લખાણ પર જાઓ

બંસરી/મોતની ક્ષણ

વિકિસ્રોતમાંથી
← ભેદી મકાન બંસરી
મોતની ક્ષણ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
મારો રક્ષક →



૧૩
મોતની ક્ષણ

પ્રત્યાઘાતો વિષમ તમના સર્વથા ગાજતા'તા,
તારાઓની દ્યુતિ વિસ્મતી આભનાં આંગણામાં.
ન્હાનાલાલ

સ્ત્રીએ આંખો બંધ કર્યા પછી સામે બેઠેલા પુરુષે ઘંટડી વગાડી. સામે બેઠેલા પુરુષનો પહેરવેશ અને દેખાવ જોતાં તે કોઈ સાધુ સરખો લાગ્યો. આંખો ઉપરથી પેલી સ્ત્રીએ હાથ ખસેડી લીધા. પાંચ મિનિટ બધાં જ સ્થિર અને શાંત રહ્યાં. પછી પેલા પુરુષે પૂછ્યું :

‘તું કોણ છે ?’

‘હું ? કોણ હોઈશ? મને ખબર પડતી નથી.’

‘ફરી અંદર જો... હવે કહે, તું કોણ છે ?'

‘હા, હા... કહું. કહું કોણ છું ?’

‘ઓળખી કાઢ.'

‘ઓળખી.'

‘કોણ છું ?’

‘બંસરી.'

હું ચમક્યો. એવો ચમક્યો કે મારા હાથ ખસી ગયા અને સ્વરક્ષણના કુદરતી નિયમે પૂરું જોર ન કર્યું હોત તો હું ઊંચી ડાળ ઉપરથી ધબાકા સાથે નીચે પડત. હું સ્વરક્ષણના બળે પડતો અટક્યો. માત્ર મારા ચમકવાથી થોડાં પાન હલ્યાં. તત્કાળ પેલા માણસે જાળી ભણી આંખ ફેરવી. હું પાંદડાંનાં ઝુંડમાં કારના આશ્રયે લપાયો હોવાથી તે મને જોઈ શક્યો નહિ. મારે શું કરવું તેનો હું ઝડપથી વિચાર કરવા લાગ્યો. બંસરી અહીં જ છે તો પછી હું જાતે જાહેર થઈ મારી પ્રિયતમાને કેમ ન મળું ? જે સંજોગોમાં બંસરી અહીં બેઠી હતી તે સંજોગોનો વિચાર કરતાં એકદમ જાહેર થવું એ પણ સલામતીભર્યું લાગ્યું નહિ. શા કારણે તેને આવા ભેદી મકાનમાં રાખી હશે? કોણે તેને આવા ભયભર્યા સાધુની સંગતમાં મૂકી હશે ? આ સઘળા પ્રશ્નોનું નિરાકરણ થયા સિવાય મારાથી હવે ખસાય એમ હતું જ નહિ. એટલામાં પેલા સાધુનો અવાજ આવ્યો :

‘બંસરી !’

સામો જવાબ ન મળ્યો. સાધુએ ફરી પૂછ્યું :

‘બંસરી ! હું તને આજ્ઞા કરું છું કે બોલ.’

બંસરીને આજ્ઞા કરનાર આ દુષ્ટનું મોઢું ભાંગી નાખું એવું મને મન થયું. તેની આજ્ઞા થયા છતાં તેણે કાંઈ જવાબ આપ્યો નહિ. સાધુએ દૃષ્ટિ વધારે સ્થિર કરી; હાથમાં ઘંટડી લઈ મધુરા અવાજે વગાડી પાછી મૂકી દીધી. અને પેલી નિશ્ચય બેઠેલી યુવતીની સામે ત્રાટક કરી જોઈ રહ્યો. થોડી ક્ષણ રહી તેણે પાછું પૂછ્યું :

'બંસરી !’

'હાં'

'તું બંસરી જ છે ને ?’

'તો બીજું કોણ હોય ?’

'મને ઓળખે છે ?’

'હા. જરૂર.'

'હું કોણ છું ?'

‘ગુરુદેવ ! કર્મયોગી !'

અરે ! આ જ પેલો સુધાકરવાળો કર્મયોગી ! મેં તેને કદી જોયો નહોતો, છતાં જાણે તેનું મુખ કોઈ વખત મેં જોયું હોય એમ ભાસ થયો. કદાચ સુધાકર, બંસરી વગેરેએ તેની વાત કરી હોય, અગર તેના વિષે સાંભળેલી હકીકત ઉપરથી તેનું ચિત્ર મારા મનમાં ખડું થયું હોય, અને તેને મળતો જ તેનો દેખાવ હોય એ કારણથી મને તેનું મુખ પરિચિત લાગ્યું હશે. હું તે વિષે વધારે વિચાર કરું તે પહેલાં કર્મયોગીએ પૂછ્યું :

'બરાબર. તું ક્યાં આવી છે તે તને ખબર છે ?'

'હા જી.'

'તો કહે તું અત્યારે ક્યાં છે ?’

પેલી યુવતીએ હાથ આમતેમ ફેરવ્યા. પરંતુ તેની દૃષ્ટિ અને દેહ તો સ્થિર જ હતાં. થોડી વાર જાણે હાથ વડે કાંઈ તે ખોળતી હોય તેવો ચાળો કરી તે બોલ્યા વગર બેસી રહી.

‘ખબર નથી પડતી ?’ સાધુએ જરા કડકાઈમાં પૂછ્યું.

‘ના. હું ક્યાં છું ?’ મને ભય લાગ્યો કે બંસરીની આવી દુર્બળ મનોદશા કેવી રીતે કરી નાખી હશે ? શું તેને કાંઈ ઔષધ કે કેફ તો નહિ પાયું હોય ?

‘જો મારી સામે બરોબર જો. તું ક્યાં છે ?’

‘હું ક્યાં....? હા.. ના... મને કહો હું ક્યાં છું ?'

‘કેમ લવે છે ? સ્થિરતાથી જોતાં શું થાય છે ? કહે, તું ક્યાં છે ?' પેલા સાધુની આંખમાંથી અગ્નિ ચમકતો હોય એમ મને લાગ્યું. ‘માફ કરો ! હું ભૂલી ગઈ, હું સંભારી કાઢું.’

‘ચાલ, જલદી કર ! સવાર પડવા આવ્યું છે.'

સ્ત્રીએ પાછા હાથ આમતેમ હલાવ્યા.

‘હું આપની પાસે છું, આપના ધ્યાનમંદિરમાં છું.’

'તને ધ્યાન મંદિર ગમે છે, ખરું ?’

'હા. જી.'

'તને હું પણ ગમું છું, ખરું ?’

'હા. જી.'

આપોઆપ મારા દાંત કચકચી ગયા. બંસરી આ શું બોલે છે ? આ પાપી સાધુ એને ગમે છે ? પ્રેમના પડછાયા જેવી અસૂયાએ 'ગમવું’ એ ક્રિયાપદનો મારે માટે મેં એક જ અર્થ કરી રાખ્યો હતો, અને એ શબ્દનો મારા સિવાય બીજા માટે પ્રયોગ થાય જ નહિ એવો વ્યાકરણનિયમ પણ મેં ઘડી રાખ્યો જણાતો હતો. નહિ તો મારી પ્રિયતમા મને ચાહે છે એટલા જ ઉપરથી મારા સિવાય આખી દુનિયાના પુરુષો તેને દીઠે ગમતા નથી એમ તેની પાસે કહેવડાવવાનો મને શા માટે આગ્રહ રહેવો જોઈએ ?

સ્ત્રીનું કપડું અને તેના છુટ્ટા વાળ આછી પવનની લહરીમાં હલતાં હતા.

‘બંસરી !' સાધુએ તેને બોલાવી.

'તું ક્યાં હતી ?’

‘સ્વર્ગમાં કહું ?’

'તે તું જાણે. તું જ્યાં હતી ત્યાંનું નામ આપ.’

‘આપને શું અજાણ્યું છે ?'

‘તું જ્યાં સુધી કહેશે ત્યાં સુધી કશી ખબર પડશે નહિ.’

‘હું ઊંચે ઊંચે પ્રકાશમાં ઊડતી હતી. મેં આખો દિવસ ઊડ્યા કર્યું. પણ મને થાક ન લાગ્યો. હું ક્યાં હતી. ગુરુદેવ ? એ જ સ્વર્ગ ને ?’ અરે, આ જીવતી-જાગતી-બોલતી યુવતી સ્વર્ગની શાની વાતો કરે છે ? શું તેને આ સાધુએ ગાંડી બનાવી મૂકી છે કે શું ? દિવ્ય લોક અને દિવ્ય પ્રદેશોની કલ્પનાઓ વડે મુગ્ધ બનાવતા ધાર્મિક પુરુષોએ અનેક સ્ત્રીઓને જીવતેજાગતે સ્વપ્ન જોતી કરી છે એ હકીકત મારા સ્મરણમાં આવી.

ઓરડાનો એક દરવાજો ઊઘડ્યો અને તેમાંથી એક પુરુષ અંદર આવ્યો. દરવાજો. ઊઘડતાં કશો જ ખડખડાટ થયો નહિ. અને કોઈનું પણ ધ્યાન તેના તરફ દોરાયું નહિ. તેણે મોઢે ને માથે એક વસ્ત્ર ઓઢેલું હતું, પરંતુ તે એવી રીતે કે તેની આંખો અને મુખનો થોડો ભાગ નજરે પડે.

તે મનુષ્ય અંદર આવ્યો અને તેણે એક ખૂણા ઉપર સ્થાન લીધું એટલે તત્કાળ એક બીજો મનુષ્ય - જે આ ક્ષણે ઊભો થઈ ગયો હતો. તેણે ત્યાંથી ચાલવા માંડ્યું. જરા પણ અવાજ કર્યા વગર તેણે દરવાજો ઉઘાડ્યો અને તે બહારના ખંડમાં અદ્દશ્ય થઈ ગયો.

મેં ધારીને જોયું તો ખંડને ચારે ખૂણે એક એક માણસ પૂતળાની માફક બેસી રહ્યું હતું. ઓરડાના રક્ષણ અર્થે તેમ હશે કે સાધુનું સાંનિધ્ય સાચવવા માટે તેઓ બેઠા હશે, તે નક્કી થઈ શક્યું નહિ. તથાપિ એક માણસે આવી બીજાનું સ્થાન લીધું એટલે મને લાગ્યું કે આમાં રક્ષણનો હેતુ હોવો જોઈએ. કોઈની પાસે કાંઈ હથિયાર નહોતું. મને તો દેખાતું નહોતું. મને તે વખતે વિચાર આવ્યો તથાપિ સાધુની, અને બંસરીને નામે જવાબ દેતી પેલી યુવતીની વાતચીતમાં હું એવો એકાગ્ર બની ગયો હતો. કે હું મારું બીજું બધું ભાન ભૂલી ગયો.

ઓરડામાંના ભૂરા પ્રકાશે મારા મન ઉપર પણ જાણે કાંઈ અસર કરી હોય એમ મને લાગ્યું. કોઈ માનસિક શક્તિ દ્વારા કોઈ સત્ત્વનું આહ્વાન થતું હોય અને તે દૃશ્ય જોનારા જેમ ઠરી જાય તેમ કેટલીક વખતે હું ઠરી જતો

થોડીવારે સાધુએ પાછું પૂછ્યું :

‘ત્યારે બંસરી ! તું સ્વર્ગમાં હતી, ખરું ?

‘ના... હા... હા... એ જ સ્વર્ગ ?’

‘જરૂર; એ જ સ્વર્ગ, તું કેમ ભૂલી પડે છે ?'

‘હું હવે ભૂલીશ નહિ. એ જ સ્વર્ગ.'

‘ત્યાં તને કોણે મોકલી ?’

'મને ત્યાં કોણે મોકલી ?’ ‘હું પૂછું છું; તારે તે કહેવાનું છે.’

‘હું કહું ! મને... મને.. ના નહિ કહું.’

‘તું કેમ નહિ કહે ?'

‘મારી મરજી.'

‘જો બંસરી ! હું તારો ગુરુ છું. મારી આજ્ઞા તું નહિ માને તો શું થશે. તે જાણે છે ?’

'ના'

‘અગ્નિ, વિષ, કટુતા. એમાં અનંત કાળ...’

‘કહું છું, કહું છું !’

‘ઠીક, બોલ.’

‘મને કોણે સ્વર્ગમાં મોકલી ? જેને હું ચાહતી હતી. તેણે જ.’

‘પણ તું કોને ચાહતી હતી ?’

‘સુરેશને !’

‘ત્યારે સુરેશે તારું ખૂન કર્યું એ વાત ખરી ને ?’

‘ઓ....ઓ..મને એ વાત પૂછશો નહિ, મારું હૃદય ચિરાઈ જાય છે.'

‘મારી આજ્ઞા છે; કહે.’

‘હા, હા, કહું છું. અરે મને પાછી જવા દો, ઓ... ઓ. સુરેશે જ મારું ખૂન કર્યું !’

આ જીવતી સ્ત્રી ! જીવતી બંસરી ! શા માટે મને ખૂની કહે છે ? મેં સઘળાં પાપ કર્યા હશે પરંતુ બંસરીના ખૂનનું પાપ તો મેં કદી કર્યું જ નથી એવી મારી ખાતરી છે. પછી બંસરીને જ મોઢેથી આ કથન ?

'હવે તું તેને ચાહે છે ખરી ?’

‘અલબત્ત.' યુવતીએ દૃઢતાથી જવાબ વાળ્યો.

સાધુનું મુખ ભયંકર બની ગયું. આ રૂપાળા લાગતા મનુષ્યનું મુખ આટલું બધું કર્કશ બની જાય એ મને તો બહુ જ વિચિત્ર લાગ્યું. જરા રહી સાધુ બોલ્યો :

‘બંસરી ! તારો હાથ મારા હાથમાં આપ.'

આ સાંભળતાં હું એકદમ ઉશ્કેરાયો. આ પાપી પુરુષ. શું કહે છે ? મને એમ થયું કે આ જાળી તોડી હું અંદર પ્રવેશ કરું. બંસરીનો હાથ મહામહેનતથી જાણે ઊપડતો હોય એમ લાગ્યું. ન છૂટકે, કોઈ અગમ્ય બળ તે યુવતીના હાથને ખેંચી સાધુના હાથમાં મૂકતું હોય તેમ તેનો હાથ વળ્યો. અને સાધુએ લંબાવેલા હાથમાં તે પડ્યો. ક્રોધના આવેશમાં મને ભાન રહ્યું નહિ. મેં ડાળી ઉપરથી હાથ ખસેડ્યો અને જાળી ઉપર નાખ્યો. નહિ જેવો ખડખડાટ થયો તથાપિ સાધુની સ્થિર આંખો ઊંચે ફરી અને પાછી તેને પૂર્વવત્ રાખીને તેણે કહ્યું :

‘બંસરી ! તું સુરેશને ચાહે છે, ખરું ?’

'હા'

‘એને સ્વર્ગમાં તારી સાથે મોકલીએ તો કેવું ?’

‘મને બહુ જ ગમે.’

'પાસે જ સંતાડી રાખેલી એક રિવોલ્વર કોણ જાણે ક્યાંથી સાધુએ કાઢી અને બહુ જ ધીમેથી તેણે તે સ્ત્રીના હાથમાં મૂકી દીધી.

'લે ત્યારે, આ રિવોલ્વર પેલી જાળીમાં તાકીને માર.'

હું એકદમ લેવાઈ ગયો. પેલી સ્ત્રીના હાથમાં રિવોલ્વર આવી, પરંતુ તેણે જરા પણ હીલચાલ કરી નહિ. સાધુએ કહ્યું :

‘શું કહું છું; મારી આજ્ઞા છે ! જાળી ભણી ફરીને તાક.’

અને પેલી યુવતી જાળી ભણી ફરી. તે બંસરી નહોતી એવી તત્કાળ મારી ખાતરી થઈ. તેણે રિવોલ્વર જાળીમાં તાકી અને તે જ ક્ષણે હું મૃત્યુનો પડઘો સાંભળી રહ્યો.