લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો

વિકિસ્રોતમાંથી
← પાંચ સવાલના જવાબ બીરબલ અને બાદશાહ
અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો
પી. પી. કુન્તનપુરી
શહાણાઓની પરીક્ષા →


વારતા એકસો નવીમી
-૦:૦-
અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો
-૦:૦-
વખત વિચારી જે વદે, પામે સદા સન્માન;
દહે શોક દુઃખ દરિદ્રતા, રહે નેક રસ વાન.

એક વખતે અકબરે ચોરને ફાંસીએ લટકાવવાનો હુકમ કીધો. તેથી તે શાણો ચોર જરા પણ હીંમત ન હારતાં બંને હાથ જોડીને કહ્યું કે, 'હજુર ! આ એક વખતનો મારો અપરાધ માફ કરો. જો આપ આ વખતે મને છોડી બક્ષશો તો, હું એક અજાયબી ભરેલો હુન્નર આપ આગળ પ્રકાશ કરીશ. તે હુન્નર આજ દીન સુધી મારા વગર હાલમાં કોઈ પણ જાણતું નથી. જો મારો નાશ કરવામાં આવશે તો તેની સાથે હુન્નરનો પણ નાશ થશે. પછી જેવી સરકારની ઈચ્છા.'

ચતુર ચોરનું આ વાક્ય સાંભળતાંજ આતુરતાથી શાહે પુછ્યું કે, 'જે કોઈ જાણે નહીં એવો તો તું કેવો હુન્નર જાણે છે તે તો જરા જણાવ ?' ચોરે કહ્યું કે, 'સરકાર ! હું સાચા મોતી ઉગાડી જાણું છું!' ચોરની આવી અજાયબ જેવી વાત સાંભળી શાહ આશ્ચર્યતા પામીને મનમાં વીચાર કરવા લાગ્યો, કે 'મોતી તે વળી કેવે પ્રકારે ઉગતાં હશે ? શું તે મંત્ર તંત્રથી કે સાધુની સીદ્ધાઈથી કે વનની જડીબુટ્ટીઓથી અનાજની પેઠે ઉગતા હશે ? જગતના પિતાએ આ જગતમાં એક એકથી અધીક બુદ્ધિશાળી, એક એકથી વધારે કળાવાન અને ઇલ્મી માણસોને ઉત્પન્ન કરેલાં છે, વળી કપાળે કપાળે પણ જુદી જુદી મતી હોય છે, જેમ કુવાનાં પાણીઓ જુદા જુદા ગુણવાળાં હોય છે. દેશો દેશના આચાર વીચાર પણ જુદા જુદા હોય છે અને જણ જણના મુખની વાણી પણ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ આ ચોરમાં ઈલમ કાં ન હોય ? હોવોજ જોઈએ ! અકલ અંધારે વેંહેચાયલી છે. જો સોનું વિષ્ટામાં પડ્યું હોય તોપણ તેને લેવા કહ્યું છે.' આવો વીચાર કરીને શાહે ચોરને કહ્યું કે, ' તે મોતી કેવા પ્રકારે ઉગે છે તેતું જો બરોબર બતાવીશ તો તારા હકમાં મોટો લાભ થશે.'

આ સાંભળી તે ચોરે કહ્યું કે,'ગરીબ પરવર ! મને જે જે તે બાબતમાં મસાલા જોઈએ તે પુરા પાડવાનો બંદોબસ્ત કરી આપશો એટલે તરત આપને મોતી ઉગાડવાની કળા બતાવી દઉં.' ચોરે ઉતારી આપેલા મસાલા પ્રમાણે મસાલો મંગાવીને શાહે ચોરની આગળ મુક્યો. જે લઈને તે ચોર બહાર ગયો. અને એક સ્વચ્છ ભુમી શોધી જેમ ખેડુત અનાજની વાવણી કરવા માટે પ્રથમ ખેતરને ખેડે છે તેમ આ ચોરે તે સ્વચ્છ ભુમી ને ખેડીને તેમાં મસાલો વેરી દીધો. અને પછી શાહ આગળ આવીને શાહને કહ્યું કે, 'કીબલે આલમ ! બધું બરાબર કરી ચુક્યો છું. હવે માત્ર મોતી વાવી દેવા એટલું જ કામ બાકી રહ્યું છે, પરંતુ હું ચોર છું તેથી મારે હાથે વાવીશ તો ઉગશે નહીં, કેમકે જેણે કોઈ દીવસ ચોરી ન કરી હોય તે માણસના હાથથી વાવે તોજ ઉગે. માટે જેણે ચોરી ન કરી હોય તેવો માણસ આપવાની મહેરબાની કરશો.

આ પ્રમાણે ચોરનું બોલવું સાંભળીને પોતાની હજુરમાં ઉભેલા અમીર ઉમરાવોને શાહે પુછ્યું કે, 'આ ચોર કહે છે જેણે કોઈ વખત કોઈ પણ પ્રકારની ચોરી ન કરી હોય તેવા માણસના હાથથીજ મોતી ઉગે. માટે તમે એ કામથી પવીત્ર છો, જેથી ગમે તે એક જણ એની સાથે જાઓ.' શાહના આ વચન સાંભળીને અમીર ઉમરાવોના હોશકોશ ઉડી ગયા. અને અમીર ઉમરાવો મનમાં વીચારવા લાગ્યા કે, કદાચ બાળપણમાં કંઈક લાલચને માટે ચોરી કીધેલી પણ હોય તેની શી ખાત્રી ! અને કદાચ હામ ભીડી પવીત્ર બની મોતી વાવવા ગયા અને મોતી ન ઉગ્યા ત્યારે આ ચોર શું કહેશે ? આ પણ મારા જેવો ચોર છે તેથી મોતી ઉગ્યા નહીં ? ત્યારે આપણીએ શી દશા થશે ? હાથે કરીને શા માટે હજારો માણસની વચમાં પોતાનું ડહાપણ ડોળી પોતાની વીના કારણે ફજેતી કરાવવી જોઈએ ? માટે નહીં બોલવામાં નવ ગુણ છે. આમ વીચારીને તેઓએ કંઈ પણ જવાબ દીધા વગર છાના માના બેસી રહ્યા. આ બનાવ જોઈ તે ચતુર ચોરે કહ્યું કે,'સરકાર ! તમારી દરબારમાં મારા જેવા ચોરોજ છે ? શાહુકાર હોય એમ તો જરા પણ જણાતું નથી. તો જ્યારે આટલા બધા ચોરોને આપે પોતાના માનીતા ગણીને મહોટી મહોટી જાગીરો બક્ષી છે. અને મહોટા મહોટા ઓદ્ધાઓ આપેલા છે ત્યારે મારા જેવા અલ્પ ચોરને અલ્પ ચોરી કરવા માટે શું શુળીની શીક્ષા ? કારણકે આપ જેવા અદલના શાહના અમલમાં નીષ્પક્ષપાતપણે અદલ ઈન્સાફ મળે છે તો પછી મને શા માટે અદલ ઈનસાફ ન મળવો જોઈએ ? અને જો હું શીક્ષાને પાત્ર છું તો સધળા ચોરોને શીક્ષા તેજ પ્રમાણે થવીજ જોઈએ. નહી તો અદલ ઈનસાફ મળે છે એ શબ્દ ઉપર હરતાલ લગાડી રદ કરવો ઘટે છે.'

ચોરનું આવું યુક્તીદાર બોલવું સાંભળી શાહ ખુબ પ્રસન્ન થયા અને તેનો અપરાધ માફ કરી યોગ્ય ઈનામ આપી તેને રવાના કીધો.

-૦-