પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખિસ્કોલી તરુના મહાન વિટપે ઝૂકી રહી ત્યાં કૂદે,
ને રંગીન શુકો ઘણા મધુરવાં આકાશ ઊડી રહે!


આવી આનન્દવેળાએ બિચારું કોણ આ દુઃખી?
હશે એ પ્રેમનું માર્યું હૈયું કોઈ રહ્યું તપી!


ગંભીર નાદ કરતી સરિતા વહે છે,
સિંચી જલે પુલિન શીતલ એ કરે છે;
ત્યાં દીન સારસી ઉભી જલપૂર નેત્રે,
સૂની, અરે! શિર નમાવી રહી રડે એ!


અહોહો! પાંખ પ્રીતિની તેની તૂટી ગઈ દીસે,
આવું આ પક્ષી, તેને એ આવી પીડા ખરી! અરે!


રે રે! તેનો પ્રિયતમ તહીં પાદ પાસે પડ્યો છે,
પ્હોળી પાંખો શિથિલ બની છે મૃત્યુનો હસ્ત લાગ્યે;
પારાધીએ હૃદય પર હા! તીર માર્યો દીસે છે,
ખૂંચ્યો છે ત્યાં રુધિર વહતું બંધ હાવાં થયું છે.


જીવવું જીવ લેઈને આંહી એવી દીસે રીતિ!
કોઈને દુઃખ દેવાથી તૃપ્તિ કેમ હશે થતી?


મૂકી ગયો ક્યમ શિકાર હશે શિકારી?
આવી હશે દિલ દયા કંઈ સારસીની?
બચ્ચાં અને પતિપ્રિયા તણી એ ઘડીની
નાસ્યો હશે હૃદય ચીરતી ચીસ સુણી!


ગાળે છે પ્રેમનાં અશ્રુ વજ્ર જેવા ય દિલને,
કો’ વેળા પારધીને એ પ્રેમનો દંશ લાગતો.


આવું આવું નિરખી દિલમાં કાંઈ કેવુંય થાય,
કેવો છે રે રુદનમય આ ક્રૂર દેખાવ હાય!
ન્હાનાં બચ્ચાં ટળવળી રહી માત સામું જુવે છે,
ને પંપાળે નિજ જનકના કંઠને ચંચુથી એ.


હજુ તો ખેલવા પૂરું શીખ્યાં નથી આ બાલુડાં,
રે! તે શું મૃત્યુને જાણે ભોળાં આ લઘુ પંખીડા!


દુઃખ સહુ ઊડી જાશે કાલ આ બાલકોનાં,
રમતગમત માંહી હર્ષ લેશે ફરી આ;

કલાપીનો કેકારવ/૧૦૫