રાષ્ટ્રિકા/એક સ્મરણ (સ્વ. કેખુશરો ન. કાબરાજી)

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સર ફિરોજશાહ મહેતાનો વિજય રાષ્ટ્રિકા
એક સ્મરણ (સ્વ. કેખુશરો ન. કાબરાજી) [૧]
અરદેશર ખબરદાર
મલબારીના સ્વર્ગસ્થ આત્માને →
ધ્વનિત
*મર્હૂમ મિ. કેખીશરો નવરોજજી કાબરજીના મૃત્યુના પહેલા વાર્ષિક દિવસ (તા. ૨૫-૪-૧૯૦૫)ની ગંભીર યાદમાં.રવિ અસ્ત થયો : નભમાં ઘનઘોર કરી
પછી મેઘ પડ્યો ભૂમિને ભર ભીંજવતો;
નભગોળ ધીમે જ ધીમે પછી શાંત થતો
કંઇ ગંભીરરૂપ ઊભો ઘન દૂર હરી;

નભઉર ભર્યા સહુ તારક ત્યાં ઊતરી,
કરે દૈ નિજ અંતર મેઘ હતો ન હતો,
રવિનો કંઇ દૂર પ્રકાશ બતાવી છતો
નભ પાસ, ફરી સ્મૃતિ દે રવિની મધુરી ! –

તું ય તેમ ગયો : પ્રિય કૈં દુખાગ્રસ્ત થયાં;
બહુ આંસુ પડ્યાં; પછી શાંતિ ધીમે પ્રસરી;
પ્રિય કૈકતણાં પણ આંસુ સુકાઇ ગયાં;

થયું વર્ષ પસાર ! હવે અમ ઉર ફરી
તુજ કાર્યતણી મધુરી સ્મૃતિમાંહ્ય રહ્યાં
સમચિત્ત ગભીર ઠરી : તુજ મ્હેર, હરિ !થયું વર્ષ પસાર ! અહા, વીર કેખુશરો !
કંઇ વર્ષ અનેકશું એક પસાર થયું;
કંઇ વર્ષ હતું ન હતું ત્યમ ચાલી ગયું :
ગયું; - સાથ ગયો વળી શોકતણો ઊભરો.

તું ગયો; સહુ આજ વદે ‘તું જ વીર ખરો’ !
‘અમ પાસ તું હોત અરે, ‘ઘડી કૈંક ચહ્યું;
પણ માત્ર હવે સહુ તેં અહીં કીધું કહ્યું –
ફૂલ તે સહુનો અમ પાસ રહયો ગજરો.

દૂર દિવ્યપ્રકાશ વિષે ઝળકે વીર તું !
અમ આશ અમે એ પ્રકાશ વિષે જડિયે:
અંતર હ્યાં તિમિરે ગૂંચવાય બહૂ;

ભવપર્વત આ તિમિરે ચઢતાં પડિયે; -
કાર તેજ ઉરે ! ઉર – તાર ચઢાવ સહૂ !
વગડાવ સિતાર અમારી રહી શિર તું !

નોંધ

  1. “મિ. કાબરાજી સંગીતના ઉસ્તાદ હતા, તેથી અરજ કીધી છે કે અમારા હૈયાનું સંગીર નબળું અને બેસૂરું થઈ ગયું છે, તેથી એ હૈયાના તારને તું ચઢાવ, અને હંમેશા જેમ તું હરોલમાં રહેતો તેમ હમણાં દૂરથી પણ તું અમારે માથે ઊભો રહે, અને એ અમારી હૈયાની સિતારને તું વગડાવ, અમને હિંમત આપ, અને એમ કરીને અમારી આશા જે દૂરના ‘દિવ્ય પ્રકાશ’માં જડેલી છે તે સફળ કરવા ખરો પંથ દર્શાવ !”
    (મિ. પે. ખ. તરાપોરવાળા કેઆરટી ‘કાબરજી-સ્મૃતિ’માંથી)
-૦-