રાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૩ જો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  અંક ત્રીજો: પ્રવેશ ૨ રાઈનો પર્વત
અંક ત્રીજો: પ્રવેશ ૩
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ત્રીજો: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો
સ્થળ : કનકપુરનો મહેલ્લો. પુરવાસીઓનાં ઘરનાં આંગણાં આગળ.

[રસ્તામાં બેસી કટોરા લઈ રસ પીતાં પુરવાસીઓ, અને તેમની સામે બેઠેલા રાઈ , દુર્ગેશ અને છોકરો, અને પાછલ ઓટલા ઉપર બેઠેલી સ્ત્રીઓ અને બાળકો પ્રવેશ કરે છે.]

પહેલો પુરવાસી : શો લહેજતદાર રસ છે ! જેણે રસ પીને જીભને ગળી ન કરી હોય તેની કાયા કડવી જ રહી !
બીજો પુરવાસી : દુનિયામાં ગળપણ જેવું કાંઈ ગળ્યું નથી.
ત્રીજો પુરવાસી : અને ગળ્યા જેવું કાંઈ સ્વાદિષ્ટ નથી.
ચોથો પુરવાસી : અને સ્વાદિષ્ટ જેવું કાંઈ સુખકારક નથી.
પહેલો પુરવાસી :

રસપાન લરો નવ ઢીલ કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;
રસ છે મધુરો, પણ કોણ કળે? -
કડવો બનશે કદિ કાળબળે? ૩૭

[સહુ કટોરો મોંએ માંડી રસ પીએ છે.]
 
પાંચમો પુરવાસી : જે રસ પીતાં ધરાય તે શું પીએ?
પહેલો પુરવાસી : જે ધરાય તેને રસ પીતાં આવડ્યો નહિ એમ સમજવું.
ત્રીજો પુરવાસી : પર્વતરાય મહારાજે પોતે ધરાઈ જવાથી જુવાની માગી હશે કે ઊણા રહી જવાથી જુવાની માગી હશે?
પાંચમો પુરવાસી : બેમાંથી એકે રીતે જીવતર જીવતાં ન આવડ્યું, એ તો નક્કી.
બીજો પુરવાસી : ઘડપણમાં એમને રસ ભાવ્યો નહિ કે રસ મળ્યો નહિ.

પહેલો પુરવાસી : આ રસ વેચનારને પૂછો કે કોઈ ઘરડા તેના ઘરાક થાય છે?
રાઈ : તમારા સરખા ઘરાક ઘરડા નહિ તો જુવાન ગણાય ?
પહેલો પુરવાસી : શું હું ઘરડો છું ?
રાઈ : તમારામાંથી કોઈ તો ઘરડો હશે!
બીજો પુરવાસી : તું રસ વેચવા આવ્યો છે કે ગાળો દેવા ?
રાઈ : ઘરડા કહેવામાં ગાળ છે?
ત્રીજો પુરવાસી : ત્યારે શું વધામણી છે?
રાઈ : તો પછી પર્વતરાય મહારાજને ઘડપણ ન ગમ્યું, એમાં એને દોષ કેમ દો છો?
પહેલો પુરવાસી : મહારાજને ખરેખરું ઘડપણ આવેલું. અમને શું એમની પેઠે માથે પળિયાં આવ્યાં છે, આંખે મોતિયા આવ્યાં છે, કાને બહેરાશ આવી છે, દાંતે બોખાપણું આવ્યું છે, હાથે ને પગે ધ્રુજારી આવી છે, અને ચામડીએ કરચલી વળી છે? મહારાજને એ બધાં અંગમાં ઘડપણને ઠેકાણે જુવાની આવશે, પણ ઘરડું કાળજું પાછું જુવાન કેમ થશે.
પાંચમો પુરવાસી : ઘરડાં એમને ઘરડાં જાણતા તે ના રહ્યું, અને જુવાન એમની જુવાની કબૂલ નહિ રાખે !
રાઈ : તમને જુવાન રાજા કરતાં ઘરડાં રાજા વધારે ગમે ?
પાંચમો પુરવાસી : અમને તો સારા રાજા ગમે. ઘરડા હોય તો ઘડપણથી લાજવાવા ન જોઈએ, અને જુવાન હોય તો જુવાનીથી છકી જવા ન જોઈએ.
દુર્ગેશ : તમે સહુ એકઠા થઈ ભલભલાને શીખવો એવા ડહાપણ ભરી વાતો કરો છો.
પહેલો પુરવાસી : આવો મજેદાર રસ તમે પાઓ એટલે ડહાપણ આવ્યા વિના રહે ?

ઉતરે રસનો ઘૂંટડો, ઉઘડે અક્કલ તર્ત,
હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ. ૩૮

બીજો પુરવાસી : તમારી સાથેનો છોકરો ચાલાક છે. તમે વાતોમાં રહ્યા, પણ એણે ઓટલા આગળ જઈ બૈરાં અને છોકરાંમાં કટોરા ફેરવવા માંડ્યા !
દુર્ગેશ : અમારી અપૂર્ણતા એ પૂરી કરે છે.
ત્રીજો પુરવાસી : છોકરા ! પેલાં સામેથી નવી કાકી આવે. એમને એક કટોરો પાજે.
[રસ્તે જતું સ્ત્રીમંડળ પ્રવેશ કરે છે]
 
છોકરો : કિયાં ?
ત્રીજો પુરવાસી : પેલાં કાળી ઝીમીમાં 'ઝબૂક વાદળ વીજળી.' [૧]
ચોથો પુરવાસી : એમ પૂછજે ને કે લીલાવતી જેવાં રૂપાળાં છે અને એમને પગલે ઘરડા વરને પરણ્યા છે તે કિયાં ?
છોકરો : બૈરાં માણસને એવાં અઘટિત વેણ મારાથી ન કહેવાય, અને તમારાથીયે ન કહેવાય.
ચોથો પુરવાસી : તું અમને કોણ ટોકનારો ?
છોકરો : માઝા મૂકે તેને ટોકવાનો સહુ કોઈને હક છે. પુરની સ્ત્રીઓની લાજ પુરવાસીઓ નહિ સાચવે તો કોણ સાચવશે?
ત્રીજો પુરવાસી : અમને તું નિર્લજ્જ કહે છે?
છોકરો : તમારીમેળે જ તુલના કરોને. એમ કહે છે કે મહારાજ રત્નદીપનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુન્દરી મધરાતે એકલી રસ્તેથી ચાલી જતી હોય, પણ કોઇ બારીએથી ખૂંચ સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે?
ત્રીજો પુરવાસી : ઝાઝું બોલીશ તો આ લાકડી જોઈ છે ?
[લાકડી ઉગામી]
 
છોકરો : એનો ઉતર મારી પાસે છે.
[કમરેથી કટારી બતાવે છે.]
 
દુર્ગેશ : અરે ! અરે ! કમ્-કમરમાંથી કટરી કાઢવી પડે એવો પ્રસંગ છે?
[છોકરાને હાથ પકડી ખેંચી રાખે છે.]
 
છોકરો : સ્ત્રીના માનની રક્ષા એ નાનોસૂનો પ્રસંગ છે ?

[પુરવાસી પુરુષો અને સ્ત્રીઓ દોડી આવી અને પુરુષો ત્રીજા પુરુવાસીને ઝાલી રાખે છે.]

એક સ્ત્રી : ઘરડા વરની નારની મશ્કરી કરવાને બદલે આ છોકરાની પેઠે બૈરાંની વારે જતાં શીખોને ! એવા પુરુષો ઘણા નીકળે તો કોઈ બાપ પોતાની કન્યા જ ઘરડા વરને નહિ દે.
પાંચમો પુરવાસી : હવે, અત્યારે અમને જંપવા દો ને લડાઈ ટોપલે ઢાંકો. જાઓ સહુ સહુને ઠેકાણે. લડાઈ આગળ ચલાવવી હોય તો સવારે ટોપલો ઉઘાડજો.
[સહુ જાય છે]
 

  1. પૃષ્ઠ ૧૭૭