બીરબલ અને બાદશાહ/ચોરની છત્રીશ કળા
← કંકણ અને કેસની ગણત્રી | બીરબલ અને બાદશાહ ચોરની છત્રીશ કળા પી. પી. કુન્તનપુરી |
સબસે બડી ચુપ → |
ચોરી ચાહન થાય છે, જ્યારે ચોર ઝલાય,
એક સમે શહેરની બહાર આવેલા મનોહર બાગમાં દરબાર ભરી બાદશાહ બેઠો હતો, અને બીરબલ ન્યાય રચનાઓની યુક્તીઓની મસલત ચલાવતો હતો, એટલામાં એક સોદાગરે આવી અરજ કરી કે, પરવર દીગાર ? હું માળવા દેશનો રહીશ છું, અને વેપાર માટે બંગાળમાં ગયો હતો. ત્યાંના સાહુકાર પાસે એક સુંદર રાજહંસ પક્ષી મારા જોવામાં આવ્યું અને તેની સુંદરતા તથા અકલની ખુબી જોઇ મારૂં મન લલચાયું કે આ પક્ષી ધણીને મનગમતા નાણા આપી ખરીદી લઇ આપને ભેટ કરવી. એવી ઇચ્છાથી તેને એક હજાર સોના મહોરો આપી તે રાજહંસને સ્વાધીન કરી આપ હજુર પાસે આવવા નીકળ્યો. પરંતુ મનની ઉમેદ મનમાંજ રહી ! મારા નોકરોમાંથી કોઇ અધમે તેને મારી નાંખી ભક્ષણ કરી ગયો ! તેથી મને ઘણો સંતાપ થયો છે, તેને કોણે મારી નાખ્યો ? તે માટેની મેં ઘણી તપાસ ચલાવવા છતાં પણ કશો પતો લાગો નહીં. તેજ હેતુ માટે આપ હજુર અરજ કરૂં છું કે તે પક્ષીને મારનાર માણસને પકડી આપવાનો યત્ન ચલાવશો ?' આ ઉપરથી બીરબલે બહુ બારીકીથી સોદાગરના નોકરની તપાસ ચલાવી પણ કશો પતો ન લાગવાથી સોદાગર ઉદાસ થઇને બીરબલને કહેવા લાગો કે, આવા અદલ રાજના સ્વચ્છ અમલમાં પણ જ્યારે ગુન્હો કરનારનો પતો ન લાગો તેથી ખાત્રી થાય છે કે અંહીયાં પણ ન્યાય શાસ્ત્રીની મોટી ખોટ જણાય છે ? સોદાગરના આવા શબ્દો સાંભળી બીરબલે તરત તેના નોકરોને બોલાવી પોતાની સામે ઉભા રાખ્યા અને થોડી વાર સુધી એક નજરથી જોઈ રહી બીરબલે આશ્ચર્યતાની સાથે કહ્યું કે, 'આહા ! પક્ષી મારી ભક્ષ કરનારની કેટલી બધી ધીરજ છે ? પક્ષી તો મારીને ખાઇ ગયો તે તો ઠીક છે, પરંતુ પક્ષીનાં પીછાં પણ પાઘડીમાં ઘાલી દરબાર સન્મુખ આવી ઉભો છે છતાં પોતાનો અપરાધ કબુલ કરતો નથી એ શું થોડી અજાયબની વાત છે ? બીરબલનું આવી પ્રકારનું બોલવું સાંભળતાંજ પક્ષી ખાઇ જનાર તરત ગભરાઈ ગયો, અને ચોરના પગ કાચા, તે પ્રમાણે બાવરો બની કોઇ ન જાણી શકે તેમ પોતાની પાઘડી ઉપર હાથ ફેરવી પીછું તપાસવા લાગો. આ તેની કરણી કોઇના ધ્યાનમાં નહોતી, પણ બીરબલે તો દરેક નોકરોના ઉપર પોતાની બારીક નજર રાખી શું ચમત્કાર બને છે તે જોયા કરતો હતો. જેવો તે ચોર વારંવાર પોતાની પાઘડી પર હાથ ફેરવતો હતો તેવોજ બીરબલે તે ચોરનો હાથ પકડી ચાબકાનો માર મરાવી અપરાધ કબુલ કરાવ્યો. કહ્યું છે કે બુધે જાર બાજરી, બુધે નાર પાંસરી, બુધે ડોબું દોવા દે, અને બુધે છોકરૂં છાનું રહે. એ વાતની ખાત્રી મેળવી અને કચેરી સમક્ષ ગુન્હેગારે તે પક્ષી માર્યા વીશેનાં કારણો તથા મુદ્દા રજુ કીધા. આ પ્રમાણે અજબ ચતુરાઇથી ચોરને પકડીઓ તે કારણથી બીરબલની દેશ પ્રદેશમાં અધીક કીરતી પસરી.
સાર - બુદ્ધીવંત પુરૂષની ખુબીના ખેલનો ચીતાર આ વાત ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે.