બીરબલ અને બાદશાહ/રામ રાખે તેને કોણ ચાખે ?
← નીમકહરામ કોણ ? | બીરબલ અને બાદશાહ રામ રાખે તેને કોણ ચાખે ? પી. પી. કુન્તનપુરી |
ખરા અને ખોટા વચે કેટલો અંતર છે → |
રાજા જોગી અગ્ની જળ, ઉનકી ઉલટી રીત;
ડરતા રહીઓ ફરસરામ થોડી પાળો પ્રીત.
એક સમે બીરબલ પોતાના ઘરના ઓટલા ઊપર જમીને બેઠો હતો તેવામાં એક બાદશાહનો હજુરી નોકર દોડતો દોડતો જતો હતો તે જોઇને બીરબલે તેને પુછ્યું કે, 'આટલો બધો દોડીને ક્યાં જવા માગે છે?' નોકરે કહ્યું કે, 'સરકારે મને બશેર કળી ચુનો લાવવા કહ્યું છે માટે તે લઇને જલદી જવું જોઇએ.' તે સાંભળી બીરબલ વીચારમાં પડ્યો કે, અત્યારે શાહને બશેર કળી ચુનાની શી જરૂર પડી હશે ? આમાં કાંઇક પણ ભેદ હોવો જોઇએ ? એમ માની નોકરને ફરી પુછ્યું કે ચુનો શું કરવા જોઇએ છે ? તે સાંભળી નોકરે કહ્યું કે, 'સાહેબ ! તેની ગરીબ નોકરને શું ખબર ? બાદશાહ સાહેબ જ્યારે જમીને ઉઠ્યા અને પાન બીડી આપી તે ખાધા પછી હુકમ કીધો કે જા, બસેર કળી ચુનો જલ્દી લઇ આવ. તેનું બોલવું સાંભળી બીરબલે નોકરને કહ્યું કે, 'આજે તારા સોએ વરસ પુરાં થઇ ગયાં ! એજ બશેર ચુનો જબરાઇથી તને ખવરાવી દેશે અને તેથી તું મરી જઇશ, જે તે પાન બીડું નામદારને આપ્યું તેમાં ચુનો વધારે પડ્યો હશે તેથી તેમના મુખમાં બળતરા ઊઠી છાલા પડેલા હોવાજ જોઇએ. તે બદલ આ શિક્ષા ઠરાવી છે, માટે તું એ ઉપાય કરકે એક શેર ચુનો અને એક શેર માખણ એકત્ર કરી બાદશાહ પાસે લઇ જા. અને તે ચુનો તને ખવરાવશે તો કાંઇ થશે નહીં.' બાદ તે નોકરે બીરબલ ના કહેવા પ્રમાણે કરી અને ચુનો લઇ શાહ હજુર ગયો. તરત શાહે તે ચુનો તેને ખવરાવ્યો. શાહને ખાત્રી જ હતી કે થોડી જ વારમાં આ નોકર મરી જશે. પરંતુ બીજે દીવસે તે નોકર તો વખતસર હાજર થયો તે જોઇ બાદશાહને ઘણી અજાયબી લાગી અને વીચાર કરવા લાગ્યો કે, 'મારો વીચાર નીષ્ફળ ગયો, મુઓ નહીં, એતો ઠીક, પણ તેને ઇજા પણ કશી થઇ જણાતી નથી. પરંતુ તેને ગમે તે પ્રકારે સ્વધામ પોંહોચાડી દેવો તો ખરોજ ?' એમ વીચારી ચુનાવાલાને બોલાવીને કહ્યું કે, 'સવારમાં પ્રથમ જે માણસ તારે ત્યાં આવે તેને ભઠીમાં નાંખી બાળી નાખજે.' બીજે દીવસે સવારમાં તે નોકરને બાદશાહે હુકમ કીધો કે, 'જા દરબારી ચુનાવાળાને ત્યાંથી પાંચસેર ચુનો લઇ આવ.' હુકમ સાંભળતાંને વાર તે ચુનાવાલાને ત્યાં જવા નીકળ્યો. આયુષ બળને લીધે તેને બીરબલની ભેટ થઇ અને બાદશાહનો ફરમાવેલો હુકમ તેમને કહી સંભળાવ્યો. તે ઉપરથી બીરબલ સમજી ગયો કે, આને બાદશાહે ચુનો ખવરાવ્યો, પરંતુ એને કશી ઇજા થઇ નહીં તેથી એના પ્રાણનો નાશ કરવા હજી ધારે છે. એજ માટે આને ચુનાવાલાને ત્યાં મોકલવા ફરમાવ્યું છે, તે સબબ સમજી બીરબલને તેથી દયા ઉપજી તેથી કહ્યું કે, 'તું પંદર વીસ મીનીટ અહીંયાં ઊભો રહે, પછી ચુનાવાલા પાસે જઇ ચુનો લાવી બાદશાહ પાસે જજે.'
અહીંઆ બાદશાહે નોકરને ચુનાવાળાને ત્યાં મોકલ્યા, પછી થોડી વેળા થયા બાદ એક બીજા નોકરને પ્રથમ મોકલેલા નોકરની શી વલે થઈ છે ? તેની ખબર કહાડવા મોકલ્યો. તે સીધો ચુનાવાલાને ત્યાં જઇ પહોંચ્યો. જે ચાકર જવાનો હતો તે તો બીરબલની પાસે રોકાયો અને પછી ગયેલો ત્યાં પ્રથમ જઇ પહોંચ્યો, તેથી સંકેત પ્રમાણે ચુનારે તેને ઉઠાવી ભઠીમાં નાંખી બાળી નાખ્યો, કારણ કે તે ચુનારાને એવો સંકેત બતાવ્યો હતો કે, 'જે સવારના પહોરમાં પ્રથમ નોકર તારે ત્યાં આવે તેને ભઠીમાં નાંખી બાળી નાખજે.'
અહા ! જેને રામ રાખે તેને કોણ ચાખે ? એ વાકયના પ્રતિતી આપવા દાખલો બસ છે ? હવે જે પ્રથમ ચુનારાને ઘેર જવા નીકળ્યો હતો તે નોકર બીરબલ પાસેથી અડધા કલાક પછી ચુનારાને ઘેર ગયો અને ચુનો લઇ બાદશાહ સમક્ષ જઇ ચુનો આગળ મુક્યો. તે જોઇ શાહને અત્યંત અજાયબી લાગી કે, 'અરે ! આ શી રીતે જીવતો પાછો આવ્યો !' આવો ચમત્કાર જોઇને ચાકરને પુછ્યું કે, 'તું જે વખતે ચુનો લેવા ગયો તે વખતે તને રસ્તામાં કોણે રોક્યો હતો ?' ચાકરે કહ્યું કે, 'સરકાર ! બીરબલજી પોતાના ઘરના ઓટલાપર બેઠા હતા તેમણે મને પોતાની પાસે બોલાવીને પુછ્યું કે સરકાર હમણાં ક્યાં બીરાજે છે ? તેના જવાબમાં મેં કહ્યું કે ચાહ પીવા બીરાજ્યા છે ? એમ કહી ચુનો લેવા ગયો અને આપનો હુકમ બજાવી આવ્યો.' ચાકરની આ હકીકત સાંભળી શાહને ખાત્રી થઇ કે, 'આ ચાકરને બીરબલની સ્હાયતા છે તેને સ્હાયતા ન હોતતો ક્યારનો જમપુરીમાં પહોંચી ગયો હોત ? ખેર ! એના નસીબ ! માટે હું જેટલી માથાકુટ કરીશ તેટલી ફોકટ જશે ? કેમકે જેની વારે બીરબલ છે તેને કોઇ કાંઇ કરી શકનાર નથી.' આવો આવો વીચાર કરી શાહે ચાકરને મોતમાંથી બચાવી જીવનદાન આપ્યું. અને બીરબલની અકલના વખાણ કરવા લાગો.
સાર - ઇસારા ઊપરથી વાતનું ખરૂં સ્વરૂપ જાણી, મહોટાઓના સપટામાં પોતાને અથવા બીજાને યુક્તીથી બચાવવાને બુદ્ધીની કેટલી બધી જરૂર છે. તેનો ખ્યાલ આ વારતા પરથી કરી લેવો. કોઇ પણ માણસ કોઇ વખતે ભુલથી સાણસામાં સપડાઇ ગયો હોય તો તેને તેમાંથી બચાવી લેવો એજ મહોટા માણેસોનો ધર્મ છે. નાત જાતનો કાંઇ પણ તફાવત રાખવા વગર સઘળાની ઉપર દયા ભાવ રાખનાર માણસજ, જગતના લોકોની પ્રીતી સંપાદન કરી શકે છે.