દ્વિરેફની વાતો/જમનાનું પૂર

વિકિસ્રોતમાંથી
← એક પ્રશ્ન દ્વિરેફની વાતો
જમનાનું પૂર
રામનારાયણ પાઠક
સાચી વારતા →




જમનાનું પૂર

સાંજે, ગાંડા વેગથી વહેતા જમનાના પૂર સામું જોઇ, અને પછી હાથમાં ઝાલેલા દીવાવાળા પડિયા સામે જોઈ, તે મનમાં બોલીઃ “ આજે ઘણા દિવસનો મનોરથ પૂરો થયો.” થોડી વારે કાંઠા ઉપર દોરડું બાંધી પડેલા મછવા તરફ્ જોઈ તેણે કહ્યું: “ માછીડા, હોડી પૂરના મધ્યમાં લઈ જા”

એક જુવાન માછી બોલ્યો: “ આજે હોડી ન ચાલે. આવું પૂર મેં જિંદગીભર કદી જોયું નથી."

એક આધેડ વયનો માછી બોલ્યો: “પચીસ વરસ ઉપર આવું પૂર આવ્યું હતું અને અમે ના પાડી છતાં એક મછવો ગયો હતો તે પણે જઇને ઊંધો વળી ગયો. ” તેણે આંગળી ચીંધી તે જગા બતાવી.

કોઈ માછીના મોં પર હા ન જોઈ તે ટોળામાંથી ઝપાટાબંધ અદૃશ્ય થઈ ગઈ.

સાંજે હંમેશની જેમ જમનાની આરતી થવા લાગી. અનેક સ્ત્રીઓ નાના પડિયામાં દીવા કરી ઘાટ ઉપરથી પાણીમાં પડિયા તરતા મૂકતી હતી. કોઈ પવનથી, કોઈ પાણીના વેગથી, કોઇ માછલાંની ઝાપટથી ધકેલાઈ અનેક પડિયા જમનાના પ્રવાહ ઉપર જઈ તરતા હતા. કોઇ તણાતા, કોઈ સ્થિર, કોઈ ડગતા, કોઈ નાના, કોઇ મોટા, ક્યાંક ભેગા, ક્યાંક છુટાછવાયા અનેક દીપોથી ધેલી કાલિન્દી આજે મેધકલુષિત સ્વર્ગગંગાને જાણે હસતી હતી.

ત્યાં પણે દૂર એ મોટો દીવો પ્રવાહ મધ્યે થઈ શેનો ઓલાચો ? પાછો બીજો એવો જ દીવો થઇ ઓલવાયો !

એ જગાએ જમનાનો ઘાટ કાચરની પેઠે અંદર પેસી ઠેઠ જમનાના મુખ્ય પ્રવાહ સુધી પહેોંચેલો હતો. અને ત્યાં તે બેઠી બેઠી પ્રવાહ મધ્યે પોતાના દીવા તરતા મૂકવાનો પ્રયત્ન કરતી હતી. તેના બે પ્રયત્ન નિષ્ફળ ગયા. તેણે ત્રીજો આદર્યો. એક લાંબી પાતળી લાકડીને છેડે તેણે દોરી લટકાવી ત્યાં સળગતો દીવો બાંધ્યો ને લાકડી ઠેઠ પ્રવાહ ઉપર લઈ જઈ દીવો પાણીમાં તરતો મૂક્યો અને પ્રવાહમાં તણાતા દીવા ઉપર જરા લાકડી નમાવી. તેનો દોતો એ દીવે જ બાળી લાકડી ઉપાડી લીધી. આ વખતે દીવો! બરાબર છૂટો થઈ પ્રવાહ મધ્યે પડી વેગભર ચાલવા માંડ્યો.

તે સમયે આરતી થતી હતી, કાલિન્દીના ધમધમતા પૂર ઉપર તરવરતા દીવા મેધલી રાતમાં આગિયા જેવા દેખાતા હતા. સાત વાટવાળી આરતી ઉતારાતી હતી તે જાણે ફેણે ફેણે મણિવાળો કાલીય નાગ આ સુંદર દૃશ્યને જોઈ ડોલતો હોય તેમ લાગતું હતું. સર્વ સ્ત્રીઓ આ અદ્ભુત દૃશ્યની સુંદરતા, ભવ્યતા અને ભક્તિમાં લીન થઇ આત્મભાન ભૂલી સ્તબ્ધ ઊભી હતી. પણ તેના વિચાર જુદા જ હતા. ઘણા દિવસનો મનસૂબો આજે પાર પડેલો જોવા તે તલપાપડ થઇ રહી હતી. “ મારો દીવા સૌથી જુદો છે, સૌથી મોટો છે, સૌથી વધારે વખત ચાલશે, આટલા પ્રવાહની મધ્યમાં મારો દીવો દૂરમાં દૂર જશે અને કેટલેય સુધી દૂર દૂરનાં ગામો એને જોઈ વિસ્મય પામી કહેશેઃ ‘ અહા ! આનો દીવો કેવો છે! '"

આરતી પાસે બધા દીવા કોણ કોના છે ક્યાં છે એની તથા વિના એક બીજાને શેાભાવતા જુદા જુદા વેગે જતા હતા ત્યારે તેનો દીવો એકલો રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવો તણાયે જતો હતો. સર્વ સ્ત્રીઓ દીવાની મમતા મૂકી આખા દૃશ્યના સૌંદર્યમાં લીન થતી હતી ત્યારે તે એક ખૂણે, પોતાના દીવાની પેઠે એકલી ઊભી ઊભી માત્ર પોતાનો જ દીવો જોતી હતી.

દીવો દૂર ગયો. દૂર જતો જોવા માટે તે ખૂણા ઉપરના મંદિર ઉપર ચઢી. તેથી પણ દૂર ગયો અને તે મંદિરના ધુમ્મટ ઉપર ચઢી. તેથી પણ દૂર ગયો અને તે મંદિરના શિખર ઉપર ચઢી. “ દીવો ક્યાં ગયો ? જે દીવાને જોઇ દૂરનાં ગામો વિસ્મય પામવાનાં છે તે મારા દીવો ક્યાં ગયો ?" દીવો જરા નદીના વાંકમાં વળ્યો તે જોવા તે જરા એક તરફ વાંકી વળી. તેનો પગ લપસ્યો અને જે કાલિન્દીએ કૃષ્ણને જવ! માર્ગ આપ્યો હતો તેણે, પોતામાં તરતા કાચબા અને માછલી જેટલી, પોતા પર તરતા નાના મોટા દીવા જેટલી, અરે, તેણે મૂકેલા પેલા દૂર જતા દીવા જેટલી પણ દરકાર કર્યા વિના તેને પોતામાં ગૂમ કરી દીધી, અને કોઇએ જાણ્યું પણ નહિ. તેનો દીવો કેટલે ગયો તેની કશી ખબર કોઈને પડી નહિ. તે દીવો માત્ર તે એકલી જોતી હતી.

આજે કાલિન્દીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે, આજે કાલિન્દીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાંય ખેતરોને ફળદ્રૂપ કર્યાં છે, આજે કાલિન્દીએ કેટલાય દીવાઓ વક્ષસ્થલ ઉપર ધારણ કર્યાં છે—કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે, પણ “ મારેા દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે" એટલે મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદ્ભાવ કાલિન્દીએ તેના તરફ બતાવ્યો નહિ !

જગતનાં પૂરનો હેતુ શું હશે ?