂવાના પલંગમાં તે સૂતો હતો, અને ચંદ્રિકા તથા ચંદ્રકાંતનાં માતાપિતા તેની કાંઈ સારવાર કરતાં હતાં. એકાએક ચંદ્રકાંતને વિશિષ્ટ વસ્તુઓ મૂકવાનો પોતાનો ખંડ યાદ આવ્યો, જેમાં સુર્વણ સિક્કામાંથી ઊપસી આવેલા પ્રાચીન કાળના અણઓળખાયેલા એક રાજાએ તેની સામે આવી તેને એક કોચ ઉપર સુવાડી દઈ સુવર્ણાક્ષરનો બોધ કર્યો હતો.

એ શું હતું? સ્વપ્ન હતું ? ખરેખર બનેલો પ્રસંગ હતો? વસ્તુસંગ્રહાલયમાંથી તે પોતાની પથારીમાં કેવી રીતે આવી શક્યો ? તેણે પોતાની આ મૂંઝવણ સહુને કહી સંભળાવી, અને માતાપિતા તથા ચંદ્રિકાના કથન પ્રમાણે તેણે સત્ય સમજી લીધું કે તે પાછલી રાત સુધી પોતાના શયનખંડમાં આવ્યો નહિ એટલે ચંદ્રિકાએ તેની શોધ કરી અને બેભાન અવસ્થામાં કોચ ઉપર સૂતેલો સંગ્રહાલયમાંથી તે મળી આવ્યો. ચંદ્રિકાએ માતાપિતાને ખબર આપી; પછી તેને શયનખંડમાં લાવવામાં આવ્યો અને નિષ્ણાત ડૉકટરોને બોલાવી તેની સારવાર પણ કરવામાં આવી. તેને કોઈએ ઘેનભરેલી વસ્તુ સુંઘાડી બેભાન બનાવી દીધો હતો એટલી હકીક્ત સ્પષ્ટ થઈ.

ચંદ્રકાંતે એકાએક બેઠા થઈ તપાસ કરાવી તો પેલો સુવર્ણ સિકકો તેમ જ તેનું સુવર્ણ માનપત્ર ગુમ થયેલાં દેખાયાં અને કોચના તકિયા નીચેથી એક ચિઠ્ઠી પણ મળી, જેમાં નીચે પ્રમાણે લખ્યું હતું :

'વર્તમાન યુગના ભોજ, વિક્રમ અગર ધનના વાલી ચંદ્રકાંત !

'સુવર્ણસિક્કો મેં જ તમને વેચેલો. એના પૂરતા પૈસા – એટલે કે મારે જોઈતા હતા એટલા પૈસા – મને મળ્યા નહિ. એ સિક્કો ખોટો હતો પણ આપને આજ મળેલું માનપત્ર સાચા સુવર્ણનું હતું અને મારે એટલા સુર્વણની જરૂર હતી. એથી ખોટો સિક્કો હું લઈ ગયો છું. અને તમે ભોજ, વિક્રમ તથા ધનના વાલી તરીકે પંકાયેલા હોવાથી તમને ઓછામાં ઓછું કષ્ટ પડે એ ઢબે કે હું તમારું માનપત્ર પણ લઈ ગયો છું, જેમાંથી હું ક્ષયરોગથી પીડાતી, મારી પત્નીને ડોકટરની સલાહ પ્રમાણે દવા, હવા અને સેવા આપી જીવતી રાખવા પ્રયત્ન કરવાનો છું. એ યોજના આપને ન ફાવે તો આપ વર્તમાનપત્રમાં તેવી જાહેરાત પ્રગટ કરશો. હું જરૂર એ બન્ને વસ્તુઓ આપને પાછી આપી જઈશ. કોઈ પણ રીતે આપના સુવર્ણાક્ષર હું ભૂંસવા માગતો નથી.'

શહેરનાં ત્રણચાર વર્તમાનપત્રોમાં બીજે દિવસે ચંદ્રકાન્તની સહી નીચે જાહેરાત આવી કે તેને ત્યાંથી ગુમ થયેલું માનપત્ર તેને પાછું જોઈએ છે.

ત્રીજે દિવસે તેના પ્રશંસકોએ ગુમ થયેલા માનપત્ર વિષે ઊંડી અને વિસ્તૃત પૂછપરછ કરી. આખા શહેરમાં એ ચકચારનો વિષય બની ગયો હતો. ચંદ્રકાન્તને પૂછતાં તેણે જવાબ આપ્યો :

'માનપત્ર મને પાછું મળ્યું.'

'ક્યાં છે?' તેના અંગત મિત્રે પૂછ્યું.

'તેની લગડી બનાવી સુવર્ણાક્ષર ભૂંસી નાખ્યા.' ચંદ્રકાન્તે જવાબ આપ્યો.

'એ સુવર્ણલગડી ક્યાં છે?'

‘એટલી મિલકત પૂરતો હું સાચો ધનનો વાલી બન્યો.'

'પછી ચોરને પકડ્યો નહિ?'

'ના, એ ચોર ન હતો. એને એની ખરી જરૂરિયાત હતી. તે જોતાં હું ધનપતિ વધારે મોટો ચોર મને લાગ્યો.' ચંદ્રકાન્તે કહ્યું.

અને તેની પત્ની ચંદ્રિકાને તેની બેનપણીએ સુવર્ણાક્ષરે લખાવેલા માનપત્ર વિષે પૂછતાં ચંદ્રિકાએ તો કહ્યું :

'સુવર્ણ અને સુવર્ણાક્ષર બન્ને અપશુકનિયાળ. સોના ઉપર તો કળજુગ વસે. મારે તે ન જોઈએ. એ ગુમાવી હું મારા પતિને પાછા મેળવી શકી; નહિ તો સુવર્ણાક્ષરોમાં એ ગુમ થઈ ગયા હોત.'