લખાણ પર જાઓ

બંસરી/મારો રક્ષક

વિકિસ્રોતમાંથી
← મોતની ક્ષણ બંસરી
મારો રક્ષક
રમણલાલ દેસાઈ
૧૯૩૧
અંધારામાં અજાયબી →


૧૪
મારો રક્ષક

આકાશથી વર્ષાવતા છો
ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ
ખેંચાઈ રહી છે આપની

કલાપી

મૃત્યુનો ડર નથી. એ વાત જેટલી કહેવી સહેલી છે તેટલી અનુભવમાં સહેલી નથી એમ મને લાગ્યું. ચોવીસ કલાકમાં હું જિંદગી માટે તદ્દન બેકાર બની ગયો હતો અને મૃત્યુ સાથે આથડી પડવાનો છું. એમ ધારી અત્યંત નિર્ભય બની ગયો હતો. તથાપિ રિવોલ્વરની નાની નળી મારી સામે ફરી અને તેમાંથી લાગલાગટ પાંચ-છ ગોળીઓ મારા તરફ એક ક્ષણ કરતાં પણ ઓછા સમયમાં નીકળી મને વીંધી નાખશે, એ ખ્યાલ આવતાં મારું લોહી ઊડી ગયું, મોં સુકાઈ ગયું અને મારો શ્વાસ વધારે વેગથી ચાલવા માંડ્યો. હું જરા પણ ડરકણ નથી; ભાગ્યે જ કોઈ ચીજ મને ભય ઉપજાવે છે. છતાં મૃત્યુને સામે આવેલું જોતાં મને જે લાગણી થઈ તે મારી બહાદુરીને શોભા આપે એવી તો નહોતી જ. ઉશ્કેરણીને આધારે અગર કોઈ ધ્યેયની ખાતર મરી જવું મુશ્કેલ નથી, પરંતુ સામાને મારી શકવાની અશક્તિ અને બચવાની પણ અશક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ સહુને જ ભીરુ બનાવતું હશે કે મને જ, એ કોણ કહી શકશે ?

એક ક્ષણ કરતાં પણ ઓછા સમયનો સવાલ હતો. મારા હાથ જાળીને લાગેલા હતા તે તેમના તેમ જ રહ્યા. ભૂરા પ્રકાશમાં મારા હાથ સહુને બરાબર દેખાતા હોવા જોઈએ, માત્ર મારું મુખ દેખાતું હતું કે નહિ તે હું કહી શકું નહિ. હું જે સ્થિતિમાં હતો. તે જ સ્થિતિમાં સ્થિર થઈ ગયો. તે ક્ષણે હું ન હાલી શક્યો, ન ચાલી શક્યો. અને એ ક્ષણ ! કેટલી લાંબી ? જાણે એક યુગથી હું મૃત્યુને નિહાળી રહ્યો હોઉં એમ મને લાગ્યું. મારું હૃદય કોઈ અકથ્ય મૂંઝવણ અનુભવતું હતું.

‘કેટલી વાર ?’ કર્મયોગીનો સત્તાદર્શક પ્રશ્ન મેં સાંભળ્યો.

‘હાથ ઊપડતો નથી.' પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. 'હવે આજ્ઞાનું ઉલ્લંઘન થશે તો તું જ વીંધાઈ જઈશ. જો, પાછળ જો.'

પેલી સ્ત્રીએ પાછળ સહજ જોયું; તેના કાન ઉપર રિવોલ્વરની નળી તાકી એક માણસ ઊભો હતો. રિવોલ્વર માર્યા સિવાય તેનું ચાલે એમ નથી તેની ખાતરી થઈ. તેણે બીજી પાસ જોયું, ત્યાં પણ એવી જ રીતે રિવૉલ્વર તાકી બીજો માણસ ઊભો હતો. મને લાગ્યું કે એ બીજો માણસ તે છેલ્લો અંદર આવીને ઊભેલો માણસ જ હતો. સ્ત્રીએ ફરી રિવોલ્વર તાકી. હવે મારી છેલ્લી ઘડી ખરેખર આવી હતી એમ મેં માન્યું અને રિવોલ્વર ફૂટી; મેં આંખો મીંચી દીધી. મને ગોળી વાગી અને હું શબ બની ઝાડ ઉપરથી જાણે પડ્યો જ એમ ધાર્યું ! એક, બે, ત્રણ, ચાર અવાજ થયા તે મેં ગણ્યા. પણ જરા રહીને મેં આંખ ઉઘાડી. મને હજી સુધી ગોળી વાગી નહોતી, અને હું જીવતો છું એવી મારી ખાતરી થઈ ! ઓરડાની અંદર ખૂબ ધમાધમી ચાલતી મેં સાંભળી. મેં દૃષ્ટિ અંદર ફેંકી. પણ પેલી સ્ત્રી એક ખૂણામાં કંપતી આંખે હાથ દબાવતી ઊભી હતી. કર્મયોગી અદૃશ્ય થઈ હતા. ત્રણ માણસો એક માણસની સાથે મારામારી કરતા મારા જોવામાં આવ્યા. પેલો છેલ્લો આવેલો મનુષ્ય બીજા ત્રણેની સામે બાથ ભીડી ઊભો હતો. બે માણસોએ તેને મજબૂતીથી ઝાલ્યો હતો. છતાં તેણે ત્રીજો માણસનો હાથ પકડી, તેને આમળી નાખી, એ હાથમાં રહેલી રિવોલ્વર નીચી નમાવી દીધી હતી. તેને બાઝેલા બંને માણસો તેને નીચે પાડવા ઘણું મંથન કરી રહ્યા હતા, છતાં તેણે રિવોલ્વર પકડનાર માણસના હાથને એવો ઝટકો આપ્યો કે રિવોલ્વર તેના હાથમાંથી પડી ગઈ. પડતાં પડતાં રિવોલ્વર ફૂટી, પરંતુ તેથી કોઈને ઈજા થઈ નહિ.

હાથને લાગેલા ઝટકાનું જોર એટલું બધું હતું કે રિવોલ્વર ઉપર જ માણસ ગબડી પડ્યો. બીજા માણસોએ પણ એટલું જોર કર્યું કે પેલા માણસને જમીન ઉપર ઢસડી પાડ્યો. નીચે પડ્યે પડ્યે કોણ જાણે તેણે શી કરામત કરી કે એ બંને મનુષ્યો તેના ઉપરથી ઊછળી ધબાકા સાથે જમીન ઉપર અથડાઈને પડ્યા. છૂટો થયેલો માનવ ઊભો થયો તેવા જ બીજા ચાર માણસ ઓરડામાં દાખલ થયા અને પેલા માણસને પકડી લેવા તેની સામે થવાનો દેખાવ કરવા લાગ્યા. એ માણસ તો જાણે ગમે તેટલા દુશ્મનો માટે તૈયાર થયો હોય એમ લાગ્યું. મને થયું કે આ કોઈ બહારનો માણસ છે; અંદરની કર્મયોગીની ટોળી સામે થવા માટે તે સજ્જ થયેલો છે, અને એણે જ સ્ત્રીએ તાકેલી અને મારેલી રિવૉલ્વર કોઈ પણ રીતે મારા તરફથી ફેરવાવી નાખી હોવી જોઈએ. પેલી સ્ત્રી પાસે મને વીંધાવી નાખવા ધમકી આપવા અર્થે સ્ત્રીની બંને બાજુએ રિવોલ્વર લઈ ઊભેલા બે માણસોમાંનો આ એક હતો. અને જેવી મારા તરફ ગોળી તાકી તેવો જ તેણે સ્ત્રીના હાથને ઝટકો મારી અગર બીજી રીતે રિવોલ્વરનું નિશાન ફેરવી નાખ્યું હશે. મારો ખરો બચાવ કરનાર એ જ પુરુષ હતો. પ્રત્યેક ક્ષણે મોતની આશા રાખી બેઠેલા મને ઉગારનાર પુરુષને સાત માણસો સામે ઝૂઝવાનો પ્રસંગ આવ્યો. હું કેવી રીતે એને સહાય આપી શકું ?

ભોંય ઉપર પડેલા પુરુષો પાછા ઊભા થઈ ગયા હતા. તેમાંના બે માણસો તો પેલી સ્ત્રી પાસે જઈને ઊભા. બાકીના પાંચ માણસોએ પેલાને ઘેર્યો. તેણે મુખ ઉપરથી લૂગડું હવે ખસેડી નાખ્યું હતું, પરંતુ તેનું મુખ મારાથી પૂરું દેખી શકાય એમ નહોતું. તેણે જરા પણ અસ્વસ્થતા દેખાડી નહિ. સાતે માણસોને તે પૂરો પડશે એવી તેના મનમાં જાણે ખાતરી હોય એમ તે નિર્ભય ઊભો હતો.

મને મારા ખિસ્સામાં રહેલી રિવોલ્વર યાદ આવી, જાળી ઉપરથી એક હાથે ખસેડી મેં ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી અને જાળી અંદરથી તેની નાળ બહાર કાઢી. ઘેરી વળેલા પાંચ માણસોમાંથી બે જણ ઝડપથી ધસ્યા. મેં બૂમ પાડી :

'ખબરદાર !'

સૌ કોઈ જાળી ભણી જોવા લાગ્યા. મારું મુખ તો દેખાતું જ નહોતું, છતાં તાકીતાકીને સૌએ મારા તરફ જોવા માંડ્યું. એકાએક કોઈ માણસ ધસીને મારા બચાવનાર ઉપર તૂટી પડ્યો, પરંતુ તે સાવધ હતો. તેણે એવો જબરજસ્ત હડસેલો તેને માર્યો કે તે પાંચછ ડગલાં દૂર જઈને પડ્યો. ફરી બધા તેની તરફ ધસવા લાગ્યા. હું મોટેથી બોલી ઊઠ્યો :

'હવે એક ડગલું પણ જો કોઈ આગળ વધશે તો તે માર્યો જ સમજવો.'

સૌ સ્થિર ઊભા, અને પાછા મારા ભણી જોવા લાગ્યા. મને લાગ્યું કે ભૂરા પ્રકાશમાં જાળીમાંથી બેત્રણ આંગળ બહાર પડતું રિવોલ્વરનું નાળચું ભાગ્યે જ કોઈને દેખાતું હશે. એટલે ફરી એક માણસ આગળ આવવા લાગ્યો. મેં કહ્યું :

‘હરામખોર ! હજી સમજ પડતી નથી, ખરું ? મારા નિશાનમાં તમે બધા છો એ ભૂલશો નહિ.’

બે જણ હસ્યા. એક જણે કહ્યું :

‘ખોટું ડરાવે છે.'

‘તું હાથ કે પગ લંબાવ એટલે ખબર પડશે.’

પેલા માણસે કમનસીબે હિંમત કરી અને એક પગ આગળ મૂક્યો. તત્કાળ મેં એક ગોળી છોડી. અવાજ થતાં જ પેલો માણસ જમીન ઉપર બેસી ગયો. મને લાગ્યું કે ગોળી આબાદ તેના પગમાંથી પસાર થઈ ગઈ. કોઈને પણ મારવાનો એક વખત પ્રસંગ પડતાં એ કાર્યમાં મજા પડે છે; શિકારીઓને સંખ્યાબંધ પ્રાણીઓનો વધ કરવામાં કેમ રસ પડતો હશે તેની મને ઝાંખી થઈ. મનુષ્ય સ્વભાવે હિંસક પ્રાણી છે એમ મને લાગ્યું. પેલા માણસને પડતો જોઈ મને કાર્ય સફળતાનો આનંદ થયો. ગર્વથી હું બોલી ઊઠ્યો :

‘કેમ ? બીજા કોઈને હિંમત કરવી છે ?' કોઈએ જવાબ આપ્યો નહિ. સઘળી બાજી જાણે મારા જ હાથમાં ન હોય એમ વિજેતાની ભૂમિકાનો અનુભવ કરવા લાગ્યો અને વધારે બોલ્યો :

‘આ તો માત્ર પગમાં જ ઘા કર્યો છે, પણ હવે ખસનારને હું જાનથી મારીશ.’

થોડી ક્ષણ મેં રાહ જોઈ. કોઈ ખસ્યું નહિ. મારી ધમકીની બરાબર અસર થઈ હોય એમ મને લાગ્યું. મેં કહ્યું :

‘હવે બધા જ આ ઓરડામાંથી બહાર નીકળી જાઓ.... એકએક ! હાં, એમ.’

બારણાની બાજુનો માણસ પહેલો ચાલ્યો અને બારણું ઉઘાડી બહાર નીકળી ગયો. પછી બીજો, ત્રીજો એમ ધીમે ધીમે સઘળા માણસો બહાર નીકળી ગયા. માત્ર ઘાયલ થયેલા મનુષ્યથી ઝડપથી ખસાય એમ નહોતું. પરંતુ તેની મુશ્કેલીમાં મને મજા પડવા લાગી હતી. દુશ્મનનું દુ:ખ જોઈ રાજી થવાની અધમ વૃત્તિ કેમ જાગૃત થાય છે અને કેમ વિકાસ પામે તેનો હું પદાર્થપાઠ રજૂ કરતો હતો. તેણે લાચારીથી બારી પાસે જોયું. હું સમજ્યો કે તેનાથી ખસાતું નહોતું તેથી મારી દયા માગી. તે ત્યાં જ પડી રહેવા માગે છે. પરંતુ દુશ્મન ઉપર દયા કરવી એ લગભગ અશક્ય છે.

‘કેમ તું હજી ખસતો નથી કે ?’ મેં એ ઘાયલ થયેલા પુરુષને કહ્યું.

‘મને પગે વાગ્યું છે.' તેણે જરા નરમાશથી કહ્યું.

‘પગે વાગ્યું હોય તો હાથે ચાલ.' મેં તેને હુકમ કર્યો. પોતાની દયા ઉપર જીવનારને આપણે ગમે તેવા અશક્ય હુકમો આપીએ છીએ.

પેલો બચાવનાર પુરુષ હવે નીચો વળ્યો, અને ઘાયલ થયેલા પુરુષને પગે હાથ ફેરવવા લાગ્યો. તેના પગમાંથી લોહી નીકળતું હતું. તેણે ખિસ્સામાંથી એક રૂમાલ કાઢી ઘાયલ થયેલા પુરુષને પગે પાટો બાંધ્યો. ઘાયલ થયેલો પુરુષ આભારની દૃષ્ટિએ પોતાના સામાવળિયા તરફ જોઈ રહ્યો હતો. સમય જતો જોઈ મેં ફરી બૂમ મારી :

‘કેટલી વાર કરે છે ? ચાલ, અહીંથી બહાર જા; નહિ તો...’

એટલામાં પેલા પુરુષે ઘાયલ પુરુષને ઊંચક્યો અને બારણા બહાર તેને મૂકી દીધો. અત્યાર સુધી તેનું મુખ મને દેખાતું નહોતું. હવે બારણા ભણીથી પાછો ફરતા મને તેનું મુખ દેખાયું. મને થયું કે હું આને ઓળખું છું. પણ એટલામાં તો તેણે મુખને એવી રીતે ફેરવી નાખ્યું કે એક થાંભલાના પડછાયાની અંદર તે આવી ગયો.

મને આશ્ચર્ય લાગ્યું. તેને મારવા આવેલા પુરુષને ઘાયલ કરી મેં તેનું રક્ષણ કર્યું હતું, કારણ પ્રથમ તેણે જ મારું રક્ષણ કર્યું હતું એમ મારી માન્યતા હતી. હવે એ પોતાના દુશ્મનને જ પાટો બાંધી તેને દુઃખ ન થાય એ અર્થે ઊંચકી બારણાની બહાર મૂકી દે છે એ બહુ નવાઈ જેવું લાગ્યું. એ કોના પક્ષનો માણસ હોવો જોઈએ ? પેલી સ્ત્રીએ મને મારી અને આંખ મીંચી તે વખતે એણે નહિ તો કોણે તે સ્ત્રીનો હાથ ફેરવી નાખ્યો હશે ? જો તેણે ન ફેરવ્યો હોય તો ઓરડામાં બધા મનુષ્યો તેની સામે શા માટે થયા ? અને જો તેણે મને બચાવી આ બધાનો કોપ વહોરી લીધો હતો. તો પછી તેના સામાવળિયામાંથી એક ઘાયલ થયેલા સાથે આટલું બધું કાળજીભર્યું વર્તન શા માટે રાખે ?

હું ખરેખર વિચારમાં પડ્યો, આ પુરુષને પણ અહીંથી રિવૉલ્વરનો ડર બતાવી હાંકી કાઢવો કે તેને ઓરડામાં જ રાખી તેની સાથે વાતો કરી માહિતી મેળવવી તેનો હું ક્ષણભર વિચાર કરવા લાગ્યો. એટલામાં મેં મારા નામનું સંબોધન સાંભળ્યું :

‘સુરેશ !’

હું ખરેખર ચમક્યો. આ સ્થળે મને આ પ્રમાણે ઓળખીને બોલાવનાર કોણ હતો ? ઓરડામાંથી જ અવાજ આવ્યો હતો. મેં ચારે પાસ જોયું. પેલો પુરુષ અને સ્ત્રી એ બે જ ઓરડામાં ઊભેલાં હતાં. ફરી મેં અવાજ સાંભળ્યો :

‘સુરેશ ! હું જાઉં કે રહું ?'

મારો પરિચિત અવાજ ! જ્યોતીન્દ્રનો અવાજ ! તો શું મને બચાવનાર જ્યોતીન્દ્ર હતો ?

‘કોણ જ્યોતીન્દ્ર ? તું અહીં છે ?'

‘હાસ્તો.' થાંભલાના પડછાયામાં મને બચાવનાર પુરુષે બહાર નીકળી કહ્યું. મારી સામે હવે તેનું મુખ પૂરેપૂરું દૃષ્ટિમાં આવ્યું. ખરે, એ જ્યોતીન્દ્રનું જ મુખ હતું !