બંસરી/અંધારામાં અજાયબી

વિકિસ્રોતમાંથી
← મારો રક્ષક બંસરી
અંધારામાં અજાયબી
રમણલાલ દેસાઈ
૧૯૩૧
જ્યોતીન્દ્રની છેલ્લી ક્ષણ →



૧૫
અંધકારમાં અજાયબી

પડીઆ અનંતના અંતરા
 અહો જોગી રે!
'વચ્ચે ઊતરિયાં આકાશ,
અમર ! ઉર ભોગી રે!
ન્હાનાલાલ

જયોતીન્દ્રને આ સ્થળે જોઈ ખરેખર મને નવાઈ લાગી. પહેલી રાતે તો પેલા બંગલામાં અમે ભેગા હતા. અત્યારે અહીં પણ તેની હાજરી આવા સંજોગોમાં હતી જ. મારે ભૂલવું ન જોઈએ કે તેણે જ મને અત્યારે બચાવ્યો હતો. મને ઘણી વખત તેના વર્તન માટે સંશય થઈ આવ્યો હતો. અને તે ખરેખર મારી સહાય અર્થે તજવીજ કરતો હતો કે મને ફસાવવાં, તેની મને પૂરી સમજ પડતી નહોતી. તે મારો જૂના વખતનો એકનો એક અંગત મિત્ર હતો જ. પરંતુ ઘણી વખત એણે એવી ગૂંચવણ ભરેલી ભાષા વાપરી હતી અને એવી કઢંગી સ્થિતિ ઉત્પન્ન કરી હતી કે મને શક લેવાને કારણ મળે. છતાં તેના તરફનો મારો ભાવ ઓછો થઈ શક્યો નહિ, અને આ ભયંકર સ્થળે તેને ઊભેલો જોઈ મને લાગણી થઈ આવી. મેં પૂછ્યું :

'તું ક્યાંથી?'

'તાર્રી આગળ કે તારી પાછળ હું છું જ એમ માનજે.'

'એટલે ?'

'તેનો અર્થ તને ફાવે તેવો કર.'

'અહીં પણ મારી આગળ તું આવ્યો ?’

'હું ગમે તેમ આવ્યો. પણ જો, તારાથી બને તો તું હવે નાસી જા.’

'શા માટે ?’

'પોલીસ તને પકડવા ફરે છે; હવે તને જરૂર પકડશે.’

'પોલીસ કમિશનરે મને છૂટો કરવા ટેલિફોનમાં હુકમ આપ્યો હતો ને ?'

'પોલીસને ફરતાં કાંઈ વાર લાગે એમ છે ?’ ‘પણ હું ક્યાં નાસી જાઉં ?’

'આ સ્થળથી બહાર અને આ ગામથી બહાર.'

‘તું અહીં શું કરીશ ?' મેં પૂછ્યું. આવા સ્થળમાં તને એકલો છોડી હું નાસું એ મને ઠીક લાગ્યું નહિ.

‘તેની તારે શી પરવા ? હું કહું તેમ કર, નહિ તો તું મુશ્કેલી વધારી મૂકીશ.’

‘હું તને એકલો છોડીને જાઉં એ બને એમ નથી.’

‘તારાથી અહીં રહીને પણ કશું બને એમ નથી.'

'કારણ ? હમણાં જ મેં પેલા લોકોને બહાર કાઢ્યા.' ઘડી પહેલાં રિવૉલ્વરનો ભય બતાવી જ્યોતીન્દ્રની સામે થનાર બદમાશોને ઓરડાની બહાર મોકલી દીધાની બહાદુરીનો મેં ઉલ્લેખ કર્યો.

‘એ તેં ઠીક કર્યું. જોકે તું ન હોત તોપણ એટલા માણસોને તો હું સહેજમાં હઠાવત. ખરી મુશ્કેલી હવે જ છે.’

‘એ ખરી મુશ્કેલીમાં હું તને એકલો મૂકી ચાલ્યો જાઉં, ખરું ?’

‘હવે તું લાંબી વાત જવા દે, અને ક્ષણ પણ ગુમાવ્યા વિના અહીંથી ચાલ્યો જા.'

‘પેલી સ્ત્રી કોણ છે ?'

‘હું શું કહું છું? એ કુંજલતા છે. હવે બીજું કાંઈ પૂછીશ નહિ.’

‘શું ?' એકદમ આશ્ચર્યથી ચમકી મેં પૂછ્યું. એ મારું આશ્ચર્ય શમે નહિ તે પહેલાં તો એકાએક બધી બત્તીઓ બુઝાઈ ગઈ અને ઓરડામાં અંધારું ઘોર થઈ રહ્યું.

'મેં શું કહ્યું હતું ? મને એ જ ભીતિ હતી. મારી વીજળીબત્તી પણ લગભગ વપરાઈ ગઈ છે.' જ્યોતીન્દ્રનો અવાજ અંધકારમાંથી આવ્યો.

'તેનો ઉપયોગ કરી હવે નાસી જા.' મેં સલાહ આપી.

'હું તો આ ઓરડામાં પુરાઈ ગયો છું. નાસવાનો રસ્તો હવે મળે એમ નથી.'

'હું કાંઈ મદદ કરું, તું કહે તેવી રીતે.'

‘મહેરબાની કરી તું અહીંથી ચાલ્યો જાય તો મને ઘણી મદદ મળે.' તેણે કહ્યું.

હું થોડી વાર બોલ્યા વગર બેસી રહ્યો. ઓરડામાં પણ અંધકાર અને શાંતિનો ફેલાવો હતો.

‘જ્યોતિભાઈ ! સુરેશ ! તમે નાસી જાઓ. ફાવે ત્યાં જાઓ. નહિ તો રાક્ષસો...' કુંજલતાનો ઘાંટો સંભળાયો. તેનું વાક્ય પૂરું થયું નહિ અને મુખ ઉપર કોઈનો હાથ દબાવાયો હોય એમ લાગ્યું. એક ક્ષણમાં કુંજલતા તરફની બાજુ શાંત પડી ગઈ. મને ભય લાગ્યો કે વખતે એ યુવતી ને મારી નાખી હશે કે શું ? આ અંધકારમાં કશું પણ થઈ શકે એમ મને એક પણ રીતની સૂઝ પડી નહિ. અહીંથી જ્યોતીન્દ્રની સલાહ પ્રમાણે ચાલ્યો જાઉં તો મિત્રને છોડી ગયાનો દોષ લાગે; અહીં રહીને ઓરડાની બહાર એક ઝાડની ડાળી ઉપર બેસી નાની જાળી દ્વારા અંધકારમાં હું કશું કરી શકું એમ મને લાગ્યું નહિ. ગૂંચવણમાં થોડીક ક્ષણ હું બેસી રહ્યો. અંદર શાંતિ હતી; જ્યોતીન્દ્ર અગર બીજા કોઈનો કશો બોલ આવતો નહોતો, તેમ જ કોઈનો પગનો પણ અવાજ થતો નહોતો. કુંજલતાની માફક જ્યોતીન્દ્રને પણ બોલતો બંધ કરી દીધો હશે તો ? મારું હ્રદય ધડક ધડક થવા લાગ્યું. એ મિત્ર જતાં મારે કોઈનો જ આશ્રય રહેશે નહિ એ હું જાણતો હતો. મિત્ર વગરના થવું એ શું તે હું અત્યારે સમજ્યો. મને થયું કે પોલીસ મને ભલે પકડે પણ હું તો તેમની પાસે જઈ આ ભેદી ઘરની અને જ્યોતીન્દ્રના અંદર પુરાયાની હકીકત બધી જાહેર કરી દઉં.

જાળી ઉપરથી મેં હાથ ખસેડ્યો અને ડાળીથી નીચે ઊતરતાં મેં જરા પગ લંબાવ્યો એવામાં ઓરડામાંથી જ્યોતીન્દ્રનો કડક, મેં કદી નહિ સાંભળેલો એવો સત્તાદર્શક અવાજ મારે કાને આવ્યો :

‘બસ. એટલે જ દૂર રહો !’

તેના જવાબમાં ત્રણ ચાર માણસોના હાસ્ય સરખો અવાજ મને સંભળાયો.

'હસવાની હરકત નથી; એ આનંદ હું તમને લેવા દઉં છું. પરંતુ મારા આગળ ન આવશો.' જ્યોતીન્દ્ર ફરી બોલ્યા. ફરી બે માણસો તિરસ્કારભર્યું હસતા હોય એમ લાગ્યું. તેમના હાસ્યની વચમાં જ એક જણ બોલ્યો :

'તું અમને હસવાની પરવાનગી આપે છે, એમ ?’

'અલબત્ત ! હું જો તમને હસવા ન દઉં તો તમારે આ ઘડી રડવું પડશે.’ જ્યોતીન્દ્રે કહ્યું.

‘જા, જા હવે; પોલીસની જાસૂસી કરી ખા !’

'હવે તો તે પણ ક્યાં ? અહીંથી જીવતો છૂટશે ત્યારે ને ?’ એટલું બોલતાં પાછા બધા હસવા લાગ્યા.

'જિવાડવાનું કે મારવાનું તમારા હાથમાં છે શું ? બિચારાં મગતરાં ! તમારાથી થાય શું ? ગણગણાટ કર્યે જાઓ. !’ જ્યોતીન્દ્ર બોલ્યો. અંધારામાં કોણ જાણે કેટલાયે માણસોની સામે તે આવી જબરજસ્ત હિંમત દર્શાવતો હતો ! મને સાનંદાશ્રર્ય થયું.

‘ચારે પાસેથી હવે તું ઘેરાયો છે. બોલ્યા કર. તું અમારી પાછળ પડ્યો છે એ અમારી જાણ બહાર નથી જ. પણ હવે જ તને ખબર પડશે.' કોઈકે જ્યોતીન્દ્રને ધમકી આપી. જ્યોતીન્દ્ર જરા હસ્યો અને બોલ્યો :

‘તમને ખબર તો છે કે હું ગોળી બરાબર તાકી શકું છું.’

મને નવાઈ લાગી. કદી હથિયાર ન પકડનાર, અહિંસાના સિદ્ધાંતનો ઘડી ઘડી બોધ કરનાર જ્યોતીન્દ્ર ગોળીની ધમકી કેમ આપતો હશે ? નાનપણમાં તેની નિશાન તાકવાની શક્તિ અદ્ભુત ગણાતી હતી. તે હું જાણતો હતો, પરંતુ પાછલા ભાગમાં મેં તેને હથિયારબંધ કદી જોયો નહોતો.

‘અંધારામાં શું ધૂળ તાકવાનો છે ?’ એક જણે તિરસ્કારથી કહ્યું.

‘તમે બધા એવા ભસનારા ભેગા થયા છો કે તમને મારવા એ જરા પણ મુશ્કેલ નથી. તમે કેટલા જણ છો તે કહું ? તમે મારાથી કેટલાં ડગલાં દૂર છો તે જણાવું ?’ જ્યોતીન્દ્ર પૂછ્યું.

બધા એકાએક શાંત પડી ગયા. જ્યોતીન્દ્રની ગોળી મારવાની શક્તિ સહુએ જાણે સ્વીકારી હોય એમ લાગ્યું. થોડી વાર સુધી સહુ શાંત રહ્યા. જરા રહી જ્યોતીન્દ્ર બોલી ઊઠ્યો :

‘કેમ ? કેમ ? તમારામાંથી ત્રીજો માણસ કેમ આગળ ડગલું ભરે છે?...પહેલો માણસ હાથ હલાવે છે, ખરું ? મારી સાથે જરાપણ ચાલાકી નહિ ચાલે. હું અંધારામાં પણ તમને દેખી શકું !...એમ. બધા હાલ્યાચાલ્યા વગર ઊભા રહો. મારા બંને હાથમાં પિસ્તોલ છે, અને કોઈ સહજ પણ હાલશો તો તત્કાળ માર્યા જશો !’

મને જ્યોતીન્દ્ર એક અદ્દભુત પુરુષ લાગ્યો. આવા અંધકારમાં કયો માણસ હાલે છે અને ક્યો માણસ કેટલાં ડગલાં ભરે છે, એ કહેવું એ મને તો અશક્ય જ લાગતું હતું; છતાં જ્યોતીન્દ્ર જાણે અંધારામાં નિહાળતો હોય એમ વાતો કરતો. સામા માણસોની ઝીણામાં ઝીણી હીલચાલ તેની દૃષ્ટિ આગળ ખુલ્લી થઈ જતી હોય એમ મને લાગ્યું.

‘જુઓ. કુંજલતાને અહીંથી લઈ ગયા એ ઠીક કર્યું.’

એક જણ હસ્યો; એક જણે દાંત પીસ્યા. હસનારું માણસે કહ્યું :

‘ખોટી વાત, તું જુઠ્ઠો ડરાવે છે ! કુંચલતા તો આ રહી.’ ‘આના કરતાં વધારે અંધકારવાળી જગાઓમાં હું ફર્યો છું અને તમારા કરતાં વધારે ભયંકર માણસો સાથે મેં બાથ ભીડી છે. એટલે જરા પણ સમજાવશો નહિ. કુંજલતા અહીં છે જ નહિ. એને તો ક્યારના તમે લોકો બહાર ઘસડી ગયા છો. મેં એને જવા પણ દીધી. છતાં તમે મને ખોટો પાડવા માગો છો, હરકત નહિ. તમારું કહેવું ખરું માનું છું અને કુંજલતાની જોડમાં ઊભેલા માણસને હાલ જ હું વીંધી નાખું છું.’ જ્યોતીન્દ્ર બોલ્યો.

ઓરડામાં પગ ખસવાનો અવાજ આવ્યો. બધા જાણે ગભરાઈને જરા જરા આઘા ખસતા હોય એમ લાગ્યું. દરેકને ગોળી પોતાને વાગશે એવો ડર લાગ્યો.

‘કેમ ? બધા ગભરાઓ છો ? હા હા હા ! બેવકુફો ! તમને ખબર નથી કે બૈરાંનો પગ એકદમ પરખાઈ આવે છે ? ક્યાં છે. કુંજલતા ! પેલા ગૃહસ્થનું મોં તો જુઓ ! બસ ? લોહી ઊડી ગયું ? નહિ, આંખો નહિ મીંચો. હું તમને ચેતવણી આપ્યા સિવાય મારવાનો નથી. બોલો, પહેલો કોણ તૈયાર થાય છે ?’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

ભર અંધારામાં ચાલતું આ નાટક જ્યોતીન્દ્રની વાણીને લઈને જાણે હું નજરે જોતો હોઉં એમ લાગ્યું.

‘કેમ, તૈયારી કરી નહિ ? ચાલો, આગળ આવો... તમારા ખિસ્સામાં ઘડિયાળ છે, ખરું? ના ના, તારું હૃદય ધબકે છે. કેમ, મેં કેવી રીતે જાણ્યું?

એ ધબકારો હું અહીંથી સાંભળી શકું છું. બસ, હવે ત્રીજા ક્રમવાળાને તૈયાર રહેવા જણાવું છું. એક...બે...’

દીવાનો પ્રકાશ એકાએક થઈ ગયો; કર્મયોગીએ પ્રવેશ કર્યો. કર્મયોગી અને જ્યોતીન્દ્ર બંને સામે સામે આવીને ઊભા કર્મયોગીની આંખમાંથી ઝેર વરસતું દેખાયું. જ્યોતીન્દ્ર હસ્યો :

‘ગુરુ મહારાજ ! નમસ્કાર.’

‘સદાય નમસ્કાર કરતો જ હું તને રાખીશ.’

‘સંતપુરુષોને નમસ્કાર કરવામાં ક્યાં નાનમ છે ?’

એવામાં મારી નીચેથી ટોર્ચનો પ્રકાશ મારા ઉપર પડ્યો. એક જણ નીચેથી બોલી ઊઠ્યો :

‘અહીં જ છે.'

મેં જોયું કે પોલીસના માણસો આવી રહ્યા છે, કારણ કે તેણે આટલું બોલી પોલીસના જેવી સિસોટી વગાડી.