રાષ્ટ્રિકા/દેવાસુર સંગ્રામ
← થંભી જા રે માત ! | રાષ્ટ્રિકા દેવાસુર સંગ્રામ અરદેશર ખબરદાર |
બ્રીટનને → |
દેવાસુર સંગ્રામ
• ભૈરવી[૧] •
દેવાસુર સંગ્રામ, આ તો દેવાસુર સંગ્રામ !
દેશ કાળ સૌ તૂટી પડ્યા ત્યાં ક્યાં સમરાંગણ નામ ?
આ તો દેવાસુર સંગ્રામ ! -
સમરાંગણ ક્યાં જઈએ શોધી ? છે સમરાંગણ ઉર :
કુરુક્ષેત્ર કે થરમાપિલિથી અધિક વધે શાં શૂર !
રણે એ ખેલે આતમરામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૧
એ જ દાંડી ને એ જ ઊંટડી, ધરાસણા પણ એ જ :
એ જ વડાળા, લાઠીચોક, હા એ જ પરમ ઉરતેજ !
મરણિયાનાં સૌ અમ્મર ધામ !
આ તો દેવાસુર સંગ્રામ ! ૨
રસની રેલ રહે રેલાતી, ત્યાં રેલે રસવીર :
રણનાં કારણ મારણ તારણ, રણ ખેલે રણધીર !
નહીં તે પૂછે રણનું નામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૩
રણધીરાની થાય કસોટી, વીરા ! ઊતરો પાર !
મરીને જીવવાનો છે મોકો, નહિ મારીને માર !
પછી તો છે અવિચળ વિશ્રામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૪
આત્મશૌર્યની ઑર જ લીલા, દિવ્ય દેવનાં નૂર :
છો અંધાર વીંટે રવિને પણ રવિ ભેદે ભરપૂર !
અદલ એ સમરાંગણ અભિરામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૫
- ↑ તા. ૫-૯-૩૦.