લખાણ પર જાઓ

રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૨ જો

વિકિસ્રોતમાંથી
←  અંક ત્રીજો: પ્રવેશ ૧ રાઈનો પર્વત
અંક ત્રીજો: પ્રવેશ ૨
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ત્રીજો: પ્રવેશ ૩ →


પ્રવેશ ૨ જો

સ્થળ : કનકપુરનોપ મોહોલ્લો

[બદલેલે વેશે રાઈ પ્રવેશ કરે છે.]
 
રાઈ : (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેશે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેશનો જ બનેલો છું, એ વિષે મને શંકા થવા માંડી છે.

પ્રયોગ પૂરો કરિ નાટ્ય અંતે,
સ્વરૂપ સાચું નટ પાછું ધારે;
શું જન્મથી મૃત્યુ સુધી જ મારે,
નવા નવા વેશ સદૈવ લેવા? ૩૪

પરંતુ જનમાનસની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેશ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો ? સેવકને છૂટ હોતી જ નથી.

ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;
ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે
કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી
કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;
કચરાનો વાળનાર, રજગાદી બેસનાર,
બન્ને એવી નિરંતર, સ્વામી કેરી સેવા કરે;
સ્વામીને માટે શ્વાસ લે, સ્વામીને માટે વેશ લે,
સેવામાંહિ વિશ્રાન્તિની ક્ષણે તેને ક્યાંથી મળે? ૩૫

આ દુર્ગેશ પણ ગુપ્ત વેશે આવી પહોંચ્યો.

[દુર્ગેશ ને એક છોકરો બે ઘડા અને કટોરા લઈ પ્રવેશે છે.]
 
રાઈ : આ છોકરો કોણ છે?
દુર્ગેશ : આ મારું વિશ્વાસુ માણસ છે. યોજના એવી કરી છે કે કે આપણે નગરમાં શેરડીનો રસ વેચવા નીકળવું. આ નગરમાં એવો રિવાજ છે કે પહેલી રાત્રે લોકો ઘરને આંગણે બેસી શેરડીનો રસ પીએ છે. આ રીતે રસ પાતાં આપણે લોકો સાથે ભળી શકીશું. આપણે બે રસનો આ અકેકો ઘડો ભરી અને આ છોકરો રસ ભરીને આપવાના કટોરા લેશે.
[એ પ્રમાણે ઘડા અને કટોરા લઈ સર્વે આગળ વધે છે.]
 
રાઈ : સામેથી પેલો બાવો આવે છે તેની પહેલી બહોણી કરીએ.
[બાવો પ્રવેશ કેરે છે.]
 
રાઈ : બાવાજી ! જે સીતારામ !
બાવો : જે સીતારામ બચ્ચા, યે બરતનમેં ક્યા હયે?
રાઈ : શેરડીનો રસ છે. બાવાજી પીશો ?
બાવો : મુફત પિલાયગા તો પીએંગે.
દુર્ગેશ : બાવાજી, મફત પાઈએ તો હમે રોટલા ક્યાંથી ખાઈએ.
બાવો : સારા નગર ઐસા હયે. હમ દાતર ઢૂંઢનેકું આયે તો
લોગ હમારી પાસસે દામ મંગતે હયે. હમ રુદ્રનાથ કે દરસન કે લિયે આયે તો મંદિરકે દ્વાર રાતદિન બંધ હયે. હમ બૂઢે રાજા કો દેખનેકું આયે તો વો જુવાન હો જાતા હયે. ભાઈ, હમ તો હ્યાં નહિ રહેંગે. કનકપુરમેં અલખ જગાના યે નિકમ્મા હયે.
[બાવો જાય છે]
 
રાઈ : બાવાજીને ચાસણીએ કનકપુરમાં સોનું નીકળ્યું નહિ.
દુર્ગેશ : બાવાના ઉદ્ગાર તો લોકવાણી કહેવાય નહિ. વેરાગીથી સંસારની ખરી તુલના થઈ શકતી નથી.
રાઈ : ગાતા ગાતા આ વિચિત્ર વેશે કોણ આવે છે?

[શરીર ઉપર ઠેરઠેર બાંધેલા દર્પણોવાળા અને હાથમાં લીધેલાં દર્પણોમાં મોં જોતા કેટલાક મનુષ્યો ગાતા ગાતા પ્રવેશ કરે છે.]

મનુષ્યો:

(લાવણી)

મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વ્હાણે;
મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;
મુખ દેખ દર્પણે નિત્ય ચાલતાં વાટે;
મુખ દેખ દર્પણે નિત્ય તોળતં હાટે;
મુખ દેખ દર્પણે નિત્ય બોલતં વાણી;
મુખ દેખ દર્પણે નિત્ય સૂણતાં કહાણી;
નિજ રૂપ દર્પણે દેખિ કાર્ય સહુ કરજે;
લઈ ઝાંખિ આપની પ્હેલી અન્ય ભાણિ વળજે. ૩૬

રાઈ : તમે કોણ છો?
એક માણસ : (દર્પણમાં મોં જોઇને) અમે સહુ દર્પણ સંપ્રદાયના છીએ.
રાઈ : એ વળી નવો સંપ્રદાય ! પરંતુ, જે ભૂમિ પર હજારો સંપ્રદાયોના ડુંગર પડેલા છે તે ભૂમિ એક નવા સંપ્રદાયના ભારથી નમી જવાની નથી.

બીજો માણસ : (દર્પણમાં મોં જોઇને) અમારો સંપ્રદાય ભારરૂપ નથી. અમે માણાસોને દર્પણ દેખાડી તેમનો ઉદ્દાર કરીએ છીએ. અને, એ રીતે પૃથ્વીનો ભાર ઓછો કરીએ છીએ.
રાઈ : તમે આ નગરમાં ક્યારથી વસો છો?
પહેલો માણસ : (દર્પણમાં મોં જોઇને) અમે નગરમં હાલમાં જ આવ્યા છીએ. મહારાજ પર્વતરાયને ઘડપણ આવ્યું ત્યારે તેમણે મહેલમાંના બધાં દર્પણ ફોડાવી નંખાવેલા. હવે મહારાજ જુવાન થઇ પ્રગટ થાય ત્યારે દર્પણની પુનઃ સ્થાપના કરવાની તેમને અરજ કરવા આવ્યા છીએ.
રાઈ : મહેલમાં દર્પણો મૂકવાથી શો લાભ થશે?
બીજો માણસ : (દર્પણમાં મોં જોઇને) ઘડપણના બદલામાં જુવાની લીધાથી સત્ત્વ વધ્યું કે ઘટ્યું તેનો મહરાજને ખ્યાલ આવશે અને, મહેલમાંના સર્વજનો પોતાની ઘટતી કદર કરી મહારાજાની ઘટતી કદર કરશે. લો, તમે પણ મુખ જુઓ.
[દર્પણ દેખાડે છે.]
 
દુર્ગેશ : અમે તો શેરડીનો રસ પાઈ નાણાંનું દર્શન કરવા નીકળ્યા છીએ.
બીજો માણસ : (દર્પણમાં મોં જોઇને) અમારો ને તમારો મેળ નહિ ખાય ! ચાલો દર્પણદર્શીઓ !
[સહુ દર્પણમાં જોતા અને ઉપર પ્રમાણે ગાતા ચાલ્યા જાય છે.]
 
દુર્ગેશ : ભટકનારા રહદરીઓનો મેળાપ કર્યો. હવે ચાલો, ઘર આંગણે બેઠેલા પુરવાસીઓનો મેળાપ કરીએ. છોકરા, પોકાર કરવા માંડ.
છોકરો : (હાથમાંના કટોરા ખખડાવી બૂમ પાડે છે.) કોઈ પીઓ ! રસ રસાલ ! મિસરી માલ ! દિલ ખુશાલ !
[સહુ જાય છે]