રાષ્ટ્રિકા/પ્રભાતશુક્રને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દેવીનાં નવચેતન રાષ્ટ્રિકા
પ્રભાતશુક્રને
અરદેશર ખબરદાર
દમણગંગા →


પ્રભાતશુક્રને *[૧]


વસંતતિલકા


હે યૌવના ગગનસુંદરી શુક્રતારા !
હો પૂર્વમાં ઝળકતી ઊગતી સુબાળા !
તું બાળકી મુજ સ્વદેશતણી રૂપાળી,
શી સૌમ્ય લોચનથકી રહી છે નિહાળી !

તું શી ઊભી રહી અહીં અતિ પ્રેમ રાખી
આ હિન્દના હૃદય ઉપર ડોક નાખી !
દીસે વિરામ બહુ પામતી તું રસીલી,
આનંદમાંહ્ય ઝગતી અતિ તું છબીલી.

કે એમ શું ચળકતી તુજને સુતાલે
ટીલી સમી નિરખું હિન્દતણે કપાળે ?
કે હિન્દને શિર સુશોભિત એમ થાપી
આ તું ઝગે મુગટ જેવી પૂરી પ્રતાપી ?


આકાશનાં ઊઘડતાં ગૃહદ્વારમાં શી
કો મુગ્ધ સુંદરીશું આવી લળે તું ખાસી !
હા, જાણું કહેણ કંઈ મીઠલડાં તું લાવે,
જે જાગતે ઉર ઉમંગ ભરે પ્રભાવે.

તું તો પ્રભાતતણી દૂતી પવિત્ર શી છે,
આવી પ્રભાકરતણી પધરામણી દે !
આકાશદેવી શરમે થઈ જાય રાતી,
ને તું પછી ખસી જઈ તહીં લુપ્ત થાતી.

ક્યારે પ્રતાપી ત્યમ તે જયભાનુ આવી
જ્યોતિપ્રવાહ મહીં હિંદ દિયે ડુબાવી ?
આકાશશું નવલ ભારત રંગ ધારે, --
દે શુક્ર ! એવી અમને સુવધાઇ ભારે !

થા હિન્દનો સુઘડ તું શણગાર પ્યારો,
દીપાવ શ્રેષ્ઠ મુજ હિન્દતણો કિનારો,
શોભાવ તું નવલ હિન્દધજા ધરાએ,
અંકાવ આબ ખૂબ હિન્દતણું સહાયે !

તારું દરેક સ્મિત પંથ સુહાવશે જો,
તારા કરો નવલ તેજ જમાવશે જો,
તારું અમીઝરણ શીતળ શાંતિ દેશે,
તારાં જ ગૂઢ કવિતો સહુ કાર્ય કહેશે.


કેવી હતી પરમ સુંદર તુજ જેવી,
તે હિન્દ પીડિત દીસે પીત આજ કેવી ?
તું પાછું આપ શુભ નૂર સુહિન્દ ભાલે,
તો દીપતી અસલ જેવી જ હિન્દ મ્હાલે.

હું પ્રાર્થના સતત આ કરું શુદ્ધ ચિત્તે :
થાઓ તમો ઉભયના જયનાદ નિત્યે !
ક્યારે પ્રભુ ! અદ્દલ તે દિનમોજ ચાખું ?-
હું દૂરથી કંઇક આજ ભવિષ્ય ઝાંખું. ૧૦


  1. *ઈ. સ. ૧૯૦૩.