લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/દેવીનું ખપ્પર

વિકિસ્રોતમાંથી
← હરિપુરા મહાસભાએ રાષ્ટ્રિકા
દેવીનું ખપ્પર
અરદેશર ખબરદાર
દેવીનાં નવચેતન →





દેવીનું ખપ્પર

• લાવણી •


ભર ભર મારું ખપ્પર, ભૈયા ! હો ભારતના વાસી !
ઘરઘર ભીખું હરનિશ ફરતી, હું જુગજુગની પ્યાસી :
ખપ્પર ભરો ભરો હો ! —

ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી ;
બાર બાર સૈકાથી ભટકું અરે અરે ઉપવાસી :
ખપ્પર ભરો ભરો હો ! - ૧

અંજલિ નાખે, ખોબો નાખે, માખે કો ભર પ્યાલી :
જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી.
ખપ્પર ભરો ભરો હો ! - ૨

હો ભૈયા ! જુગના જુગ વીત્યા, હવે નહીં એ ચાલે :
નદ ઉલટાવો, સિંધુ ભરાવો -- છલછલ ભરો ઉછાળે !
ખપ્પર ભરો ભરો હો ! - ૩

ગાજવીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી :
એક ઝાપટે નવ ચોમાસું : વીર ! તૃષા ન છીપાતી ;
ખપ્પર ભરો ભરો હો ! - ૪

જ્યોતિ જ્યોતિ ઘરઘર જો સળગ્યો, રોતી રોતી શું માગું ?
શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આઘું !
ખપ્પર ભરો ભરો હો ! - ૫

એક કેસરીની ત્રાડે તો ભરી દીસે વનવસ્તી ;
એક વીરરસની મસ્તીમાં કરુણતણી ક્યાં હસ્તી ?
ખપ્પર ભરો ભરો હો ! - ૬

અધઊઘડ્યાં છે દ્વાર પ્રભાનાં : હો ભૈયા ! ઝટ આવો !
ખપ્પર મારું ભરો વીરત્વે ! પૂર્ણ પ્રભા રેલાવો !
ખપ્પર ભરો ભરો હો ! - ૭