લખાણ પર જાઓ

બંસરી/સ્વપ્ન સુંદરી

વિકિસ્રોતમાંથી
← પોલીસના કબજામાં બંસરી
સ્વપ્ન સુંદરી
રમણલાલ દેસાઈ
૧૯૩૧
ભેદી મકાન →


૧૧
સ્વપ્નસુંદરી

જાગ્યું ઉષાનું અનિલે ચુમ્યું નેત્ર પેલું
ને લોચનો ચુમી જગાડું તને સખી ! હું,
જો જાગી, કો રસ અપૂર્વ ઊંડો રૂપેરી
તારી પ્રભા સમ, ઊભો પ્રિય ! વ્યોમ ઘેરી.
ન્હાનાલાલ


હિંમતસિંગ અને કમિશનર વચ્ચે ટેલિફોન ઉપર થતી વાતચીત મારા વિષે જ હતી, એટલે તે મેં ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી. ટેલિફોનની અંદર શો અવાજ આવતો હતો તે સાંભળી શકાય એમ નહોતું, પરંતુ હિંમતસિંગ જે જે હકીકત જણાવતા હતા તે તે હકીકતે મારું ધ્યાન ખેંચ્યું. ટેલિફોનમાં હિંમતસિંગ આ પ્રમાણે જણાવતા હતા :

‘હા જી, હિંમતસિંગ... અહીંથી બોલું છું નં. ૫૩૭... ભાડે આપવાનું હતું... મેં તથા જ્યોતીન્દ્રે યોજના કરી હતી. બાતમી ઉપરથી... મતભેદ છે. સુરેશ મારે કબજે છે. પુરાવો હોય પછી શી હરકત છે ?... જ્યોતીન્દ્ર એમના મિત્ર છે એ ભૂલવું ન જોઈએ... આપ છોડી દેવા કહો છો? હું તદ્દન વિરુદ્ધ છું... આરોપી પછીથી હાથ નહિ આવે... આપની પછી મરજી. હું તો ના જ પાડું છું. જ્યોતીન્દ્રની જરૂર શી છે ? એમણે આ કેસને ગૂંચવવા સિવાય બીજી શી મદદ કરી છે ?... હુકમ હોય તો છોડી દઉં. પછી હું આ કેસ હાથ ઉપર લઈશ નહિ. હા જી. હું સરકારી નોકર છું એ હું બરાબર જાણું છું... તો હું હુકમનો જ અમલ કરીશ. સ્વતંત્રપણે આ કેસમાં નહિ જ કરું... મને પણ સ્વમાન હોય ને ? છતાં જ્યોતીન્દ્રની સલાહ આપ અનુસરવા માગતા હોય તો ભલે !... હું છોડી દઉં છું, પરંતુ ભૂલ થાય છે. ઠીક.'

આટલી વાતચીત પછી હિંમતસિંગે રિસીવર પાછું મૂકી દીધું. તેના મુખ ઉપર ભારે ગુસ્સો ફેલાયેલો હતો. આ પ્રમાણિક અને બાહોશ પોલીસ અમલદારની કીર્તિ ઘણી જ્વલંત હતી; તેની બહાદુરી પણ સહુને જાણીતી હતી. જે કામ હિંમતસિંગને સોંપવામાં આવતું તે કામમાં પોલીસને સંપૂર્ણ વિજય મળતો. તે દેશી હતો અને ઘણું ભણેલો પણ ન હતો, છતાં તેની બહાદુરી અને ગુના પકડવાની કુનેહને લીધે તેને ઊંચી અમલદારી પ્રાપ્ત થઈ હતી. જ્યોતીન્દ્રને બધા પોલીસ અમલદારો સાથે પરિચય હતો, અને તેના અને કમિશનરના સંબંધને લીધે જ્યોતીન્દ્ર પ્રત્યે બધા માનભર્યું વતન રાખતા, તથાપિ ઘણાને આવો બહારનો માણસ ગુનાના કામમાં દખલ કરે એ રુચતું નહિ. હિંમતસિંગ તેમાંનો એક હતો. જ્યોતીન્દ્રની સૂચના મુજબ કામ કરવાનું તેને કમિશનરે કહ્યું હતું એમ લાગ્યું, અને મારા વિષે મતભેદ પડવાથી તેણે જ્યોતીન્દ્રની ઇચ્છા વિરુદ્ધ મને કેદ પકડ્યો હતો. હવે કમિશનરે જ ટેલિફોન કરી. જ્યોતીન્દ્રની ઇચ્છા પ્રમાણે મને છૂટો મૂકવા આજ્ઞા કરી હતી. એથી હિંમતસિંગ માનભંગ થયા, અને એક કડક તથા પ્રામાણિક અમલદાર તરીકે તેમને ગુસ્સો પણ ઘણો જ ચડ્યો. છતાં અણગમતા હુકમનેય માથે ચઢાવવો એ પોલીસનું કર્તવ્ય ગણાય છે, તે અન્વયે તેમણે મારા હાથમાંની બેડી કાઢી નાખવા પોલીસના સિપાઈને આજ્ઞા કરી. બેડી નીકળતાં હિંમતસિંગે મને કહ્યું :

‘કમિશનર સાહેબે તમને છૂટા મૂકવા હુકમ કર્યો છે. તમે છૂટા છો અને તમારી મરજી ફાવે ત્યાં જઈ શકો છો.'

‘આપનો અને કમિશનર સાહેબનો આભાર માનું છું. નિર્દોષ માણસને બેડીનો અનુભવ રુચિકર તો નથી જ.' મેં કહ્યું.

‘નિર્દોષ ? તમારા સરખો ભયંકર ગુનેગાર હજી મારા અનુભવમાં આવ્યો નથી.' હિંમતસિંગે કહ્યું.

'હિંમતસિંગ ! તમારા અનુભવ માટે મને ભારે માન હતું. મને ભયંકર ગુનેગાર તરીકે માની આપ બધી કલ્પનાઓ રચતા હો તો મારે જરૂર મારો ખ્યાલ બદલવો પડશે.' મેં કહ્યું.

મારું કથન, તલમાત્ર પણ હિંમતસિંગ માનતા ન હોય, અને હું એક ભયંકર ગુનેગાર હોઉં એમ આંખ દ્વારા હિંમતસિંગે સૂચન કર્યું. મને લાયકાત કરતાં વધારે માન મળતું હોય એમ લાગ્યું. ગુનો કરવાની સંપૂર્ણ અશક્તિ હોવા છતાં પોલીસખાતાના અનુભવી અમલદારો ગુનેગાર સરખો જ મારો ડર રાખે એથી હું જરા ફુલાયો, અને એક ક્ષણ ગુનેગારની મોટાઈ મેં રસપૂર્વક અનુભવી. મારું વચન સાંભળી હિંમતસિંગ બોલ્યા : ‘જ્યોતીન્દ્રની તમને સહાય ન હોય તો અત્યારે બધું નક્કી થઇ ગયું હોત. ઠીક છે. હવે હું છું, તમે છો અને જ્યોતીન્દ્ર છે ! મેદાને પડી ચૂક્યા છીએ, જુઓ હવે કોણ જીતે છે !’

આટલું બોલીને હિંમતસિંગ અને તેમના માણસો બહાર નીકળ્યા, હું પણ તેમની સાથે જ બહાર નીકળી ગયો. હિંમતસિંગે આ બંગલા ઉપર નજર રાખવા માટે એક માણસને યોજી દીધો; અને પોતે મોટરમાં બેસી ઝડપથી ચાલતા થયા. પોલીસના માણસોથી છૂટો પડી હું પણ મારા ઘરને માર્ગે ચાલવા માંડ્યો.

સુધાકર તથા વકીલને મળવાનું તો ક્યાં રહ્યું, પણ બેડીનોયે અનુભવ મેં કરી લીધો ! પગે ચાલીને ઘર સુધી પહોંચાય એટલી પગમાં શક્તિ રહી નહોતી. નજીકમાં રસ્તાની એક બાજુ ઉપર સુધરાઈની પાટલી પડી રહી હતી ત્યાં જઈને હું બેઠો. મધ્યરાત્રિ, શીળો પવન અને ઘણો જ થાક : એ ત્રણેએ મળી મને જકડી લીધો. મારી આંખો ભારે થઈ ઘેરાઈ ગઈ, અને સઘળી સભ્યતા બાજુએ મૂકી ફૂટપાથ તેમ જ પાટલીઓ ઉપર સૂનાર રખડેલની માફક પગ લંબાવી હું સૂઈ જ ગયો.

ઊંઘમાં સઘળું દુઃખ વિસારે પડ્યું. ન ગોદડાની જરૂર રહી, ન તકિયાની જરૂર રહી. ખરી નિદ્રાને સગવડ ભાગ્યે જ જોઈતી હશે. મારા તકિયા વગર મારાથી સુવાય જ નહિ એવી મને ટેવ હતી. હું ઘણી વખત વિચાર કરતો કે તકિયા વગર માણસોથી સુવાતું કેમ હશે ? જગતની વસતીનો પોણો ભાગ તકિયા વગર જ પોતાની ઊંઘ મેળવી લે છે એથી મને ઘણી જ નવાઈ લાગતી. ગરીબીની સામાન્યતામાં હું આજે ભળી ગયો.

આ નિદ્રામાંથી હું જાગ્યો ત્યારે મારા કપાળ ઉપર મૃદુ સ્પર્શ થતો લાગ્યો. કદાચ એ સ્પર્શ વડે જ હું જાગી ગયો હોઈશ. પ્રથમ તો મને લાગ્યું કે હું સ્વપ્ન જતું ન રહે એ અર્થે મેં થોડી વાર આંખો મીંચેલી જ રાખી. સ્પર્શ સ્ત્રીનો જ હતો.; પુરુષ અને સ્ત્રીના સ્પર્શના ભેદ અનુભવ ન હોય તેને પણ ન સમજાય એવો જ હોય છે. મારી કલ્પનાએ મને ગમતું સ્ત્રીસ્વરૂપ ઊભું કર્યું. બંસરીને કલ્પનામાં જોવા લાગ્યો. અને તેનો સ્પર્શ અનુભવવા લાગ્યો. બંસરીનું ખૂન થયું હતું એ વાત જ હું ભૂલી ગયો. ગમતાં સ્વપ્નો કાયમ બની જતાં હોય તો કેવું ? સ્વપ્નને ચિરંજીવી બનાવવાનું કાંઈ સાધન નહિ હોય ? સ્વપ્ન પ્રમાણે સંસાર કેમ ઘડાતો નથી ?

આંખો મીંચી રાખી સ્વપ્નને ચાલુ રાખવા મારાથી બનતો પ્રયત્ન મેં કર્યો. પરંતુ મૃદુ ઓષ્ઠના મારે કપાળે થયેલા સ્પર્શ સાથે એક સ્પષ્ટ, ન વિસરાય એવો ચુંબનધ્વનિ સાંભળ્યો. તે સાથે જ મારી આંખ ખૂલી ગઈ. એ ચુંબન પછી આંખ મીંચી રખાય એમ હતું જ નહિ.

આંખ ઉઘાડતાં જ મેં શું જોયું ? બંસરીને જોવાની પૂર્ણ ખાતરી સાથે ઊઘડી ગયેલી આંખોએ શું બંસરીને જોઈ ? ના, મારી આંખે એક સુંદર સ્ત્રી નિહાળી એક ક્ષણ બે ક્ષણ મેં તેને જોઈ. ખરેખર કોઈ પરિચિત મુખવાળી તે સ્ત્રી હતી એમ મને ભાસ થયો. એ કોની આંખો ? કોનું મુખ ? એમ શંકામાં પડતાં હું ધારીને જોવાની ઇચ્છા કરવા લાગ્યો. તે સાથે તો એ યુવતી એકાએક પાસેના વૃક્ષઝુંડમાં એક કે બે વખત દેખાઈ અદૃશ્ય થઈ ગઈ, એના પગ પણ એવા પડતા હતા કે જાણે તે રબ્બરના હોય ! તેની હીલચાલ પણ એટલી મૃદુ અને ઝડપભરી હતી કે જરા પણ અવાજ વગર તે જોતજોતામાં અદૃશ્ય થઈ ગઈ. મારું હૃદય ધડકવા લાગ્યું. શું ખરેખર આ મારી પરિચિત યુવતી હશે ? કે એને મળતા દેખાવની કોઈ બીજી યુવતી હશે ? બંસરી તો તે નહોતી જ એમ મારી ચોક્કસ ખાતરી થઈ. ત્યારે એ કોણ ? આખું દૃશ્ય જ સ્વપ્નમય હોય તો ? મને થયેલો સ્પર્શ આ પ્રસંગને સ્વપ્ન તરીકે ઓળખાવવા દેતો નહિ. કે પછી કોઈ અમાનુષી સત્ત્વનું આ બધું અટકચાળું હશે ? ભૂતપ્રેતમાં મને કદી શ્રદ્ધા ઉત્પન્ન થઈ નથી; દિવ્ય સત્ત્વ સંબંધી કલ્પના મને હાસ્યજનક લાગતી; અને ઈન્દ્રિયગમ્ય ન હોય એવાં સત્ત્વો ઈન્દ્રિયગમ્ય ચાળા કરે એ કુદરતના નિયમ વિરુદ્ધ છે એમ હું માનતો.

ત્યારે ખરું શું ? જે પાટલી ઉપર હું સૂતો હતો તે પાટલી એક ઝાડ નીચે આવેલી હતી. હવે હું બરાબર જાગ્રત થઈને પાટલી ઉપર બેઠો. ફૂટપાથની પાછળ મોટાં મોટાં ઝાડની ઘટા જામેલી હતી. અને એ મેદાન મૂકીને પાછળ ક્યાં જવાતું હશે તેનો મને કદી ખ્યાલ આવેલો નહિ. આ બાજુ શહેરની બહાર એકાંત આવેલું હતું. અને થોડાં વર્ષો થયાં લોકોની પાસે યુદ્ધ પછીના વ્યાપારને અંગે વધી ગયેલી લક્ષ્મીના પરિણામે જ છૂટાં છૂટાં મકાનો બંધાઈ કેટલીક વસતી વધવા લાગી હતી. તે છતાં આ ભાગ વસતી વગરનો ગણાતો, અને સામાન્યતઃ મોટર કે ગાડીના સાધનવાળાને જ ફરવા આવવાના સ્થળ તરીકે ઓળખાતો. એક વખત અમે પણ આ સ્થળે મોટો બંગલો બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ પછીથી અમારી કંપની તૂટી પડવાથી મેં તેમાં ભાગ લીધો નહિ. સુધાકર અને મારો વૈજ્ઞાનિક મિત્ર એ સંબંધી કાંઈ તજવીજ કરતા હતા. પરંતુ પછી તો મારો સંબંધ તેમની સાથે તૂટ્યો એટલે બંગલાનું શું કર્યું અને શું થયું તેની મેં કદી તપાસ કરી નહોતી. આજે અચાનક શિવનાથની સાથે અજાણ્યા બંગલામાં આવી ચડી. એક બીજા ખૂનનો આરોપ માથે લઈ હું આ ઉજ્જડ જગાએ સૂતો હતો ! નિદ્રામાં એક સ્ત્રીએ વિક્ષેપ પાડ્યો. બંસરી તે નહોતી. એમાં તો શક જ નહિ. તો પછી આમ મને ખોળતી ચાહતી આવતી સ્ત્રી કોણ હશે ? તેની આંખ ક્યાંઈક જોયેલી હતી; મુખ જોયાની ખાતરી હોવા છતાં તે કોનું તે યાદ આવ્યું જ નહિ.

હું બહુ મથ્યો. એક છેવટનો મિથ્યા પ્રયત્ન કરી મેં યાદશક્તિને કચરવી મૂકી દીધી. મને એકાએક હસવું આવ્યું. મારા જેવા મનુષ્યને દુનિયામાં ચાહનાર એક મૂર્ખ બંસરી તો હતી; પરંતુ આ વળી બીજું કોણ મૂર્ખ નીકળ્યું ? મને મારા સૌંદર્યને માટે અભિમાન નહોતું. જોકે સહુ કોઈ મારા સૌંદર્યના વખાણ કરતાં હતાં. હું એમાં તદ્દન બેપરવા હતો. મેં કદી ટાપટીપ કરી નથી. અને સ્ત્રીઓનું આકર્ષણ કરવા માટે યુક્તિઓ રચી નથી. તેને લઈને હું મિત્રોમાં હાસ્યપાત્ર બનતો, એટલું જ નહિ પણ મારી ખાતરી થઈ ગઈ હતી કે જગતમાં કોઈ સ્ત્રી જોરજુલમ કર્યા વગર મને મળશે નહિ. પ્રસંગ આવતાં બંસરીએ મારું હૃદય આકર્ષ્યું તે પહેલાં મને એમ પણ ખ્યાલ હતો કે સ્ત્રીઓ તરફ હું કદી ખેંચાઉ એવો દુર્બળ હૃદયનો નથી. પરંતુ બંસરી પ્રત્યેના મારા આકર્ષણમાં મને એ પણ જણાઈ આવ્યું કે બંસરી મારા પ્રત્યે આકર્ષાઈ છે. આ નવાઈ જેવા બનાવને સ્વીકારી લઈ હું ચાલતો હતો; પરંતુ એક કરતાં વધારે સ્ત્રી મને ચાહે એ કદી સ્વપ્નમાં પણ મેં ધારેલું નહિ. મારી હાસ્યવૃત્તિમાં કલ્પના ભળી :

‘આમ તો બેને બદલે બાર સ્ત્રીઓ મારા પ્રત્યે આકર્ષાય તો વળી મારી શી દશા થાય ?’

મને વિચાર આવ્યો. બાર સ્ત્રીઓના આકર્ષણનું મધ્યબિંદુ બની મારા જીવનની કલ્પના ખડી થતાં એક હાસ્યજનક ચિત્ર ખડું થઈ ગયું અને હું ખૂબ મોટેથી હસી પડ્યો.

ઝાડને ઓથે સંતાઈ રહેલી કોઈ વ્યક્તિ અદ્દભુત ચપળતાથી અદૃશ્ય થઈ ગઈ. પેલી સ્ત્રી તો ફરી નહિ આવી હોય ? એ વિચારે મારું હાસ્ય અટકી ગયું.