મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હુનૈન ઈબ્ને ઈસ્હાક

વિકિસ્રોતમાંથી
← અલી બિન ઈસા મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
હુનૈન ઈબ્ને ઈસ્હાક
સઈદ શેખ


હુનૈન ઇબ્ને ઈસ્હાક (ઇ.સ. ૮૦૮)

અબૂ ઝૈદ હુનૈન ઈબ્ને ઈસ્હાક અલ ઈબાદીનો જન્મ ખ્રિસ્તી કુટુંબમાં ઈ.સ. ૮૦૮માં હીરા (ઇરાક)માં થયો હતો. એના પૂર્વજો સીરીયાના નેસ્ટોરીયન ખ્રિસ્તી હતા પરંતુ હુનૈને ઈસ્લામ સ્વીકારી લીધો હતો.

તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે હુનૈન એ સમયના પ્રસિદ્ધ તબીબ યોહાના ઈબ્ને મુસાવીયહ (ઈ. સ. ૮૫૭)ના વર્ગોમાં જતો પરંતુ વધારે પ્રશ્નો પૂછવાની ટેવના કારણે ગુરૂએ એને વર્ગમાંથી ભગાડી મૂક્યો અને એ વખતે ચલણી સિક્કાનો લે-વેચનો ધંધો પૂરજોશમાં હતો એ ધંધો કરવાની સલાહ પણ ગુરૂએ આપી. વિશ્વના સદ્દભાગ્યે એણે એ સલાહ માની નહીં અને પોતે જ પોતાની રીતે અભ્યાસ કરવા લાગ્યો.

તબીબ, ફિલસૂફ અને અનુવાદક હુનૈન ખલીફા અલ મુતવકીલના સમયગાળામાં થઈ ગયો. ખલીફાએ જ્યારે હુનૈનની ભાષાઓ અને વિજ્ઞાનની પરિચિતતાનું જ્ઞાન થયું ત્યારે એણે ખલીફા મામૂને શરૂ કરેલ 'જ્ઞાનગૃહ'માં અનુવાદકોના વડા તરીકે નિયુક્તી કરી દીધી. અહીં હુનૈનના હાથ નીચે એનો પુત્ર ઇસ્હાક અને બીજા ઘણા પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો અનુવાદ તરીકે ફરજ બજાવતા હતા.

ખલીફા મામૂને અનુવાદનની મહાન પ્રવૃત્તિ શરૂ કરી એનો મુખ્ય હેતુ ગ્રીક ક્લાસીક ગ્રંથોને અરબીમાં અનુવાદ કરી જ્ઞાનની વહેંચણી કરવાનો હતો. આ પ્રોજેક્ટ હેઠળ જ હુનૈને ગ્રીક ક્લાસીકલ ગ્રંથોનો સીરીયાક અને અરેબિક ભાષાઓમાં અનુવાદ કર્યો. એ પોતે તો અનુવાદ કરતો જ હતો પરંતુ એના સાથીદારોએ કરેલા અનુવાદોને તપાસી એમાં સુધારા વધારા પણ કરતો. હુનૈનના પુત્ર ઈશ્હાકની સીરીયાક ભાષામાં વધારે પકડ હતી, તેથી એ ઘણા ગ્રંથોનો સીરીયાક ભાષામાં અનુવાદ કરતો એના ઉપરથી હુનૈન અરબી ભાષામાં અનુવાદ કરતો. જીવનના અંતિમ સમયમાં જ્યારે એ ગેલનના તબીબીશાસ્ત્રના ગ્રંથ (ફી અજની અલ તિબ્બ) ગ્રીકમાંથી અરબીમાં અનુવાદ કરી રહ્યો હતો ત્યારે એનું અવસાન થતા આ કાર્ય એના પુત્ર ઇસ્હાકે પૂર્ણ કર્યું હતું. હુનૈન ઈબ્ને ઈસ્હાકે અનુવાદ ઉપરાંત પોતાના મૌલિક ગ્રંથોની રચના પણ કરી હતી. એણે રચેલા ગ્રંથોમાં 'ફી અવજા અલ માઈદહ' (પેટના રોગો વિશે) અલ મસાઈલ ફી તિબ્બ લીલ મુતઆલ્લીઝીન (તબીબી શાસ્ત્રના પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે) નેત્ર વિજ્ઞાનમાં અલ અશર મકાલાત ફીલ ઐનમાં તબીબીશાસ્ત્રમાં વિશેષરૂપે આંખની બનાવટ એના રોગો વગેરે વિશે થીયરી અને પ્રેક્ટીકલ બંને ચર્ચાઓ કરી હતી. નેત્રવિજ્ઞાનમાં આ મહત્તવનું ગ્રંથ ગણાય છે.

હુનૈન અને એના સાથીઓ દ્વારા કરવામાં આવેલ અનુવાદને કારણે મધ્યયુગમાં અરબી ગણિત, વિજ્ઞાન અને તબીબી શાસ્ત્રમાં ભારે પ્રગતિ થઈ. અરબી ભાષામાંથી યુરોપની લેટીન અને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થવાને લીધે જગતે પુનઃજાગૃતિ કાળમાં વિજ્ઞાન ક્ષેત્રે ઐતિહાસિક પ્રગતિ કરી. ઘણા અરબી ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો પણ ખલીફા મામૂન, હુનૈન ઈબ્ને ઈશ્હાક અને એના સાથીદારોનું ઋણ માનતા હતા. આ અનુવાદોને લીધે પણ એમને ઘણી સરળતા થઈ હતી. વિશ્વ પણ હુનૈન અને એના સાથીદારોનું સદા ઋણી રહેશે.