બીરબલ અને બાદશાહ/પોતાની માને કોણ ડાકણ કહેશે ?
← પાણી અને અગ્નિ | બીરબલ અને બાદશાહ પોતાની માને કોણ ડાકણ કહેશે ? પી. પી. કુન્તનપુરી |
ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય ? → |
એક સમે શાહ અને બીરબલ રાતના નગર ચર્ચા જોવા નીકળ્યા. ફરતાં ફરતાં શાહે કહ્યું કે, 'બીરબલ ! તમારા હીંદુ લોકો કરતાં અમારી મુસલમાનની જાત સંપીલી સમજુ અને શહાણી હોય છે. એમ હું કેટલાક કારણો ઉપરથી કહી શકું છું.'
બીરબલ--સરકાર ! આ જગતમાં એવો કયો માણસ હશે કે પોતાની માને ડાકણ કહેવા તત્પર થશે ? હું કહું છું કે કોઇ નહીં ? તેમ આ માણસાઇ જગતમાં કોઇ પણ એવો માણસ હશે કે પોતાની ભુલ અને પારકી અછત કબુલ કરશે ? કદી નહી ? ખરી રીતે વીચાર કરી જોશો તો હીંદુ સમાન શહાણી સમજુ અને સંપીલી જાત એકે નથી, જોકે આપે તેનો જાતે અનુભવ મેળવ્યો નથી તેથી આપ એમ કહી શકો છો ? પણ તેનો અનુભવ જ્યારે તમને થશે ત્યારે તમે કબુલ કરશો કે હીંદુ વગર કોઇ શહાણી પ્રજા નથી.
આમ વાતો કરતાં કરતાં બંને જણ જરા આગળ ચાલ્યાં એટલામાં એક વાણીઆણી મળી તેને જોઇ બીરબલે મશ્કરી કરી અને તેના સાડલાનો જરા છેડો ખેંચ્યો. આ મહોલ્લો વાણીઆનો હતો તેથી ત્યાં જતા આવતા વાણીઆઓએ આ બનાવ નજરોનજર જોયો છતાં પણ વાણીઆ કાંઇ પણ ન બોલતાં તે બાઇને કહેવા લાગા કે, 'બેન ! કાંઇ નહીં. હશે. જે થયું. પણ સારા માબાપની છોકરીનું એ કામ છે કે કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર દાંતમાં છેડો ઘાલી ઘેર જવું. હલકું માણસ હોય તે પોતાની જાત બતાવ્યા વગર રહે નહીં.' એટલું કહી તેઓ ચાલતા થયા.
શાહ--બીરબલ ! જો કેવી બાયલી જાત છે ? પોતાની જાતની સ્ત્રીની મશ્કરી કરનારને જોવા છતાં તને કાંઇ પણ શીક્ષા પત્રી ન કરતાં ગુપચુપ ચાલી ગયા. ખરેખર બીકણ ઝેર વેર વગરના બીલકુલ બાયલા છે,' આ પ્રમાણે વાતો કરતાં જાય છે એટલામાં તરકવાડો આવ્યો ત્યાંથી નાજુક બદન નખરાવાળી બીબી બની ઠનીને જતાં હતાં તેને જોઇને બીરબલે તેની મશ્કરી કરીને આંખ મારતાજ બીબીનો મીજાજ ગયો અને ગાળોનો વરસાદ વરસાવા લાગી. બીબીએ મચાવી મુકેલા ધમશાણથી આસપાસ રહેતા મુસલમાનો મારો મારો સાલેકું ! આવી બુમો મારતા આવતા દીઠા જોઇ બીરબલ નહાસી જઇ પોશાક બદલી તે જગાએ પાછો આવી મુસલમાનોને પુછવા લાગ્યો કે, 'શું છે ખાં સાહેબ !' મીયા કહેવા લાગો કે, 'અરે સાહબ ! કોઇ બદમાસ ઇન બીચારી ઓરતકી ઇજતપર હુમલા કર ભાગ ગયા ! જો શાલા હાથ આતા તો માર મારકે ખીમા બના દેતેથે !' આ જોઇ શાહ અને બીરબલે ચુપચાપ ચાલતી પકડી. વાટે ચાલતા શાહે બીરબલને કહ્યું કે, 'કેમ બીરબલ ! તેં જોયું ? મુસલમાનની જાત કેવી સંપીલી છે ? પોતાની જાતની સ્ત્રીની ઠઠા કરનારનો કીનો લેવા હાથમાં લાકડી અને તરવારો લઇને કેવા દોડી આવ્યા !'
બીરબલ--કીબલે આલીમ ! હું તમને પહેલાજ કહી ચુકો છું કે,માણસ માત્રને પોતાની ભુલ પોતે જોઇ શકતો નથી,જેમ તમારી જાતના વખાણ કરો છો તેમ તેની સાથે તેની મુર્ખાઇને પણ ધીકારતા જાઓ, આપ હીંદુઓને તદન હીચકારા અને કુસંપી કહેતા હતા. પણ તેઓ વખત વીચારીને વર્તનારાં છે, જો તેઓએ ડહાપણ વાપર્યા વગર મુસલમાનોની પેઠે ધાંધલ મચાવી હજારો લોકોને ભેગા કર્યા હોતતો કોની આબરૂ જાત ! જેમ બીબીએ હાથે કરી પોતાની ફજેતી કરાવીને હલકાઇ કરાવી તેમ વાણીઆણીએ ન કરાવતા પોતાની આબરૂનું રક્ષણ કરયું છે. આબરૂ ગુમાવી બહાદુરી બતાવનારને બહાદુર કોણ કહેશે ? નીતી રીતીનો ત્યાગ કરી બધાઓ એકઠાઓ થઇ બીજા ઉપર હુમલો લઇ જનારાઓને શું ન્યાયદર્શક પુરૂષો કદી પણ વખાણશે ? આપજ વીચાર કરીને કહો કે વાણીઆ ડાહ્યા કે મીયાંભાઇ ડાહ્યા ?
શાહ--બીરબલ ! આ દાખલા ઉપરથી એમ સીદ્ધાત થાય છે કે, હીંદુ કોમ ઘણી ડહાપણવાલી અને વીચારવંત છે એમાં તો જરાએ શક નથી ? અને તરકની બુદ્ધી પોતાને હાથે પોતાનું માથું કપાવે તેવી છે. તેઓ સારાસારનો વીચાર કરનાર નથી પણ કેવલ મુર્ખ છે. આ ઉપરથી મારી ખાત્રી થઇ છે કે વાણીઆ બુદ્ધી અને તરક બુદ્ધી વચ્ચે આસમાન જમીન જેટલો તફાવત છે. આમ વાતો કરતાં બંને જણ પોત પોતાને ઠેકાણે ગયા.