પત્રલાલસા/મજૂરી

વિકિસ્રોતમાંથી
← નઠારો વિચાર પત્રલાલસા
મજૂરી
રમણલાલ દેસાઈ
૧૯૩૧
સમુદ્રસ્નાન →




૨૭
મજૂરી

બ્રહ્મબ્રહ્માંડ આ તો ગ્રહ તાતનું છે,
આધાર સહુને સહુનો રહ્યો જ્યાં.
કલાપી

કુસુમ તથા મદનલાલ બંને સનાતનની રાહ જોતાં દીવાનખાનામાં આમતેમ ફરવા લાગ્યાં. કુસુમને વહાલ કરવાની, તેની સાથે વાતો કરવાની મદનલાલને અત્યારે સારી ફુરસદ મળી. પણ તેથી કુસુમનું મન માન્યું નહિ. સામાન્ય રીતે બને છે તેમ એ બંને પતિપત્ની એકબીજાથી દૂર વહ્યે જતાં હતાં. કુસુમ એવા પ્રકારની પત્ની હતી કે જે ચોવીસે કલાક પતિને કબજામાં રાખવા ઇચ્છતી હતી, મદનલાલને પત્ની એ નવાઈની ચીજ નહોતી. વળી અનેક અનુભવોમાંથી પસાર થયેલા પતિને અનેક કામ હોવાથી પત્નીની આજુબાજુએ ભમ્યા કરવાની અનુકૂળતા તેમ જ ઈચ્છા પણ નહોતી. મદનલાલની વાતો કુસુમને અત્યારે ગમી નહિ. તેમની ગમ્મતમાં કુસુમને વિચિત્રતા લાગી. સનાતનની અને મદનલાલની સરખામણીમાં ઊતરી પડેલી કુસુમ મદનલાલની સર્વથા ખામીઓ જ જોયા કરતી.

મોટર પાછી આવી; સનાતન નીચે ઊતર્યો ને બંગલામાં આવ્યો.

સનાતનને જોતાં કુસુમના હૃદયમાં અકથ્ય ભાવો તરી આવ્યા. સનાતને બંને પતિપત્નીને નમસ્કાર કર્યા.

'આવો માસ્તર ! બેસો.' શેઠે મોટાઈભર્યો વિવેક દર્શાવ્યો. કુસુમને માસ્તર શબ્દ પસંદ પડ્યો નહિ. પરંતુ એણે માસ્તર અને શેઠ એ બે શબ્દો વચ્ચે સરખામણી કરી તેમાં એને શેઠ કહેવાવા કરતાં માસ્તર કહેવરાવવું વધારે સારું લાગ્યું.

સનાતને ખુરશી લીધી.

'હું તમારા કામથી ઘણો ખુશી થયો છું.' શેઠ બોલ્યા.

'મારું કામ કેવું છે એ તો કુસુમબહેન જાણે. આપ સહુને ગમે એટલે બસ.' સનાતને જવાબ આપ્યો.

'ઉપરાંત મારી મિલમાં હડતાલ પડતી પણ તમે આજ બંધ રખાવી એ તમારી લાયકાત કહેવાય.’ શેઠ બોલ્યા.

'ના જી. એમાં કાંઈ નહિ. આપની મિલના કેટલાક કારીગરો મારી નજીક રહે છે. તેમના એક આગેવાન સાથે મારે વાતચીત થઈ અને તેમની માગણી વાસ્તવિક લાગી; મેં તેને જણાવ્યું કે હું કુસુમબહેન સાથે અગર આપની સાથે એ વિષે વાતચીત કરીશ ત્યાં સુધી તેમણે હડતાલમાં સામેલ ન થવું. આગેવાને એ વાત કબૂલ રાખી.'

'બહુ જ સારું કર્યું. એક દિવસ અમને કેટલો નફો આપે છે તેની લોકોને ક્યાં ખબર છે ? વળી અમારે ત્યાં આજે હડતાળ નથી એ ખબર પડતાં અમારી આબરૂ કેટલી વધી જશે !' શેઠ ખુશ થતા બોલ્યા.

‘પરંતુ મજૂરોની માગણી શી છે તે તો પૂછો ? નહિ તો આજને બદલે કાલ હડતાળ પડશે.' કુસુમે કહ્યું.

'ખરું છે. એ માટે તો મેં માસ્તરને બોલાવ્યા. બોલો માસ્તર ! તમારે મજૂરો તરફથી શું કહેવાનું છે ?' મદનલાલે પૂછ્યું.

'એમણે મને કાંઈ પણ કહ્યું નથી. આપની સાથે વાતચીત કરી આપ છેવટનો લાભ શો આપશો તે પૂછવાનું માત્ર કહ્યું છે.' સનાતને જણાવ્યું.

'જુઓ, એ લોકો તો તદ્દન ફાટી ગયા છે. પૈસો અમારો અને લાભ મજૂરોને જોઈએ ? તે પણ એક વખત નહિ; એમની મરજી થાય એટલે પાછો વધારો ઊભો !' મદનલાલે પોતાની મુશ્કેલી જણાવી.

‘આપનો પૈસો ખરો, પણ એ લોકોની મજૂરી વગર આપ એ પૈસાને શું કરો ? જેટલી જરૂર પૈસાની એટલી જ જરૂર મજૂરીની.’ સનાતને શાંતિથી કહ્યું.

'અરે, મજૂરો તો બીજા મળશે. અને જુઓ ને, પંદર દિવસ મજૂરો ભૂખે મરશે એટલે એમની મેળે ઠેકાણે આવશે. પૈસા વગર ક્યાં કોઈને છૂટકો છે ?' શેઠે પૈસાનું મહત્ત્વ બતાવ્યું.

‘એક ટૂંકી વાત હું આપ સાહેબને સમજાવું. પૈસાદારની શક્તિ કેટલી? પગારદારને ભૂખે મારવાની; ખરું ?' સનાતને મૂડીવાદનું મુખ્ય બળ સમજાવ્યું.

'બરાબર.'

'હવે એ જ પ્રમાણે મજૂરો-પગારદારોની કેટલી શક્તિ તે આપણે સમજી લઈએ.' 'શું શું કરશે, કહો જોઈએ?'

'મજૂરો ભૂખે મરે તો તોફાન અને લૂંટફાટ કરે એ વાત બાજુએ મૂકીએ, પંદર દિવસ સતત ભૂખે મરે તો તમારે તાબે થાય એ વાત કબૂલ કરીએ. પણ ધારો કે તેમને એક માસ, છ માસ કે બાર માસ સુધી ઘેર બેઠા પોષણ મળે, અને આખોય મજૂરવર્ગ સંપીને મિલમાં ન આવે તો શું થાય?'

મદનલાલ ચમક્યા. બાર માસમાં તો કરોડોની ખોટ જાય. છતાં તેમણે એ અસંભવિત વાત કાપી કાઢવા પૂછ્યું :

‘પણ એમ ઘેર બેઠાં પોષણ કોણ આપે ?'

'લોકો થોડું બચાવે, થોડું કરજ મેળવે, થોડું દાન મેળવે અને બીજું બધું કામ હલકે પગારે કરે, અને એક જ નિશ્ચય પર આવે કે દુઃખ વેઠીને પણ મિલોને તોડી પાડવી, તો ? શેઠસાહેબ ! આ વાત છેક અસંભવિત. નથી.' સનાતને શ્રમજીવીઓના બળની ઝાંખી કરાવી.

'તો પછી તમે શું કરવા માગો છો ?' શેઠે પૂછ્યું.

'આપ એક નિશ્ચય ઉપર આવી જાઓ. એકલો પૈસો જ નફો આપે છે એ વાત હવે ભૂલી જવી પડશે. આપના પૈસાની સાથે મજૂરોની મજૂરી પણ નફો મેળવવામાં જરૂરની છે એ ગ્રાહ્ય કરી લો.'

'ખરું છે.' કુસુમને સનાતનના વાદમાં સત્ય લાગ્યું.

'તે તો કામના પ્રમાણમાં પગાર આપીએ જ છીએ ને ? ક્યાં મફતનું કામ કરાવીએ છીએ ?' શેઠે જવાબ આપ્યો.

'બરાબર. કામ લઈ પગાર આપ આપો છો, પરંતુ નફો તો બધો તમે જ લઈ જાઓ છો ને ?'

‘તેમાં શું ? પૈસા તો મારા ને ! વળી ખોટમાં મજૂરો ભાગ આપવાના છે ?'

'જુઓ, શેઠસાહેબ ! માત્ર પૈસા જ નફાને ખેંચી જાય એ ન્યાય કહેવાય નહિ. કામ કરવામાં જેમ પૈસાની જરૂર તેમ મજૂરીની પણ જરૂર. હડતાલ પાડીને મજૂરવર્ગ આપને એકલા પૈસાથી જ મિલ ચલાવવાની તક આપે છે. આ નહિ તો બીજા, પણ મજૂરો તો જોઈએ જ. હવે ધારો કે જગતભરના મજૂરો એક થયા, અને તમારા પૈસે વેચાતા ન લેવાયા. આ હડતાલ તેની જ શરૂઆત છે. આપ એકલા પૈસાથી કામ ચલાવી શકશો?'

'શું હું મજૂરોને નફામાં ભાગ આપું ?'

'શેઠસાહેબ ! નફામાં એનો ભાગ નથી એમ આપ કહેશો ? નફાની સાથે નુકસાનમાંયે તેમને ભાગીદર બનાવો ને ! એ ચોખ્ખો ન્યાય.' સનાતને કહ્યું.

કુસુમ બોલી :

'ખરું છે. પૈસા અને મજૂરી એ બે મળે ત્યારે કામ ચાલે. અને નફો તો એકલા પૈસાની પાછળ જાય એ કેમ બને ?'

શેઠ જરા વિચાર કરી બોલ્યા :

‘પણ બુદ્ધિ તો અમારી ને ! બુદ્ધિ ન હોય તો પૈસો અને મજૂરી બંને વ્યર્થ છે.'

સનાતને જવાબ આપ્યો :

'શેઠસાહેબ ! મને માફ કરજો. પણ સામાન્ય બુદ્ધિ જુદી અને મિલ માટે જરૂરની વિશિષ્ટ બુદ્ધિ જુદી. એ બુદ્ધિ મજૂરીની મફક આપ વેચાતી રાખો છો. આપના એજન્ટો, મેનેજરો, આડતિયા, દલાલ, ગુમાસ્તા એ બધાને આપ વેચાણ કે નફા ઉપર ભાગ આપો છો. આપે મજૂરી, પૈસો અને નિષ્ણાત બુદ્ધિ ભેગાં કરી ધંધો ચલાવ્યો એ આપની બુદ્ધિ ખરી. અને તેટલા પૂરતી આપની કિંમત ભારે ગણીએ. પરંતુ એ ત્રણ વગર ચાલે એમ નથી. તો પછી મજૂરી, પૈસો અને બુદ્ધિ એ ત્રણેને નફામાં તેમ જ ખોટમાં ભાગીદાર બનાવો.'

‘પણ એથી કાંઈ મજૂરોને લાભ ?' મદનલાલે પૂછ્યું.

'અલબત્ત ! દરેક જણ ભાડૂત મટી માલિક બનશે, અને નફાતોટામાં વધારે જીવ રાખશે. નફો આવે તો ત્રણે ભાગે વહેંચો, ખોટ આવે તો કોની ભૂલથી ખોટ આવી તેનો નિર્ણય કરો, અને તેની જવાબદારી નક્કી કરો. પૈસાની ભૂલથી ખોટ આવી હોય તો એ ખોટ પૈસાએ પૂરી પાડવી. મજૂરીએ ભૂલ કરી હોય તો મજૂરી ખોટ ભરી આપે, અને બુદ્ધિનો વાંક હોય તો બુદ્ધિએ ખોટ ખમવી : વાંક કોઈનો પણ ન હોય તો ખોટ સરખે ભાગે વહેંચવી.' સનાતને કહ્યું.

છેવટે મદનલાલના મનમાં નફો અને ખોટ વહેંચી લેવાનો સિદ્ધાન્ત કાંઈક રુચ્યો. તેમણે કહ્યું :

'તમે મારા મેનેજરને મળી બધી વિગતો નક્કી કરો. હું તેમને અહીં બોલાવું છું.' એટલામાં મિસ્ત્રી આવ્યા અને શેઠને સલામ કરી ઊભા.

'કેમ મિસ્ત્રી ! હડતાલનું કેમ છે ?' શેઠે પૂછ્યું.

'સાહેબ ! આ તો રોગચાળો ચાલ્યો છે. એક મિલે હડતાલ પાડી એટલે બીજી મિલે પાડી. શું કરીએ ? આજકાલના છોકરાઓ હાથમાં રહેતા જ નથી.' આટલાં વરસથી તમે આપણી મિલમાં કામ કરો, અને પછી આવું તોફાન ચાલવા દો એ કેવું ?'

'સાહેબ ! હવે બુઢ્ઢાઓનું કોણ સાંભળે છે ? આપણા વખત ગયા. ઠીક છે, આપને પ્રતાપે આજ સુધી આબરૂ રહી છે. આજ તો હડતાલ નહિ પડે.'

‘વારુ, તમે બેસો. મેનેજર હમણાં આવશે. તે, તમે અને આપણા માસ્તર ત્રણ મળીને કાલે શો જવાબ આપવો તેનો વિચાર કરી મને જણાવો.' કહી મદનલાલ બીજા ઓરડામાં ગયા. કુસુમે થોડી વાર બેસી મિસ્ત્રીની સાથે વાત કરતા સનાતનને સાંભળ્યો. એટલામાં મેનેજર આવ્યા, એટલે કુસુમ પણ ઓરડાની બહાર ગઈ.

ત્રણે જણે વાતચીત શરૂ કરી. મૂડીવાદનો જગતે સ્વીકાર કર્યો છે એ ખરું, તથાપિ તેમાં રહેલી ભયંકરતા પણ જગતે ઝાંખી ઝાંખી જોઈ છે. ધનને અતિ મહત્ત્વ ન આપવા ફિલસૂફો અને સંતોએ વારંવાર ચેતવણી આપી છે ધનની અતિશયતા ઉપર અંકુશ મૂકવા માટે કુટુંબ, ન્યાય, સમાજ અને રાજ્ય દ્વારા સમાજયોજકોએ કંઈ કંઈ રિવાજો અને ધારાઓ ઘડ્યા છે. ધનમાં સૌનો ભાગ છે એવી ઝાંખી ભાવનાએ દાન-સખાવતના માર્ગો રચી આપ્યા છે. ધનનો ઘમંડ ટાળવા ધન અને ધનવાનોની કડક ટીકા કરતો બુદ્ધિમાનોનો વર્ગ પણ સમાજે રચ્યો છે. છતાં ધનનો ધમંડ કમી થતો નથી. તે સંતો અને ભક્તોના બકવાદને હસી કાઢે છે; રિવાજો, ધારાઓ અને રાજ્યોને તે પોતાનાં કવચ બનાવી લે છે, બુદ્ધિમાનોને તે ખિસ્સામાં રાખે છે, અને ધનરહિતોના શ્રમ ઉપર પોતાની જાહોજલાલીના સુવર્ણશોભિત અને રત્નમંડિત મિનારાઓ ઊભા કર્યે જ જાય છે. પાશ્ચિમાત્ય યંત્રશોધને તો ધનને સર્વશક્તિમાન પ્રભુનું સ્થાન આપી દીધું, અરે એ સ્થાનને શેષની ફેણમાં જડી લીધું.

પરંતુ જરૂર પડે સ્થિરમૂર્તિ શેષનાગ પણ ફણા હલાવે છે, સ્થિરતાને પારા સરખી ચલ બનાવી દે છે, અને વજ્રથી ઘડાયલાં તખ્તો અને મિનારાઓને ક્ષણભરમાં જમીનદોસ્ત કરી દે છે. શેષ હવે સળવળ્યો છે એ તો સહુ કોઈ જોઈ શકે એમ છે. પરંતુ ધનભાર હળવો કરવાની પ્રબળ ઈચ્છા કોઈને થતી નથી. ધનની પિરામિડ અમર છે એમ માની ધનિકો તેના ઉપર માળ ચણ્યે જાય છે.

સમાજરચનામાં રસ લેતા બુદ્ધિમાનો ગૂંચવાય છે. ધનનો મહેલ તોડી નાખવો કે એ મહેલના ઓરડાઓની માલિકી વહેંચી નાખવી એ બે મહાપ્રશ્નો વચ્ચે સમાજશાસ્ત્રીઓ અથડાય છે. તેનો લાભ કચરાયેલી જનતાને મળતો નથી. લાભ એટલો જ થાય છે કે શ્રમજીવી પોતાના શ્રમનું મહત્ત્વ પોતાને સમજાવી રહ્યો છે. અને એનો આછો પરચો મૂડીવાદને બતાવી રહ્યો છે.

સનાતને યોજના ઘડી. નફાના બે ભાગ પાડ્યા. એક ભાગ મૂડીને અને એક ભાગ મજૂર સમસ્તને વહેંચવા ઠરાવ્યું. મેનેજરે જબરજસ્ત વાંધો ઉઠાવ્યો. અડધોઅડધ નફામાં મદનલાલની મોટરો, હવેલીઓ અને બાગબગીચા તો કાયમ રહેતા જ હતા; છતાં આખા નફાની માલિકીનો હક્ક મૂકવો એ વફાદાર મેનેજર, જેની દ્રષ્ટિ જાતને જ કોઈ મિલમાલિક બનાવવા તરફ વહેતી હતી, તેને જરાય ફાવ્યું નહિ.

મૂડીવાદની સામે યુદ્ધ કરવું સહેલ નથી. મૂડીવાદનાં ઘણાં સાધનો વાપર્યા સિવાય શ્રમજીવીઓથી એ યુદ્ધ થાય એમ નથી. મહામુસીબતે. ચોથા ભાગ ઉપર મજૂરીનો અસ્પષ્ટ હક્ક મહેરબાની તરીકે સ્વીકારાયો. મજૂરો માટે માંદગી સમયની સારવાર, મજૂર બાળકોનું ભણતર, અકસ્માત મુશાહીરો, નિવૃત્તિવેતન, વગેરે સ્વરૂપમાં એ ચોથા ભાગને બતાવી મજૂરોના વ્યવસ્થિત મંડળને મિલની ભાગીદારી જ -Shares- માં દાખલ થવાની કૃપા બતાવવામાં આવી.

કચરાવા ટેવાયેલા મિસ્ત્રીને તો સોનાના સૂરજ ઊગ્યા દેખાયા. સનાતને સૂચવેલો અને મેનેજરની સંમતિ પામેલો તોડ તેને ઘણો જ લાભકારક દેખાયો. જ્યાં કશું જ નહોતું ત્યાં આટલા લાભ મળે એ મજૂરોને પણ આનંદનો વિષય હતો. હક્કની વાત વીસરી જઈ મૂડીવાદની ઉદારતાનો જ બધાને વિચાર આવે એમ હતું.

'આપણે આ યોજના સહુથી પહેલી જ અમલમાં મૂકીએ. કાંઈ પણ કર્યા વગર છૂટકો છે જ નહિ. પગાર વધારવો જ પડત તેના કરતાં આ નફાનો ભાગ કરવાથી મજૂરોને સારું લાગશે, ટકીને રહેશે અને મજૂરી પણ કરશે. બીજાઓ કરતાં પહેલ કર્યાનું શેઠને માન મળશે. વળી હડતાલ પડવાથી લાગવાના ધોકાનો પણ ડર નહિ.'

શેઠે આ નવી પદ્ધતિને જરા અશ્રદ્ધાથી સંમતિ આપી, છતાં તેમને કરાર વળ્યો. માસ્તરનું માન વધી ગયું. મેનેજરે તેમ જ મિસ્ત્રીએ સનાતનનાં ખૂબ વખાણ કર્યા અને સહુ વીખરાઈ ગયા. શેઠ મેનેજરની સાથે મોટરમાં બેસી કારખાને ગયા; મિસ્ત્રી પણ શૉફર સાથે બેસી ગયા.

સનાતન જવું કે કેમ તેના વિચારમાં પડ્યો. કુસુમને શીખવીને જવું કે ફરીથી શીખવવા આવવું તેની ગૂંચવણ પડી હતી. એટલામાં જ કુસુમ હસતી તેની સામે આવી પહોંચી.