બીરબલ અને બાદશાહ/ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય ?

વિકિસ્રોતમાંથી
← પોતાની માને કોણ ડાકણ કહેશે ? બીરબલ અને બાદશાહ
ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય ?
પી. પી. કુન્તનપુરી
કીર્તિને કાળ ન ખાય  →


વારતા એકસો ત્રીસમી
-૦:૦-
ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય ?
-૦:૦-

એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! ભલાઈ કરતાં ભુંડાઇ કેમ પ્રાપ્ત થાય ?'

બીરબલ--હજુર ! આ માટેની ખાત્રી કરી આપવામાં તો આપણા મુલ્લાં દોપ્યાજ ખુબ ચાલાક છે !

બીરબલના આ શબ્દો સાંભળતાંજ શાહે તરત મુલ્લા દોપ્યાજને બોલાવી લાવવા સીપાઇને મોકલ્યો. હુકમ થયેલોજ સીપાઇ તરત મુલ્લાંને ઘેર જઇ બોલાવી લાવ્યો. મુલ્લાંને આવેલો જોઇ તેને શાહે પુછ્યું કે, 'મુલ્લાજી ! તે કામ કયું હશે કે ભલાઈ કરતાં ભુંડાઇ થાય ?'

મુલ્લાં-- તે કામ હું સારી પેઠે જાણું છું પણ શરમને લીધે મારાથી કાંઇ કહી શકાતું નથી. છતાં લાચારીથી કહું છું કે જે વખતે આપનો સીપાઇ મને તેડવા આવ્યો તે વખતે હું જમવા બેસવાની તૈયારીમાં હતો. પણ શું કરૂં ? લાચાર ! હુકમને શીર સમાન ગણી આવવુંજ જોઇએ ? એમ ધારીને પકવાનોથી પીરસેલા થાળને પડતો મુકીને આપની સમીપ હાજર થયો છું, પણ શું કરૂં કે ભુખને લીધે શક્તી ઘટી જવાથી આપના સવાલનો જવાબ આપી શકતો નથી.

શાહ--જ્યારે શક્તી નહોતી તો અહીંઆં સુધી તમે શી રીતે આવી શક્યા ?

મુલ્લાં--હું તો માણસ છું પણ જનાવર ભુખે પણ બે ચાર કદમ ચાલી શકે છે, પણ બોલી શકતું નથી.

મુલ્લાંનું આવું બોલવું સાંભળી શાહે તરત ઉત્તમ પ્રકારના ભોજનનો થાલ લાવવાને રસોઇઆને હુકમ કીધો, હુકમ મુજબ રસોઇઓ ભોજનનો થાળ ભરી કચેરીમાં લાવી મુલ્લાં આગળ મુક્યો. મુલ્લાંએ તરત તે થાલને હાથમાં ઉપાડી બહાર ચાલવા લાગ્યો. આ જોઇ શાહે તેને કહ્યું કે, " મુલ્લાંજી ! અહીંઆ બેસીનેજ જમો. ' હુકમ મુજબ તે ત્યાંજ બેસીને જમ્યો. મુલ્લાંને મસ્ત બનેલો જોઇને શાહે પુછ્યું કે, ' કહો હવે તે કામ કયું કે ભલાઈ કરતાં ભુંડાઇ પ્રાપ્ત થાય ?'

મુલ્લાં--હજુર ! બતાવી તો દીધું ! શાહ--હું તો તેમાં કાંઇ સમજી શક્યો નથી કે, તમે શું બતાવ્યું ?

મુલ્લાં--શાહે આલી ! આ વખતે આપે મને ઉત્તમ પ્રકારનું ભોજન જમાડ્યું. પણ બરાબર જમાયું નહીં તેથી ઉલટું મારૂં લોહી બળી ગયું જેથી મને મહા હાની થઇ.

શાહ--એનું કારણ ?

મુલ્લા--તમે મને ભર દરબારમાંજ બેસી જમવાની ફરજ પાડી માટે શરમમાં ને શરમમાં પુરૂં ખવાયું નહીં.

મુલ્લાંનું આ પ્રમાણેનું બોલવું સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-