બીરબલ અને બાદશાહ/સબસે બડી ચુપ

વિકિસ્રોતમાંથી
←  ચોરની છત્રીશ કળા બીરબલ અને બાદશાહ
સબસે બડી ચુપ
પી. પી. કુન્તનપુરી
મહાન પુરુષની માન્યતા →



વારતા ઈઠાવીસમી.
-૦:૦-
સબસે બડી ચુપ.
-૦:૦-

બુધ જન વીબુધને વશ કરી, પાર પમાડે કામ,

નરવરની શી વીસાદ ત્યાં, જ્યાં જગ બને ગુલામ.

એક દીવસે શાહે બીરબલને પુછ્યું કે, 'એક શીયાણા પુરૂષને જોવાની ઊમેદ રાખું છું. માટે તે શોધી લાવી મારી ઊમેદ પુરી કરો. તે સાંભળી બીરબલે કહ્યું કે, નામવર ! તેમ કરવા આપનો તાબેદાર નોકર તૈયાર છે. પણ શીયાણાની શોધ માટે દશ હજાર રૂપીઆનો ખરચ થશે. આ સાંભળી શાહે તરત બીરબલને ઘેર રૂપીઆ મોકલી આપવાનો ખજાનચીને હુકમ આપ્યો.

દશ હજાર રૂપીઆ મળ્યા પછી બીરબલ તરત શીયાણાની શોધ કરવા લાગો. શોધતાં શોધતાં બજારમાં ગયો, ત્યાં તેને એક ચંચળ અને ચાલાક માણસની ભેટ થઇ. બીરબલે તેને કહ્યું કે,- જેમ હું કહું તેમ કરવાને જો તમે કબુલ થાઓતો મારે કાંઇ થોડું તમારૂં કામ છે, જો કામ પાર પડશે તો તમને પાંચશો રૂપીઆ આપીશ.' બીરબલનું વાક્ય સાંભળીને તેણે મન સાથે વીચાર કીધો કે, 'એક પંથ ને દો કાજ થશે. માટે બંને તરફથી થનારો ફાયદો સમજી તેણે તે વાત કબુલ કરી. તેનો આવો વીચાર જાણી બીરબલે તેને કહ્યું કે, હું તમોને શાહની હજુર લઇ જવાનો છું પણ ત્યાં ગમે તેટલી વાતો તમોને શાહ પુછે તો પણ તેનો ઉત્તર આપવો નહીં' આવો ઠરાવ કરી બંને જણ કચેરીમાં ગયા અને બાદશાહને નમન કરી કહ્યું કે, 'સીરતાજ ? આપના હુકમ મુજબ શીયાણા માણસને શોધી લાવ્યો છું.' બાદશાહે તેને માન આપી, પોતાની પાસે બેસાડી, તે શહાણાને બાદશાહે પુછ્યું કે, 'તમે ક્યાંથી આવ્યા ? તમે જાતે કેવા છો ? તમે કયા નામથી ઓળખાઓ છો ? દુનીઆની શી ખબર અંતરો છે ?' વગેરે ઘણાક સવાલો પુછ્યા, તોપણ તેણે કંઇ ઉત્તર આપ્યો નહી તેથી શાહ ગુસ્સે થઇ બીરબલની સામે જોઇને કહ્યું કે, 'મુર્ખ સાથે સમાગમ થયો તો હવે શું કરવું ?' બીરબલે ધીરજથી કહ્યું કે, નામદાર ચુપ થઇ રહેવું ?' આવું બીરબલનું મર્મવાળું વાક્ય સાંભળી અર્થાત મુર્ખનો મેળાપ દૈવયોગે થાય તો કશું પણ ન બોલતાં ચુપ - મૌન થઇ રહેવું તેથીજ શાહણો ચુપ થઇ બેસી રહ્યો છે, એટલે શાહ મુર્ખ અને ચુપ રહેનાર શહાણો એમ ઠરાવ્યું. એથી શાહ મનમાં લજીત બની બીરબલના શાનપણની યુક્તીની રચના નીરખી શાહે કહ્યું કે, 'મારી પાસે પણ કેવા નર રત્નો છે !' એવા રંગ તરંગમાં ગર્વાનંદ બન્યો. રંગછે એવા ગુણગ્રાહી રાજાને ?


-૦-