લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/બ્રીટનને

વિકિસ્રોતમાંથી
← દેવાસુર સંગ્રામ રાષ્ટ્રિકા
બ્રીટનને
અરદેશર ખબરદાર
વંટોળિયો ને વેરાગણ →
* રાગ માઢ[] *





બ્રીટનને


• રાગ માઢ[]


મારા લાખેણા વીર મરાય,
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ?

નહીં દમદાટી, નહીં તુજ લાઠી,
નહીં તુજ બંદુક તોપ;
આજ કશાં અહીં કામ ન આવે,
વ્યર્થ જળે તુજ કોપ !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૧

લાખોને મોલના વીર આ પડતા
ધગધગતે અંગાર :
લાખોને મોલની સ્વાધીનતાને
આણશે ભારતદ્વાર !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૨

દેહ ને દેહનાં યુદ્ધ નથી આ,
એ તો છે આત્મનાં યુદ્ધ ;
દેહ કચડતાં તો આત્મ કસાયને
થાય અધિક વીર શુદ્ધ :
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૩


અડગ આ આત્મા ભારતકેરો
નહીં આવે તુજ હાથ :
માર ને પીટ કે બંધન કોને ?
આ શી હવામાં બાથ ?
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૪

તારે જ બાર શું થાય નિરંતર
સ્વાધીનતાનાં ગાન ?
ક્યાં ગઈ માનવતા વર તારી ?-
ભરભર લે બલિદાન !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૫

પૂર્વ ને પશ્ચિમના છેડા બે બાંધી
સાંકળિયું આકાશ :
આવ રે, સ્નેહે બંધાઇને પૂરિયે
જગબંધુત્વની આશ !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૬

કાળના ચક્રમાં ફરતાં આકાશે
કોનાં રહ્યાં મહારાજ્ય ?
અદલ ઉઘાડો રે આંખ પ્રભુ તુજ,
સ્નેહ જ છે જગતાજ !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૭


  1. તા. ૬-૧૦-૩૦.
  2. તા. ૬-૧૦-૩૦.