રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૪ થો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અંક છઠ્ઠો: પ્રવેશ ૩ રાઈનો પર્વત
અંક છઠ્ઠો: પ્રવેશ ૪
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૫ →


પ્રવેશ ૪ થો

સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

[વીણાવતી આસને બેઠેલી પ્રવેશ કરે છે. લેખા બારણા પાછળ સંતાઈને ઊભી છે.]

વીણાવતી : (સ્વાગત) આ અવનવો અનુભવ કઈ ઇન્દ્રિયનો છે?

દેખું તેજ કાંઈ, પણ, ના રૂપરંગ,
ચાખું સ્વાદ કાંઈ, પણ ન રસનરંગ;
સૂંઘું ગંધ કાંઈ, પણ ન ઘ્રાણગ્રાહ્ય,
સૂણું શબ્દ કાંઈ, પણ ન શ્રોત્રશ્રાવ્ય. ૮૩

અડકું વસ્તુ કાંઈ, પણ ન તે ત્વચામાં,
વસું દેશ કાંઈ, પણ ન તે ધરામાં;
દિસે અંકુર નહિં, ફૂટતું કાંઈ લાગે,
દેહમાંથિ ભાગ કાંઈ આત્મ માગે. ૮૪

શું જગતના ભ્રમણનું કેન્દ્ર બદલાયું કે મારા પોતાના ચક્રનું કેન્દ્ર બદલાયું છે?

[લેખા નીકળીને પાસે આવે છે.]
 
લેખા : કુંવારીબા ! તમે આવા વિચાર કરો છો તે મને બીક લાગે છે.
વીણાવતી : કેવા વિચાર ?
લેખા : તમે બોલતાં હતાં તેવા. તમારે માટે મને ચિન્તા થવા માંડી છે, તેથી, મેં બારણાં પાછળ રહીને સાંભળ્યું.
વીણાવતી : મારે માટે શી બાબતને ચિન્તા થવા માંડી છે ?
લેખા : તે દિવસે હોડી ડૂબ્યા પછી પેલા કોઈ પુરુષે તમને પાણીમાંથી કાઢ્યાં ત્યારથી તમે બદલાઈ ગયેલાં છો.
વીણાવતી : મૃત્યુના આંગણામાં જઈને પાછી આવી તે એની એ ક્યાંથી રહું ?
લેખા : એ પુરુષનું તમને કાંઈ સ્મરણ રહ્યું છે ?
વીણાવતી : જેણે જીવિતદાન આપ્યું તેનું વિસ્મરણ શી રીતે થાય?
લેખા : સ્મરણ સાથે કાંઈ લાગણી મિશ્રિત થઈ છે ?
વીણાવતી : થઈ હોય તો શું ?
લેખા : માત્ર ઉપકારની કે તેથી વિશેષ ?
વીણાવતી : વિશેષને એ પાત્ર નથી ?
લેખા : કુંવારીબા ! આ શું કહો છો ? તમારું ચિત્ત એના તરફ આકર્ષાયું તો નથી ?
વીણાવતી : ચિત્તાકર્ષણ એ કાંઈ અનિષ્ટ વસ્તુ છે?
લેખા : તમારા આવા વચનથી હું ગભરાઉં છું. જે શબ્દ તમારી આગળ મેં કદી વાપર્યો નથી તેનો હવે ઉચ્ચાર કરીને પૂછું છું કે તમારા હૃદયમાં પ્રેમનો ઉદ્ભવ થયો છે ?
વીણાવતી : શબ્દનો ઉચ્ચાર દાબી રાખવાથી ભાવનો ઉદ્ભવ કદી દબાઈ રહ્યો છે?
લેખા : હાય ! હાય ! આ તો ગજબ થયો !
વીણાવતી : એમાં ગજબ શાનો ? પ્રેમ એ પુણ્ય અને ઉચ્ચ વસ્તુ નથી?
લેખા : પણ, તમારાથી પ્રેમ ન થાય.
વીણાવતી : મારાથી પ્રેમ ન થાય ? શું જગતની પ્રેમઘટનામાંથી વિધાતા એ મને બાતલ કરી છે?
[લેખા પોતાની આંખમાંથી આંસુ લૂછે છે.]
 
વીણાવતી : લેખા ! એકાએક આ શું ?
લેખા : જગતમાં શું છે તે તમે શું જાણો ? તમે કયે દહાડે આં વાડીમાંથી નીકળીને બહાર જગતમાં ગયાં છો ?
વીણાવતી : પ્રેમની પ્રાપ્તિ સાથે જ જગતનો સમાગમ થયો છે; અને મને સમજાયું છે કે આ વાડીમાં છે તે જગત છે. હું અનુભવું છું તે પ્રેમનો પ્રવાહ બધે વ્યાપી રહ્યો છે; તે છતાં તું શા માટે કહે છે કે મારે એકલી આ પ્રવાહથી અલગ રહેવું?
લેખા : અરે દેવ ! કહેવાનું આખરે મારે માથે આવ્યું ! હું કહું છું, પણ તમે પહેલાં આં કટારી ઊંચી મૂકવા દો.

[ખીંટીએ લટકતી કટારી લઈને પેટીમાં મૂકે છે. પેટીને તાળું વાસીને કૂંચી પોતાની કેડે ખોસે છે.]'

વીણાવતી : લેખા ! તને આં શું થયું છે ? આવું આવું વિચિત્ર શું કરે છે ? આં કટારી કેમ પેટીમાં મૂકી ?
લેખા : તમે પ્રેમનું નામ દઈ રહ્યાં છો, ને પ્રેમીઓ ઉતાવળાં હોય છે. હું કહું તેની નિરાશામાં આકળાં થઈ તમે કાંઈ સાહસ કરી બેસો એ બીકે મેં આં કટારી મૂકી દીધી.
વીણાવતી : નિરાશા આવશે ત્યારે એક નિસાસાનો આઘાત બસ નહિ થાય કે કટારીના આઘાત ની જરૂર પડશે?
લેખા : તમને પ્રેમના પુસ્તકો કડી વાંચવા આપ્યાં જ નથી, તોયે તમે એવાં પુસ્તકોમાં લખ્યું છે તેવું જ બોલો છો ! હમણાં કહ્યું તેવો જ દુહો મેં વાંચ્યો છે.
વીણાવતી : કેવો દુહો ?
લેખા :

‘कोई कटारी कर मरे, कोई मरे विख खाय;
प्रीति ऐसी कीजिये, ‘हाय !’ करे जीअ जाय। ૮૫ [૧]

વીણાવતી : પણ એવું વસમું છે શું તે તો કહે.
લેખા : તમે મારી પાસે આવીને ભોંયે બેસો.
[બન્ને જમીન પર બેસે છે.]
 
લેખા : તમને તમારાં માતા જોયેલાં સાંભરે છે ?
વીણાવતી : બિલકુલ નહિ. હું નાની હઈશ.
લેખા : ત્યારે તો એમના છેવટનાં મંદવાડનું ક્યાંથી સંભારણ હોય?
વીણાવતી : નહિ જ.
લેખા : એમને જ્યારે એમ સમજાવ્યું કે આ મંદવાડથી નહિ ઉઠાય ત્યારે એમને તમારે માટે બહુ ચિન્તા થઈ, તમારું લગ્ન જોવાનો દિવસ આવશે. એનો એમને ભરોસો ન રહ્યો. તેથી એમણે મહારાજાને આગ્રહ કર્યો કે હું જીવું છું ત્યાં સુધીમાં વીણાવતીને પરણાવી દો.
વીણાવતી : કેવું નવાઈ જેવું ! હું તો છેક બાળક હઈશ !
લેખા : એકની એક પુત્રીના લગ્નનો લહાવો લેવાનો. તેથી તમારી આટલી નાની ઉંમર છતાં છૂટકો નહોતો.
વીણાવતી : પછી ?
લેખા : પછી મહારાજે તમારાથી સહેજ મોટી ઉમરના એક રાજકુમાર શોધી કાઢ્યા. તે જાતે તો અહીં આવ્યા નહિ, પણ, તેમનું ખાંડું આવ્યું, તેની સાથે તમારું લગ્ન કર્યું.
વીણાવતી : કોણે કર્યું ?
લેખા : તમારા પિતાએ.
વીણાવતી : કેવું હસવા જેવું !
લેખા : એ તો રૂઢિ છે, પણ હવે વિકટ વાત આવે છે. બાપુ ! તમે મારી નજીક આવો (વીણાવતીને સોડમાં લે છે.) મારી જીભ ઊપડતી નથી, પણ કહ્યા વિના હવે છૂટકો નથી. એ લગ્ન પછી આઠ દિવસે એ રાજકુમાર તાવમાં સપડાઈને દેવલોક પામ્યા.
[આંસુ ઢાળે છે.]
 
વીણાવતી : કેવું સંકટ ! એના માતાપિતા બિચારાં બહુ દુઃખી થયાં હશે !
લેખા : એનાં માતાપિતાની કેમ વાત કરો છો ? એ માઠી ખબર આવતાં જ રાણી રૂપવતીએ પ્રાણ છોડ્યા.
વીણાવતી : મારી માતા બહુ કોમલ હૃદયની હશે. બીજાના દુઃખથી એને કેવો સખત આઘાત થયો !
લેખા : બીજાનું દુઃખ અને પોતાનું નહિ ?
વીણાવતી : પોતાનું ?
લેખા : પોતાની એકની એક પુત્રીનો ભવ બગાડયો, એના જેવું બીજું શું દુઃખ હોય?
વીણાવતી : મારો ભાવ બગાડયો ? મેં શું કર્યું કે મારો ભવ બગાડ્યો ?
લેખા : બાપુ ! તમે દુનિયાથી છેક આજ્ઞાન છો. એ રાજકુમારના
મૃત્યુથી તમે વિધવા થયાં, એ તમે હજી સમજ્યાં નથી?
વીણાવતી : હું વિધવા થઈ ? શી વાત કરે છે ? હું ક્યારે પરણી છું?
લેખા : તમને પરણાવ્યાં એટલે તમે પરણ્યાં જ ગણાઓ.
વીણાવતી : એ લગ્ન તો ફક્ત મારા માતાપિતાના લહાવાનું અને ગમ્મતનું હતું.
લેખા : અને , તોયે તે તમારું ખરું લગ્ન જ કહેવાય.
વીણાવતી : ખરું લગ્ન તો પ્રેમનું હોય છે !
લેખા : એ જ માટે કહું છું કે તમારાથી હવે પ્રેમ ન થાય. સ્ત્રીનો પ્રેમ એક જ પુરુષ માટે હોવો જોઈએ.
વીણાવતી : પણ, મેં ક્યારે પ્રથમ બીજા કોઈ પુરુષ માટે પ્રેમ કર્યો છે?
લેખા : તમારું લગ્ન થયું એટલે તમે પ્રેમ કર્યો જ કહેવાય. વિધવાથી પ્રેમ થતો હોય તો વિધવાથી લગ્ન ના થાય ? વિધવાના લગ્નની આપણાં શાસ્ત્રોમાં ના કહી છે.
વીણાવતી : શા માટે ના કહી છે ?
લેખા : વિધવા લગ્ન કરે તો પ્રેમની ભાવના ખંડિત થાય.
વીણાવતી : જેના પર મારો પ્રેમ છે તેની સાથે હું લગ્ન કરું તો પ્રેમની ભાવના પુષ્ટ થાય કે ખંડિત થાય ?
લેખા : પ્રેમનું સ્વરૂપ તો શુદ્ધ છે.
વીણાવતી : મારા પ્રેમમાં કાંઈ અશુદ્ધતા છે ?
લેખા : આ સ્થિતિ ન આવે તે માટે મહારાજે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા ?
વીણાવતી : મહારાજે શા પ્રયત્ન કરેલા ?
લેખા : આ માઠો બનાવ બન્યો તે વખતે એ વાત કોઈએ કહી નહિ, અને કહે તો તે વખતે તમે સમજો શું ? પછી મહારાજે આજ્ઞા કરી કે તમારી મોટી ઉમ્મર થાય ત્યાં સુધી તમને આ વાત કોઈએ કહેવી જ નહિ. વસતિમાં એવી ગુપ્ત વાત રાખવી કઠણ, તેથી
મહારાજે તમને નગર બહારના આ એકાન્ત મહેલમાં મારી સંભાળ નીચે મૂક્યાં. પછી, મહારાજે ફરી લગ્ન કર્યું, અને વૈધવ્ય સહન કરવામાં તમને કંઇ કઠણપણું ન લાગે માટે મહારાજે આજ્ઞા કરી કે તમારા સંસ્કાર જ એવા કરવા કે વૈધવ્યની વાત જાણવાની વેળા આવે ત્યારે સંસારના વિષયોમાં તમારું ચિત્ત જઈ શકે જ નહિ. તમારા ચિત્ત આગળ પ્રેમનો વિચાર સરખો પણ આવે નહિ, એવી રીતે તમને કેળવણી આપવાની મને આજ્ઞા કરી. કોઈ પણ પુરુષ કે સ્ત્રી તમને મળે નહિ એવો બંદોબસ્ત કર્યો. અને, વધારે જાપતા માટે તથા લોકોનું કુતૂહલ અટકાવવા માટે તમારા મરણની ખબર ફેલાવી. અહીં જે થોડા નોકરો છે તે પણ તમે કોણ છો તે જાણતા નથી, અને અહીંથી બહાર જવાની તમને આજ્ઞા નથી.
વીણાવતી : આટલાં આટલાં રોકાણ અને દબાણ છતાં જે પ્રેમ સ્ફુરયો તેને હવે કયા બળથી પાછો કાઢવો ધાર્યો છે?
લેખા : પ્રેમનો પ્રતિબંધ ના થઈ શકે, તો પણ લગ્નનો પ્રતિબંધ થઈ શકે છે.
વીણાવતી : પ્રેમ અને લગ્નનો વિયોગ કરવો ઇષ્ટ છે? અને , લગ્ન તે લગ્ન કરવાની ઇચ્છાનો વિષય નથી ?
લેખા : મહારાજ કદી એમ બનવા દેશે નહિ.
વીણાવતી : લેખાં ! હવે તું કાંઈ વૃત્તાંત ગુપ્ત રાખી શકે એમ નથી. મહારાજા વિદેહ થયા છે, અને હવે મારું ભવિષ્ય મારે જ ઘડવાનું છે.
લેખા : ખરે ! અહીં કોઈનો પણ સંચાર થયો છે ?
વીણાવતી : પ્રેમે જેને માટે આ વાડીના બંધ દ્વાર તોડ્યાં છે તેનો જ પગસંચાર થયો છે. લેખા ! તું ગભરાઈશ નહિ. હવે બધી જવાબદારી મારે માથે છે.
લેખા : પણ, એવા અજાણ્યા પુરુષને મળવું યોગ્ય છે?
વીણાવતી : જેને હ્રદયે જાણ્યો તે અજાણ્યો કેમ કહેવાય ?
લેખા : હ્રદયે જાણ્યો તે તો ઠીક, પણ એ કોણ છે તેની ખબર નહિ કાઢો ?
વીણાવતી : હું તને સર્વ કહીશ, અને તેના ગુણ તું સાંભળીશ ત્યારે તું પણ તેને જોવા ઉત્કંઠીત થઈશ. હવે હું તારાથી ગુપ્ત રીતે એને નહિ મળું. એ આવશે ત્યારે તને જોડેના ખંડમાં રાખીશ, પણ અત્યારે તો આપણે બન્ને અસ્વસ્થતા ભૂલી જવા સારું વાડીમાં જઈ ફૂલ વીણીએ.
[ બન્ને જાય છે.]