બંસરી/પત્ર

વિકિસ્રોતમાંથી
← મારો વ્યાપાર બંસરી
પત્ર
રમણલાલ દેસાઈ
૧૯૩૧
મિત્રોની વચમાં →


પત્ર

ગગન ગુફા આડા પડદા પડેલા
નયન મહેલે એહ પૂગ્યોના પૂગ્યો;
આઘે ક્ષિતિજની પાળે ઊગ્યો તોયે ના ઊગ્યો.
ન્હાનાલાલ

સુધાકરે ઝટ મારો હાથ છોડાવી નાખ્યો અને હસતો હસતો બોલ્યો:

‘એકલા નીતિમાનોમાં જ બળ હોય છે એમ ન ધારીશ.’

ખરે, સુધાકર પહેલેથી જ ચપળ અને બળવાન હતો. અમે સાથે કસરત કરતા. અખાડાનો શોખ અમને નાનપણથી લાગ્યો હતો. જોકે વજનમાં હું સુધાકર કરતાં વધારે હતો. તથાપિ તેની ચપળતા અને સહનશક્તિ ગમે તેને આશ્ચર્ય પમાડે એવાં હતાં. તેણે કરેલી ટીકા ઘણે અંશે ખરી હતી. ઘણા અનિતીમાન અને લફંગા કહેવાતા પુરુષો ગૃહસ્થાઈનું પ્રમાણપત્ર પામેલા પુરુષો કરતાં વધારે બળવાન હોય છે. મને જરા પસ્તાવો થયો. મારા એક વખતના અંગત મિત્ર સાથે મારે જ ઘેર આવી જાતનું જંગલી વર્તન મેં કર્યું એ જરા પણ વાસ્તવિક નહોતું. અલબત્ત ભારે ખોટમાં આવી પડવાથી હું ગૂંચાઈ ગયો હતો. આખા જગત ઉપર હું ગુસ્સે થયો હતો. તેમાં મારો મિત્ર આવી રીતે ચીડવે. એટલું જ નહિ મારી પડતીનાં કારણ તરીકે પોતાને આગળ કરી બડાઈ હાંકે એ અસહ્ય તો હતું જ. છતાં ગળું પકડવા જેવો જંગલી દેખાવ કર્યાથી હું સહજ લજ્જિત થયો.

‘તું એકદમ ઘેલો ન બન. જે હવે તારી ઇચ્છા હોય તો હું તને તારા લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દઉં.' સુધાકરે કહ્યું.

'એ પૈસાનું તો તને દાન આપી દીધું છે' મારી વાણીની કડવાશ મટી નહોતી.

'એમ ? હવે લાગે છે કે દુનિયામાં કાંઈ સત્ય છે ખરું ! જે વૃત્તિથી તેં મને પૈસા આપ્યા તે જ વૃત્તિથી હું પણ તેનો ઉપયોગ કરું છું. એક મહા વિદ્વાન સાધુનું હું તેમાંથી ખર્ચ ચલાવું છું.' સુધાકરે જણાવ્યું.

'તારે વળી સાધુ શો અને ધર્મ શો ?’ ‘પેલા કર્મયોગીનું નામ સાંભળ્યું છે કે નહિ ? એમની બધી પ્રવૃત્તિ મારે જ લીધે થાય છે.' સુધાકરે કહ્યું.

ખરે, મેં કર્મયોગીનું નામ સાંભળ્યું હતું. તેમણે જનસમાજ ઉપર ધર્મસંઘમાં બહુ ઊંડી અસરો ઉપજાવવા માંડી હતી. તેમને નજરે જોનાર તેમને ખરા યોગી તરીકે પિછાની લેતા હતા; તેમનાં વ્યાખ્યાન સાંભળનાર એકદમ ધર્મભિમુખ થઈ જતા હતા અને તેમના સમાગમમાં આવનાર એકદમ તેમના શિષ્ય બની જતા હતા. ભણેલા અને અભણ, પુરુષો તેમજ સ્ત્રીઓ, હિંદુઓ તેમજ અન્ય ધર્મીઓ તેમનો સ્થિર ગંભીર દેખાવ અને તેમની વાણી ઉપર મુગ્ધ બની જતા હતા. નવાઈ જેવું એ હતું કે ઘણા મુસલમાનો અને પારસીઓ પણ પોતાને તેમના શિષ્ય તરીકે ગણતા. કર્મયોગીની ખરી ખૂબી એ હતી કે સહુ સહુને પોતપોતાનો ધર્મ પાળવાનો જ તેઓ આગ્રહ કરતા. તેઓ વ્યાખ્યાનો આપતા, ભજનમંડળીઓ સ્થાપતા, અને અધિકારીઓને પ્રાણાયામ તથા ધ્યાનધારણા પણ શીખવતાં. તેમનું સુંદર મુખ, સ્થિર આંખો, તેજસ્વી લલાટ, ખભા સુધી લટકતા વાળ, ધાર્મિક દેખાવમાં વૃદ્ધિ કરનાર શોભાયમાન દાઢી, એ બધું સર્વનાં વખાણનો વિષય હતો.

પરંતુ મને ધર્મ કે ધાર્મિક વિષયો પરત્વે બહુ લાગણી નહોતી; તેમાંયે ધાર્મિક ગણાતા પુરુષો તરફ મને એક જાતનો તિરસ્કાર હતો. મને ઘણાં માણસોએ કર્મયોગીના સમાગમમાં આવવા જણાવ્યું હતું. પરંતુ મારી માન્યતા એવી હતી કે ધર્મ સંબંધી વિવેચન કરવું એ નિરર્થક છે; બંધાઈ ગયેલા વિચારો છોડવા કોઈ તત્પર હોતું નથી. ચોક્કસ દલીલોનો તેમાં અવકાશ હોતો નથી. એટલે ધાર્મિક વ્યાખ્યાનો એ સમયનો ખાલી વ્યય મને લાગ્યા કરતો. એટલે હું કર્મયોગીનાં વ્યાખ્યાનોમાં કદી જતો નહિ.

એક દિવસ હું બંસરીને મળવા ગયો. અમને એવી રીતે સાધારણ મળવાની છૂટ હતી. તે ગ્રેજયુએટ થાય એટલે તેની સાથે મારું લગ્ન કરવાનું હતું. તે ગ્રેજ્યુએટ થઈ પરંતુ તેના પિતા તે પછી તરત મૃત્યુ પામ્યા એટલે લગ્ન થયું નહિ. ત્યાર પછી મને વ્યાપારમાં ખોટ આવી ગઈ એટલે હું પણ ગૂંચવણમાં પડ્યો. એવામાં એક દિવસ હું બંસરીને મળવા ગયો ત્યાં ખબર પડી કે તેની કાકી તથા કુંજલતા સાથે બંસરી કર્મયોગીનું વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી. મને એ કાંઈ ઠીક લાગ્યું નહિ. સામાન્ય સમજવાળાં સ્ત્રીપુરુષોએ ધર્મની ઘેલછામાં પડવું ન જોઈએ, અને બંસરીની સમજ માટે તો મને માન હતું. મેં થોડી વાર રાહ જોઈ અને બંસરી આવી. મેં તેની મશ્કરી કરી, અને પૂછ્યું : ‘કર્મયોગીના વ્યાખ્યાનમાંથી તું શું જાણી લાવી ?’

'કર્મયોગી દેખાવડા બહુ છે, અને બોલે છે બહુ સારું.’ બંસરીએ જવાબ આપ્યો.

આ સિવાય કર્મયોગી સંબંધી મને કશી જ માહિતી નહોતી. મારો મિત્ર સુધાકર સુધરી જઈને ધાર્મિક પુરુષોના ચારિતાર્થ ચલાવે એવો ધાર્મિક બન્યો હોય એમ માનવા હું જરા પણ તૈયાર નહોતો.

‘તારે કાંઈ ધર્તિગ ચલાવવું હશે એટલે આ સાધુને ખોળ્યો હશે.' મેં સુધાકરને જણાવ્યું.

'ગમે તે હશે. તું એક વખત તેની પાસે તો ચાલ ?’ સુધાકરે કહ્યું.

'મારો વખત વધારે કિંમતી છે.’

'સાધુનું વ્યાખ્યાન ફરીફરી નહિ સંભળાય હો !’

‘તારું પોષણ પામેલાં સાધુનું વ્યાખ્યાન હું નહિ સાંભળું તો ચાલશે.'

‘જો તું અત્યારે નહિ આવે, તો મારે અને તારે સદાની દુશમનાવટ રહેશે.' સુધાકરે ધમકી આપી.

‘તારી અને તારા સાધુની દુશમનાવટની મને જરા પણ પરવા નથી.’

'ઠીક, તું જાણે ! પણ હું તારા સ્વાર્થની વાત કહું છું.’

‘મારો સ્વાર્થ તારે હાથે સુધારવો નથી.’

‘બહુ સારું. તો હવે જોજે.' કહી સુધાકર ચાલ્યો ગયો. તે મને પછી મળ્યો જ નહોતો. તથાપિ મારા લેણદારોને ઉશ્કેરી મને પૂરી પજવણી કરવાનો આરોપ મારા બીજા મિત્રો તેને માથે મૂકતા હતા.

આજે તેના હાથનો લખેલો પત્ર આવ્યો. આવે વખતે તેનો પત્ર આવે તે મને ચમકાવે એમાં નવાઈ નથી. એમાં શું લખ્યું હશે તેનો વિચાર આવ્યો. કંઈ કંઈ કલ્પનાઓ કરી. છેવટે મેં તે પત્ર ઉઘાડ્યો.

કાગળ ખાલી હતો ! પરબીડિયામાં કોરો કાગળ બરાબર ઘડી વાળીને મૂકેલો હતો. ઘણી વાર સુધી મેં તે કાગળને આમ તેમ ફેરવ્યા, પરંતુ કોરા કાગળને ગમે તેટલો ફેરવો, તેમાંથી શું જડે ? ખરે, સુધાકરે મારી દુઃખભરેલી સ્થિતિમાં મારી મશ્કરી કરી ! પરંતુ તે આવી મશ્કરી કેમ કરે? બંસરીના ખૂન બદલ સહાનુભૂતિ દર્શાવવી હોય કે તે બદલે ખુશાલી પ્રદર્શિત કરવી હોય તોપણ તે ગઈ કાલે બીડેલા કાગળમાં જ બની શકે. બંસરીનું ખૂન રાતમાં થયું હતું, અને કાગળ તો તે પહેલાં ટપાલમાં પડ્યો હોવો જોઈએ. હશે શું ?’

મને વિચાર આવ્યો કે ગમે તેમ કરીને મારે સુધાકરને ત્યાં જવું. જમી, કપડાં પહેરી હું તુરત બહાર આવ્યો. ગંગારામે ના પાડી. તેણે કહ્યું : ‘ચંદ્રકાન્તભાઈ આવવાનું કહી ગયા છે.' પણ તેના જવાબમાં મેં કહ્યું : ‘હું જ તેને ઘેર જઈશ, માટે આવે તો તેને પોતાને ઘેર બેસવા જણાવજે.'

‘જમીને ન જવાય.’ ‘આરામ લેવો જોઈએ.’ ‘તડકાનો વખત છે.' વગેરે તેની સઘળી દલીલો મેં સ્વીકારી નહિ.

પરંતુ જવાની ઉતાવળમાં હું કાગળ મેજ ઉપર જ ભૂલી ગયો. ઝડપથી સુધાકરને ત્યાં હું પહોંચ્યો. સુધાકર ઘરમાં જ હતો, મને આવ્યો જાણી તે બહાર આવ્યો, અને અત્યંત ભાવપૂર્વક મારો હાથ પકડી તે મને તેના ઓરડામાં લઈ ગયો. આ સ્વાર્થી અને જુઠ્ઠા પુરુષ ઉપર મને તિરસ્કાર તો હતો જ; એમાં ડોળથી વધારો થયો.

'સારું થયું કે તું મારા લખ્યા પ્રમાણે આવ્યો. મને તારી પાસેથી ગયા પછી બહુ પસ્તાવો થયો.' સુધાકરે જણાવ્યું.

‘તે ધાર્યું હતું કે હું આ પ્રમાણે આવીશ ?' મેં પૂછ્યું.

‘મને ડર તો હતો જ કે વખતે તું નહિ આવે. તેમાં સવારે બંસરીના સમાચાર સાંભળ્યા. ખરે, મને જગતમાં દુ:ખ થયું હોય તો તે માત્ર આજ સવારથી જ. મને તારી પાસે પણ આવવાની ઇચ્છા થઈ હતી, પણ પછી હું અટકી ગયો અને ફક્ત આ પત્ર તને લખ્યો. જો, એને હજી હવે ટપાલમાં નાખવો હતો.' સુધાકરે કહ્યું.

‘મને આ જુઠ્ઠાના સરદાર માટે તિરસ્કાર વધ્યો કે તેની સફાઈ માટે માન વધ્યું તે હું કહી શકતો નથી. તથાપિ કોઈ અતિશય ગૂંચવણભરી લાગણી હું અનુભવવા લાગ્યો. વળી તેણે વધારે દિલગીરી બતાવી.

‘અને તારે જ માથે ખૂનનો આરોપ ! બહુ નવાઈ જેવી વાત છે ! હું તો માનતો નથી.’

‘ત્યારે તું શું માને છે ?’ મેં પૂછ્યું.

'તેં લગ્નની ના પાડી એટલે બંસરીએ જ જરૂર આપઘાત કર્યો.' સુધાકરે કહ્યું.

મને શરીરમાં ધ્રુજારી પ્રગટી. સુધાકર કહે છે એ વાત પણ ખરી કેમ ન હોય ? મેં શા માટે અતિ ડહાપણ કરી લગ્નને માટે ના પાડી ? હું ગરીબ અને દેવાદાર બની ગયો હતો, તથાપિ તે મારા દુઃખમાં ભાગ ન લઈ શકત એમ શા ઉપરથી મેં ધાર્યું ? તે બોજારૂપ થઈ પડશે એમ કહેવું એ તેના સરખા મૃદુ હૃદયથી શી રીતે સહન થયું હશે ? મારો કોઈ પત્ર અને મારો રૂમાલ પ્રેમથી પોતાના હાથમાં ઝાલી સ્નેહધેલછાની કોઈ ક્ષણે તેણે પોતાના જિગરમાં છરી ભોંકી દીધી નહિ હોય એમ કેમ કહેવાય ? છરી વાગતાં બરાબર તેણે મારા નામનો પોકાર કર્યો હોય એમ શું સંભવિત નથી ? મારી ખાતરી થવા લાગી કે બંસરીએ આપઘાત કર્યો. આવી ખબર હોત તો હું તેની સાથે લગ્ન કરવા કદી ના ન પાડત. ખરે, મારે માથે ખૂનનો આરોપ આવ્યો તે શું છેક ખોટો કહી શકાય ? ન્યાયની દૃષ્ટિએ એટલું તો કહેવું જ પડે કે મારા ના કહેવાથી જ બંસરીએ પોતાનો જીવ આપ્યો હતો. મેં ખરેખર છરી ભોંકી તેનું ખૂન કર્યું હોય અગર આવી રીતે તેને નિરાશ કરી તેને જ હાથે તેના હૃદયમાં છરી ભોંકાવી હોય - એ બંને કાર્યો વચ્ચે મહત્વનો શો ભેદ હતો ? હું જ ગુનેગાર છું. એમ જ્યારે મેં જ્યોતીન્દ્રને મોંએ કહ્યું ત્યારે હું એક સત્યનો ઉચ્ચાર કરતો હતો. એની હવે મને પ્રતીતિ થઈ.

‘પરંતુ આપઘાત કર્યો હોય તો એનું શબ તો નજરે ચઢે ને ?’ મેં જરા રહી સુધાકરને પૂછ્યું.

‘તું છેક સુધી અક્કલ વગરનો રહ્યો. શબને કૂવામાં કે નદીમાં નાખી દેતાં કાંઈ વાર લાગે છે ? જમીનમાં દાટી દેતાં કાંઈ હરકત આવે છે ? સગાંવહાલાંમાં જે કોઈ અક્કલવાળું હોય તો તેમ કરી પણ નાખે.' સુધાકરે જણાવ્યું.

‘પરંતુ તેઓ મારે માથે ખૂનનો આરોપ કેમ મૂકે ?’ મેં પૂછ્યું.

‘ગમે તે કોઈને માથે આરોપ મૂકવામાં શી હરકત ? ખાસ કરીને તારું નામ દઈ તે ગુજરી ગઈ. તરત બધાને કલ્પના થઈ આવે કે ખૂન કરનાર તું જ હોઈશ.’

‘ત્યારે તું માને છે કે હું ખૂની નથી ?’

'હરગિજ નહિ. એટલું જ નહિ પણ હું તે પુરવાર કરવા માટે તૈયાર રહીશ.’

‘તું શી રીતે પુરવાર કરીશ ?’

‘જો, તે કે મેં વકીલાત કરી નથી. એટલે આપણાથી કોર્ટમાં તો ઊભા રહી બચાવ થશે નહિ. પરંતુ એ બચાવ કરવા માટે મેં સારામાં સારા વકીલ નવીનચંદ્રને રોકી પણ દીધો છે.'

‘એમ ?’ આશ્વર્યથી હું પોકારી ઊઠ્યો. આવા ભારે ફી લેનારા પ્રથમ પંક્તિના વકીલને મારાથી તો રોકાત નહિ. આ જૂના મિત્રની ઉદારતાનો ઝરો આજે ફૂટી નીકળવાથી મેં તેની સાથે ચલાવેલા અયોગ્ય વર્તન માટે મને ફરી પસ્તાવો થયો.

‘સુધાકર ! તારી અનીતિ, તારો જુગાર અને તારો શરાબ - એ બધું જોતાં આજે તું મારા કરતાં પણ વધારે પવિત્ર લાગે છે. આવો મિત્ર કોઈ થનાર નથી.' મેં ઉપકાર દર્શાવ્યો.

‘અરે, એ વાત બંધ કર ! એમાં શું ?' ઉદારતાથી એણે જણાવ્યું. એકાએક બારણું ઉઘાડી જ્યોતીન્દ્ર અંદર આવ્યો. તેના હાથમાં સુધાકરે મને મોકલેલો કાગળ હતો. જ્યોતીન્દ્રના હાથમાં એ ક્યાંથી આવ્યો !